ગીર રે જોયા, અમે સિંહ રે જોયા...

06 November, 2022 10:32 AM IST  |  Mumbai | Alpa Nirmal

ગુજરાતનું ફેફસું કહી શકાય એવું ગીર એશિયાટિક સિંહોનું ઑફિશ્યલ ઍડ્રેસ છે. ૧૪૧૨ સ્ક્વેર કિમીના અસીમ જંગલમાં ૬૭૫થી વધુ લાયન્સ વસવાટ કરે છે

ફાઇલ તસવીર

જો તમને થોડા દિવસથી સપનામાં સાવજ દેખાતો હોય કે દીપડાની તગતગતી આંખો આવતી હોય કે પછી જેમ કાનમાં સીટી સંભળાય એમ સતત વનરાજની ડણક સંભળાતી હોય તો સમજી જજો, ‘ચલો બુલાવા આયા હૈ ગીરને બુલાયા હૈ.’ યસ. ચાર મહિનાના ચોમાસુ વેકેશન બાદ ઑક્ટોબરના બીજા અઠવાડિયામાં જ સાસણ ગીર નૅશનલ પાર્ક ઓપન થયો છે. આ ભારતનું એકમાત્ર જંગલ છે જ્યાં જંગલ કા રાજા શેરનું કુદરતી નિવાસસ્થાન છે અને આજે અહીં ૬૭૫થી વધુ સિંહ, સિંહણો, બાળ સિંહો મજેથી રહી રહ્યાં છે.

વેલ, ગીરથી કોઈ ગુજરાતી અજાણ્યો નહીં હોય, કારણ કે તે જૂનાગઢ, ભાવનગર અને અમરેલી એમ ત્રણ જિલ્લામાં ફેલાયેલું છે. ઉત્તર ગુજરાતનો સ્થાનિક હોય કે દક્ષિણ, મધ્ય કે પૂર્વ ગુજરાતના વતની, તેમનું કોઈ ને કોઈ કનેક્શન કાઠિયાવાડ તરીકે જાણીતા આ પ્રદેશ સાથે થયું જ હશે. આથી સાસણગીર એટલે સાવજોનું હોમ એ દરેકને જાણ હોય જ. આમ તો, પ્રાચીન ભારતમાં દરેક મોટાં જંગલોમાં સિંહોની વસ્તી હતી, હા, વાતાવરણ અને ઇકોસિસ્ટમને કારણે સંખ્યા ઓછીવત્તી ખરી, પરંતુ રાજાઓના તેમ જ અંગ્રેજોના શિકારના શોખને કારણે આફ્રિકન લાયનના કઝિન્સ કહેવાતા આ એશિયાઈ સિંહોની સંખ્યા ઘટતી ચાલી અને અનેક જંગલોમાંથી સિંહો નામશેષ થઈ ગયા, તો કયાંક સાવ જૂજ રહી ગયા. ૧૯મી સદીની શરૂઆતમાં જૂનાગઢના નવાબે ગીરનો વિસ્તાર પોતાના હન્ટિંગ માટે અલાયદો રાખ્યો, જ્યાં સ્થાનિકો કે અન્ય રાજ્યોના શિકારીઓ માટે આવવાની પાંબદી હતી. એમાં અહીં થોડા સિંહો બચ્યા. ૧૯૧૩ની સાલમાં અહીં ફક્ત ૨૦ કેસરીઓ રહી ગયા હતા. ખેર, તેમની આયુષ્યરેખા બળવત્તર, આથી આજે ૧૦૯ વર્ષે આ ૨૦ સિંહોના ૬૭૫ જેટલા વંશજો થયા. અન્યથા આજે આપણે ડાયનોસૉરની જેમ સિંહોને પણ કલ્પનારૂપે કે મૉડેલરૂપે જોતા હોત.

દેશ સ્વતંત્ર થયા પછી સરકારે દીર્ઘદ્રષ્ટિ વાપરીને ૧૯૬૫માં આ વિસ્તારને સિંહોના સત્તાવાર વિસ્તાર તરીકે જાહેર કર્યો, હાશ! આમ બાકાયદા સાસણ ગીર નૅશનલ પાર્કનો જન્મ થયો. છતાં, કાયદાનાં છીંડાં, ભ્રષ્ટાચાર અને વગને કારણે દાયકા પહેલાં સુધી આ જંગલના રાજવીઓ શિકારનો ભોગ બનતા હતા. બાય ધ વે, હવે, પરિસ્થિતિ સુધરી છે. દરેકેદરેક સિંહના વંશનો નાનો-મોટો બધો રેકૉર્ડ રખાય છે. સિંહની વસ્તી, ગીરના જંગલ વિશેની સરકારી વાતો અને વિગતોમાં પહેલાં તો આમ આદમીને બહુ રસ નહોતો, પણ જ્યારથી ગીરમાં જંગલ સફારી શરૂ થઈ ત્યારથી હાર્ડકોર વાઇલ્ડલાઇફના ચાહકોને અને પ્રવાસના શોખીનોને ગીરનો રંગ લાગ્યો અને સિંહને જોવાના ઓરતા જાગ્યા.

તો, મિત્રો, ચાલો ઊપડીએ સાવજને ભેટવા. આદ્ય કવિ નરસિંહ મહેતાના ગામ જૂનાગઢથી સિંહસદનનું અંતર ૫૦ કિલોમીટર છે એટલે તમે કોઈ પણ માધ્યમે જૂનાગઢ પહોંચો તો ગીર નૅશનલ પાર્ક જવા અનેક વાહનો મળી રહે છે. અહીં સાસણ જંગલ સફારી બે જગ્યાએથી જવાય છે. એક દેવળિયાથી અને બીજી સિંહસદનથી. એ જ રીતે સફારીનાં ડ્યુરેશન પણ બે છે અને વાહનોમાં પણ બે ચૉઇસ છે. પીંજરા જેવી બસમાં બેસીને એક કલાક અરણ્યમાં ફરો અથવા ઓપન જીપમાં ડ્રાઇવર અને ગાઇડ સાથે બે કલાક જંગલમાં રખડો. ચૂઝ અકૉર્ડિગ ટુ યૉર બજેટ ઍન્ડ ટાઇમ.

પહેલાં વાત કરીએ ગીર જંગલ ટ્રેઇલની, જે સિંહસદનથી શરૂ થાય છે. આ ટ્રેઇલ બેઝિકલી આખા જંગલમાં ફેરવે છે, જેમાં સિંહ ઉપરાંત દીપડા, સાબર, હરણ, સસલાં, નીલગાયો, મોર, જેકલ, શિયાળ, વાંદરા ઉપરાંત ૪૦ જેટલી જાતનાં પ્રાણીઓ તેમની મોજમાં જીવતાં દેખાય છે. કોઈ ઝાડની ઊંચી ડાળીએ પગ ફેલાવી આરામ કરતો દીપડો દેખાઈ જાય તો સિંહ બાળને વહાલ કરતી મૉમ લાયન પણ મળી શકે. ગુસ્સામાં ભુરાટી થયેલી નીલગાય પણ ભટકાઈ જાય ને વિસ્મયતાથી તમારી સામે જોતાં હરણો-સાબરોનું ટોળું પણ ભાળવા મળે. વળી, નોળિયા, સાપ, ગરોળીઓ, કાચિંડાઓ, મગરમચ્છો, કાચબા, દેડકા સાથે કોયલ, ૩૬૦ ડિગ્રી ડોક ફેરવતો ઘુવડ, ઈગલની સાથે શિયાળામાં ગીરના મહેમાન બનતાં જાતજાતનાં યાયાવર પક્ષીઓ પણ સફારી દરમ્યાન તમને હાઉકલી કરી જાય. સાગનાં વૃક્ષો સહિત અનેક જાતનાં જંગલનાં વૃક્ષોનો પરિચય પણ થાય. તો સફેદ થડ ધરાવતાં નીલગિરિનાં તરુવરો, રબર, વડ તેમ જ પીપળાનાં વૃક્ષો, ઘાસનાં વિરાટ ગોચરોમાં ગાય-ભેંસોને ચરાવતા આ જંગલમાં વસતા મોજીલા માલધારીઓ પણ ભેટી જાય. ટૂંકમાં જંગલનો ખરો અનુભવ આ ટ્રેઇલમાં લઈ શકાય છે.

જ્યારે દેવળિયા પાર્ક સફારી જંગલના એ કોર એરિયામાં લઈ જાય છે, જ્યાં સિંહોની વસ્તી વધુ છે એટલે શૉર્ટ ટાઇમમાં સિંહની જ મુલાકાત કરવી હોય તો દેવળિયાથી સફારી કરાય. બીજી મહત્ત્વની વાત એ છે કે ગીર જંગલ ટ્રેઇલના દિવસમાં ત્રણ સ્લૉટ હોય છે. સવારે ૬, ૯, અને બપોરે ૩ વાગ્યે, જેમાં લિમિટેડ સંખ્યામાં પરમિટ ઇશ્યુ થાય છે. એટલે સમજદારી ઉસીમેં હૈ કી, આ સફારીનું ઍડવાન્સ બુકિંગ કરાવી લેવું, જે બહુ સહેલાઈથી ઑનલાઇન થઈ શકે છે. દેવળિયા સાઇડથી ઑન ધી સ્પૉટ બુકિંગ કરવા છતાં એન્ટ્રી મળવાના ચાન્સ વધુ છે, કારણ કે અહીંથી વધુ પ્રમાણમાં ટિકિટ ઇશ્યુ થાય છે. એ જ રીતે આ સફારીમાં સિંહો જોવા મળવાના યોગ પણ વધુ છે. ફક્ત ખાટલે મોટી ખોડ એ છે કે હજી, ફૉરેસ્ટ ફીલ આવે ત્યાં તો સફારી સમાપ્તિની ઘોષણા

થઈ જાય છે. એની સામે ગીર ટ્રેઇલમાં તમે આખેઆખા જંગલમાં ગરક થઈ જાવ છો. ગીરની રસ્ટિક બ્યુટી, હિરણ નદી ગંભીરતા, કમળેશ્વર ડૅમ પાસે પાનના ગલ્લે ભેગા થયેલા હોય એમ મગરોનાં ઝુંડ, ભાત-ભાતના અવાજો કરી ઑર્કેસ્ટ્રા રચતાં પક્ષીઓ. ઓહ! ખર્ચેલો એક-એક રૂપિયો વસૂલ થઈ જાય છે બૉસ!

અરે! રાજાના ઘરે આવ્યા, પણ એના ઠાઠ અને એની અદાની વાતો તો આપણે કરી જ નહીં. બેથી અઢી મીટરની પહોળાઈ ધરાવતું આ મૅજેસ્ટિક ઍનિમલ, લટાર મારતું હોય. જંગલનો રાજા આળસુ બની પડ્યો હોય કે કૌટુંબિક સભા ભરીને બેઠો હોય, એની દરેક મૂવમેન્ટ રૉયલ હોય છે. સોનેરી કેશવાળી, વાળનો ગુચ્છો ધરાવતી લાંબી પૂંછ, તમારા શરીરમાં સોંસરવી ઊતરી જતી નજર તમને સતત રિમાઇન્ડ કરાવે છે કે તમે એના ઇલાકામાં આવ્યા છો. એનો રુઆબ જોઈ તમે શાળામાં ભણેલું એ વાક્ય રટવા લાગો છો કે ‘સિંહ જંગલનો રાજા છે.’

માઇન્ડ ઇટ

કેટલીક યુઝફુલ ટિપ્સ

columnists gujarat alpa nirmal