તમારે શું બનવું છે એ પ્રશ્ન પૂછવાનું ત્યાં સુધી બંધ ન કરવું જ્યાં સુધી તમને સંતોષકારક જવાબ ન મળે

31 January, 2025 01:07 PM IST  |  Mumbai | Laxmi Vanita

ન્યુરોબાયોલૉજી ભણી પણ એમાં આજીવન કામ નહીં કરી શકું એવો અહેસાસ થતાં ઘાટકોપરની પૂજા પટેલે અમેરિકા જઈને ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કર્યો.

ગયા મહિને પોતાના પહેલા એક્ઝિબિશન માટે દિવસના ૧૨ કલાક પેઇન્ટિંગ કર્યું હતું પૂજા પટેલે.

ન્યુરોબાયોલૉજી ભણી પણ એમાં આજીવન કામ નહીં કરી શકું એવો અહેસાસ થતાં ઘાટકોપરની પૂજા પટેલે અમેરિકા જઈને ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કર્યો. મુંબઈ આવીને છ વર્ષ આ ફીલ્ડમાં કામ કર્યા પછી પણ સંતોષ ન મળવાથી એમાં બ્રેક લીધો. મેડિટેશન કરતી વખતે યુનિવર્સને પોતાના જીવનના હેતુ વિશે સવાલ પૂછ્યો તો પેઇન્ટર બનવાનો જવાબ મળ્યો. આ પ્રોફેશનમાં પૈસા મળશે કે નહીં એ ચિંતા છોડીને છેલ્લા એક વર્ષથી આ ગુજરાતી ગર્લ પેઇન્ટિંગ કરે છે. ૨૦૨૫ના જાન્યુઆરીમાં પોતાનું પહેલું ઓરિજિનલ આર્ટવર્ક ‘ડિવાઇન એનર્જી’ પણ પ્રદર્શિત કર્યું

કરીઅર કાઉન્સેલિંગ, પરિવારના અનુભવીઓની સલાહ, મિત્રોના અનુભવો પરથી પણ એ તાગ કાઢવો મુશ્કેલ છે કે પોતાને કરવું શું છે. કદાચ આ જ સવાલ લોકોને સૌથી વધારે માનસિક તાણ આપતો હશે, પરંતુ જો થાકીને કે કંટાળીને આ સવાલ પૂછવાનું બંધ કરી દીધું તો આજીવન ઉદાસ કે દુખી રહીને જે પ્રોફેશનમાં છો એમાં જ કામ કરવું પડશે. એટલે પોતાને શું બનવું છે એ સવાલ ત્યાં સુધી પૂછતા રહેવું જ્યાં સુધી એનો સંતોષકારક જવાબ ન મળે. જ્યારે સંતોષકારક જવાબ મળે ત્યારે તમારી પ્રગતિની ઝડપ પર તમે વિશ્વાસ નહીં કરી શકો. એવી જ સફર રહી છે ઘાટકોપરમાં રહેતી પૂજા પટેલની જેણે પોતાની ત્રીસીમાં પોતાનું પૅશન શોધ્યું. મળીએ પ્રોફેશનલ પેઇન્ટર પૂજાને જે એક સમયે માત્ર ફોટો પરથી ડ્રૉઇંગ અને કલર કરતી હતી અને આજે ઓરિજિનલ આર્ટવર્ક કરતી થઈ ગઈ છે.

 

ઉત્સુકતા મને સાયન્સમાં લઈ ગઈ

સંયુક્ત પરિવારમાં ઊછરેલી અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતી પૂજા પટેલ કહે છે, ‘હું સ્કૂલમાં શરમાળ હતી પરંતુ રંગોળી કે હૅન્ડરાઇટિંગ જેવી ક્રીએટિવિટીને લગતી દરેક સ્પર્ધામાં ભાગ લેતી. દર વર્ષે હું હૅન્ડરાઇટિંગ સ્પર્ધાની વિનર રહેતી. મમ્મી મને સ્પોર્ટમાં મૂકતી અને સમર-કૅમ્પમાં સ્ક્વૉશ, સ્કેટિંગ અને ટેનિસ રમતી; પણ એમાં હું થોડા સમય સુધી જ રસ જાળવી શકતી હતી. પરિવારમાં બધા જ સપોર્ટિવ હતા. હું ભણવામાં હોશિયાર હતી અને બહુ જ સારા માર્ક્સ પણ લાવતી હતી. એ સમયે મને વિજ્ઞાનમાં બહુ જ નવી-નવી વસ્તુઓ જાણવાની ઉત્સુકતા રહેતી. હું આઠમા ધોરણમાં હતી ત્યારે મારાં એક આન્ટી લિવર સિરૉસિસના કારણે મૃત્યુ પામ્યાં. હું તેમનાથી બહુ ક્લોઝ હતી. ત્યારે આ રોગ વિશે જે સવાલો મનમાં ઊઠ્યા કે કોષો શું હોય છે અને કેવી રીતે કામ કરે છે એના કારણે હું ન્યુરોબાયોલૉજી ભણી. મને એ ખ્યાલ હતો કે મારે ડૉક્ટર નથી બનવું, પણ મને રિસર્ચમાં રસ હતો. કૉલેજમાં બીજા વર્ષમાં મને સવાલ થયો કે શું હું આ ફીલ્ડમાં આજીવન કામ કરી શકીશ? મને લાગ્યું કે આ ઉત્સુકતા સંતોષ માટે બરાબર છે પણ હું કદાચ કામ નહીં કરી શકું. તેમ છતાં મેં મારી ડિગ્રી પૂરી કરી. પછી હું પ્રૅક્ટિકલી વિચારવા લાગી હતી. હવે મારે એવું કંઈક ભણવું હતું જે પછી મારા પ્રોફેશનમાં બદલાઈ શકે.’

પૂજાએ ૨૦૨૪ની શરૂઆતમાં ટી-શર્ટ અને શર્ટ પર સૌથી પહેલાં પેઇન્ટિંગ શરૂ કર્યું હતું.

પરંતુ વાસ્તવિકતા મને ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં લઈ ગઈ

તમને શું કરવું એ ખબર ન હોય તો ચાલે પણ એ તો ખબર હોવી જોઈએ કે શું નથી કરવું એમ જણાવતી પૂજા કહે છે, ‘મારા પપ્પા રિયલ એસ્ટેટના બિઝનેસમાં છે અને મને વિશ્વાસ હતો કે હું ક્યારેય ફૅમિલી બિઝનેસમાં નહીં જોડાઉં. નાનપણથી હું આર્કિટેક્ટ્સ અને ઇન્ટીરિયર ડિઝાઇનર્સથી ઘેરાયેલી રહેતી. ઘરના કે બિલ્ડિંગના પ્લાન્સ અને એમાં જુદી-જુદી ડિઝાઇન્સ જોતી હતી એટલે ક્રીએટિવિટી મને બહુ જ આકર્ષતી હતી. ન્યુરોબાયોલૉજીની ડિગ્રી પૂરી કરીને હું ન્યુ યૉર્કની પાર્સન સ્કૂલ ઑફ ડિઝાઇનમાં ઇન્ટીરિયર ડિઝાઇનિંગનો કોર્સ કરવા ગઈ. એક વર્ષ પછી મુંબઈ આવીને મેં જાણીતા આર્કિટેક્ટ નોઝર વાડિયા અસોસિએટ્સમાં એક વર્ષ કામ કર્યું અને પછી પોતાની પ્રૅક્ટિસ શરૂ કરી. છ વર્ષ આ ફીલ્ડમાં કામ કર્યા પછી પણ કંઈક અધૂરું લાગતું હતું. છેલ્લે જ્યારે મેં મારી પ્રૅક્ટિસ બંધ કરી ત્યારે હું અલીબાગમાં ફાર્મહાઉસનું ઇન્ટીરિયર કરી રહી હતી. ત્યારે જ મેં બ્રેક લેવાનું વિચાર્યું. ૨૦૨૩માં મેં બેઝિક પ્રાણિક હીલિંગનો કોર્સ કર્યો. ત્યાર બાદ ઍડ્વાન્સ પ્રાણિક હીલિંગ, સાયકોથેરપી પ્રાણિક હીલિંગ અને આત્મા પર કોર્સ કર્યો. ત્યાર પછી હું આર્હાટિક યોગ પ્રેપરેટરી કોર્સ કરી રહી હતી. આ કોર્સ દરમ્યાન મેડિટેશન પહેલાં મારા ગુરુએ એક સવાલ પૂછવા કહ્યું અને ત્યાર બાદ મેડિટેશન કરવા કહ્યું. જ્યારે મેડિટેશનમાંથી બહાર આવી ત્યારે મને યુનિવર્સે મારા જીવનનો હેતુ કહી દીધો હતો. મને પેઇન્ટર બનવાનો મેસેજ મળ્યો અને ૨૦૨૪થી મેં પેઇન્ટિંગ કરવાનું શરૂ કરી દીધું. આ જવાબ બહુ સંતોષકારક હતો, કારણ કે એમાં કોઈ સ્વાર્થ નહોતો જોડાયેલો. ન્યુરોબાયોલૉજી અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગ મેં આર્થિક રીતે સફળ થવા પસંદ કરેલા કોર્સ હતા. એમાં પણ મને મજા ન આવી એટલે અત્યારે પૈસા વિશે વિચારવાનું છોડી દીધું છે. પેઇન્ટિંગમાંથી હું કેટલું કમાઈશ એ તો નથી ખબર, પરંતુ હું સર્વાઇવ જરૂર કરીશ. હું આ પ્રોફેશનમાં સફળ થવા માટે ૧૦૦ ટકા આપીશ એટલો મને વિશ્વાસ છે.’

અને પૅશન મને પેઇન્ટિંગમાં ખેંચી ગયું

કિન્ડરગાર્ટનમાં ટીચરે એક ડ્રૉઇંગમાં કલર પૂરવા સ્કેચ આપ્યો અને સૂચના આપી કે બૉર્ડરની બહાર કલર ન જવો જોઈએ. ઑરેન્જ કલરની ફૅન પૂજાએ એમાં બહુ ચીવટતાથી રંગ ભર્યો. ટીચર એટલા ઇમ્પ્રેસ થઈ ગયા કે મમ્મી સામે વખાણ કરવા લાગ્યા એમ જણાવતી પૂજા કહે છે, ‘મને વસ્તુઓ બહુ જ પર્ફેક્ટ જોઈએ. પેઇન્ટિંગ વિશે એ એક જ કિસ્સો મને યાદ છે. ત્યાર બાદ સ્કૂલ, કૉલેજ અને પ્રોફેશનમાં વ્યસ્ત હતી; પરંતુ દરેક વેકેશન કે રજાઓમાં હું ડ્રૉઇંગના ક્લાસમાં પહોંચી જતી. પેઇન્ટર બનવાનું નક્કી કર્યું એ પછી સૌથી પહેલાં તો ટી-શર્ટ અને શર્ટ પર જ કરી રહી હતી. ત્યાર પછી મારા કઝિન ભાઈએ તેને ઘરમાં આર્ટવર્કની જરૂર હતી તો મને એ આર્ટવર્ક કરવા કહ્યું અને એ મારું પ્રોફેશનલ પેઇન્ટર તરીકે પહેલું અસાઇનમેન્ટ હતું. પહેલાં હું કોઈ ફોટો જોઈને પેઇન્ટિંગ બનાવતી હતી પરંતુ પછી મેં ઓરિજિનલ બનાવવાનો વિચાર કર્યો. ૨૦૨૪ના ડિસેમ્બરમાં થાણેની એક સંસ્થાએ ડિજિટલ પેઇન્ટિંગ કૉન્ટેસ્ટ યોજી હતી જેમાં ૧૫૦ પેઇન્ટિંગમાંથી ટૉપ ટેનમાં સ્થાન હાંસલ કર્યું. ૨૦૨૫ના જાન્યુઆરીમાં નેહરુ સેન્ટરમાં મેં મારા પહેલા આર્ટ કલેક્શન ડિવાઇન એનર્જીનું પ્રદર્શન કર્યું. મારી પેઇન્ટિંગની થીમ બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકોને જોડવાની હતી. તેથી રંગો પણ પીળો, ભૂરો, પર્પલનો ઉપયોગ કર્યો. આ રંગો એનર્જી દર્શાવે છે. આજે હું દિવસના ૮ કલાક પેઇન્ટિંગ કરવામાં વિતાવું છું. મારો પરિવાર તો મને સપોર્ટ કરે જ છે, પરંતુ મારાં આર્ટ-ટીચર રૂપાલી ભુવા મારાં સૌથી મોટાં સપોર્ટર છે. તેમણે જ મને પ્રેરણા આપી જેના કારણે હું મારું ઓરિજિનલ આર્ટવર્ક રજૂ કરી શકી.’

ghatkopar mumbai columnists gujarati community news mental health gujaratis of mumbai gujarati mid-day