કહો જોઈએ : તમારા શ્વાસને તમારા વિચારો કે તમારી માનસિકતા સાથે સંબંધ હોઈ શકે કે નહીં?

18 September, 2021 04:18 PM IST  |  Mumbai | Manoj Joshi

ગમે તેવા સ્ટ્રેસફુલ સંજોગો હોય અને શરીરમાં ગમે એવી ઊથલપાથલ મચવી શરૂ થઈ હોય સ્ટ્રેસને કારણે, પણ પાંચેક મિનિટ પૂરતા પણ જો ઊંડા શ્વાસ લો તો તરત જ મનમાં અને મન દ્વારા શરીરમાં આવી રહેલી સ્થિરતાનો અનુભવ થવા માંડશે

પ્રતીકાત્મક તસવીર

સ્ટ્રેસને શ્વાસથી ટેકલ કરવો એ મારી દૃષ્ટિએ સરળતમ રસ્તો છે. આપણા પૂર્વજોએ એટલે જ પ્રાણાયામની પદ્ધતિ આપી. મને યોગમાં પ્રાણાયામ વિશેષ ગમે છે એનું કારણ પણ આ જ છે. એનો સીધો સંબંધ તમારા મન સાથે છે. જુઓને, મેડિકલ સાયન્સમાં પણ ઊંડા શ્વાસ લેવા પર કેટલો ભાર મૂકવામાં આવે છે. ગમે તેવા સ્ટ્રેસફુલ સંજોગો હોય અને શરીરમાં ગમે એવી ઊથલપાથલ મચવી શરૂ થઈ હોય સ્ટ્રેસને કારણે, પણ પાંચેક મિનિટ પૂરતા પણ જો ઊંડા શ્વાસ લો તો તરત જ મનમાં અને મન દ્વારા શરીરમાં આવી રહેલી સ્થિરતાનો અનુભવ થવા માંડશે.

કમાલ છેને કે આપણા યોગીઓ શ્વાસ પાછળના આ વિજ્ઞાનને હજારો વર્ષ પહેલાં સમજી ચૂક્યા હતા અને શ્વાસોશ્વાસની ગતિથી મનને કેળવવાની જાદુઈ પદ્ધતિ તેમણે આપી દીધી. ગઈ કાલે આપણે આનાપાન ધ્યાનની વાત કરી એ પણ ગ્રેટ સ્ટ્રેસ બસ્ટર તરીકે કામ કરે છે. એમાં પણ શ્વાસનો જ સમન્વય છે. એ જ રીતે શ્વાસની બીજી પદ્ધતિ જે એક્સલન્ટ સ્ટ્રેસ બસ્ટર બની શકે તો એ છે પ્રાણાયામ. પ્રાણાયામ ક્રાન્તિ સર્જી શકે છે તમારા જીવનમાં એ હું મારા વ્યક્તિગત અનુભવ પરથી કહી શકું છું. મનને, શરીરને, તમારી ઇમોશનલ હેલ્થને મૅનેજ કરવાનો સરળતમ માર્ગ તમારો શ્વાસ છે અને એમાં તમને પ્રાણાયામથી શ્રેષ્ઠ મદદ બીજી એકેય પદ્ધતિ નહીં કરી શકે.

બીજું કંઈ જ ન આવડતું હોય તો આખા દિવસમાં કમસે કમ વીસથી પચ્ચીસ મિનિટ ઊંડા શ્વાસ લઈ શકાય એવી આદત પાડો. જેમ દિવસમાં ત્રણ વાર જમો છો એમ જ દિવસમાં ત્રણથી પાંચ વખત ૧૫-૧૫ વાર ડીપ બ્રીધિંગ કરી જવું. યાદ રાખીને, શિસ્તપૂર્વક અને જવાબદારી સાથે. શ્વાસને આપણે જ્યાં સુધી એમાં તકલીફ ઊભી ન થાય ત્યાં સુધી જોઈતું મહત્ત્વ આપવાનું ભૂલી ગયા છીએ. શ્વાસ માટે ભવિષ્યમાં તરફડવું ન હોય, ઑક્સિજન સાથેનો કાયમનો ભાઈબંધીનો નાતો બરકરાર રાખવો હોય તો ડીપ બ્રીધિંગ તમારા જીવનનો હિસ્સો હોવો જોઈએ. એ માટે હું બીજી એ પણ સલાહ આપીશ કે ડીપ બ્રીધિંગની સાચી રીત શીખી લેવી. કારણ કે ડીપ બ્રીધિંગ હળવાશ સાથે થવું જોઈએ. ઘણા લોકો ઊંડા શ્વાસ લેવા માટે પણ બિનજરૂરી એટલી ઊર્જા ખર્ચી નાખે છે અને એ પછી પણ એ કરવાની તેમની રીત તો ખોટી જ હોય છે એટલે શ્વસનનો જે લાભ થવો જોઈએ એ નથી થઈ શકતો. સામાન્ય રીતે મારી સમજણ પ્રમાણે તમે શ્વાસ અંદર લો ત્યારે ફેફસાં ફુલાય અને સાથે તમારા પેટનો હિસ્સો પણ સહેજ બહાર આવે અને શ્વાસ બહાર કાઢો ત્યારે પેટ અને ફેફસાં બન્નેમાં સંકુચન થાય. આ રીતે હળવાશથી, ધીમે-ધીમે અને પૂરી એકાગ્રતા સાથે થતો ડીપ બ્રીધિંગનો અભ્યાસ સ્ટ્રેસને તમારી આજુબાજુ ફરકવા પણ નહીં દે. માનસિક સ્વસ્થતા એ જીવનના દરેક તબક્કે પહેલી અને ખૂબ મહત્ત્વની અનિવાર્યતા છે. જેને કેળવવાના પ્રયાસ વધુમાં વધુ થાય અને એ માટે જરૂરી સમય ફાળવાય એ હવે કમ્પલ્સરી બાબત છે અને આ કમ્પલ્સરી બાબતને સાચી રીતે જીવનની સાથે જોડી દેવી પણ ખૂબ જરૂરી છે. જો સારી રીતે અને શ્રેષ્ઠ રીતે જીવવું હોય તો, જો સ્ટ્રેસથી જોજનો દૂરનું અંતર રાખવું હોય તો.`

columnists manoj joshi