ઈશ્વરને ધર્મથી છોડાવવો પડશે

18 December, 2022 12:02 PM IST  |  Mumbai | Kana Bantwa

ધર્મ ઈશ્વર પર આધારિત છે. એની આજુબાજુ પોતાનું અસ્તિત્વ એણે ગૂંથ્યું છે. એ ગૂંથણીમાં વળી પૂજા, કર્મકાંડ, વિધિ વગેરેનાં આભલાં ટાંક્યાં છે. પોતાને શણગારવામાં ધર્મોએ કશું જ બાકી રાખ્યું નથી

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

‘ધર્મને મુક્ત કરી દેવાની જરૂર છે એવું કહેતો તમારો લેખ ખરેખર તો જગતને ધર્મથી મુક્ત કરવાનું કહેતો હોય એવું લાગ્યું. વિશ્વને ધર્મથી મુક્ત કરવાનું સીધું જ કહી દીધું હોત તો વધુ સાચું લાગ્યું હોત. ધર્મના નામે જગતમાં જે ચાલી રહ્યું છે એ જોતાં ધર્મથી ફાયદો થવાને બદલે નુકસાન વધુ થવાનો ખતરો છે. ધર્મને જો મુક્ત કરી દેવામાં આવે તો પછી ધર્મ કયા સ્વરૂપમાં રહે?’

ગયા અઠવાડિયે ધર્મને મુક્ત કરવા વિશે લખેલા આર્ટિકલના પ્રતિભાવમાં ઘણા એવા વિચાર મળ્યા છે જે ખરેખર ઇન્ટેલિજન્ટ હતા. એમાંથી થોડા ટુકડા છે આ. જોકે એક પ્રતિભાવમાં પુછાયેલો એક પ્રશ્ન જરા વધુ ગમી ગયો. પ્રશ્ન હતો, ‘ધર્મ અને ઈશ્વર વચ્ચે શું સંબંધ?’ પ્રથમ દૃષ્ટિએ સાવ સાધારણ લાગતો પ્રશ્ન અસલમાં અત્યંત અસાધારણ છે. વાચકને ઈ-મેઇલથી આપેલો ટૂંકો જવાબ એવો હતો કે ‘વાસ્તવમાં ઈશ્વરના નામે ધર્મ નામની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ઈશ્વર ધર્મ પર અવલંબિત નથી. ઈશ્વરને કોઈ ધર્મ સાથે કશું લાગતું-વળગતું નથી. ઈશ્વર ધર્મથી પર છે, ધર્મનિરપેક્ષ છે. ઈશ્વર ધર્મથી સ્વતંત્ર, મુક્ત છે. માણસે ધર્મ બનાવીને ઈશ્વરને એમાં મર્યાદિત કરી દીધો છે, બાંધી દીધો છે. એને એમાંથી છોડાવવો જરૂરી છે.’

આ ટૂંકા ઉત્તરને અહીં જરા વધુ વિસ્તારીએ. દરેક ધર્મ માણસને સમજાવે છે કે પરબ્રહ્મ પરમાત્મા આ સૃષ્ટિના રચયિતા છે. તે સર્વશક્તિમાન છે અને તેના સિવાય અન્ય કોઈ નથી. કોઈ ધર્મ એવું નથી કહેતો કે દરેક ધર્મના અલગ-અલગ ઈશ્વર છે. હા, નામ અલગ છે, પરિવેશ અલગ છે, કલ્પના અલગ છે. જોકે જેને ડેમીગૉડ કહીએ છીએ એ દેવ-દેવતા અલગ છે. ઈશ્વરને જાણવા માટેના માર્ગો ધીમે-ધીમે સુગ્રથિત થતા ગયા. તેઓ નિયમોમાં, વ્યવસ્થામાં બંધાતા ગયા અને અંતે ધર્મો બન્યા. ઈશ્વર તરફ જતા આ તમામ માર્ગોની પોતાની વિશિષ્ટતા અને વિશેષતા છે. ઈશ્વર માટે પણ ધર્મ પોતાની ઓળખ નહીં, માર્ગ માત્ર છે. આપણે ધર્મને ઈશ્વરની ઓળખ કરાવનાર તરીકે માની લીધો છે. મોટા ભાગના માણસો તો ઈશ્વર અને ધર્મને પૂરક માને છે. હકીકતમાં ઈશ્વરનું પૂરક કશું હોઈ જ શકે નહીં. ભાગવતમાં ભગવાન કૃષ્ણના મુખમાં એક વાક્ય મૂકવામાં આવ્યું છે એ બહુ સૂચક છે. કૃષ્ણ કહે છે, ‘મારો કોઈ ધર્મ નથી.’ વાક્ય અલગ જ સંદર્ભમાં કહેવાયું છે, પણ એ સંદર્ભનો પડદો હટાવી લેવામાં આવે તો અદ્ભુત દર્શન થાય છે. પ્રિય પત્ની રુક્મિણીને મજાકમાં ચીડવતાં કૃષ્ણ પોતાના વિશે કહે છે કે ‘તને પરણવા માટે તો રાજાઓની લાઇન હતી. શિશુપાલ સાથે સગપણ પણ થઈ ગયું હતું. હું તો રાજા પણ નથી, ગામડિયો કહેવાઉં છું. મારો તો કોઈ એક ધર્મ પણ નથી. તમે શું જોઈને મારામાં મોહી ગયાં?’ આ સંદર્ભ વગર જોઈએ ત્યારે સમજાય છે કે કૃષ્ણએ કેટલી મોટી વાત કરી છે. ઈશ્વરનો કોઈ ધર્મ ન હોઈ શકે, ઈશ્વર કોઈ ધર્મના ન હોઈ શકે. વાત ભલે કૃષ્ણ પરમાત્માએ કરી હોય, પણ ગળે ઉતારવી મુશ્કેલ લાગે. આપણે ક્યારેય ઈશ્વર અને ધર્મને અલગ કરીને જોવાનું વિચાર્યું પણ ન હોય. એ જ કૃષ્ણ ભગવદ્ગીતામાં કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. તમામ ધર્મોને ત્યાગીને તું મારા એકના શરણમાં આવ. આ શ્લોક સમજવા જેવો છે. એનો અર્થ એવો પણ કાઢી શકાય કે ‘ધર્મોના ચક્કરમાંથી છૂટીને તું મારા શરણમાં આવ.’ અહીં હરિવંશરાય બચ્ચનની કવિતા મધુશાલાની પંક્તિ યાદ આવી જાય : ‘ધર્મગ્રંથ જો જલા ચૂકી હૈ, જીસ કે અંતર કો જ્વાલા, મંદિર, મસ્જિદ, ગિરિજે સબ કો તોડ ચૂકા જો મતવાલા, પંડિત મોમિન પાદરિયો કે ફંદો કો જો તોડ ચૂકા, કર સકતી હૈ આજ ઉસી કા સ્વાગત મેરી મધુશાલા.’ ભગવદ્ગીતામાં જે કશું કહ્યું છે એ કૃષ્ણ જીવ્યા છે એટલે જ કદાચ તેમણે પોતાનો કોઈ ધર્મ શરૂ કરાવ્યો નહોતો. તે તો સીધા ઈશ્વરના જ શરણે જવાનું કહે છે. કૃષ્ણ ઈશ્વરને ધર્મના મોહતાજ ગણતા નથી એટલે જ કહે છે કે ત્રણ વેદના ધર્મને માનનારાઓ સ્વર્ગને પામી શકે; પણ મોક્ષને, ઈશ્વરને પામી શકે નહીં.

ઈશ્વરને ધર્મો સાથે જોડીને માણસે એને મર્યાદિત બનાવી દીધો છે, સંકુચિત કરી દીધો છે. ઈશ્વરને ધર્મના અવલંબનની જરૂર નથી, માણસને છે. ઈશ્વર ધર્મનો મોહતાજ નથી, માણસ છે. ઈશ્વરને આ જગતના સર્જન, પોષણ અને લય કરવા માટે ધર્મની આવશ્યકતા નથી, માણસને છે. ઈશ્વર ધર્મ-અધર્મ-વિધર્મથી અલિપ્ત છે. ધર્મ ન હોય તો પણ ઈશ્વરનું અસ્તિત્વ રહે, ઈશ્વર ન હોય તો ધર્મનું અસ્તિત્વ ન રહી શકે. ધર્મ ઈશ્વર પર આધારિત છે. એની આજુબાજુ પોતાનું અસ્તિત્વ એણે ગુંથ્યું છે. એ ગુંથણીમાં વળી પૂજા, કર્મકાંડ, વિધિ વગેરેનાં આભલાં ટાંકયાં છે. વચ્ચે-વચ્ચે ધાર્મિક સ્થળોરૂપી ભરત ભર્યાં છે. પોતાને શણગારવામાં ધર્મોએ કશું જ બાકી રાખ્યું નથી. બધો શણગાર ઈશ્વરના નામે કરાયો છે, પણ છે પોતાના માટે જ. ઈશ્વરને ક્યાં આવા ઝાકમઝોળ ધર્મની આવશ્યકતા છે? એને ક્યાં દેખાડાની પડી છે? પોતાના તરફ આવતા રસ્તાઓને આટલા ભવ્ય બનાવી દેવામાં આવે એનાથી ઈશ્વર પોરસાતો નહીં હોય. એ ખુશ નહીં થતો હોય, દુ:ખી પણ નહીં જ થતો હોય. હસતો હશે? ના, હસતો પણ નહીં હોય, કારણ કે પરિહાસ કે ઈર્ષા કે તરફેણ કે રાગ કે દ્વેષ કે મોહથી એ પર છે.

ઈશ્વર પોતે ધર્મથી મુક્ત છે, પણ માણસે ઈશ્વરને ધર્મથી મુક્ત એવી સત્તા તરીકે જોવાની જરૂર છે. માણસ ધર્મને ઈશ્વરથી અલગ કરી શકે એમ નથી, કારણ કે ધર્મને તેણે જીવન જીવવાની પદ્ધતિ તરીકે નહીં પણ સંપ્રદાય તરીકે વિકસાવ્યા છે. ઈશ્વર વગર સંપ્રદાયોનો નિર્વાહ ન ચાલે. ધર્મનો ચાલે, જો તે સાચે જ ધર્મ હોય તો. ઈશ્વરને પામવા માટે ધાર્મિક હોવું જરૂરી નથી. જે માણસ કોઈ ધર્મમાં ન માનતો હોય, સ્વયં ઈશ્વરમાં પણ જે માનતો ન હોય તેના પ્રત્યે પણ ઈશ્વર એવો જ ભાવ રાખે જેટલો ધાર્મિક ભક્ત પ્રત્યે રાખે. એના માટે તો બધા જ સરખા છે એટલે ઈશ્વરે કહ્યું છે કે મારા માટે ચાંડાળ અને બ્રાહ્મણ સમાન છે. ઈશ્વરને એના મૂળ રૂપમાં પામવો હોય, જોવો હોય તો એક તબક્કે ધર્મોનું અવલંબન પણ છોડી દેવું પડે. નૌકામાં બેસીને નદી પાર કર્યા પછી નૌકાને છોડી દેવી પડે. નૌકાને છોડવામાં ન આવે તો કિનારે પહોંચી શકાય નહીં. ધર્મ નૌકા છે, કિનારો નથી. એ પણ સમજી લેવું પડે કે નદી પાર કરવા માટે નૌકા, તરાપો, તુંબડું, દોરડું, પુલ, વિમાન કે પાંખો કશુંક તો જોઈશે જ. સાધન વગર સાધ્ય સુધી પહોંચવું સંભવ નથી. એટલે ધર્મને સાધન માનીને વર્તવું, સાધ્ય ન સમજી લેવું. જેના માટે ધર્મ સાધન છે તે ઈશ્વર સુધી પહોંચી જાય છે, જે સાધ્ય માને છે તે નદીના પ્રવાહમાં જ રહે છે. સમસ્યા એ છે કે ઈશ્વરને એના મૂળ રૂપમાં પામવા ઇચ્છે છે કેટલા? બધાને પોતાની કલ્પના મુજબના રૂપમાં ઈશ્વરને પામવા છે અને ઈશ્વર એવા કોઈ કાલ્પનિક રૂપે તો છે જ નહીં. પોતાની માન્યતા મુજબના ઈશ્વરના રૂપને ભજવામાં પણ વાંધો તો નથી જ, ફાયદો જ છે એટલે ધર્મની વ્યવસ્થા ચલાવી લેવી પડે છે, અનિવાર્ય અનિષ્ટ માનીને.

columnists kana bantwa