કૉલમ : ટૂથબ્રશને હવે છોડો, હાલો દાતણ કરીએ

18 April, 2019 10:34 AM IST  | 

કૉલમ : ટૂથબ્રશને હવે છોડો, હાલો દાતણ કરીએ

પ્રતીકાત્મક તસવીર

આપણા દેશમાં દાંત સાફ કરવા માટે દાતણ કરવાનો રિવાજ હતો. હતો એટલે કહેવું પડે છે કારણ કે હવે એ મિસિંગ છે. સવારે ઊઠીને દાતણ કર્યા વિના આપણે કંઈ પણ મોંમા નાખતા નથી. દાતણ મુખ્યત્વે બાવળનાં હોય છે. બાવળ, કરંજ, વડ, ધમાસો, કંબોઈ, લીમડો વગેરેનાં દાતણો પણ અવારનવાર વાપરવામાં આવે છે, પરંતુ શહેરોમાં મોટા ભાગે બાવળનાં દાતણો મળે છે માટે એ જ વપરાય છે. પંડિત ભાવમિશ્રે તેમના ભાવપ્રકાશ નામના ગ્રંથમાં બાવળને કફનાશક, ગ્રાહી, કૃમિ અને વિષનાશક તરીકે વર્ણવ્યો છે. બાવળના રેસા મજબૂત હોવાથી, ચાવવાથી તેનો કૂચો સારો બને છે. બાવળમાં મુખ્ય રસ કષાય (તૂરો) છે. કષાય રસ ગ્રાહી હોવાથી દાંતનાં પેઢાંને મજબૂત કરે છે.

ડેન્ટિસ્ટ ડૉ. ખુશ્બૂ શાહે ચરકરચિત ચરકસંહિતા, ભાવમિશ્રરચિત ભાવપ્રકાશ, વાગ્ભટરચિત અષ્ટાંગસંગ્રહ ઉપરાંત વિવિધ જગ્યાએથી મેળવેલી માહિતીના આધારે દાંતની હેલ્થને લઈને કેટલાક મહત્વના મુદ્દાઓ વિશે મિડ-ડે સાથે કરેલી વાતચીત પ્રસ્તુત છે.

દાતણ કરવાની રીત

બાવળના દાતણ કરતાં પહેલાં દાંતણને પથ્થર વડે છૂંદી નાખવું. દાતણના અગ્રભાગને છૂંદવાથી તૂરા રસનું પ્રમાણ ઓછું થાય છે અને ચાવવામાં પણ સુગમતા રહે છે. કઠણ દાતણને ચાવવા દાંતને માટે હિતકારી નથી. વધારે પડતું કઠણ દાતણ ચાવવાથી દાંત સુધરતા નથી, પણ બગડે છે. વધારે પડતું કઠણ દાતણ ચાવવાથી દાંતની ધારો બુઠ્ઠી થઈ જાય છે, અને તે ભાગનું ચૈતન્ય પણ ઓછું થઈ જાય છે. એટલે દાતણને પ્રથમ પથ્થર અથવા લાકડા વડે છૂંદીને તેનો બારીક કૂચો બનાવવો અને તેવા દાંતણને દસ-પંદર મિનિટ સુધી ચાવવું. દાંતણના અગ્રભાગને છૂંદી નાખી કષાય (તૂરા), કરુ અને તિક્ત (કડવા) રસવાળું દાતણ સવાર-સાંજ કરવું. દાંતનાં પેઢાંને ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું.

દાતણની પસંદગી

દાતણ તાજાં હોવાં જોઈએ. વાસી દાતણોમાં જંતુઘ્ન ગુણ અને લાળનો સ્રાવ કરવાનો ગુણ નથી હોતો.

દાતણના અગ્રભાગને છૂંદીને પછી ચાવવો જોઈએ. છૂંદ્યા વિનાનું દાતણ ચાવવાથી દાંતની ધારો બગડે છે અને તે વધુ સેન્સિટિવ (તયક્ષતશશિંદય) બને છે.

દાતણ સડેલાં, ગાંઠોવાળાં, વાંકાંચૂકાં ન હોવાં જોઈએ.

અવારનવાર જુદાં જુદાં દાતણો વાપરવા હિતાવહ છે.

કરંજનાં દાતણ જાણીતાં છે. કરંજ જંતુનાશક, સહેજ તીખી અને કડવી છે. પાયોરિયાવાળાને આના દાતણથી સારો લાભ થાય છે. આકડો જંતુનાશક છે. સાજડ, બિયો અને મધુમાલતી સૂરા રસવાળા છે, જે મોંની દુર્ગંધને દૂર કરે છે. ભાવપ્રકાશમાં જુદાં જુદાં દાતણોના ગુણો વર્ણવેલા છે. દાતણ ચાવવાથી દાંતોને સારી કસરત મળે છે.

દાતણ કોણે ન કરવું?

ગળાના, તાળવાના, હોઠના, જીભના અને મોં આવ્યું હોય તેવા દરદના રોગીએ દાતણ ન કરવું. દમના રોગીએ, ખાંસી, હેડકી અને ઊલટીના દરદીઓએ દાતણ ન કરવું. અતિ દુર્બળ માણસ માટે દાતણનો નિષેધ છે. અર્જીણ હોવા છતાં પણ ખાધું હોય, મૂર્ચ્છાના રોગીએ, મદથી પીડાતા રોગીએ દાતણ ન કરવું. માથાની વેદના, તરસના રોગમાં, થાકેલા માણસે, અડદિયો વા થયો હોય, કાનમાં દુ:ખાવો થતો હોય અને દાંતના રોગવાળાએ દાતણ નહીં કરવું.

દંતમંજન

દાતણ સાથે સારું દંતમંજન વાપરવું હિતકારી છે. દાતણના સરસ ઝીણા કૂચા સાથે દંતમંજનને ઘસવાથી દાંત ઉપર બાજેલી છારી દૂર થાય. દંતમંજન જંતુનો નાશ કરે છે અને મુખમાંથી લાળસ્રાવને વધારે છે જે ખોરાકના પાચન માટે ઉપયોગી છે.

દંતમંજન કેવું હોવું જોઈએ?

દંતમંજન બહુ બારીક ન હોવું જોઈએ. બહુ બારીક દંતમંજન દાંત ઉપર ઘસવાથી દાંત ઉપરની છારીને ઉખેડી શકતું નથી. માટે દંતમંજન સહેજ જાડું, ખરબચડું હોવું જોઈએ. છારીને ઘસે અને દાંતની ઉપરના બારીક પડને નુકસાન ન કરે તેવું હોવું જોઈએ.

દંતમંજન સુગંધી હોવું જોઈએ, જેથી સુવાસથી લાળનો સ્રાવ વધે છે. ખોરાકના પાચન થવામાં મદદ કરે છે.

દંતમંજનમાં જંતુનાશક દ્રવ્યો હોવાં જોઈએ.

દંતમંજન અમ્લ પ્રતિયોગી ગુણવાળું હોવું જોઈએ, જે દાંતની ખટાશને દૂર કરે તેવું હોવું જોઈએ.

કેટલાક વૈદ્યરાજો એમ માને છે કે દાંતના રોગીએ દંતમંજન બારીક રાખવું જોઈએ.

દાતણ ટચલી આંગળી જેટલું જાડું હોવું જોઈએ. ઊલિયું - સોનું, ચાંદી, તાંબુ, કલાઈ, પિત્તળ વગેરેનાં ઊલિયા બનાવવાં, જે અતીક્ષ્ણ અને વાંકાં હોવાં જોઈએ. ઊલિયા વડે જીભને સાફ કરવી.

એક અભિપ્રાય એવો છે કે દાતણ દાંતને ઘસીને પછી ફેંકી દેવું. ઊલ ઉતારવા માટે ઊલિયું ધાતુનું લઈ જીભને સાફ કરવી. ઊલિયું સોનું, ચાંદી, તાંબું, પિત્તળ વગેરેનું બનેલું હોવું જોઈએ. જીભના મૂળ સુધીનો બધોયે મેલ સાફ કરવાથી મોં સુગંધી થશે.

હંમેશાં તાજું દાતણ જ વાપરવું. તાજાં લીલાં દાતણ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દાતણ જ વાપરવું. અવારનવાર દાતણ અને અવારનવાર બ્રશ વાપરવાથી દાંત સારા સાફ રહે છે.

દાતણનું માપ

દાતણ દરેક વ્યક્તિને માટે જુદું જુદુ માપ ધરાવે છે. પોતાની એક વેંત એટલે બાર આંગળ લાંબું હોવું જોઈએ. દાતણની જાડાઈ પોતાની ટચલી આંગળી જેટલી હોવી જોઈએ. દાતણ તાજું હોવું જોઈએ. દાતણના આગલા ભાગને કૂટી તેનો બારીક મૃદુ કૂચો બનાવી, દસ-પંદર મિનિટ સુધી તે ચાવી, સુગંધી દંતમંજન સાથે દાંત બરાબર ઘસી, ઊલ ઉતારી પછી મોં ગરમ પાણીથી ધોવું. આંગળાં ત્રણ-ચાર વખત ગળામાં ઊંડે સુધી ઘાલી ગળામાં રહેલો મળ સાફ કરવો. ગળામાં અથવા જીભના મૂળ પાસેનો મળ બરાબર સાફ નથી થતો એટલે મોંમાંથી દુર્ગંધ આવે છે અને અનેક પ્રકારના રોગો થાય છે.

પાયોરિયામાં ભોંયરીંગણી

પાયોરિયા અતિપ્રાચીન દંતરોગ છે. પેટનો, લોહીનો બગાડ તથા અધિક ગળ્યા પદાર્થો ખાવાથી આ રોગ થાય છે. દાંતમાં સડો, મસૂડાનું ખદબદી જવું. તેમાંથી લોહી પરુ વગેરે નીકળવું. મુખમાંથી દુર્ગંધ આવે તેથી રોગી કોઈ સાથે વાત કરતાં પણ શરમાય છે. ખોરાક ચાવીને ખવાતો નથી. દવાઓ કરવાથી કે રૂટ કેનાલ કરવાથી આમાં કોઈ ખાસ ફેરફાર પડતો નથી. ફરીફરી થયા જ કરે છે. ઉપરાઉપરી દાંત પડાવીને ચોકઠું કરાવવું પડે છે.

આયુર્વેદમાં આ રોગનું વર્ણન અને ચિકિત્સા બન્ને આપ્યાં છે, તેથી વિવિધ દવાઓ અને ઉપક્રમોથી આ રોગ મટી જાય છે. સાધારણ રીતે વૈદ્યો આમાં સુવર્ણ માક્ષિક, ગળો સત્વ, મજીઠનાં પડીકાં, ત્રિફળા ગૂગળ, કૈશોર ગૂગળ અને દાંતે ઇરીમેદાદી તેલની માલિશ કરવાનું જણાવે છે. કેટલાક ત્રિફળા, ગૈરીક, પંચવલ્કલ ક્વાથ અને ફટકડીના કોગળા પણ કરાવે છે. વિરેચન કરાવે છે. તથા દાતણનો પ્રયોગ કરાવે છે. આ સાથે એક ચડિયાતો પ્રયોગ છે ભોંયરીંગણીનાં બીનો ધુમાડો બગડેલા દાંત પર આપવાનો હોય છે. ભોંયરીંગણીનો ધુમાડો યોગ્ય સાધન દ્વારા દાંત પર છોડે છે. મોં કડવું થઈ જશે, પણ પાયોરિયામાં શીઘ્ર લાભ જણાશે. લગભગ એક મહિનો આ પ્રયોગ કરવાથી પાયોરિયા સદંતર મટી જશે. ભોંયરીંગણી કાંટાવાળી થાય છે. જમીન પર હાલ ખૂબ જ જોવા મળશે. તેનાં પક્વ ફળ પીળા કલરનાં કાંટાવાળાં હોય છે. - અતુલકુમાર વ્રજલાલ શાહ

દંતમંજન ઘરે બનાવો

દાતણની સાથે દંતમંજન લેવું, જેનો પાઠ સુશ્રુત મહર્ષિએ સરસ આપ્યો છે, જેમ કે તેજબલન છાલ, સૂંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, એલચી, સિંધવ, કપૂર સરખે વજને લઈ ચૂર્ણ બનાવી દંતમંજન બનાવવું. તલનું તેલ સાથે મેળવીને દાંતે ઘસવું. સુંદર મંજન - પેસ્ટ છે. તેલ ન નાખવું હોય તો પાઉડર પણ ચાલે.

જૈન ધર્મગ્રંથમાં ઉલ્લેખ

જૈન આચાર્ય ભગવંતશ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ. સા. દ્વારા લિખિત શ્રાદ્ધવિધિ પ્રકરણમાં દાતણથી જ ઊલ ઉતારવાની વિધિ બતાવી છે અને ઊલ ઉતાર્યા પછી દાતણની ચીરી સીધી પડે છે, ઊંધી પડે છે કે ઊભી રહીને પછી નીચે પડે છે તેના આધાર ઉપર તે દિવસ કેવો જશે તેનું વિવરણ કરવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે દંતમંજન મધ્યમાં એટલે કે વચલી મોટી આંગળીથી કરવું, જેથી પેઢા સુધી દંતમંજન પહોંચી શકે. મધ્યમાં આંગળીમાં દંતમંજન લઈને પહેલાં ઉપરના ડાબા ભાગમાં છેલ્લી દાઢ ઉપર લગાવવું. ત્યાર બાદ જમણી બાજુની છેલ્લી દાઢ ઉપર લગાવવું તે જ પ્રમાણે ડાબા ભાગની નીચેની છેલ્લી દાઢ ઉપર પછી જમણા ભાગની નીચેની છેલ્લી દાઢ ઉપર લગાડ્યા પછી વચ્ચેના દાંત ઉપર મંજન લગાડવું. સામાન્ય રીતે આપણે વચ્ચેના દાંત પર પહેલાં લગાડીએ છીએ તેથી છેલ્લી દાઢોનો વારો આવે ત્યાં સુધીમાં દંતમંજન ખલાસ થઈ જતું હોય છે તેથી આટલું ઝીણું તેમણે કાંત્યું છે, કેમ કે દાંત સારા રહેશે તો પેટ સારું રહેશે અને પેટ સારું રહેશે તો મન સારું રહેશે અને મન સારું હશે તો જીવન સારું રહેશે તેથી તેમણે દાતણ પકડવાની પણ વિધિ બતાવી છે. અંગૂઠો અને ટચલી આંગળી નીચેના ભાગમાં અને વચ્ચેની ત્રણ આંગળી દાંતના ઉપરના ભાગમાં અને દાંતણના કૂચાને ઉપર-નીચે ઘસવાનું કહ્યું છે.

આ પ્રયોગ ટ્રાય કરવા જેવો છે

આયુર્વેદના આર્યભિષક નામના ગ્રંથમાં પદ્માસન કરીને મોઢામાં તલનું તેલ રાખવાનું વિધાન કરેલું છે. તલના તેલને ભરી રાખવાથી તે પેઢામાં ઓગળીને પાયોરિયા સહિત બધા જ રોગોનો નાશ કરે છે અને ત્યાર બાદ ત્રિફળાના પાણીથી કોગળા કરી દેવાથી દાંતના સર્વ રોગોમાંથી મુક્તિ થાય છે. સ્વદેશી તેલ અને સ્વદેશી દંતમંજન આપણા મોઢાને નીરોગી રાખશે.

દાતણની શરીર પર અસર

(૧) લાળગ્રંથિઓમાંથી લાળના સ્રાવને ઉત્પન્ન કરવા પ્રેરે છે.

(૨) દાતણ ચાવવાથી જડબાંના સ્નાયુઓ મજબૂત બને છે.

(૩) દાતણ ચાવવાથી ઉત્પન્ન થયેલા અંતરસ્રાવી ગ્રંથિઓના સ્રાવો બૅક્ટેરિયાજન્ય રોગોથી રક્ષણ કરે છે.

આ પણ વાંચો : ક્યાં સુધી સહન કરશો આ પીડા?

કઈ રીતે જોખમી નીવડી શકે ટૂથપેસ્ટ?

ટૂથ પેસ્ટ - ટૂથ પેસ્ટમાં રહેલા તેલ, ગ્લિસરીન વગેરે દ્રવ્યો દાંતને સ્નિગ્ધ રાખે છે, દંતમંજનોની માફક દાંતને સાફ નથી કરતી. સ્નિગ્ધ દ્રવ્યો દાંત સાથે ચોંટી રહે છે અને પછી ત્યાં ઉભામણી ક્રિયા (સડવાની ક્રિયા) ઉત્પન્ન થશે. લાંબા સમયના ઉપયોગથી દાંતનાં પેઢાં અને દાંત ઉપરનું પડ (ઇનેમલ) બન્ને નરમ પડે છે. દાંતનાં પેઢાં ફૂલે છે અને તેમાંથી લોહી અને પરુ વહેવા માંડે છે. અને દાંતના રોગો ઉત્પન્ન કરે છે. ટૂથ પેસ્ટ મોઢાના માટે શાપરૂપ છે. જાહેરાતથી આકર્ષાઈ ટૂથ પેસ્ટની જાળમાં ફસાવું એ ભ્રમ છે. વળી ટૂથ પેસ્ટ ઘાતક રોગો ઉત્પન્ન કરી શકે એવી ચેતવણી અમેરિકા જેવા દેશમાં ટૂથ પેસ્ટની બહારના ખોખા પર લખેલી હોય છે. - વૈદ્ય દેવેન્દ્ર જી. દ્વિવેદી

columnists