ગડકરી અને રાજનાથ : રાજનીતિનું ઘનઘોર અંધારું સાફ કરવાનો પ્રયાસ

31 July, 2022 06:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજનીતિ છોડી દેવાના નીતિન ગડકરીના ખિન્નતાભર્યા વિધાનનું સ્વાગત થવું જોઈએ. તેમની વાતનું મહત્ત્વ એ છે કે તેમણે હાલની રાજનીતિની સરખામણી મહાત્મા ગાંધીના સમયની રાજનીતિ સાથે કરી છે અને વચ્ચેની રાજનીતિના લાંબા સમયને છોડી દીધો છે

ગડકરી અને રાજનાથ : રાજનીતિનું ઘનઘોર અંધારું સાફ કરવાનો પ્રયાસ

ગુજરાતીમાં જેમનું નામ બહુ લેવાતું નથી એવા પત્રકાર, કવિ અને લેખક શેખ આદમ મુલ્લા શુજાઉદ્દીન આબુવાલા ઉર્ફે ‘શેખાદમ’ રાજકીય કવિતાઓ લખવા માટે જાણીતા હતા. હવે તો રાજકારણ એટલું ખરાબ થઈ ગયું છે કે એના પર કવિતાઓ લખતાં પણ કવિઓ ડરે છે, રખેને અભડાઈ જવાય! ગુજરાતમાં નવનિર્માણ આંદોલનના સમયે શેખાદમનાં આવાં કાવ્યોનો ‘ખુરશી’ નામથી નાનકડો કાવ્યસંગ્રહ પ્રગટ થયો હતો. એ જ વખતે ઇન્દિરા ગાંધીએ કટોકટી પણ જાહેર કરી હતી. યોગાનુયોગ કહો કે શેખાદમનું રાજકીય નિરીક્ષણ, તેમણે એક ધારદાર મુક્તક લખ્યું હતું, જેમાં ભારતીય રાજનીતિની ખરાબી અને ખાસ તો મહાત્મા ગાંધી જે આદર્શો પર આઝાદીની લડાઈ લડ્યા હતા એના પતનની ઝલક હતી, 
‘કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો...’
ગયા શનિવારે ૨૩ જુલાઈએ કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ જે રીતે મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો એમાં શેખાદમના આ મુક્તકની યાદ આવી ગઈ. ગડકરીનું વિધાન રાજકીય વર્તુળો માટે ચોંકાવનારું હતું. તેમણે કહ્યું કે ‘મને વખતોવખત રાજનીતિ છોડવાનું મન થાય છે, કારણ કે મને લાગે છે કે કરવા માટે જિંદગીમાં બીજું ઘણું છે.’ 
તેમના શહેર નાગપુરમાં સમાજસેવક ગિરીશ ગાંધીના સન્માનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગડકરી બોલ્યા હતા, ‘મને ઘણી વાર લાગે છે કે મારે રાજનીતિ છોડી દેવી જોઈએ. રાજનીતિ સિવાય પણ જિંદગીમાં કરવા માટે બીજું ઘણું છે. આજે આપણે જે રાજનીતિ જોઈ રહ્યા છીએ એ ૧૦૦ ટકા સત્તામાં આવવા પર કેન્દ્રિત છે. રાજનીતિ વાસ્તવમાં સામાજિક બદલાવનું માધ્યમ છે, એટલા માટે આજના 
રાજનેતાઓએ સમાજમાં શિક્ષણ-કળા વગેરેના વિકાસ પર કામ કરવું જોઈએ. આપણે એ સમજવું જોઈએ કે રાજનીતિ શબ્દ છે શું. શું એ સમાજ અને દેશના કલ્યાણ માટે છે કે પછી સરકારમાં બની રહેવા માટે છે?’
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષપદ પર રહી ચૂકેલા ગડકરીએ ખિન્ન ભાવે કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીના સમયમાં રાજનીતિ સામાજિક અંદોલનનો હિસ્સો હતી, પરંતુ પછીથી રાષ્ટ્ર અને વિકાસના લક્ષ્ય પરથી એનું ફોકસ હટી ગયું.’
નીતિન ગડકરીના આ વિધાનનું સ્વાગત થવું જોઈએ. તેમણે ભારતની વર્તમાન રાજનીતિમાં જે પ્રકારે જાળાં બાઝેલાં છે એને સાફ કરવાનો પ્રયાસ કર્યો છે. એ 
વાતનું મહત્ત્વ એ છે કે તેમણે હાલની રાજનીતિની સરખામણી મહાત્મા ગાંધીના સમયની રાજનીતિ સાથે કરી છે અને વચ્ચેની રાજનીતિના લાંબા સમયને છોડી દીધો છે. 
એ અર્થમાં એવું કહેવાય કે ઇન્દિરા ગાંધીના સમયથી રાજનીતિની ચાલ અને ચારિત્ર બદલાવાનું શરૂ થયું હતું, જે આજે એની ચરમસીમા છે. મહાત્મા ગાંધીએ રાજનીતિ સહિત જીવનનાં તમામ ક્ષેત્રોમાં સાધનશુદ્ધિનો આગ્રહ રાખ્યો હતો. તેમને ખબર હતી કે સત્તા એક એવું સાધ્ય છે જે વ્યક્તિને અનૈતિક બનાવી દેવા માટે સક્ષમ છે. એટલા માટે તેમણે સાધ્ય કરતાં સાધન પર ભાર મૂક્યો હતો. તેમના મતે સાધ્ય ગમે એટલું સારું હોય, એને સિદ્ધ કરવાનું સાધન જો અશુદ્ધ હોય તો સાધ્ય પણ નકામું કહેવાય. 
તેમણે રાજનીતિમાં એટલા માટે જ સત્ય, અહિંસા અને સત્યાગ્રહને સાધનની શુદ્ધતાના માપદંડ બનાવ્યા હતા. તમે નીતિન ગડકરીના વિધાનનો મર્મ સમજો તો ભારતમાં સત્તાના સાધ્યને સિદ્ધ કરવા માટે આ ત્રણે માપદંડોનું ઉલ્લંઘન થાય છે. ઇન્દિરા ગાંધી માટે કહેવાય છે કે તેમણે ગાંધીજીની નૈતિક રાજનીતિને કોરાણે મૂકીને સત્તાની રાજનીતિ શરૂ કરી હતી. ઇન્દિરા તો સત્તાને જ નૈતિક લક્ષ્ય માનતાં હતાં. સ્વર્ગસ્થ પત્રકાર કુલદીપ નૈયર કટોકટીને યાદ કરીને એક ઠેકાણે લખે છે, ‘જે રીતે મૂલ્યોનાં તાણાવાણા છિન્નભિન્ન કરી નાખવામાં આવ્યા હતા એ જોઈને મહાત્મા ગાંધી જો આજે જીવતા હોત તો સૌથી દુખી આત્મા હોત.’
ગડકરીની ખિન્નતા પણ આવી જ છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બૅકગ્રાઉન્ડમાંથી આવે છે અને અટલ બિહારી વાજપેયીની શૈલીની રાજનીતિમાં રંગાયેલા છે. લોકશાહીનું તેઓ મનફાવે એવું અર્થઘટન કરતા નથી, પરંતુ ભારતના ઘડવૈયાઓએ મહામહેનતે બંધારણમાં જે પ્રકારની વ્યવસ્થા કરી હતી એનું શબ્દશ: પાલન કરે છે. એટલા માટે જ થોડા વખત પહેલાં તેમણે કહ્યું હતું, ‘લોકશાહીમાં મજબૂત વિરોધ પક્ષ હોવો અનિવાર્ય છે અને કૉન્ગ્રેસ પક્ષ નબળો પડે એ લોકશાહી માટે સારું નથી.’ 
હાલની રાજનીતિ ક્યારથી શરૂ થઈ અને ગાંધીની રાજનીતિ ક્યાંથી સમાપ્ત થઈ એનો ગડકરીએ ખુલાસો નથી કર્યો (ઉપર તો આપણે આપણી રીતે અર્થઘટન કર્યું), પણ બીજેપીના બીજા એક વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહનું એક વિધાન કંઈક અંશે સૂચક છે. ગયા રવિવારે કારગિલ દિવસ પર બોલતાં તેમણે કહ્યું હતું, ‘બહુ બધા લોકો જવાહરલાલ નેહરુની ટીકા કરે છે. હું પણ એક ખાસ રાજનીતિક પક્ષમાંથી આવું છું, હું ભારતના કોઈ પણ પ્રધાનમંત્રીની ટીકા કરવા નથી માગતો. સાથે જ હું કોઈ પણ પ્રધાનમંત્રીની નિયત પર સવાલ પણ ઉઠાવવા નથી માગતો. કોઈની નીતિ ખરાબ હોઈ શકે છે, નિયત નહીં.’
વર્તમાન રાજનીતિમાં સૌથી વધુ બકવાસ અને બેઇજ્જતી જો કોઈની થતી હોય તો એ ગાંધી-નેહરુની છે અને બીજેપીના જ બે કદાવર નેતાઓ એ બન્નેનું નામ લઈને રાજનીતિમાં વ્યાપેલા અંધારાને સાફ કરવાનો પ્રયાસ કરે એ સૂચક અને સરસ બન્ને છે.

મને ઘણી વાર લાગે છે કે મારે રાજનીતિ છોડી દેવી જોઈએ. એ સિવાય પણ જિંદગીમાં કરવા માટે બીજું ઘણું છે. આજે આપણે જે રાજનીતિ જોઈ રહ્યાા છીએ એ ૧૦૦ ટકા સત્તામાં આવવા પર કેન્દ્રિત છે. રાજનીતિ વાસ્તવમાં સામાજિક બદલાવનું માધ્યમ છે, એટલા માટે આજના રાજનેતાઓએ સમાજમાં શિક્ષણ-કળા વગેરેના વિકાસ પર કામ કરવું જોઈએ. 

લાસ્ટ લાઇન
‘રાજનીતિ એટલે જ્યાં ને ત્યાં મુસીબત ઊભી કરવાની, એનું ગલત અર્થઘટન કરવાની અને એનો ખોટો ઇલાજ કરવાની કળા.’
ગ્રોચો માર્ક, અમેરિકન કૉમેડિયન

columnists nitin gadkari rajnath singh raj goswami