જાણો છો, આયુર્વેદિક દવામાંથી થયો છે લાડુનો આવિષ્કાર

06 September, 2019 03:38 PM IST  |  | ફુડ-હિસ્ટરી - સેજલ પટેલ

જાણો છો, આયુર્વેદિક દવામાંથી થયો છે લાડુનો આવિષ્કાર

શેંદુર લાલ ચઢાયો અચ્છા ગજમુખકો

દોંદિલ લાલ બિરાજે સુત ગૌરીહરકો

હાથ લિયે ગુડ લડ્ડુ સાંઇ સુરવર કો

મહિમા કહે ન જાય લાગત હૂં પાદકો


ગણપતિબાપ્પાને લાડુ બહુ ભાવે. કદાચ એટલે જ જ્યાં બાળગણેશનું સ્વરૂપ તાદૃશ્ય થયું હોય એ મૂર્તિમાં પણ ગણેશજીના એક હાથમાં લાડુ જોવા મળે છે. ગણેશોત્સવ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે મીઠાઈની દુકાનો અનેકવિધ લાડુની વરાઇટીથી ઊભરાઈ રહી છે. માવા મોદક, ચૂરમા લાડુ, મોતીચૂર લાડુ, ‌બુંદીના લાડુ, સુકામેવાના લાડુ એમ જાતજાતની વરાઇટી મળે. મહારાષ્ટ્રિયન પરિવારમાં વિઘ્નહર્તાની પધરામણી થાય તો ઉકડી ચે મોદક અથવા તો તળલેલે મોદક ધરાવાય, જ્યારે ગુજરાતીઓના ઘેર બાપ્પા પધારે તો અસ્સલ દેશી ઘીથી તરબતર ઘઉંના ચૂરમાના લાડુ ધરાવાય. જો આન્ધ્ર પ્રદેશ કે સાઉથમાં જાઓ તો આ જ લાડુને તામિલમાં કોઝકટ્ટાઈ, કન્નડમાં કડુબુ અને તેલુગુમાં કુડુમુ કહેવાય. સાઉથ મુંબઈમાં મુખ્યત્વે ચોખા, નાચણી અને કોપરામાં ગોળ મેળવીને બનાવેલા લાડુની વરાઇટીઝ બને. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આપણા જેટલો ગણેશોત્સવનો ક્રેઝ નથી, પરંતુ ત્યાંના પરિવારો બાપ્પાને મોતીચૂરના લાડુ ધરાવે.

ગનુબાપ્પાનું બીજું નામ છે મોદકપ્રિય. તેમને આ લાડુ એટલા ભાવે છે કે તેમને એકસાથે ૨૧ લાડુ ધરાવવા જ પડે. એવું કેમ? આની પાછળ એક પૌરાણિક કથા છે. અલબત્ત, એમાંય મતમતાંતર છે એટલે બે પ્રકારની કથાઓ પ્રચલિત છે. પહેલી કથા છે બ્રહ્માજીના માનસપુત્ર અને હિન્દુ ધર્મના સપ્તર્ષિમાંના એક એવા અત્રિઋષિનાં પત્ની અનસૂયાની. એક વાર અનસૂયા દેવીએ ભગવાન શિવ, દેવી પાર્વતીને સપરિવાર જમવા બોલાવ્યાં. બાલગણેશ પણ તેમની સાથે જમવા ગયેલા. અનસૂયા દેવીએ તેમને જાતજાતના પકવાન બનાવીને પિરસ્યા. શિવ-પાર્વતી તો તૃપ્ત થઈ ગયાં, પણ ગણેશજી ધરાય જ નહીં. ધરવનો ઓડકાર આવે જ નહીં. અનસૂયા દેવીએ જે કંઈ પણ પિરસ્યું એ બધું જ સફાચટ કર્યા પછીયે ગણેશજી ધરાયા જ નહીં. આખરે દેવીએ તેમને માટે એક હાથમાં સમાઈ જાય એવડા મોદક બનાવ્યા અને પિરસ્યા. આ મોદક ખાઈને ગણેશજીનું પેટ ભરાયું અને તેમણે એક નહીં, ધરવના એકવીસ ઓડકાર ખાધા. પાર્વતીને પણ આ જોઈને નવાઈ લાગી અને તેમણે દેવી અનસૂયા પાસેથી મોદક બનાવવાની રૅસિપી લઈને શીખી લીધી.

ગણેશજીના મોદકપ્રેમ વિશેની વાતનો ઉલ્લેખ પદ્મ પુરાણમાં પણ છે. એ કથા મુજબ દેવલોકનાં કેટલાંક દેવીદેવતાઓ એક વાર શિવજીને મળવા આવ્યાં અને તેમણે શિવ-પાર્વતીને એક ખાસ મોદકાનંદ ભેટમાં આપ્યો. તેમનું કહેવું હતું કે જે વ્યક્તિ આ મોદક ખાશે તે તમામ શાસ્ત્રો, વિજ્ઞાન, કળા અને સાહિત્યમાં પારંગત થશે. દેવી પાર્વતીની ઇચ્છા હતી કે આ લાડુ તેઓ પોતાનાં સંતાનોને ખવડાવે. જોકે મોદક અડધો કરી શકાય એમ નહોતો એટલે તેમણે ગણેશ અને કાર્તિકને ચૅલેન્જ આપી કે જે આ બ્રહ્માંડની ત્રણ વાર પરિક્રમા કરીને સૌથી પહેલાં પાછો આવશે તેને આ મોદક આપવામાં આવશે. કાર્તિકેયજી ઝટપટ નીકળી પડ્યા, જ્યારે ગણેશજી પહેલાં વિચારમાં પડ્યા, પછી તેમણે શિવ-પાર્વતીને સાથે બેસાડ્યાં અને તેમની ત્રણ વાર પ્રદક્ષિણા કરીને બ્રહ્માંડની પરિક્રમા પૂરી કરી લીધી. એ પછી મોદક ગણેશજીને આપવામાં આવ્યો અને કોઈ પણ કામની શરૂઆત કરતાં પહેલાં ગણેશની પૂજા કરવાનું વિધાન આપ્યું.

ખેર, એ તો થઈ પૌરાણિક કથાઓ આધારિત વાતો. આવું હકીકતમાં બન્યું હતું કે નહીં એ તો દુંદાળા દેવ જ જાણે, પરંતુ પૃથ્વી લોક પર મોદક એટલે કે લાડુ ક્યાંથી આવ્યા એનો ઇતિહાસ કે જેના કોઈક પુરાવા આજેય મળી રહેતા હોય એવી વાતો ખોળવાનો પ્રયત્ન કરતાં એનો છેડો છેક આયુર્વેદશાસ્ત્ર સુધી લાંબો થયો. લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં આયુર્વેદશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું. આયુર્વેદમાં ઔષધી જ નહીં, શસ્ત્રક્રિયાના જનક એવા સુશ્રુત દ્વારા લિખિત ગ્રંથોમાં લાડુનો ઉલ્લેખ મળે છે. સૌથી પહેલાં તલના લાડુની વાત કરવામાં આવી છે. ૮૦૦ બીસીમાં એનો ઉલ્લેખ છે અને વિવિધ પ્રકારના લાડુની વાતો એમાં છે. આ લાડુ દવા તરીકે અપાતા હતા. સર્જરી પછી સુશ્રુત પોતાના દરદીઓને તલ, સિંગ અને ગોળ કે મધના લાડુ ઍન્ટિસેપ્ટિક દવા તરીકે આપતા હતા. પ્યુબર્ટી દરમ્યાન કિશોરીઓને તેમ જ જીવનના વિવિધ તબક્કે આવતા હૉર્મોનલ અસંતુલન વખતે દવા તરીકે કેટલાંક ઔષધોની લાડુડી બનાવીને આપવામાં આવતી હતી. જે કાળક્રમે સ્વાદ વધારવાની પ્રક્રિયામાંથી પસાર થઈ અને પછી રોજિંદા ખોરાકમાં વપરાવા લાગી. આયુર્વેદ નિષ્ણાત ડૉ. સંજય છાજેડ કહે છે, ‘ગણેશોત્સવ દરમ્યાન લાડુ ભગવાનને ધરાવવાનું અને ખાવાનું કહેવામાં આવે છે એની પાછળ પણ ઔષધીય વિજ્ઞાન જ છે. શ્રાવણ મહિના દરમ્યાન વરસાદ એનું કામ કરતો રહે અને ખેતરમાં વાવેલાં બીજ પોતાની મેળે ઊગી રહ્યાં હોય. એવામાં ખાસ મહેનત-મજૂરીનાં કામ ન હોય. વર્ષા ઋતુમાં મહેનત-મજૂરી ઓછી હોય અને રોગો વધુ. આ રોગોને નાથવા માટે વ્રત-તપનો મહિમા છે. એમ કરીને શરીરને શુદ્ધ કરવાની પ્રક્રિયા થાય. તપ કરીને કંતાયેલું શરીર ફરીથી બળવાન બને એ માટે ગળી અને મીઠી ચીજો ખાવાનું કહેવામાં આવ્યું. આ સમયે મધુર, સ્નિગ્ધ અને બળદાયી ચીજોનો ખોરાકમાં સમાવેશ કરવાથી આવનારી શરદ ઋતુ માટે શરીર તૈયાર થાય છે. શરદમાં પિત્તનો પ્રકોપ ન થાય એ માટે સ્વીટ અને સ્ટ્રેન્ગ્થ વધારે એવા મોદક ભગવાનને ધરાવાય છે અને ખવાય છે.’

આ પણ વાંચો: લીલોતરી, ફળો, રવો, મેંદો, સુકવણી, સૂકા મેવા વગર પર્યુષણમાં કંઈક હટકે અને ફૅન્સી વાનગીઓ બનાવીએ

ભારતના દરેક ખૂણામાં મોદક ખવાય છે. સંસ્કૃતમાં મોદક મુદ ધાતુમાંથી આવ્યો છે. મનને આનંદિત કરે એવું એટલે મોદક. ગળપણ તન-મન બન્નેને ગમે છે. દરેક દેશ, પ્રદેશ, કાળ, અવેલેબલ ઘટકો તેમ જ સ્થાનિક રીતભાત મુજબ એ મોદકમાં બદલાવ આવે. ભારતીય ખાનપાનના ઇતિહાસ પર ઊંડો અભ્યાસ કરનારા ફૂડ-હિસ્ટોરિયન કે. ટી. આચાર્યની બુક ‘અ હિસ્ટોરિકલ ડિક્શનરી ઑફ ઇન્ડિયન ફૂડ’માં જણાવ્યા મુજબ, ‘મોતીચૂર લાડુનો ઉલ્લેખ કન્નડ સાહિત્યના ૧૫૧૬ એડીમાં લખાયેલા સુપશાસ્ત્રમાં છે. બિહારમાં એક સદી પહેલાં લાડુનો વપરાશ થતો હોવાનો ઉલ્લેખ છે. ભુવનેશ્વરમાં લિંગરાજ મંદિરમાં પણ ગણેશજીની મૂર્તિના હાથમાં લાડવો હોવાનું જોવા મળે છે.’

લાડુનાં સ્વરૂપોમાં વિભિન્ન પરિવર્તનો આવતાં જ રહે છે. ભારતમાં પર્શિયનો આવ્યા એ પછીથી લાડુમાં અંજીર, ખજૂર વગેરેનો વપરાશ થવાનું શરૂ થયું. જોકે બ્રિટિશ કાળમાં ભારતમાં ખાંડનો ઉપયોગ શરૂ થતાં પોષ્ટિક લાડુમાં પણ ખાંડ આવી અને એક હેલ્ધી મીઠાઈમાં પૉઇઝન ઉમેરાવાનું શરૂ થઈ ગયું. હવે ફરથી યુ-ટર્ન આવી રહ્યો છે. ખાંડ હેલ્ધી નથી એવું સમજાતાં ગોળના લાડુ અથવા તો નૅચરલ શુગર ધરાવતા લાડુનું ચલણ ફરી વધી રહ્યું છે.

લાડુ વિશે જાણવા જેવું

લાડુનું એટીએમ ઃ પુણેમાં સંજીવ કુલકર્ણી નામના ગણેશભક્તે એક ખાસ એટીએમ બનાવ્યું હતું જેમાં રૂપિયાનો સિક્કા નાખવાથી એમાંથી મોદક નીકળે. ગયા વર્ષે ગણેશચતુર્થીના અવસરે શરૂ થયેલા આ મોદક પિરસતા મશીનનું નામ એટીએમ હતું જેનું ફુલ ફૉર્મ હતું ઍની ટાઇમ મોદક.

તિરુપતિ મોદક ઃ તિરુપતિ બાલાજીમાં ૧૭૧૫ની બીજી ઑગસ્ટથી એટલે કે લગભગ ૩૦૦ વર્ષથી વધુ સમયથી પ્રસાદમ તરીકે લાડુ આપવામાં આવે છે. બેસન, કાજુ, બદામ અને કેસરમાંથી બનતા આ લાડુ માત્ર તિરુપતિ બાલાજીમાં જ બનતા હોવાથી એને જીઆઇ ટૅગ પણ આપવામાં આવ્યો છે. અહીં ત્રણ પ્રકારના લાડુ બને છે. ૭૫૦ ગ્રામનો એક લાડુ એ અહીંની ખાસિયત છે જે અષ્ટનામ લડ્ડુ કહેવાય છે.

ઠગ્ગુ કે લડ્ડુ ઃ કાનપુરમાં ગયા હો અને ઠગ્ગુ કે લડ્ડુ નામ ન સાંભળ્યું હોય એવું બને જ નહીં. આ લાડુની દુકાનનું નામ જ છે ઠગ્ગુ કે લડ્ડુ. એ દુકાનની ટૅગલાઇન છે ‘ઐસા કોઈ સગા નહીં, જિસકો હમને ઠગા નહીં.’ આ દુકાનના માલિક મઠા પાંડે તો હવે હયાત નથી, પરંતુ તેમની પ્રામાણિકતા માટે તેમને રામાવતારના હુલામણા નામે બોલાવવામાં આવે છે. દાયકાઓથી અહીં લાડુ, રબડી અને કુલ્ફી વેચવામાં આવે છે. મઠા પાંડે ગાંધીજીના જબરા ફૅન હતા. ગાંધીજી સફેદ ખાંડને પૉઇઝન કહેતા. આ વાત પાંડેજીને બહુ સારી લાગી, પણ પોતાની મીઠાઈઓમાં ખાંડને બદલે બીજું શું વાપરી શકાય એ સમજાતું ન હોવાથી તેમણે ખાંડનો વપરાશ ચાલુ રાખ્યો, પણ પોતે લોકોને ખાંડ પિરસીને ઠગી રહ્યા છે એવું તેમને હંમેશાં લાગતું, જેને કારણે દુકાનનું નામ જ પાડી દીધું ઠગ્ગુ કે લડ્ડુ. હવે તો એમાં ગોળના લાડુની વરાઇટી મળવા લાગી છે, છતાં નામ હજી એ જ છે.

columnists gujarati mid-day