આને કહેવાય સાચું દાન

13 November, 2022 10:34 AM IST  |  Mumbai | Shailesh Nayak

બપોરે કડક મજૂરી કરીને કમાવાનું અને સવારે એમાંથી ભોજન બનાવીને પાંચ રૂપિયાના ટોકનમાં શ્રમિકોને જમાડવાનું. આવી સેવાપ્રવૃત્તિ છેલ્લા એક વરસથી રોજેરોજ કરે છે ગુજરાતનું આ શ્રમજીવી યુગલ

શ્રમની કમાણીમાંથી બીજા શ્રમિકોને જમાડતાં ગીતા રાવળ અને પંકજ રાવળ

તમારી પાસે અપાર ધન હોય અને તમે કોઈને મદદ કરો એ વાત જુદી છે, પણ જ્યારે તમે પોતે સામાન્ય જીવન જીવતા હો અને છતાં તમે તમારા ભવિષ્યની ચિંતા કરવાને બદલે અન્ય લોકો માટે ઘસાતા હો એવું તો ભાગ્યે જ બને. ઉત્તર ગુજરાતના ડાંગરવા ગામમાં માંડ દસમું ધોરણ ભણેલાં ગીતા રાવળ અને તેમના પતિ પંકજ રાવળ આવી જ જુદી માટીનાં બનેલાં છે. પતિ-પત્ની પાંચકૂવા કાપડ માર્કેટમાં કાપડનાં પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું મહેનતનું કામ કરે છે. આ દંપતીની વિચારસરણી અન્યોથી અલગ છે અને એટલે જ શું લાવ્યા છીએ અને સાથે શું લઈ જવાના છીએ એવું સમજીને આ શ્રમિક દંપતી પંકજ રાવળ અને ગીતા રાવળ સાથે મજૂરી કરીને જે પૈસા કમાય છે એમાંથી ઘરેથી ગરમ ભોજન બનાવી લાવે છે અને માર્કેટમાં પાંચ રૂપિયાના ટોકનમાં લોકોને પીરસે છે અને પછી પોતાના મજૂરીકામ માટે નીકળી પડે છે.

પરસેવો પાડીને મેળવેલી આવક બીજાની પાછળ વાપરતાં આ દંપતીનો જીવ અચકાતો નથી. તૂટ પડે છે, પણ પ્રભુ તેમના પડખે આવીને ઊભો રહે છે. એક વર્ષ પહેલાં ૫૦ વ્યક્તિ માટે ભોજન બનાવવાની શરૂઆત કરનાર આ દંપતીના હાથની રસોઈનો ટેસ્ટ એવો દાઢે વળગ્યો અને સેવાની સુવાસ એવી ફેલાઈ કે આજે ૨૦૦થી વધુ શ્રમિકો તેમ જ નાના-મોટા સૌકોઈ તેમને ત્યાં બપોરે જમે છે.

ઘરનું ગોપીચંદ ઘસીને મજૂરવર્ગ માટે ભોજનસેવા કરવાનો વિચાર ક્યાંથી આવ્યો એ વિશે વાત કરતાં ૫૦ વર્ષના પંકજ રાવળ કહે છે, ‘પાંચકૂવા કાપડ માર્કેટમાં હું અને મારી પત્ની કાપડના પાર્સલની ડિલિવરીનું કામ કરીએ છીએ. એક દીકરી દેવિકાનાં લગ્ન થઈ ગયાં છે અને તે તેના સાસરે છે. આમ તો અમારું મૂળ ગામ બહેચરાજીની બાજુમાં ડેડાણા ગામ, પણ મારા પિતા અને દાદા પણ અમદાવાદમાં કામ કરવા માટે આવી ગયા હતા. મારા પિતા પણ છૂટક મજૂરીકામ કરતા હતા. સેવા કરવાની ઇચ્છા તો નાનપણથી જ હતી, પણ સંજોગવશાત્ એ સમયે શક્ય ન બન્યું. દરમ્યાન કોરોનામાં અમે મિત્રો સાથે સેવાકાર્ય કરવા જતા એ દરમ્યાન અન્નની વૅલ્યુની ખબર પડી. કોરોના દરમ્યાન અમે જોયું કે પૈસા હોવા છતાં ઘણાને જમવાનું નહોતું મળતું.

દિવસભર કાપડનાં પોટલાં માથે મૂકીને માર્કેટમાં પરિશ્રમનું કામ કરતું યુગલ

શાકભાજી, દાળ, ચોખા ન મળે. ઘણા એવા લોકોને પણ જોયા જેમને બે-ત્રણ દિવસે જમવાનું મળતું. ઘણા લોકો ફૂટપાથ પર હતા. બહારગામથી અહીં મજૂરી માટે આવેલા લોકો ફસાઈ ગયા હતા અને શ્રમજીવીઓની તકલીફ અમે જોઈ હતી. જોકે સેવાભાવીઓએ સેવા બહુ કરી અને એમાંથી શીખવા પણ મળ્યું. એ સમયે મનમાં વિચાર આવ્યો કે જીવનમાં ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાનું છે, બધું અહીનું અહીં મૂકીને જવાનું છે તો કંઈક સારું કરીને જઈએ. આમ પણ મારાં મમ્મી શાંતાબહેન, મારા પિતા લવજીભાઈ અને મારા ભાઈ પ્રવીણભાઈ સેવાભાવી હતાં. એટલે થયું કે અહીં માર્કેટમાં આવતા મજૂરવર્ગ માટે બપોરે જમવાનું બનાવીને આપીએ. આ બાબતે મારા અને મારી પત્નીના વિચાર મળતાં અમે ભોજનકાર્ય શરૂ કર્યું અને આજે લગભગ એક વર્ષ જેટલો સમય થઈ ગયો.

એક તો મજૂરીકામ કરીને પૈસા મેળવવાના અને ઉપરથી બધાને પાંચ રૂપિયામાં જમાડવાનું પોસાય? તૂટ નથી પડતી? એના જવાબમાં પંકજભાઈ કહે છે, ‘પોસાતું નથી; પણ આ કાપડ માર્કેટમાં નાના માણસો આવે છે, મજૂરવર્ગ છે ત્યારે અમારે ત્યાં જમવા આવનાર વ્યક્તિનું સન્માન જળવાય અને તેના મનમાં એમ ન થાય કે હું ફ્રીમાં ખાઉં છું એટલે અમે પાંચ રૂપિયા ટોકન લઈએ છીએ. બાકી પાંચ રૂપિયામાં કશું આવતું નથી. અમને પોસાતું નથી, પણ સેવાની ભાવના છે. બધું દ્વારકાવાળો કરે છે. અમે કોઈની પાસે માગવા જતા નથી કે ઉઘરાણી પણ નથી કરતા. જેમ-જેમ માર્કેટમાં ઘણા વેપારીઓને આ સેવાની ખબર પડી એટલે કોઈક ચોખા આપી જાય છે તો કોઈક પૈસા આપીને જાય છે. ઘણા લોકો પૈસા આપીને કહે છે કે મજૂરોને જમાડી દેજો. લોકો સામેથી મદદ આપતા થયા છે. મજૂરવર્ગ જમીને જાય એટલે અમને સંતોષ થાય છે. લોકો પાસે કરોડો રૂપિયા હોવા છતાં ઊંઘ નથી આવતી, પણ અમને શાંતિથી ઊંઘ આવે છે.’

આ દંપતી મજૂરીકામ કરવા જાય છે તો રસોઈ ક્યારે અને કેવી રીતે બનાવે છે અને રોજેરોજ જમવાનું શું બનાવતા હોય છે એની વાત કરતાં પંકજ રાવળ કહે છે, ‘સવારે છ વાગ્યે ઊઠી જઈને રસોઈ તૈયાર કરીએ છીએ. દીકરી ઘરે આવી હોય તો તે પણ મદદ કરે. રોજ અલગ-અલગ ચીજો બનાવીએ. દાળ-ભાત, મગ–ભાત, વેજિટેબલ પુલાવ, ‍વઘારેલી ખીચડી, દાળઢોકળી, દાલફ્રાય-રાઇસ, મિક્સ સબ્ઝી ઉપરાંત મહિનામાં એક-બે વાર વડાપાંઉ, ભાજીપાંઉ અને દાબેલી પણ બનાવીએ. ઘરે રસોઈ તૈયાર કરીને માર્કેટમાં આવી જઈએ છીએ. બપોરે ૧૨થી બે વાગ્યા સુધી અમે જમાડવાનું કામ કરીએ છીએ અને એ પછી મજૂરીકામ માટે નીકળી જઈએ. મારી મમ્મીના નામ શાંતાબહેનના નામથી જ આ કામ કરીએ છીએ. પહેલાં શરૂઆત કરી ત્યારે ૫૦ માણસની રસોઈ તૈયાર કરીને લાવતા હતા. પછી ૧૦૦ જણની, એ પછી ૧૫૦ જણની અને આજે ૨૦૦થી વધુ વ્યક્તિ અમારે ત્યાં જમવા માટે આવે છે. શ્રમિક વર્ગ જ નહીં, ઘણી વાર વેપારીઓ પણ અમારે ત્યાં આવે છે અને દુકાનોમાંથી કર્મચારીઓ પણ આવે છે. માર્કેટમાં રવિવારે રજા હોવાથી અમે રવિવારે રજા રાખીએ છીએ. મારા જમાઈ ઈશ્વરભાઈ તેમ જ મારો ભત્રીજો ચેતન પણ અમને સપોર્ટ કરે છે. મારી દીકરી દેવિકા અને મારા મોટા ભાઈની દીકરી દીપિકા પણ જ્યારે આવે ત્યારે અમને મદદ કરે છે.’

રાવળ દંપતીના હાથનું ભોજન લઈ રહેલા લોકો

એક તો મજૂરી કરીને પૈસા મેળવતા હોઈએ અને એય લોકોને ખવડાવવામાં નાખી દેવાના? પંકજ રાવળનાં પત્ની ગીતાને કદી આવો સવાલ નથી થતો. તેઓ કહે છે, ‘તેમની ઇચ્છા હતી સેવા કરવી છે એટલે હું દિલથી સાથ આપું છું. અમે પૈસા વાપરીએ છીએ તો ભગવાન અમને એનાથી ત્રણગણી મજૂરી પણ આપી દેશે. બે-ત્રણ પોટલાં વધારે ઊંચકીશું એટલે મજૂરી મળી રહે. અમે ૩૦ કિલો, ૪૦ કિલો કે ૫૦ કિલોનાં કાપડનાં પોટલાં ઊંચકીને પહેલા, બીજા કે ત્રીજા માળે ચડાવીએ, પોટલા લઈને એકથી બીજી દુકાનમાં અને એકથી બીજી માર્કેટમાં ચાલતા-ચાલતા આપવા જવાનું કામ કરીએ, ઝભલાંનું પૅકિંગ કરીએ, ડ્રેસના કાર્ટનના થેલા ભરીને એને સીવવાનું કામ કરીએ એટલે કોઈક દિવસ સાતસો રૂપિયા તો કોઈક દિવસ હજાર કે બારસો રૂપિયા મજૂરી મળી જાય. અમે બે માણસ છીએ, અમારે કેટલું જોઈએ? ઘરની જરૂરિયાત પૂરતા પૈસા રાખીને બીજા આ ભોજનસેવામાં વાપરીએ છીએ. મારી દીકરી દેવિકા પણ કહે છે કે તમે આ સેવા કરી શકો ત્યાં સુધી કરજો. તમારા પછી હું આ સેવાકાર્ય ચાલુ રાખીશ. દાદીના નામથી હું પણ આ સેવાકાર્ય કરીશ.’

જેને સારી ભાવના સાથે સેવા જ કરવી છે તેને લાખો કે કરોડો રૂપિયા નહીં, પણ કરોડો રૂપિયા જેવું વિશાળ અને ખુલ્લું હૃદય હોવું જરૂરી છે એ વાત આ દંપતીને જોઈને સમજાય.

columnists shailesh nayak