હૅન્ડલ વિથ કૅર : સુસ્મિતા સેનના કિસ્સા પરથી સમજવાનું છે કે મહિલાઓ પણ બેદરકાર ન રહે

19 March, 2023 08:31 AM IST  |  Mumbai | Manoj Joshi

આપણે ત્યાં હંમેશાં એવું કહેવાતું રહ્યું છે કે હાર્ટ-અટૅક પુરુષોને જ આવે, મહિલાઓને તો ભાગ્યે જ આવે, પણ હવે એવું નથી રહ્યું એવું તો મેડિકલ એક્સપર્ટ્સ પણ કહે છે

સુસ્મિતા સેન

સુસ્મિતા સેનની હેલ્થ હવે સારી છે એટલે એ બાબતમાં ટેન્શન લેવાની જરૂર નથી, પણ ટેન્શન તેણે કરેલા સ્ટેટમેન્ટને કારણે લેવાની જરૂર છે. સુસ્મિતા સેને કહ્યું કે આપણે ત્યાં મોટા ભાગની મહિલાઓ પોતાના હાર્ટની બાબતમાં બેદરકાર છે એટલે એવું માનવાની જરૂર નથી કે મહિલાઓને હાર્ટ-અટૅક ન આવે. તેને પણ અટૅક આવે જ અને તેની તબિયત પણ બગડી શકે છે. માટે પ્લીઝ, બેદરકારી ન દાખવતાં અને જરૂર પડે ત્યારે તમે એ વાત સહજ રીતે સ્વીકારજો કે તમને પણ હાર્ટ-અટૅક આવી શકે છે.

આપણે ત્યાં હંમેશાં એવું કહેવાતું રહ્યું છે કે હાર્ટ-અટૅક પુરુષોને જ આવે, મહિલાઓને તો ભાગ્યે જ આવે, પણ હવે એવું નથી રહ્યું એવું તો મેડિકલ એક્સપર્ટ્સ પણ કહે છે અને તાકીદ પણ કરે છે કે એક ચોક્કસ ઉંમર પસાર કર્યા પછી ઘરના પુરુષોની સાથે મહિલાઓએ પણ બૉડી ચેક-અપ કરાવતાં રહેવું જોઈએ. સુસ્મિતા સેનની ફિટનેસ તમે જોઈ છે અને જો ન જોઈ હોય તો એક વખત ઑનલાઇન ફોટો ચેક કરી લો. તમને સમજાશે કે આ સ્તરની ફિટ લેડીનું હાર્ટ પણ જો દગો દઈ શકતું હોય તો આપણે કઈ વાડીના મૂળા?

લોકોને ગમશે નહીં, બને કે વિરોધ પણ કરે, પણ એક સાચી હકીકત એ છે કે આપણા ગુજરાતીઓમાં જો કોઈ બેદરકાર હોય તો એ મહિલાઓ છે. આ બેદરકારી પાછળનું મહત્ત્વનું કારણ એ છે કે તેમને આત્મવિશ્વાસ હોય છે કે પોતાને કશું નહીં થાય, પણ એ હંમેશાં યાદ રાખવું કે કૉન્ફિડન્સ અને ઓવર-કૉન્ફિડન્સ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે, જે ક્યારેય ઓળંગી ન જઈએ એનું ધ્યાન રાખવું. શરીર છે, દગો આપી દેશે તો તમે જેમને ચાહો છો એ જ હસબન્ડ અને બાળકો હેરાન થઈ જશે માટે બહેતર છે કે મનમાં રહેલા તમામ પ્રકારના વિચારોને દૂર ધકેલીને સીધીસાદી અને સરળ ઉક્તિને ફૉલો કરવી, ‘ચેતતો નર સદા સુખી.’

હા, નર. હવે દરેક મહિલાઓનું પણ સ્ટ્રેસ-લેવલ એટલું જ છે જેટલું પુરુષોનું છે. આજના સમયમાં ઘરની તમામ જવાબદારીઓ વહન કરનાર મહિલાઓનું મન જ જાણતું હોય છે કે તે કઈ રીતે દુનિયાદારી નિભાવી રહી છે. એ જે સ્ટ્રેસ છે એની અસર મન પર પડતી હોય છે અને એની અસર હૃદય પર પણ એટલી જ ઊભી થતી હોય છે. જો નિયમિત નિદાન કરાવતા રહેવામાં આવે તો કશું લૂંટાઈ નથી જતું. બહુ સામાન્ય વ્યવહાર આપણે જીવનમાં અપનાવતા હોઈએ છીએ. અજાણ્યા રસ્તે આગળ વધતાં પહેલાં બે-ચાર જણને પૂછી લઈએ. ૪૦ પછીનું જીવન અજાણ્યા રસ્તાથી સહેજ પણ ઓછું કે ઊતરતું નથી. સમય મળ્યે નહીં, પણ સમય કાઢીને જો એક્સપર્ટ્સની ઍડ્વાઇઝ લઈ લેવામાં આવે તો કશું ગુમાવવાનું નથી અને ધારો કે એ ઍડ્વાઇઝ દરમ્યાન કોઈ કડવી વાત પણ જાણવા મળે તો રાજી થવા જેવું છે કે વહેલી ખબર પડી ગઈ. કહેવાનો અર્થ માત્ર એટલો કે બાહ્ય ફિટનેસને જોઈને રાજી થવાનું રહેવા દઈને શરીરની અંદર ચાલતા ઉતાર-ચડાવને પણ જોઈ-જાણી લેવા હિતાવહ છે, જો તમે તમારા પરિવારને ખરા દિલથી ચાહતા હો તો.

columnists manoj joshi