બા, તમે સાંભળો છો? (પ્રકરણ ૧)

19 October, 2025 02:04 PM IST  |  Mumbai | Raam Mori

કેમ છો? તબિયત કેમ છે? બાળકોની સ્કૂલનાં હોમવર્ક, પ્રોજેક્ટ, ફી-વધારાની ફરિયાદ, આ વર્ષનું અથાણું, ઘરે બનાવેલી મમરી સરખી તળાતી નથી, આજકાલ કયો મસાલો સારો આવે છે, કામવાળી જતી રહી, સાસુસસરાના પગે વાની તકલીફ, મંગળસૂત્રનો નવો ઘાટ વગેરેની વાતો અમે કરી.

બા, તમે સાંભળો છો? (પ્રકરણ ૧)

‘સાંભળો છો? કૉલ આવી રહ્યો છે કોઈનો. મારો ફોન બેડરૂમમાં ચાર્જિંગમાં મૂકેલો છે, જરા જોઈલોને કે કોનો કૉલ છે.’ નિખિલ ડ્રૉઇંગ રૂમમાં છાપું વાંચી રહ્યા હતા. રવિવાર હતો, ખાસ કોઈ ઉતાવળ નહોતી એટલે હું શાંતિથી રસોડામાં ઉપમા બનાવતી હતી. 
‘સાંભળો છો? નિખિઈઈલ...’ છાપું સંકેલવાનો અવાજ આવ્યો એટલે હું સમજી ગઈ કે એ બેડરૂમમાં કૉલ રિસીવ કરવા ગયા. મેં ગૅસ થોડો ધીમો કર્યો અને નેઇલ-પૉલિશનો થોડોઘણો અછડતો ભાગ ઉખેડવા લાગી. નિખિલ પણ આજે ફ્રી જ હતા. તેમની નવરાશનો લાભ લીધો મેં. રસોડામાં જેટલા પ્લાસ્ટિકના ખાલી ડબ્બાઓ હતા એ બધાને મેં ધોઈને સૂકવી નાખેલા. નિખિલને એ બધા ડબ્બાઓ અને એનાં ઢાંકણાંઓ ફિટ કરવા આપેલા. લગભગ બપોર થવા આવી હતી પણ તેમને એ કામ ન જ ફાવ્યું. ઢાંકણું બીજું અને ડબ્બો પણ બીજો એટલે સરવાળે તે કોરી મહેનત કરતા રહ્યા ક્યાંય સુધી. મને એ બધું જોઈને સખત અકળામણ થાય. પછી મેં જ કહેલું કે ‘જાઓ, જઈને તમારું છાપું વાંચો. છોડો આ બધી માથાકૂટ.’
‘નીતા, રિદ્ધિનો કૉલ છે...’ રિદ્ધિ મારી નાની બહેન. બૅન્ગલોર સાસરિયે. મેં સાડીના પલ્લુથી હાથ સાફ કર્યા અને ગૅસ બંધ કરી ઉપમાની તવી ડિશથી ઢાંકી. ઉતાવળા પગે બેડરૂમમાં પહોંચી. ફોન મેં હાથમાં લીધો. નિખિલ મારી સામે ઊભા હતા.
‘હા રિદ્ધિ... બોલ... મોટી બેન 
બોલું છું.’
‘હેલો મોટી બેન, સાંભળો છો?’
મેં નિખિલની સામે જોયું. તેના ચહેરા પર સ્મિત હતું. અમને ત્રણેય ભાઈ-બહેનને એક એવી ટેવ કે કોઈ પણ વાતની માંડણી કરતાં પહેલાં એકબીજાને ‘સાંભળો છો?’ એવું કહીએ જ. એનું કારણ અમારી બા. બાને બહુ પહેલાંથી કાને ખૂબ ઓછું સંભળાય. બાને બોલાવતાં પહેલાં અમે ત્રણેય ભાઈબહેન ‘સાંભળો છો?’ એવું વારંવાર બોલતાં. અરે, બા પણ પોતે નથી સાંભળતી એટલે આખી દુનિયાને ઓછું સંભળાતું હોય એમ કોઈ સાથે વાત કરે ત્યારે પહેલાં તો જોરજોરથી ‘સાંભળો છો?’ એવું બોલે જ. નિખિલ ઘણી વાર હસતાં-હસતાં મને કહેતા કે તમને ત્રણેય ભાઈ-બહેનને વારસામાં તમારી બાએ ‘સાંભળો છો?’ લખીને આપી દીધું છે.
રિદ્ધિ સાથે વાત કરતાં-કરતાં હું ક્યાંય સુધી ફોન હાથમાં પકડી દીવાલને ટેકો આપી ઊભી રહી. 
કેમ છો? તબિયત કેમ છે? બાળકોની સ્કૂલનાં હોમવર્ક, પ્રોજેક્ટ, ફી-વધારાની ફરિયાદ, આ વર્ષનું અથાણું, ઘરે બનાવેલી મમરી સરખી તળાતી નથી, આજકાલ કયો મસાલો સારો આવે છે, કામવાળી જતી રહી, સાસુસસરાના પગે વાની તકલીફ, મંગળસૂત્રનો નવો ઘાટ વગેરેની વાતો અમે કરી. હું સતત એ કારણ જાણવા મથતી રહી કે રિદ્ધિએ ખરેખર મને કયા કારણથી ફોન કર્યો છે. 
ભાઈભાંડુઓમાં નાનપણથી આપસમાં એક સમજણ સમય સાથે આપોઆપ કેળવાઈ જતી હોય છે; બધા એકબીજા સાથે કયા સંજોગોમાં, કઈ રીતે અને કયાં કારણોથી વાત કરી રહ્યા છે એની. રિદ્ધિના અવાજમાં ‘બસ અમસ્તા જ કૉલ કર્યો છે’ એવો રણકાર નહોતો. હું એ ક્ષણની રાહ જોઈ રહી હતી જ્યારે તે કહેવાની હોય કે... અને તે બોલી,
‘હેલો, મોટી બેન સાંભળો છો? એક અગત્યની વાત કરવી હતી.’ હું બેડ પર બેસી ગઈ. ક્યારનાય ઊભા-ઊભા રાહ જોઈ રહેલા નિખિલ પાછા ડ્રૉઇંગ રૂમમાં જતા રહ્યા હતા.
‘હા બોલ રિદ્ધિ, સાંભળું જ છું.’ બેડરૂમની બારી ભારે પવનના લીધે સળિયાઓ સાથે ભટકાતી હતી. કાનમાં એનો કિચૂક....કિચૂક..ધાડડ..અવાજ સોયની જેમ ભોંકાતો હતો. હું ઊભી થઈ અને બારી બંધ કરવા ગઈ. બારી સરખી બંધ નહોતી થતી. હું મનોમન બબડી કે ‘નિખિલને કેટલી વાર કહ્યું કે સમય કાઢીને મિસ્ત્રીને બોલાવીને જરા...’
અને રિદ્ધિ બોલી,
‘મોટી બેન, ગઈ કાલે રાત્રે જિગરનો ફોન આવ્યો હતો.’ 
જિગર. રિદ્ધિથી પણ બે વર્ષ નાનો. અમારાં ત્રણ ભાઈ-બહેનમાં તે સૌથી નાનો. બહુ હૂંફાળા કહી શકાય એવા મારા અને જિગરના સંબંધો નથી. તે મુંબઈ રહે છે. ત્યાંની કોઈક મોટી કંપનીના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં મૅનેજર છે. દર છસાત મહિને તે નોકરી બદલતો રહે છે. મને એ જ વાતનો સૌથી વધુ ગુસ્સો. આમ તો નાનપણથી જ જિગર મારાથી ખબર નહીં કેમ પણ થોડો ડરેલો રહે છે. જ્યારે મારી સાથે વાત કરતો હોય ત્યારે થોડો અચકાય. મોટા ભાગે તો તે મારી સાથે વાત કરવાનું ટાળે જ. બહુ અગત્યનું કામ હોય અને કહેવું જ પડે એવું હોય તો તે અમારી સાથે વાતચીતમાં રિદ્ધિને માધ્યમ બનાવી વચ્ચે રાખે. આટલાં વર્ષો થયાં પણ બસ અમસ્તા કે કામસર પણ તેનો ફોન ક્યારેય આવતો નથી, સાચું કહું તો મનેય તેના ફોનની રાહ નથી હોતી. બેચાર મહિને રિદ્ધિ સાથે વાત થાય ત્યારે તે જિગરના સમાચાર અનાયાસ મને જણાવતી રહે. એ રીતે તેના વિશે છૂટક-છૂટક વાતો સંભળાતી રહે. જેમ કે જિગરે ફરી નોકરી બદલી, જિગરે નવું ઘર બદલ્યું, લીધું, કાર લીધી, વેચી, નવી લીધી અને આવી જ બધી વાતો વચ્ચે એક દિવસ આવા જ સાદા સરળ સામાન્ય સમાચાર હોય એમ મારા કાને એક વાત ઊડતી-ઊડતી આવેલી કે જિગર મુંબઈમાં કોઈક છોકરી સાથે લગ્ન વિના એક જ ઘરમાં રહે છે. ખૂબ ગુસ્સે થયેલી હું અને ફોન કરીને તેને ઝાટકી કાઢેલો. તે કશું પણ બોલી નહોતો શક્યો. એ પછી છેલ્લે ક્યારે અમારી વાત થયેલી એ મને યાદ નથી. રિદ્ધિ ઘણી વખત તેનો પક્ષ લઈને મને કહેતી કે...
‘મોટી બેન, તે નાનપણથી ઘરની બહાર રહ્યો છે, હૉસ્ટેલમાં જ મોટો થયો છે.’ નિખિલ પણ ક્યારેક જિગરનો પક્ષ લેતા કે ‘નીતા, તું તેને સમજ, તેને બધા માટે બહુ માયા નથી તો એમાં તેનો કોઈ વાંક નથી. સાવ નાનો હતો ત્યારથી તે ઘરથી દૂર હૉસ્ટેલમાં મોટો થયો છે.’ મને આ બધું સાંભળીને ચીડ ચડતી કે કરકસર કરી મોંઘામાં મોંઘી હૉસ્ટેલમાં તેને અમે ભણવા મૂક્યો, અમે બચત કરી-કરીને તેને નિયમિત સમયસર વાપરવા પૈસા મોકલતા રહ્યા એ અમારો વાંક? તેના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને ઘરની બહાર મૂક્યો એ અમારી ભૂલ. હવે તેને અમારા માટે માયા નથી એમાંય અમારો વાંક? નિખિલ મને આવા સમયે સંભાળી લેતા. મારો હાથ પકડીને મને કહેતા, ‘નીતા, મને ખબર છે. આવું કશું થાય ત્યારે તને તારી બાનો વિચાર પહેલાં આવે છે એટલે તું ચિડાઈ જાય છે.’
‘હેલો મોટી બેન... સાંભળો છો?’
‘હા રિદ્ધિ, મૂળ વાત પર આવ હવે.’ બારીના કાટ ખાઈ ગયેલા સળિયાની ખરી રહેલી પોપડીઓ પર મારી આંગળી ફરી રહી હતી. નિખિલને કહેવું પડશે કે ચોમાસું આવે એ પહેલાં આ સળિયા પર જરા કલર કરાવી દે તો...
‘મોટી બેન, જિગરનો ફોન આવેલો. તે કહેતો હતો કે ડાકોર... જ્યાં આપણું મેડીવાળું ઘર છે... એટલે બા જ્યાં રહે છે એ ઘર... જિગર એમ કહેતો હતો કે મંદિરના ટ્રસ્ટનો ફોન આવેલો, આપણા પેલા ગિરધરકાકા નહીં? પેલા જે આપણને મિસરીનો પ્રસાદ આપતા, આપણે જેના ઘરે આંબલી તોડવા જતા...’
‘રિદ્ધિ, શું છે ડાકોરવાળા ઘરનું એ કહે મને.’ સામે લાઇટિંગના થાંભલાના તાર પર કોઈ પક્ષી બેઠું. કદાચ સમડી જ હશે ખબર ન પડી પણ એના બે પગના પંજામાં ઉંદર જેવું જ કંઈક હતું, તરફડતું હતું.
‘હા, એટલે વાત એમ છે કે જિગર એમ કહેતો હતો કે ગિરધરકાકાનો ફોન આવેલો કે ટ્રસ્ટ પાછળની દીવાલ પાડીને મંદિરની જગ્યા મોટી કરવા માગે છે. તો એમાં આપણું મેડીવાળું ઘર વચ્ચે આવે છે. હા, એટલે જિગરે તો ના જ પાડી દીધી પણ ટ્રસ્ટ બેગણો ભાવ આપવા તૈયાર છે. અને પાછું મોટી બેન, આ તો ભગવાનનું કામ છે... ના તો કેમ પાડી શકાય?’
પેલા પક્ષીએ અણીદાર ચાંચ બે પગ વચ્ચે દબાવેલા ઉંદર પર મારી અને ભારે પવનના લીધે બારીનું બારણું સીધું મારી તરફ આવ્યું. મારી આંગળીઓ બારીના સળિયા પર હતી. બારી સીધી સળિયા પર ઠોકાઈ અને મારા મોઢામાંથી કાળી ચીસ નીકળી ગઈ. એક ક્ષણ તો આંખ આડે અંધારાં આવી ગયાં. ડ્રૉઇંગ રૂમમાંથી નિખિલ દોડી આવ્યા. હું આંગળીઓ મોંમાં દબાવી બેડ પર બેસી ગઈ. પળવારમાં શું ઘટના બની હશે એ નિખિલ સમજી ગયા. મેં નિખિલને ઇશારાથી કહ્યું: મારાથી હવે વાત નહીં થઈ શકે, તમે ફોનમાં વાત પતાવો. તે મારો ફોન હાથમાં લઈ ડ્રૉઇંગ રૂમમાં ગયા. હું આંખો બંધ કરી પથારીમાં સૂઈ રહી. આખા શરીરે પરસેવો-પરસેવો. મેં જ્યારે ધીરેથી આંખો ખોલી તો બારી બહાર માત્ર થાંભલાના તાર ઝૂલી રહ્યા હતા. નિખિલ વાત પતાવીને પાછા આવ્યા. ફટાફટ ક્યાંકથી મેડિકલ ક્રીમ લઈ આવ્યા. તે મારી આંગળીઓ પર ક્રીમ લગાવવા લાગ્યા. લોહી મરી ગયું હતું. ચામડી અંદર બેસી ગઈ હતી. નિખિલની આંગળીઓ મારા ઘાવ પર ચાલી એટલે થોડું વધારે દુખ્યું.
‘આઉચ... રહેવા દો નિખિલ.’ 
મને લાગ્યું કે મેં બહુ જ વધારે પડતા ચિડાઈને નિખિલને કહ્યું. હું નીચે નજર રાખીને પગના નખ ખોતરતી હતી.
‘નીતા, એટલું પણ નથી વાગ્યું જેટલું તને દુખે છે.’ મેં નજર નીચે જ રાખી. મને ખાતરી જ હતી કે નિખિલની સામે જોઈશ તો આંખો છલકાઈ ઊઠશે.
‘નીતા..’ તે શું બોલવાના હતા એ મને ખબર જ હતી પણ મારે સાંભળવું નહોતું.
‘રિદ્ધિ એમ કહેતી હતી કે ડાકોરવાળું ઘર કાઢવાનું છે હવે. જિગરને પૈસાની જરૂર છે. રકમ થોડી વધારે મોટી છે, નહીંતર તો આપણે લોકો પણ મદદ કરી શક્યા હોત. તે કહેતી હતી કે પછી બા પણ જિગર સાથે મુંબઈ જ રહેશે. તે કહેતી હતી કે જિગર હવે એકલો છે. પેલી છોકરી સાથે તેને ફાવ્યું નહીં અને બન્ને અલગ થઈ ગયાં છે. તો બા પણ મુંબઈ રહેશે તો જિગરને પણ ઇમોશનલી સપોર્ટ મળી રહેશે. તું સમજે છેને કે હું શું કહું છું? આઇ નો, કે તું કહીશ કે બાને મુંબઈ રહેવું કેમ ફાવશે પણ પછી એ તો ટેવ પડી જશે નીતા. આમ પણ ડાકોરવાળા ઘરમાં હવે ઊધઈ લાગી છે એવું રિદ્ધિ કહેતી હતી.’
મને થયું કે રિદ્ધિ તો છેક બૅન્ગલોર બેઠી છે, તો ત્યાં બેઠાં-બેઠાં તેને કઈ રીતે ખબર પડી કે ડાકોરવાળા ઘરમાં ઊધઈ લાગી છે? છેલ્લે તો તે ત્રણ વર્ષ પહેલાં ડાકોર આવી હતી ને માંડ એક દિવસ રોકાઈને નીકળી ગયેલી. ત્યારે તો ઊધઈ... અને જિગર પેલી કોઈક સાથે લગ્ન વગર રહેતો તે ક્યારે અલગ થઈ ગયો...? આ બધું ક્યારે થઈ ગયું...? નિખિલ મને મારા જ ઘરની મારા જ ભાઈભાંડુઓની વાત કરી રહ્યા છે કે કોઈ બીજાની વાત થાય છે? મને ગૂંગળામણ થવા લાગી.
‘નીતા, રિદ્ધિ અને જિગર ઇચ્છે છે કે બા સાથે તું જ વાત કર. બા તને બહુ માને છે પહેલેથી. એ લોકોને લાગે છે કે બા તારી વાત ટાળશે નહીં કેમ કે બા તને સમજે છે.’
‘... અને બાને કોણ સમજે છે નિખિલ?’ મારી જીભે તુરાશ બાઝી ગઈ અને કપાળની નસ ફૂલવા લાગી. તે કશું બોલવા ગયા પણ મને લાગ્યું જાણે ફરી નિખિલ પેલા પ્લાસ્ટિકનાં ખાલી ડબ્બાઓનાં બદલાયેલાં ઢાંકણાંઓ લઈને ડબ્બાઓને બંધ કરવા મથી રહ્યા છે. મારી અકળામણ વધવા લાગી. મેં તેમના બન્ને હાથ પકડી લીધા. તે પણ જાણે કે સમજી ગયા હોય કે રહેવા દો, છોડી દો, હું જ બંધ કરી દઈશ. હું બેડ પર આડી પડી. તે દરવાજે જઈને ઊભા રહ્યા અને પાછળ ફરીને બોલ્યા,
‘નીતા, બી પ્રૅક્ટિકલ... આજ નહીં તો કાલ, તારી બાને હવે જિગર સાથે રહેવું જ પડશે. હવે તેમની ઉંમર થઈ છે. ન કરે નારાયણ અને કાલે સવારે કદાચ બાને કંઈ થાય... ત્યારે સૌથી વધારે પસ્તાવો પણ તને જ થશે.’
નિખિલ જતા રહ્યા. હું એકદમથી બેડ પર બેઠી થઈ ગઈ. ‘ન કરે નારાયણ અને કાલ સવારે કદાચ... કદાચ શું?’ સામેના ડ્રેસિંગ ગ્લાસના અરીસામાં દેખાતા મારા પ્રતિબિંબને પ્રશ્નો કરવા લાગી. જવાબ ખબર જ હોય એમ માથું ધુણાવી વાળ બાંધીને બબડી,
‘સાચ્ચે જ ઊધઈ લાગી છે, બધ્ધે જ! આ લોકોને ક્યારેય નહીં સમજાવી શકું કે એ મેડીવાળું ધૂળિયું ઘર એ ઘર નથી, બાનું આયખું છે. આખી જિંદગી ઉંબર પર બેસી રહેલી બા આજે જાણે કે ઉંબર થઈ ગઈ બિચારી! બાને શું કહીશ, કઈ રીતે કહીશ કે... બા તમે સાંભળો છો?’ આંખમાં આવેલાં ઝળઝળિયાંને સાડીના પલ્લુથી લૂછીને હું ઊભી થઈ તો બારીના કિચૂક...કિચૂક...ધાડડ... અવાજથી મારું ધ્યાન સળિયા પર કટાઈને બાઝી પડેલી પોપડીઓ પર ગયું. પોપડીઓ પંપાળી નીચે બારી બહાર લાકડાની પટ્ટીઓ પર આંગળીઓ ફેરવી તો લાકડું પોલું લાગ્યું. મને થયું કે ક્યાંક મારા ઘર સુધી ઊધઈ પહોંચી ગઈ કે શું?
સામે ઇલેક્ટ્રિક થાંભલા તરફ નજર કરી તો શક્યતાઓના તાર બે થાંભલાઓ વચ્ચે સહેજ વધારે પડતા ઝૂલતા હોય એવું લાગ્યું.
lll
કાર ડાકોરમાં એન્ટર થઈ. એક આખા વર્ષ પછી આવી છું ડાકોર. બા ક્યારેય ફરિયાદ કરતી નથી, તેના સ્વભાવમાં જ નથી. બા પોતાના ખરબચડા હાથ જ્યારે મારી હથેળી પર મૂકતી ત્યારે મને તેની ઊંડી ઊતરી ગયેલી તગતગતી આંખોમાં એ પ્રશ્ન દેખાતો કે ‘અમદાવાદ જ રહે છે તો ડાકોર ક્યાં બહુ દૂર છે, આવતી-જતી હો તો?’ 
ખબર નહીં પણ અનુકૂળતા ઊભી નથી થતી. ઘરસંસાર અને નોકરીમાં તો એટલી અટવાયેલી રહું છું કે ફુરસદ નથી રહેતી. જ્યારે ફુરસદ મળે છે ત્યારે પાછળની ફરિયાદો બાની આંખોના ખૂણે ચીપડા બનીને ચીપકેલી દેખાયા કરે. મારી પાસે કોઈ જ જવાબ નહીં હોય એ જ વાતથી ગૂંગળાયા કરું છું અને ડાકોર નથી જવાતું. આપણા જીવનમાં કેટલીક પરિસ્થિતિ એવી સર્જાતી હોય છે કે આપણી પાસે એના કોઈ જવાબ નથી હોતા, જવાબ ન મળી શકવાની સ્થિતિ તમારી અંદર અપરાધભાવ ઊભા કરતી રહે છે. પછી ધીમે-ધીમે અપરાધભાવ એટલો વધતો જાય કે તમે આખી ઘટનાથી આપણે દૂર ભાગતા ફરીએ.
 ડાકોર પહોંચી ગઈ. એ જ જૂની શેરીઓ, ભાગોળનો હવાડો, ગોંદરે બાંધેલી ગાયોનું ધણ, કૂવો, શેરીઓ. ધીમે-ધીમે કાર ડ્રાઇવ કરતી-કરતી એ શેરીમાં આવી જ્યાં અમારું ઘર હતું. ત્યાં પહોંચી અને ઘર પાસે કાર ઊભી રાખી. મંદિરની પાછળની દીવાલને અડકીને જ ઘર હતું અમારું. આજુબાજુ જૂની બાંધણીવાળાં મકાનો અને મેડીઓ. મંદિરમાંથી ઝાલરના અવાજ સંભળાતા હતા. રણછોડરાયની ધજા આકાશમાં લહેરાઈ રહી હતી. અપેક્ષા મુજબ જ ઘરની નાનકડી ડેલી પર મૂઠિયું તાળું લાગેલું હતું. હું ઓટલા પર બેસી ગઈ. મંદિરમાંથી કરતાલ અને ખંજરીઓના અવાજ આવતા હતા. વચ્ચે-વચ્ચે કીર્તનોના સૂરીલા અવાજો સંભળાતા હતા,
‘હાથ હરિ કરતાલ લઈ 
મીરા આવ્યાં ડાકોર રે
રણઝણ રણઝણ ઝાલર વાગે 
રૂડો ગોમતી ઘાટ રે..!’
નાનપણમાં બા અમને આવાં અનેક કીર્તનો સંભળાવતી. ઘરના ફળિયામાં ખાટલો ઢાળીને અમે લોકો સૂતા. આકાશના તારોડિયા અને ચાંદાને હું તાક્યા કરતી. બાના તીણા મીઠા અવાજમાં રાત અમારી આંખોમાં અને કાનમાં પીગળતી રહેતી. બા પહેલેથી જ બહુ ઓછું બોલતી. એમાંય બાપુના અણધાર્યા અવસાન પછી તો તેનું બોલવાનું સાવ કરતાં સાવ ઓછું થઈ ગયેલું. એ સમયે અમે બહુ નાના હતા. અમને એવી કોઈ ઘટના કે પ્રસંગનું સ્મરણ નથી જેમાં બા ખૂબ બોલતી હોય. અમને ત્રણેય ભાઈબહેન પાસે બાની મોટા ભાગની એવી જ સ્મૃતિ છે જેમાં તે ચૂપચાપ કામ કર્યા કરતી હોય. ફળિયામાં ખાટલા પર બેસી ખુલ્લા આકાશમાં તારોડિયાને જોતી-જોતી લાંબા ઢાળે કીર્તનો ગાતી હોય. આમ તો અમને ત્રણેયને નહીં, મને અને રિદ્ધિને જ આ બધું યાદ છે, કેમ કે જિગરને તો બાપુના અવસાન પછી તરત હૉસ્ટેલ મોકલી દેવાયો હતો.
હું ઊભી થઈ અને ઊધઈથી ખવાયેલી બારસાખ પર મારી આંગળીઓ ફરતી રહી. રસ્તા પરથી પસાર થતા ગામના લોકો મને જોતા હતા. એ બધાની આંખોમાં મને એવું દેખાયું જાણે આખા ગામને એ વાતની જાણ હોય જ કે હું અહીં શું કામ આવી છું! મેં આંખો મીંચી દીધી અને ધીરેથી આંખો ખોલી તો દૂર શેરીમાંથી ઘર તરફ આવતી બા દેખાઈ. કમરથી ઝૂકેલી બા. એક હાથમાં લાકડી અને બીજા હાથમાં ગુલાબી દોરાની મોતીદાણો ભરત ભરેલા કાનગોપી ભાતની સાસુથેલી, કાળીધોળી ટીલડીવાળો રાતો સાડલો, ઝળી ગયેલો રાતા બદામી અસ્તરનો કમખો અને આંખે રાતી ફ્રેમનાં જાડાં ચશ્માં. તડકામાં ચાંદી ઓઢીને આવી હોય એવા ધોળા વાળ રાતા સાડલાની કોરમાં તબકતા હતા. ધીમે-ધીમે બા નજીક આવી અને હથેળીનું નેજવું કરીને ધારી-ધારીને મારી સામું જોઈ રહી. એના ચહેરા પરની કરચલીઓ આઘીપાછી થઈ અને બોખા મોઢામાં સ્મિત રેલાયું. ગમ્મે એવડું ચરોતરી બાયુંનું ટોળું હોય પણ એમાં મારી કાઠિયાવાડી બા સૌથી અલગ તરી આવે. બાનું પિયર મૂળે તો સૌરાષ્ટ્રમાં.
‘કોણ....? મારી નીતલી કે?’ મેં સ્મિત કરીને તેનો હાથ પકડ્યો. ચિરપરિચિત ખરબચડો સ્પર્શ.
‘નીતલી ન હોય તો બીજું કોણ હોય બા?’ એકદમ મોટા અવાજે મેં તેના કાન પાસે સહેજ ઝૂકીને કીધું. પછી જાણે મારી આ વાતમાં બહુ મોટું તથ્ય હોય એમ નીચે ઓટલા પર બેસીને બા માથું ધુણાવવા લાગી. જાણે તે પણ એવું જ માનતી હોય કે નીતલી ન હોય તો બીજું કોઈ જ ન હોય. જિગરે મુંબઈથી બા માટે કાનનું મશીન મોકલાવેલું એનાથી બાને થોડું-થોડું સંભળાતું. મને આ સમાચાર પણ રિદ્ધિએ જ આપેલા. અત્યારે એ મશીન બાએ પહેર્યું હતું. બાએ કમખાની ખીસીમાંથી ચાવી કાઢીને મારા હાથમાં મૂકી, બહુ જ સ્વાભાવિક રીતે જેમ નાનપણમાં આપતી એમ જ. 
અમે નિશાળથી વહેલાં આવી જતાં ત્યારે બા ઘેર ન જ હોય. ડેલીએ મૂઠિયું તાળું લટકતું હોય. બા નદીએ કપડાં ધોવા ગઈ હોય, કોઈકના પ્રસંગવાળા ઘરમાં કામ કરવા ગઈ હોય, નહીંતર બાલાકાકાની વાડીએ દાડિયે તો હોય જ. અમે ત્રણેય ભાઈ-બહેન અલગ-અલગ દિશામાં બાને શોધવા નીકળી પડીએ. જેને બા મળે તે બા પાસેથી ચાવી લઈને દોડતા ઘરે આવે. તાળું ખોલીને સીધા રસોડામાં. હડફામાં ગરવાની અંદર ત્રણ છાલિયા ભરીને બાએ ઘીગોળ અને રોટલાનું ચૂરમું બનાવ્યું હોય અથવા રોટલીમાં ઘી, ગોળ કે ખાંડ ચોપડીને ત્રણ ક્રીમરોલ બનાવીને મૂક્યા હોય. અમે ત્રણેય ભાઈબહેન નિરાંતે ફળિયામાં ખાટલો ઢાળી લેસન કરતાં-કરતાં ચૂરમું કે ક્રીમરોલ ઝાપટીએ. બહુ બધી વાર એવું થયેલું કે રિદ્ધિ કે જિગર બા પાસે ચાવી લેવા જાય એટલે એ ચાવી ઘર સુધી પહોંચે જ નહીં. એ બન્નેને પણ ખબર ન હોય કે રમત-રમતમાં રસ્તામાં ક્યાં ચાવી પડી ગઈ!  સાંજે બા કામ કરીને ઘરે આવે ત્યારે અમને નોધારાં ઓટલા પર લેસન કરતાં જુએ એટલે તે સમજી જાય કે રિદ્ધિએ કે જિગરે ફરી ચાવી ખોઈ કાઢી. ગુસ્સો કરતાં તો બાને ક્યારેય આવડ્યો જ નથી પણ બબડાટ તો તે કરે જ કે ‘રિદ્ધિ અને જિગરના ભરોસે તો ઘરની ચાવી ન જ મુકાય, ગમ્મે ત્યારે ખોઈ બેસે.’
પછી મને કહેતી કે ‘નીતલી, ગમ્મે એટલું કામ હોય તોય ચાવી લેવા તો તારે જ આવવાનું. તારા સિવાય આ ઘરની ચાવીની કોઈને પડી નથી. તું છે તો ઘર સચવાઈ જાય છે....’
‘અય નીતા... કયાં ખોવાઈ ગઈ, તાળું ખોલ્ય હાલ્ય મા. થાક લાગ્યો હશે બેટા તને.’
બાએ મારી હથેળીમાં ચાવી મૂકી હતી. એ ચાવીને કસકસાવીને મૂઠીમાં પકડી રાખી. મારી આંખો થોડી ભીની થઈ ગઈ એટલે બા ન દેખે એમ હું પડખું ફેરવી ગઈ અને પછી તાળું ખોલ્યું. ડેલીના બારણાને ધક્કો માર્યો અને ઘર ખૂલ્યું. એક પળ તો એવું લાગ્યું કે આખું ઘર મારી છાતીએ વળગી પડ્યું કે અયયયયય જુઓ નીતા આવી!
(આવતા રવિવારે સમાપ્ત)

Raam Mori columnists gujarati mid day exclusive sunday mid day