ફ્રી ટાઇમ અને આપણે : નવરાશનો દુરુપયોગ કેવી રીતે કરવો એ જગત આપણી પાસેથી શીખે

22 September, 2021 09:49 AM IST  |  Mumbai | Manoj Joshi

આપણે નવરાશ મળે કે તરત મોબાઇલ ખોલીએ અને મોબાઇલની ગૅલરીથી માંડીને ઑનલાઇન શો કે પછી ઇન્ટરનેટ પર બીજા કામમાં લાગી જઈએ. મહત્ત્વનું એ નથી કે આપણે કામ જ કરીએ છીએ.

પ્રતીકાત્મક તસવીર

વાતની શરૂઆત કરતાં પહેલાં હમણાં જ વાંચેલી એક વાત શૅર કરું છું.
સરેરાશ દરેક બીજો ઑસ્ટ્રેલિયન ૬ કલાક કામ કરે છે. ૨૪ કલાકમાંથી ૬ કલાકને બાદ કરો એટલે બાકી રહ્યા ૧૮ કલાક. બાકી બચેલા આ ૧૮ કલાકમાં દરેક ઑસ્ટ્રેલિયન પોતાને માટે જીવે છે. પહેલાં તો મને એમ થાય કે ઑસ્ટ્રેલિયન કામચોર કહેવાય કે તે માત્ર ૬ કલાક કામ કરે છે. ભલા માણસ, તમારી માનસિકતા બદલો અને જરા સમજો, ૬ કલાકનું કામ તેઓ એ રીતે કરે છે જેમાં એ દિવસના ૧૮ કલાકનું રિઝલ્ટ આપી દે છે. હવે વાત કરીએ બાકી બચતા ૧૮ કલાકની. આ ૧૮ કલાકનો ઉપયોગ ઑસ્ટ્રેલિયન પોતાને માટે, પોતાના પરિવાર માટે કરે છે. તમે જો ઑસ્ટ્રેલિયા જાઓ તો તમને દેખાય કે મોટા ભાગના લોકોના હાથમાં બુક હોય. તમે ગૂગલ પર ફોટો જોશો તો પણ તમને આ વાત દેખાઈ આવશે. તેમની પાસે મોબાઇલ પણ છે, આઇપૅડ અને લૅપટૉપ છે અને એ પછી પણ તે ખોલે તો બુક જ. અહીં વાત માનસિકતાની છે. આપણે નવરાશ મળે કે તરત મોબાઇલ ખોલીએ અને મોબાઇલની ગૅલરીથી માંડીને ઑનલાઇન શો કે પછી ઇન્ટરનેટ પર બીજા કામમાં લાગી જઈએ. મહત્ત્વનું એ નથી કે આપણે કામ જ કરીએ છીએ. મહત્ત્વનું એ છે કે આપણે જાત સાથે કેટલો સમય રહી શકીએ છીએ?
કહેવાનો અર્થ એ નથી કે મોબાઇલ હાથમાં લઈને બધા ટાઇમપાસ કરે છે. ના, જરા પણ નહીં; પણ હાથમાં રહેલો મોબાઇલ લાચાર બનાવી રહ્યો છે એ વાત કોઈને સમજાતી નથી, એ પણ એટલું જ સાચું છે. મોબાઇલ પહેલાં તમને લાચાર બનાવે છે અને પછી તમને સોશ્યલ મીડિયાની દુનિયામાં દાખલ કરી દે છે. આજે પણ અનેક એવા મિત્રો છે જેમની પાસે મોબાઇલ છે, પણ એનો ઉપયોગ તેઓ દિવસમાં માંડ અડધો કલાક કરતા હશે. અમુક મિત્રો એવા પણ છે જેઓ મોબાઇલ હોવા છતાં ઇમર્જન્સી વિના મોબાઇલનો ઉપયોગ કરતા નથી અને અમુક મિત્રો એવા પણ છે જેઓ મોબાઇલના ત્રાસને પોતાનાથી દૂર રાખવાની હિંમત આજે પણ કરી શકે છે. જુનવાણી મોબાઇલ પાસે રાખનારા મિત્રો આજે પણ લિસ્ટમાં છે. મોબાઇલથી દૂર રહી ન શકાય એ પ્રૅક્ટિકલ વાત છે, પણ મોબાઇલના દૂષણથી દૂર રહેવું જોઈએ એ સકારાત્મક વાત છે. આ સકારાત્મકતા લાવવી પડશે. આખા જગત માટે જે ઉપલબ્ધ છે એ પોતાને માટે જ હાજર નથી હોતો, પોતાના પરિવાર માટે જ નથી હોતો. હવે તો આપણે થાકી ગયા એવા કાર્ટૂન જોઈને, જેમાં આખું ઘર એક જ જગ્યાએ બેઠું હોય અને બધાનું ધ્યાન મોબાઇલમાં હોય. મોબાઇલ હોવો આવશ્યકતા હોઈ શકે, પણ મોબાઇલમાં ખૂંપેલા રહેવું એ અનિવાર્યતા નથી જ નથી.
તમારો ફ્રી સમય મોબાઇલમાં ઇન્વેસ્ટ કરવાને બદલે એનો સદુપયોગ કરવાનું શીખી જશો તો જીવન જીવવાલાયક અને પરિવાર ચાહવાલાયક લાગતો થઈ જશે. એક વખત પ્રયાસ કરી જુઓ. લાભ તમને જ થશે, ફાયદો તમારો જ છે. ચાણક્ય પણ કહે છે, જ્ઞાનથી વિશેષ કશું હોતું નથી, માટે જ્ઞાનને દરેક પળે પામવાની કોશિશ કરો.

columnists manoj joshi