વાત ખોટી તો નથી જ : ગવર્નરને પોતાનો મત જણાવવાનો પૂરતો હક હોઈ શકે છે

05 August, 2022 09:44 AM IST  |  Mumbai | Manoj Joshi

મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીએ એક સ્ટેટમેન્ટ કર્યું અને એ સ્ટેટમેન્ટે તો વિવાદ જગાવી દીધો

મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારી

મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીએ એક સ્ટેટમેન્ટ કર્યું અને એ સ્ટેટમેન્ટે તો વિવાદ જગાવી દીધો. ભલા માણસ, એવું થોડું હોય કે ગવર્નર છે એટલે તેમણે મહાકાય મહાલયમાં રહેવાનું અને મોંઘાદાટ સ્ટાફ સાથે સુખશાંતિથી જીવવાનું? તેમને પણ મત વ્યક્ત કરવાનો પૂરતો હક છે અને ખાસ તો ત્યારે જ્યારે એ મત, સ્ટેટના હિતમાં હોય. કોશ્યારીસાહેબે જે નિવેદન આપ્યું એ નિવેદનના વિરોધમાં કેટલાક સ્યુડો-સેક્યુલર પત્રકારો પણ મેદાનમાં આવ્યા છે. તેમની એવી આર્ગ્યુમેન્ટ છે કે ગવર્નર ચૂપ રહે એ જ તેમના હિતમાં છે. શું હિત અને શું અહિત? જો ચૂપ રહેવાથી સ્ટેટનું અહિત થતું હોય તો પણ તેમણે ચૂપ રહેવાનું, કંઈ નહીં બોલવાનું? તબાહી થાય એ જોતા રહેવાનું?

ધૂળ અને ઢેફા.

એ જોવું પણ ન જોઈએ અને જોઈ પણ ન શકાય. મારું તો કહેવું છે કે ગવર્નરનું સ્ટેટમેન્ટ વધારે ગંભીરતા સાથે જોવું જોઈએ, કારણ કે એમાં વર્ષોની રાજનીતિ અને રાષ્ટ્રનીતિનો અનુભવ હોય છે. કોશ્યારીસાહેબે કહ્યું કે જો મુંબઈમાંથી ગુજરાતી-મારવાડીઓને કાઢી મૂકવામાં આવે તો અહીં કોઈ પૈસા જ નહીં વધે.

આમાં ખોટું શું બોલ્યા છે કોશ્યારીજી? એક શબ્દ પણ ખોટો નથી અને એક શબ્દમાં પણ અતિશયોક્તિ નથી. મુંબઈને દેશની આર્થિક રાજધાનીની જે ઉપમા મળી છે એ ગુજરાતી અને મારવાડીઓની મહેનતને કારણે મળી છે એ કોઈએ ભૂલવું ન જોઈએ અને ક્યારેય ભૂલવું ન જોઈએ. કોશ્યારીજીએ સ્ટેટમેન્ટ પછી સ્પષ્ટતા પણ કરી છે કે તેમનો હેતુ ક્યાંય મરાઠીઓના અપમાનનો નહોતો, પણ મારે એ કહેવું છે કે કોઈ એક કે બેનાં વખાણ કરવાનો હેતુ એવો તો નથી જ થતો કે તમે ત્રીજાનું અપમાન કરી રહ્યા છો. ગુજરાતીઓ નરેન્દ્ર મોદીને જન્મ આપે છે તો મરાઠાઓ હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરે જેવા પનોતા પુત્ર દેશને આપે છે. એકનાં વખાણનો અર્થ બીજાનું અપમાન બિલકુલ નથી થતો, એ સહજ છે અને આ સહજ વાત સૌકોઈએ સમજવાની તાતી જરૂર છે. એ સમજવાની જરૂર છે તો સાથોસાથ એ પણ સમજવાની જરૂર છે કે કોઈના વિના ક્યારેય કોઈ અટકતું નથી. ગુજરાતી-મારવાડીઓ નહીં હોય તો મુંબઈ રોકાશે નહીં અને એવી જ રીતે મુંબઈ વિના મારવાડી-ગુજરાતીઓ પણ ક્યાંય અટકશે નહીં. બહેતર છે કે બન્ને પક્ષ એકબીજાનું મહત્ત્વ સમજે અને એ મહત્ત્વ સમજીને જ સ્ટેટમેન્ટને ધ્યાનથી જુએ, વાંચે. વાત રહી, પેલા સેક્યુલર ભાઈઓની, તો તેમને એટલું જ કહેવાનું કે દરેક વાતને વિરોધનો સૂર આપવાને બદલે સકારાત્મક પત્રકારત્વની નીતિ રાખવામાં આવશે તો એનો લાભ દેશને થશે અને સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે રાષ્ટ્રહિતને આંખ સામે રાખીને આગળ વધવામાં આવતું હોય.

કોશ્યારીસાહેબ ખોટા હતા નહીં અને છે પણ નહીં અને એવી જ રીતે કોશ્યારીસાહેબે કહેલી વાત તેમને કહેવાનો પૂરો અધિકાર છે. મોઢામાં માઇક ઘુસાડીને તમે આ મુદ્દે કોઈને પણ જઈને પૂછો તો તેમણે જાહેરમાં એવા સંવાદ કરવા પડે જે જાહેર જનતાના હિતમાં હોય. બાકી, મનમાં શું છે એ તો માઇકનો સ્વાદ જેણે ચાખ્યો હોય તેને જ ખબર હોય.

columnists manoj joshi