ગોલ્ડન વર્ડ્‍સ : જાતને હંમેશાં સાચી માનવી અને સતત સાચી સાબિત કરતા રહેવું એ પણ વ્યસન છે

26 March, 2023 07:58 AM IST  |  Mumbai | Manoj Joshi

વ્યસન માત્ર શરાબ, સિગારેટ, તમાકુ કે ચા-કૉફીનું નથી હોતું. વ્યસન અનેક પ્રકારનાં હોય છે. કેટલાંક વ્યાવહારિક વ્યસન પણ હોય છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

હા, સાચું કહું છું.

વ્યસન માત્ર શરાબ, સિગારેટ, તમાકુ કે ચા-કૉફીનું નથી હોતું. વ્યસન અનેક પ્રકારનાં હોય છે. કેટલાંક વ્યાવહારિક વ્યસન પણ હોય છે. અત્યારના સમયમાં અહંકાર બહુ મોટું વ્યસન બનતું જાય છે, પણ આગળ વધતાં પહેલાં એક ચોખવટ કરી દઉં. અત્યારે તમે સ્વામી સચ્ચિદાનંદ કે મોરારિબાપુની ધર્મની કૉલમ નથી વાંચી રહ્યા. તમે આપણી જ કૉલમ વાંચો છો અને આ કૉલમમાં મને અત્યારે એક પણ પ્રકારની ફિલોસૉફીનો મૂડ નથી. એ વાત અલગ છે કે ફિલોસૉફી વિનાનો માણસ અધૂરો ગણાય.

તમારી પાસે ચિંતન, મનન ત્યારે જ આવે જ્યારે તમે તત્ત્વને ‍સમજવાના પ્રયાસ કરતા હો. તત્ત્વ એટલે કંઈ માત્ર આત્મા અને પરમાત્માની વાતો નહીં, પણ જીવનના પ્રત્યેક ઘટકો પ્રત્યે સભાનતા કેળવીને એ દિશામાં ચિંતન-મનન કરવું. ઘણા લોકો ફિલોસૉફીને ધડ-માથા વિનાની વાતો માનતા હોય છે, પણ એવું જરાય નથી. હું તર્કને સમજવાના પહેલાં પ્રયાસ કરતો હોઉં છું એટલે જ માનું છું કે ફિલોસૉફીનાં મૂળિયાં ઊંડાં છે અને જેમણે પણ પોતાનામાં ઊંડાણ લાવવું છે તેમણે આને સમજવાના પ્રયાસ કરવા જોઈએ. જોકે આ આડવાત થઈ એટલે ફરીથી કહી દઉં કે વ્યસન માત્ર ખાણી-પીણીની આદતોનું નથી હોતું, પણ ‘આઇ ઍમ સમથિંગ’નું વ્યસન સૌથી ભારે હોય છે.

દરેક પોતાને મહત્ત્વપૂર્ણ ગણે છે એમાં ખોટું પણ નથી, પરંતુ પોતે મહત્ત્વપૂર્ણ હોવાની સાથે બીજા બધા તો રસ કાઢેલા શેરડીના કૂચા જેવા છે એવું પણ ઘણા લોકો માની લે અને એમાં જ ક્યારેક મોર કળા કરે અને પૂંઠને ઉઘાડી કરી દે એવી હલકાઈ કરી બેસે છે. વાત કે વિષયમાં ખબર પડે કે નહીં, પણ હું કહું એ સાચું એવો આગ્રહ વ્યક્તિને લોકોમાં અળખામણો તો કરશે જ, પણ વ્યક્તિગત રીતે તેનો વિકાસ પણ અટકી જશે. તમે જાતને બંધિયાર બનાવવા માગતા હો, તમે પડ્યાં-પડ્યાં કોહવાઈ કે સડી જવા માગતા હો, તમે જીવનને વિકસવાથી કુંઠિત કરી દેવા માગતા હો તો પોતે જ સાચા હોવાનો આગ્રહ રાખો, પણ એ રાખતી વખતે ભૂલવાનું નહીં કે જે વહે છે એ જીવંત છે.

જે પાણી વહેવાનું બંધ થઈ જાય એ પાણીમાં દુર્ગંધ આવવા માંડે છે. ઝરણું ભલે પથ્થરોથી અફળાય, ઊંચા પહાડોથી પડે, પણ એ વહે છે ત્યાં સુધી એની પવિત્રતા, એની જીવંતતા જળવાયેલી રહે છે. પાણી જેવા બનવાના પ્રયાસ કરો. શીખવાની ઉંમર નથી એ સરળ વાતને સમજો અને તમારી ધારણા ખોટી પણ હોઈ શકે એ વાત માટે મનથી મોકળા રહો. વધુ વર્ષો જીવ્યા હો અને વધુ કામ કર્યું હોય તો વધુ અનુભવ બની શકે, પરંતુ એનો અર્થ એવો પણ નથી કે ઉંમર કે અનુભવમાં તમારાથી નાના પાસેથી કંઈ શીખવાનું ન હોય. તમારા આગ્રહને છોડીને જ્યારે બધુ ગ્રાહ્ય કરવાના આશયથી સારા લોકોના સંસર્ગમાં રહેશો તો તમારા વ્યક્તિત્વમાં ચાર ચાંદ લાગી ગયા હશે, એ પણ તમારી જાણ બહાર. બાળકની જેમ શીખતા જનારા લોકો ક્યારેય જીવનમાં ઘરડા નથી થતા.

શું કામ?

કારણ કે તેઓ ઘરેડમાં નથી જીવતા. ઘરેડ તોડીને દરેક પ્રકારના નવા અનુભવો માટે તૈયાર હોય છે તેઓ.

columnists manoj joshi