સોનેરી રંગ લાવ્યો ગોલ્ડન પિરિયડ

27 July, 2021 07:18 PM IST  |  Mumbai | Varsha Chitaliya

જૂના સિક્કામાંથી ટ્રી, ફોટોફ્રેમ, પર્સનલાઇઝ્ડ ટ્રે ઍન્ડ ટેબલ કોસ્ટર્સ બનાવવાની યુનિક ટૅલન્ટને કારણે લોકો તેમને અપ્રોચ કરવા લાગ્યા છે ત્યારે વાત કરીએ તેમની સર્જનાત્મક પ્રવૃત્તિ અને અનાયાસ શરૂ થયેલા સ્મૉલ સ્ટાર્ટઅપની 

સોનેરી રંગ લાવ્યો ગોલ્ડન પિરિયડ

અઢી દાયકા બાદ હાથમાં બ્રશ પકડનાર વિલે પાર્લેનાં ચૈતાલી શાહે પોતાની ક્રીએટિવિટીને કામે લગાડીને પેઇન્ટિંગ્સમાં અઢળક પ્રયોગો કર્યા છે. જૂના સિક્કામાંથી ટ્રી, ફોટોફ્રેમ, પર્સનલાઇઝ્ડ ટ્રે ઍન્ડ ટેબલ કોસ્ટર્સ બનાવવાની યુનિક ટૅલન્ટને કારણે લોકો તેમને અપ્રોચ કરવા લાગ્યા છે ત્યારે વાત કરીએ તેમની સર્જનાત્મક પ્રવૃત્તિ અને અનાયાસ શરૂ થયેલા સ્મૉલ સ્ટાર્ટઅપની 

મુંબઈની હેક્ટિક લાઇફમાં ક્યારેય ન મળી હોય એવી નિરાંત કોરોનાકાળમાં મળી છે. વર્ષો પછી હાથમાં બ્રશ લઈને પોતાની અંદર છુપાયેલી ટૅલન્ટને કૅન્વસ પર ઉતારીને અનેક લોકો વીસરાઈ ગયેલી હૉબી સાથે રી-કનેક્ટ થઈ શક્યા છે. વિલે પાર્લેમાં રહેતાં ચૈતાલી શાહ પણ એમાંના એક છે. ૪૭ વર્ષનાં આ ગૃહિણીએ અઢી દાયકા બાદ હાથમાં પેઇન્ટિંગનું બ્રશ પકડ્યું અને જાણે કે જાદુ થયો. ઇમેજિનેશન અને ક્રીએટિવિટીને રંગોમાં ઢાળીને તેમણે અઢળક આર્ટવર્ક તૈયાર કર્યાં છે. ગોલ્ડન ટ્રી, ફોટોફ્રેમ, પર્સનલાઇઝ્ડ ટ્રે ઍન્ડ ટેબલ કોસ્ટર્સ બનાવવાની યુનિક ટૅલન્ટને કારણે હવે આર્ટનું સ્મૉલ સ્ટાર્ટઅપ શરૂ થઈ ગયું છે.  
ફુરસદ કે દિન
ટેક્સટાઇલ ડિઝાઇનિંગની ડિગ્રી મેળવનાર ચૈતાલીએ ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે તે ફરી હાથમાં બ્રશ પકડશે. મારી અંદર ટૅલન્ટ છુપાયેલી છે એવું હું પોતે ભૂલી ગઈ હતી એમ જણાવતાં તેઓ કહે છે, ‘વેલ-સેટલ્ડ ફૅમિલીમાં મૅરેજ થયાં છે અને એ જમાના પ્રમાણે લગ્ન બાદ નોકરી કરવાનો પ્રશ્ન નહોતો એમાં ડ્રૉઇંગ છૂટી ગયું. ઉચ્ચ અભ્યાસ માટે દીકરો અમેરિકા ચાલ્યો ગયો ત્યારથી આમ જુઓ તો જીવનમાં નવરાશ જ હતી. કોરોનામાં બહાર નીકળવાનું હતું નહીં તેથી ફુરસદમાં વધારો થયો. ફર્સ્ટ લૉકડાઉન દરમિયાન દિયરની દીકરી સમય પસાર કરવા ચિત્રો દોરતી હતી એ જોઈને મને થયું કે ટાઇમપાસ માટે સારો વિકલ્પ છે. જોકે દુકાનો બંધ હોવાથી કાગળ-પેન્સિલ સિવાય એક પણ વસ્તુ ઘરમાં જડે નહીં. કલર્સ અને બ્રશ પણ લિમિટેડ હતાં. ભત્રીજી ચિત્રો દોરી લે પછી એ જ કાગળની પાછળ હું ડ્રૉઇંગ બનાવતી. મનગમતી ઍક્ટિવિટી મળી જતાં વિવિધ આર્ટ શીખવામાં રસ જાગ્યો.’
ક્રીએટિવિટી ખીલી
ઍક્રિલિક અને વૉટર કલર સાથે રમતાં આવડી ગયા બાદ ચૈતાલીએ નવું શીખવા ઇન્ટરનેટ પર ખણખોદ કરી. રેઝિઆન અને ડૉટ મન્ડેલા આર્ટ સહિત અનેક પ્રકાર પેઇન્ટિંગમાં શીખ્યા. મૃણાલ દત્તના પેઇન્ટિંગથી ઇન્સ્પાયર્ડ થઈને ઘણું નવું ટ્રાય કર્યું. જેમ-જેમ કૅન્વસ પર રંગ ઊતરતા ગયા એમ-એમ તેમની કળા નીખરતી ગઈ. એક તબક્કો આવ્યો જ્યારે ઘરમાં પેઇન્ટિંગ્સનો ઢગલો થઈ ગયો. હવે નવતર પ્રયોગ કરવાનો સમય આવી ગયો હતો, કારણ કે પેઇન્ટિંગ્સ કરી-કરીને તમે કેટલાં ભેગાં કરો? એનો યુઝ થાય તો ગમે.
પેઇન્ટિંગ્સ વેસ્ટ નહોતાં કરવાં તેથી ઇનોવેટિવ આઇડિયાઝ અપ્લાય કર્યા એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘ગિફ્ટ આપવા માટે ચૉકલેટ્સ અને મીઠાઈનાં બૉક્સ પર પેઇન્ટિંગ્સ કર્યાં. ફોટોફ્રેમ પણ બનાવી. પર્સનલ ટચ આપવા જેમને ગિફ્ટ આપવાની હોય એ ફૅમિલીની સરનેમના પહેલા લેટરને હાઇલાઇટ કરીને પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે. ત્યાર બાદ પર્સનલાઇઝ્ડ ટ્રે અને ટેબલ કોસ્ટર બનાવ્યાં. અમારી ફૅમિલી માટે કટલરીનો સેટ બનાવ્યો જેમાં ઘરના તમામ સભ્યોનાં નામનો પહેલો અક્ષર લખ્યો છે. લોકોનો સારો રિસ્પૉન્સ મળતાં થયું કે હું હજી સારું કરી શકું છું. એ પછી ઘરમાં સંઘરી રાખેલા જૂના સિક્કાઓમાંથી ટ્રી બનાવ્યું તો બધાને ખૂબ ગમ્યું. ’ 
મનીનો રોલ નથી
પર્સનલાઇઝ્ડ પ્રોડક્ટ્સથી આકર્ષાઈને એક ફ્રેન્ડે પોતાના માટે બનાવી આપવા રિક્વેસ્ટ કરી હતી એનો અનુભવ શૅર કરતાં તેઓ કહે છે, ‘જેમ-જેમ સર્કલમાં ખબર પડતી ગઈ એમ-એમ લોકો સંપર્ક કરવા લાગ્યા. એક જણે દેશ-વિદેશના કૉઇન્સ આપતાં કહ્યું કે આમાંથી ટ્રી બનાવી આપશો? કેટલા પૈસા લેશો? પૈસાની વાત આવે ત્યારે એમ થાય કે મટીરિયલના શું પૈસા લેવા? મને સંકોચ થવા લાગે, કારણ કે મનીનો કોઈ રોલ આવતો નથી. હું જવાબ ન આપું એટલે તેઓ સમજી જાય અને કહે કે મહેનતના પૈસા લઈ લેજે. લોકો પ્રેમથી જે આપે એ લઈ લઉં છું. દિવસના પાંચ કલાક એમાં જ રચીપચી રહું છું. આ ઍક્ટિવિટીના કારણે ઘરના સભ્યો ઉપરાંત સાસુનો નજરિયો પણ બદલાઈ ગયો છે. કોઈ પણ ખૂણામાં બેઠી હોઉં સાંજના પાંચ વાગે એટલે ચાનો કપ લઈને આવી જાય. ચા ઠરી જાય એ પહેલાં પી લેજે એવો આગ્રહ કરે ને પછી પેઇન્ટિંગનાં વખાણ કરીને ચાલ્યા જાય. પ્રેમથી બોલેલા આટલા શબ્દો મારા માટે પ્રોત્સાહનનું કામ કરે છે. હવે આત્મવિશ્વાસ વધ્યો છે અને ખૂબ ખુશી મળી છે.’ 

બધું જ ગોલ્ડન
ચૈતાલીનાં તમામ પેઇન્ટિંગ્સની ખાસિયત છે સોનેરી રંગ. ગોલ્ડન કલરનો હાઇએસ્ટ ઉપયોગ કરવાનું કારણ શૅર કરતાં તેઓ કહે છે, ‘સોના જેવો પીળો ચળકતો રંગ હંમેશાં અટ્રૅક્ટ કરે છે. ડે-ટુ-ડે લાઇફમાં પણ બધી વસ્તુમાં ગોલ્ડન બહુ ગમે. ગોલ્ડ ઇઝ માય સ્પેશ્યલિટી. એના વગર ચેન ન પડે. પેઇન્ટિંગમાં ગોલ્ડન ઇફેક્ટ આપવા ભગવાનને ધરવામાં આવતા સોનાના વરખનો ઉપયોગ કરું છું. વરખને ઘોળી એમાં ફેવિકોલ ઉમેરી જે મિશ્રણ તૈયાર થાય એને બ્રશની મદદથી સ્પ્રેડ કરી હાથેથી દબાવી દઈએ એટલે સોના જેવી ઇફેક્ટ આપે. જોકે એક ડેન્ટિસ્ટ ફ્રેન્ડ માટે દાંતના આકારના આર્ટવર્ક માટે સિલ્વર વરખ વાપર્યો હતો. જીવનનાં પચાસ વર્ષની નજીક આવ્યા બાદ શરૂ કરેલી સર્જનાત્મક પ્રવૃત્તિમાં સોનેરી રંગ ઉમેરાતાં લાઇફમાં ગોલ્ડન પિરિયડ આવ્યો હોય એવું ફીલ કરી રહી છું.’

columnists Varsha Chitaliya