માબાપ બનવાનો અમૂલ્ય આનંદ આપતી ટ્રીટમેન્ટ એટલે આઇવીએફ

31 May, 2019 11:34 AM IST  | 

માબાપ બનવાનો અમૂલ્ય આનંદ આપતી ટ્રીટમેન્ટ એટલે આઇવીએફ

પ્રતીકાત્મક તસવીર

ફિઝિયોલૉજી અથવા મેડિસિનના ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા બ્રિટનના ડૉ. રૉબર્ટ એડવર્ડ્સ અને પૅટ્રિક સ્ટેપ્ટોએ પહેલી વાર બ્રિટનના જૉન બ્રાઉન અને લેસ્લી નામના દંપતી પર આ પ્રયોગ કરેલો. ૨૫ જુલાઈ ૧૯૭૮ના રોજ લેસ્લીએ એક બાળકીને જન્મ આપેલો. એ છોકરીનું નામ હતું લુઇસ બ્રાઉન. આ બાળકીને વિશ્વની સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી ગણવામાં આવી હતી. આ પ્રક્રિયા હવે તો એટલી ફેમસ અને સફળ સાબિત થઈ છે કે એ પછી તો ટેસ્ટ ટ્યુબ બેબી લુઇસે પણ નૅચરલી પ્રેગ્નન્સી ધારણ કરીને બાળકને જન્મ આપતાં આઇવીએફ પ્રક્રિયાની સો ટકા સફળતા સાબિત થઈ ગઈ છે. છેલ્લાં ત્રીસ વર્ષથી આઇવીએફ પ્રક્રિયા થકી પેદા થતાં બાળકો પર અનેક સ્ટડી થઈ છે અને એમાં તારણ નીકળ્યું છે કે આ બાળકો પણ નૉર્મલ બાળકો જેટલાં જ હેલ્ધી હોય છે.

આઇવીએફ પ્રક્રિયાને અસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેક્નૉલૉજી (એઆરટી) કહેવાય છે. યુગલ જ્યારે નૉર્મલ સેક્સ્યુઅલ રિલેશન થકી પ્રેગ્નન્સી ધારણ કરવામાં અસફળ રહે છે ત્યારે મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા ગર્ભધારણ કરે છે એને અસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેક્નૉલૉજી કહે છે. અત્યંત જટિલ અને અશક્ય કહેવાય એવી પરિસ્થિતિઓને ટ્રીટ કરવા માટે શોધાયેલી લેટેસ્ટ ટેક્નૉલૉજીઓ પણ આઇવીએફ પ્રોસેસની સફળતાને આભારી છે.

આઇવીએફમાં શું થાય?

મેડિકલ ભાષામાં એને આઇવીએફ ટ્રીટમેન્ટ અને નૉર્મલી લોકો ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રક્રિયા તરીકે ઓળખે છે. આઇવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. સામાન્ય રીતે સ્ત્રીની ફેલોપિયન નળીમાં સ્ત્રીનાં અંડબીજ અને પુરુષના શુક્રાણુઓનું મિલન થાય છે. શુક્રાણુ દ્વારા અંડબીજ ફલિત થાય તો એ ફલિત થયેલો કોષ સ્ત્રીના ગર્ભાશયમાં જઈને સ્થાયી થાય છે અને વિકાસ પામે છે.

આઇવીએફ પ્રોસેસમાં દવાઓની મદદથી સ્ત્રીના અંડપિંડને વધુ અંડકોષ પેદા કરવા માટે ઉત્તેજિત કરવામાં આવે છે. આ અંડકોષને બહાર કાઢવામાં આવે છે. પુરુષના વીર્યમાંથી શુક્રાણુઓ જુદા કરીને કાચની એક ટ્યુબમાં બન્નેને ભેગા કરવામાં આવે છે, જે અંડબીજ શુક્રાણુ દ્વારા ફલિત થાય છે. આ ફલિત થયેલા ગર્ભને બેથી પાંચ દિવસ બહાર રાખવામાં આવે છે. ઉત્તમ ગુણવત્તા ધરાવતા એકથી ત્રણ ભ્રૂણને કૅથેટર દ્વારા સ્ત્રીના ગર્ભાશયમાં પહોંચાડવામાં આવે છે. આ દરમ્યાન સ્ત્રીને ખાસ હૉમોર્ન્સ સીક્રેટ થાય એવી દવાઓ આપીને ગર્ભાશયને ગર્ભનું પોષણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. જો બહારથી દાખલ કરવામાં આવેલો ભ્રૂણ ગર્ભાશયમાં સ્થાપિત થઈ જાય તો પ્રેગ્નન્સી રહી એમ કહેવાય છે. એ પછીની બાકીની તમામ પ્રોસેસ લગભગ નૉર્મલ પ્રેગ્નન્સી જેવી જ હોય છે. આમ ગર્ભ માતાના ઉદરમાં પેદા થવાને બદલે બહાર કાચની પેટીમાં ફલિત થાય છે, પરંતુ એનો વિકાસ માતાના ઉદરમાં જ થાય છે.

કયા સંજોગોમાં આઇવીએફ?

પતિના વીર્યમાં શુક્રાણુઓની ગતિ કે સંખ્યા ઓછી હોય ત્યારે અથવા તો પત્નીની ફેલોપિયન નળીમાં ખામી હોય ત્યારે આઇવીએફ પ્રોસેસ ગર્ભધારણ કરવા માટે મદદરૂપ બની શકે છે.

આજકાલ પુરુષોમાં સ્પર્મકાઉન્ટની તકલીફો ખૂબ જ વધી રહી છે. તેમનામાં કાં તો શુક્રાણુઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે અથવા તો પછી એની મોટિલિટી ઓછી હોય છે. આવા સંજોગોમાં યુગલ આઇવીએફ પ્રોસેસ દ્વારા બાળક મેળવી શકે છે.

સ્ત્રીઓમાં જ્યારે ઓવરીઝ બરાબર હોય અને ઈંડાં બનતાં હોય, પણ ફેલોપિયન ટ્યુબમાં બ્લૉકેજ હોય કે ઇન્ફેક્શન થયું હોય તો પણ આઇવીએફની પ્રક્રિયા અપનાવવામાં આવે છે. પતિના શુક્રાણુઓ અત્યંત નબળા હોય ત્યારે ડોનરસ્પર્મ લઈને આ પ્રક્રિયા કરાવવાથી સ્ત્રી મા બની શકે છે.

આ પણ વાંચો : કૉલમ : સંબંધોમાં પણ અનિવાર્ય છે રાજકારણ

બીજી તરફ જો ઓવરીઝમાં કે ઈંડાંની ક્વૉલિટીમાં નબળાઈ હોય ત્યારે ડોનર ઈંડાં લઈને પણ સ્ત્રી પોતે ગર્ભધારણ કરી શકે છે. ટૂંકમાં, આજકાલ ઇન્ફર્ટિલિટીની અટપટી ઘણી તકલીફોનો ઉકેલ મળી શક્યો છે એમાં આઇવીએફની પ્રક્રિયા ખૂબ જ મહત્વની બની ગઈ છે.

health tips columnists