ફૉરેસ્ટ ગમ્પઃ અમેરિકાની શરમગાથા

18 June, 2022 01:18 PM IST  |  Mumbai | Raj Goswami

વાત જો એટલી જ હોત તો આમિર ખાન માટે એ પાત્ર કરવું બહુ આસાન હોત, પરંતુ ફિલ્મમાં તન-મનથી પછાત એક છોકરાની જીવનયાત્રાની સાથે એક રાષ્ટ્રની જીવનયાત્રા પણ ચાલે છે.

ફૉરેસ્ટ ગમ્પઃ અમેરિકાની શરમગાથા

‘ફૉરેસ્ટ ગમ્પ’ પોતાની કમજોરીઓ પર વિજય પ્રાપ્ત કરવાની કહાની છે. વાત જો એટલી જ હોત તો આમિર ખાન માટે એ પાત્ર કરવું બહુ આસાન હોત, પરંતુ ફિલ્મમાં તન-મનથી પછાત એક છોકરાની જીવનયાત્રાની સાથે એક રાષ્ટ્રની જીવનયાત્રા પણ ચાલે છે. એમાં અમેરિકાની ગૌરવગાથા તો છે જ, સાથે એની શરમગાથા પણ ઉજાગર થાય છે

આમિર ખાનની નવી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ ૧૧ ઑગસ્ટે સિનેમાઘરોમાં પ્રદર્શિત થવા જઈ રહી છે. તેની સાથે કરીના કપૂર અને મોના સિંહ છે. આમિર ખાન ચાર વર્ષના અંતરાલ પછી, એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ સાથે પડદા પર આવે છે. ૨૦૧૮માં આદિત્ય ચોપડા નિર્મિત અને વિજય કૃષ્ણ આચાર્ય નિર્દેશિત ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’માં તેણે ફિરંગી મલ્લાહ નામના ઠગની ભૂમિકા કરી હતી. એમાં તેના કામનાં વખાણ થયાં હતાં; પણ નિર્દેશન, સ્ક્રીનપ્લે અને સહાયક કલાકારોના અભિનયના મામલે ફિલ્મ ખરાબ રીતે પિટાઈ ગઈ હતી.
કદાચ એ કારણથી જ આમિર ખાને એક રીમેક ફિલ્મ પસંદ કરી છે. રીમેક ફિલ્મો બૉક્સ-ઑફિસની દૃષ્ટિએ સલામત ગણાય છે, કારણ કે એ ફિલ્મ બીજી ભાષામાં સફળ સાબિત થઈ છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’, ટૉમ હૅન્ક્સ અભિનીત ૧૯૯૪ની ઑસ્કર વિજેતા હૉલીવુડ ફિલ્મ ‘ફૉરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર રીમેક છે. 
‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેકનો વિચાર બે દાયકા જૂનો છે. અભિનેતા, નિર્માતા અને સ્ક્રીનરાઇટર (અને આમિરની ‘રંગ દે બસંતી’ના સહકલાકાર) અતુલ કુલકર્ણીએ તેના હક મેળવ્યા હતા. ૧૦ વર્ષ પહેલાં તેણે એની સ્ક્રિપ્ટ બનાવી હતી અને ૨૦૧૮માં આમિર ખાને તેની પાસેથી હક ખરીદ્યા હતા.
 ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી આમિર ખાનને સોશ્યલ મીડિયા પર બહુ ટ્રોલ કરવામાં આવ્યો હતો, કારણ કે લોકોને એમાં ‘થ્રી ઇડિયટ્સ’ના ભેજાગેપ પાત્રની યાદ આવી હતી. ખાસ તો ટ્રેનમાં તે ગોલગપ્પા ખાતો બતાવ્યો છે એ જોઈને સોશ્યલ મીડિયા પર મજાક ઊડી છે કે ચાલતી ટ્રેનમાં ગોલગપ્પા ક્યારથી વેચાવા લાગ્યા? અમુક લોકોએ આમિરના ગેટ-અપને જોઈને તેને ફૉરેસ્ટ ગમ્પની સસ્તી કૉપી ગણાવ્યો હતો. 
ટ્રેલર પરથી મોટા ભાગે લોકોમાં ઠંડો રિસ્પૉન્સ આવ્યો છે, પણ આમિર ખાન તેની ફિલ્મ અને ખાસ તો તેના પાત્રને અનોખી રીતે પ્રમોટ કરવામાં માહેર છે. એવી શક્યતા છે કે આવનારા દિવસોમાં તેનું બીજું ટ્રેલર પણ રિલીઝ થાય. આમિર ખાન ઉત્તમ અભિનેતા છે એટલે તે આ ફિલ્મ (અને તેના પાત્રને) ખેંચી જવામાં સફળ રહેશે, પરંતુ જાણકાર લોકોને સંદેહ છે કે ‘ફૉરેસ્ટ ગમ્પ’માં અમેરિકાનું યુદ્ધ, વંશીય ભેદભાવ અને રાષ્ટ્રવાદનું જે બૅકગ્રાઉન્ડ હતું એ પ્રકારનું ભારત એક હિન્દી ફિલ્મમાં કેવી રીતે આવશે?
સિનેમાના ચાહકો અને વિવેચકો માને છે કે ‘ફૉરેસ્ટ ગમ્પ’ની નિર્દોષતા, શુદ્ધતા અને સુંદરતાની તોલે તેની કોઈ પણ રીમેક ફિલ્મ ન આવે. આ ફિલ્મ હૉલીવુડની બહુચર્ચિત અને સર્વાધિક રીતે પસંદ કરાયેલી ફિલ્મોમાં સ્થાન પામે છે. ૧૯૯૪માં સીમાચિહ્‍નરૂપ બે ફિલ્મો ક્વેન્ટિન ટેરન્ટિનોની ‘પલ્પ ફિક્શન’ અને ફ્રૅન્ક ડેરાબૉન્ટની ‘ધ શોશેન્ક રીડમ્પ્શન’ને પાછળ રાખી દઈને ૬ ઑસ્કર જીતી હતી અને બૉક્સ-ઑફિસ પર સૌથી વધુ કમાણી કરી હતી. 
હૉલીવુડની ફિલ્મોના શોખીન ભારતીય દર્શકોને હજી પણ અમરિકાના જ્યૉર્જિયા રાજ્યના સવન્નાહ શહેરનો મંદબુદ્ધિ, પણ દિલનો ભલોભોળો નાયક યાદ હશે. તેને નહીં જોનાર આજની પેઢીના દર્શકોને પણ ટૉમ હૅન્ક્સની યાદગાર ફિલ્મ તરીકે ‘ફૉરેસ્ટ ગમ્પ’ યાદ છે. ફિલ્મ આજે પણ એટલી જ યુવાન લાગે છે અને કદાચ એટલા માટે જ આમિર ખાને એને પસંદ કરી હશે.
દરેક માણસની જેમ દરેક રાષ્ટ્રનો માન-અપમાનનો, શોભા અને શરમનો ભૂતકાળ હોય છે. ‘ફૉરેસ્ટ ગમ્પ’ એક માણસના ધૈર્ય, સાહસ અને નિર્દોષતાની કહાની તો છે જ, પરંતુ એમાં અમેરિકાના કલંકને સંતાડવામાં નથી આવ્યું. કદાચ અમેરિકાનો એક બદનામ ભૂતકાળ છે એટલે જ ફૉરેસ્ટ ગમ્પ જેવા મંદબુદ્ધિ યુવકનું સાહસ શક્ય છે. તેની હિન્દી ફિલ્મમાં એવું બૅકગ્રાઉન્ડ કેવી રીતે લાવવું એ એક સમસ્યા છે. 
આ ફિલ્મ ફૉરેસ્ટ ગમ્પ નામના એક અમેરિકન છોકરાની કહાની છે જે કરોડરજ્જુની સમસ્યાને કારણે સરખું ચાલી શકતો નથી. તેણે બ્રેસિસ પહેરવાં પડે છે. એ ઉપરાંત તે મગજથી વિકલાંગ છે અને સ્માર્ટ છોકરાઓમાં ગણાતો નથી. તેને મૂરખ ગણીને તેની મજાક ઉડાડવામાં આવે છે. એક દિવસ, એવી જ મસ્તી-મજાકમાં તોફાની છોકરાઓથી બચવા માટે ફૉરેસ્ટ નાસવા માંડે છે. અચનાક તેને ભાન થાય છે કે તે દોડી શકે છે. ફિલ્મમાં આગળ જઈને તે આખા અમેરિકામાં દોડ લગાવે છે અને લોકપ્રિય બની જાય છે. 
એ અર્થમાં ‘ફૉરેસ્ટ ગમ્પ’ પોતાની કમજોરીઓ પર વિજય પ્રાપ્ત કરવાની કહાની છે. વાત જો એટલી જ હોત તો આમિર ખાન માટે એ પાત્ર કરવું બહુ આસાન હોત, પરંતુ ફૉરેસ્ટની દોડ સાથે અમેરિકન રાષ્ટ્રની પણ યાત્રા છે. બેઝિકલી, આ ફિલ્મમાં તન-મનથી પછાત એક છોકરાની જીવનયાત્રાની સાથે એક રાષ્ટ્રની જીવનયાત્રા પણ ચાલે છે. એ કારણથી જ ‘ફૉરેસ્ટ ગમ્પ’ એક અનોખી ફિલ્મ સાબિત થાય છે. 
જે અમેરિકાની એમાં વાત છે એ કોઈ રીતે ગૌરવશાળી નથી. એમાં અમેરિકાના ત્રણ દાયકાને આવરી લેવામાં આવ્યા છે. એમાં તેની ગૌરવગાથા તો છે જ, સાથે તેની શરમગાથા પણ ઉજાગર થાય છે. ‘ફૉરેસ્ટ ગમ્પ’માં અમેરિકાને પવિત્ર રાષ્ટ્ર તરીકે રજૂ કરવામાં નથી આવ્યું. એમાં એની સામાજિક અને રાજકીય કરતા નગ્ન રીતે સામે આવે છે. 
ફિલ્મની શરૂઆત હવામાં ઊડતા સફેદ પીંછાથી થાય છે. એ પીંછુ ધીમે-ધીમે નીચે આવે છે અને ગંદાં ટેનિસ શૂઝ પહેરેલા ફૉરેસ્ટ ગમ્પના પગ પાસે પડે છે. ગમ્પ બગીચામાં એક બેન્ચ પર બેઠો છે. તેના ખોળામાં ચૉકલેટનું બૉક્સ છે. ફૉરેસ્ટ એ પીંછાને ઉપાડીને ‘કુરિયસ જ્યૉર્જ’ નામના બાળકોના પુસ્તક વચ્ચે મૂકે છે. તે નાનો હતો ત્યારે તેની મમ્મી આ બાળકથા તેને વાંચી સંભળાવતી હતી. 
ફૉરેસ્ટ તેની બાજુમાં બેઠેલા એક અજનબી માણસને તેના જીવનની વાર્તા કહે છે. એમાં તે બોલે છે, ‘મારી મા મને કાયમ કહેતી હતી કે જીવન ચૉકલેટના બૉક્સ જેવું છે. તમને એમાંથી શું મળશે એ ક્યારેય ખબર ન પડે.’ પીંછુ અને ચૉકલેટ-બૉક્સ ફિલ્મના વિષયનું પ્રતીક છે ઃ નિયતિ - આપણા નિયંત્રણ બહારના સંજોગો, જે આપણી નિયતિ ઘડે છે. 
પરંતુ ફિલ્મનું ફોકસ માત્ર નિયતિ પર જ નથી. આપણે એમાં શું કરીએ છીએ એ પણ અગત્યનું છે. આપણી સાથે કશુંક થાય, આપણી પાસે રસ્તા ખૂટી ગયા હોય, આપણે ગમે તેવા સંઘર્ષમાંથી પસાર થતા હોઈએ, આપણી પાસે કોઈ ને કોઈ વિકલ્પ હોય જ છે. આપણી સાથે જે થાય છે એ આપણા વિકલ્પના ચયનનું પરિણામ હોય છે. જીવન બીજું કશું નથી, નિરંતર વિકલ્પો પસંદ કરવાની કવાયત છે અને આપણા એક-એક વિકલ્પ આપણે કેવું જીવન જીવીએ છીએ એ નક્કી કરે છે. લોકો તેમની સ્થિતિ વિશે બીજા લોકો કે સંજોગોને દોષ દેતા હોય છે, પરંતુ આપણા સંજોગો અને આપણી આજુબાજુમાં કેવા લોકો હોય તેની પસંદગી આપણે જ કરીએ છીએ.
આપણે ચાન્સ મુજબ નહીં, ચૉઇસ મુજબ જીવીએ છીએ. આપણી જિંદગીમાં જે થઈ રહ્યું છે એ આપણી ચૉઇસનું પરિણામ છે. ચૉઇસ, જે ક્યારેક સભાનપણે હોય છે, ક્યારેક અજાણતાં હોય છે. આપણા મિત્રો, આપણી જીવનશૈલી, આપણી માન્યતા એ બધું જ આપણી ચૉઇસ છે.
એ સાચું કે આપણા પરિવાર કે આપણા પરિવેશમાં આપણી ચૉઇસ નથી હોતી. જીવનમાં એવી પરિસ્થિતિ પણ હોય છે જેના પર આપણું નિયંત્રણ નથી હોતું, પરંતુ દરેક સંજોગોમાં કેવી રીતે પ્રતિભાવ આપવો એ આપણી ચૉઇસ પર નિર્ભર કરે છે. 
જેને આપણે અકસ્માત અથવા ચાન્સ કહીએ છીએ એ આપણી અનકૉન્સિયસ ચૉઇસનું પરિણામ છે. આપણે આપણી જાણ બહાર ઘણી બધી ચીજોથી પ્રભાવિત થતા રહીએ છીએ. અમુક લોકો આપણી જિંદગીમાં કેમ છે (અને અમુક કેમ નથી) અથવા અમુક બાબતો આપણી સાથે જ કેમ થાય છે એ આપણી જે-તે વખતની ચૉઇસ હતી, એટલે એની ફરિયાદ વ્યર્થ છે.
આપણે જો જુદા સંજોગોનું નિર્માણ કરવા ઇચ્છતા હોઈએ તો આપણે જુદી ચૉઇસ વિશે વિચારવું પડે. એકની એક ચૉઇસના રિપીટેશનથી અલગ પરિણામ ન આવે. આપણી સામે હંમેશાં અનેક વિકલ્પો હોય છે. ફરક એટલો જ કે આપણે એમાંથી એક વિકલ્પને સભાનપણે પસંદ કરીએ છીએ કે અભાનપણે.
એ અર્થમાં ‘ફૉરેસ્ટ ગમ્પ’ જીવનમાં વિકલ્પ પસંદ કરવાની કહાની છે. એમાં અમેરિકન સંસ્કૃતિ અગત્યની ભૂમિકા ભજવે છે. અમેરિકાને લૅન્ડ ઑફ ગોલ્ડ કહેવાય છે. ત્યાંના જીવનને અમેરિકન ડ્રીમ કહેવાય છે. એક માણસ જો મહેનત કરે છે તો તે તેનાં સપનાં સિદ્ધ કરી શકે છે. ફૉરેસ્ટ ગમ્પ મંદબુદ્ધિનો છે છતાં યુનિવર્સિટી ઑફ અલાબામામાંથી ફુટબૉલની સ્કૉલરશિપ મેળવે છે, વિયેટનામ યુદ્ધમાં બહાદુરી માટે મેડલ મેળવે છે, પિન્ગ પૉન્ગની રમતમાં માહેર થાય છે, બુબા ગમ્પ શ્રિમ્પ કંપની ખોલે છે. 
આ બધાની વચ્ચે દર્શકોને ૫૦થી શરૂ કરીને ૮૦ના દાયકાના અમેરિકાની ઐતિહાસિક ઘટનાઓની પણ ઝાંખી થાય છે. તેમને પ્રેસિડન્ટપદના ઉમેદવાર જ્યૉર્જ વૉલેસની હત્યાના પ્રયાસ, જૉન કૅનેડી અને રૉબર્ટ કૅનેડીની હત્યા, સિવિલ રાઇટ્સ માટેની લડત, વિયેટનામનું યુદ્ધ, પ્રેસિડેન્ટ નિક્સનની જેમાં નોકરી ગઈ હતી એ વૉટરગેટ કૌભાંડ, ચંદ્ર પર નીલ આર્મસ્ટ્રૉન્ગના અવતરણ, ઇતિહાસપ્રસિદ્ધ બીટલ્સ ગ્રુપના સભ્ય જૉન લેનોનના ઇન્ટરવ્યુ, લુઇસિયાના રાજ્યમાંનાં વાવાઝોડાં, એઇડ્સનો પહેલો કેસ અને પ્રથમ ઍપલ કમ્પ્યુટરના લૉન્ચિંગને જોવા મળે છે. 
ફિલ્મ-નિર્દેશક રૉબર્ટ ઝેમેસ્કિસની કમાલ એ છે કે તેઓ કમ્પ્યુટર ટેક્નૉલૉજીની મદદથી અમેરિકાની અસલી ઘટનાઓનાં ફુટેજ સાથે ફૉરેસ્ટ ગમ્પના એક કાલ્પનિક પાત્રને જોડીને એક સળંગ વાર્તા ઊભી કરે છે. આવું કરવાનો હેતુ સસ્તી મજાક પેદા કરવાનો નથી (ઘણા દર્શકોને એ દૃશ્યોમાં હસવું પણ આવે છે), પરંતુ ફૉરેસ્ટની માર્મિક કહાનીને પરીકથા અને આશાના વાઘા પહેરાવવા માટે એવું કરવામાં આવે છે. એક સામાન્ય પરિવારનો અમેરિકન છોકરો વિશ્વને પ્રભાવિત કરતી અમેરિકાની ૩૦ વર્ષની ઐતિહાસિક ઘટનાઓ વચ્ચેથી પસાર થાય છે. ફૉરેસ્ટ અમેરિકાની મુસીબતો, આંદોલનો, કઠોર પરિવર્તનોનો સાક્ષી બનીને વિજયી નીવડે છે અને ‘ગ્રેટ અમેરિકા’ની ધારણાને મજબૂત કરે છે. 
ફિલ્મના અંતે ફૉરેસ્ટ પેલું પુસ્તક તેના દીકરાને આપે છે, જેમાં તેણે વાર્તાની શરૂઆતમાં ઊડીને આવેલું પીછું મૂક્યું હતું. ફૉરેસ્ટે એક વાર તેની મમ્મીને પૂછ્યું હતું કે ‘મારી નિયતિ શું છે?’ ફિલ્મની શરૂઆતમાં અને અંતે આવતું એ પીંછું પ્રતીકાત્મક છે. ફૉરેસ્ટને ખબર નથી કે તેની નિયતિ તેને ક્યાં લઈ જશે. એ પીંછાની જેમ વહે છે અને રસ્તામાં જ્યાં પણ સુખનું સ્ટૉપ આવે છે ત્યાં ઊભો રહી જાય છે. તેની મમ્મીએ તેને એ જ શીખવાડ્યું હતું. તેના દીકરાને પણ તે એ જ શીખવાડે છે.

 એમાં અમેરિકાના ત્રણ દાયકાને આવરી લેવાયા છે. એમાં એની ગૌરવગાથા તો છે જ, સાથે એની શરમગાથા પણ ઉજાગર થાય છે. 

જાણ્યું-અજાણ્યું...
 આ ફિલ્મ માટે ટૉમ હૅન્ક્સે કોઈ મહેનતાણું લીધું નહોતું. એને બદલે તેણે ટકાવારી રાખી હતી, જેમાં તેને કુલ ૪૦ મિલ્યન ડૉલર મળ્યા હતા.
 એમાં ફૉરેસ્ટની દોડનું જે દૃશ્ય છે એ અસલી દોડ પરથી પ્રેરિત હતું. ૧૯૮૨માં ૧૬ વર્ષનો લુઇસ માઇકલ ફિગ્યુઓરા અમેરિકન કૅન્સર સોસાયટી માટે ન્યુ જર્સીથી સૅન ફ્રાન્સિસ્કો સુધી દોડ્યો હતો. 
 ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ, બેસ્ટ ઍક્ટર ઇન લીડિંગ રોલ, શ્રેષ્ઠ ડિરેક્ટર, શ્રેષ્ઠ વિઝ્‍યુઅલ ઇફેક્ટ્સ, બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે અને બેસ્ટ એડિટટિંગ મળી કુલ ૬ ઍકૅડેમી અવૉર્ડ મળ્યા હતા.
 વિન્સ્ટન ગ્રૂમ નામના લેખકની ૧૯૮૬માં પ્રસિદ્ધ થયેલી એ જ નામની નવલકથા પરથી આ ફિલ્મ બની છે. 
 સ્પેન્સર ટ્રેસી પછી ટૉમ હૅન્ક્સ બીજો ઍક્ટર છે જેણે ઉપરાછાપરી બે ફિલ્મોમાં બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મેળવ્યો હતો. આ પહેલાં ‘ફિલાડેલ્ફિયા’ નામની ફિલ્મમાં તેને અવૉર્ડ મળ્યો હતો.

columnists raj goswami