યામી જેવી સ્કિનની સમસ્યા તમને પણ છે? તો ફિકર નૉટ

04 October, 2022 05:17 PM IST  |  Mumbai | Sejal Patel

ગ્લૅમર વર્લ્ડમાં રહીને ત્વચાની સમસ્યા હોય તો એનાથી કેટલું સ્ટ્રેસ અનુભવાય એ સમજી શકાય એવું છે.

યામી જેવી સ્કિનની સમસ્યા તમને પણ છે? તો ફિકર નૉટ

થોડાક દિવસ પહેલાં ગૌરવર્ણ સ્કિન ધરાવતી યામી ગૌતમે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતે ઘણા સમયથી સ્કિન-કન્ડિશનથી પરેશાન હોવાની વાતનો ઘટસ્ફોટ કર્યો. ગ્લૅમર વર્લ્ડમાં રહીને ત્વચાની સમસ્યા હોય તો એનાથી કેટલું સ્ટ્રેસ અનુભવાય એ સમજી શકાય એવું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાની એ તસવીર મૂકીને લખ્યું હતું કે ‘હેલો ઇન્સ્ટા ફૅમિલી, હમણાં મેં એક ફોટોશૂટ કર્યું હતું. એ તસવીરો પોસ્ટ-પ્રોડક્શનમાં જઈ રહી હતી. એમાં મારી કેરાટોસિસ પિલારિસ નામની કન્ડિશનવાળી સ્કિનને સુધારવાની હતી. એ જ વખતે મને વિચાર આવ્યો કે હે યામી! કેમ તું આ હકીકતનો સ્વીકાર નથી કરી લેતી અને જે છે એમાં ખુશ નથી? જે છે એવું જ રહેવા દે. હું ઘણાં વર્ષોથી આ કન્ડિશનનો સામનો કરી રહી છું અને ફાઇનલી આજે મેં નક્કી કર્યું છે કે મારો ડર, અસલામતી છોડી દઈને ત્વચાની આ ખામીને દિલથી સ્વીકારી લેવાની હિંમત કરી જ લેવી.’ 

આવું કહીને તેણે પોતાનો કેરાટોસિસ પિલારિસ કન્ડિશનવાળો સુધાર્યા વિનાનો જ ફોટો પણ અપલોડ કર્યો. આ કન્ડિશનમાં અસરગ્રસ્ત ભાગમાં ખૂબ બારીક બમ્પ્સ થઈ જાય છે, જે દેખાવમાં ફ્લોલેસ નથી લાગતું. 

આ કોઈ રોગ નથી કે એનાથી હેરાનગતિ થાય, પણ હા, ફ્લોલેસ સ્કિન ન હોવાથી એ તમારી બ્યુટિફુલ સ્કિનની વ્યાખ્યામાં બરાબર બંધ ન બેસે. ટીનેજ સમયથી યામી આ કન્ડિશન ધરાવતી હતી જે હવે છેક લગ્ન બાદ એનો જાહેર સ્વીકાર કરી શકે એટલી ખેલદિલી કેળવી શકી. આજે સમજવાની કોશિશ કરીએ આ કન્ડિશન છે શું?

કેરાટોસિસ પિલારિસ લેટિન ટર્મ છે જેમાં કેરાટોસિસ એટલે ખરબચડી સ્કિન અને પિલારિસ એટલે હેર. જોકે નવાઈની વાત એ છે કે આ કન્ડિશન લગભગ ૪૦ ટકા ભારતીયોમાં છે. જો એમાં યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો પરિસ્થિતિ વધુ વકરી શકે છે. આ કન્ડિશન વિશે ડર્મેટોલૉજિસ્ટ ડૉ. પ્રિયલ ગાલા કહે છે, ‘આને કોઈ રોગ ન સમજવો. આ નૉર્મલ ત્વચાનું જ એક ટાઇપનું વેરિએશન છે. એમાં વાળના રૂટ્સની પાસે ડાર્ક બમ્પ્સ આવી જતા હોવાથી ત્વચા પર સ્પૉટ્સ દેખાય. મોટા ભાગે આવા સ્પૉટ્સ શોલ્ડર, બાવડાં અને થાઇઝ વગેરે પર વધુ હોય છે. આ એક કન્ડિશન છે જે હાનિકારક જરાય નથી અને એટલે એનો કોઈ ઇલાજ નથી. હા, આ ત્વચા પર ઇરિટેશન થાય, ઇચિંગ થાય કે બળતરા થાય તો તમારે ડર્મેટોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ.’

લક્ષણો અને સારવાર શું?

ત્વચાના મૂળ રંગ કરતાં ડાર્કર શેડના સ્પૉટ્સ ત્વચા પર દેખાય અને જાણે રૂંવાડાં ખડાં થઈ ગયા હોય એવા બમ્પ્સની ફીલ ત્વચા પર આવે એ છે કેરાટોસિસ પિલારિસ. એ મૂળે ડ્રાય સ્કિનનું પ્રાથમિક લક્ષણ છે એમ જણાવતાં ડૉ. પ્રિયલ કહે છે, ‘જેમને પણ ડ્રાય અને સેન્સિટિવ સ્કિનનું કૉમ્બિનેશન હોય તેમને આ વધુ થાય. આપણે ત્યાં આ કન્ડિશન ખૂબ જ કૉમન છે. એનો સૌથી સહેલો ઉકેલ છે, મૉઇશ્ચરાઇઝરનો નિયમિત ઉપયોગ કરવો. કેરાટોસિસ પિલારિસ કન્ડિશનમાં યુરિયા બેઝ્ડ મૉઇશ્ચરાઇઝર વાપરવું જોઈએ. વધુ ડ્રાય સ્કિન રહે તો આ સ્થિતિ વધુ વણસે છે. એટલે આ કન્ડિશનને કાબૂમાં લેવા કે સારવાર કરવા સૌથી પહેલાં મેડિકેટેડ મૉઇશ્ચરાઇઝર અને મેડિટેકેટેડ સાબુ વાપરવા જોઈએ. ધારો કે બહુ જ ડાર્ક સ્પૉટ્સ દેખાતા હોય તો અનુભવી ડર્મેટોલૉજિસ્ટ પાસે કેમિકલ પીલિંગ કરાવી શકાય. મોટા ભાગે લગ્નપ્રસંગ કે કોઈ ખાસ ફંક્શનમાં ફ્લોલેસ દેખાવા માટે થોડાક આકરા કેમિકલ પીલિંગ કરાવી શકાય. એનાથી સ્પૉટ્સ ઝાંખા થાય છે અને એ પણ કાયમી ધોરણે નહીં. ’

આ આદતો છોડી

દો‍સ્કિન પર ડાર્ક બમ્પ્સ જોઈને ઘણા લોકો ત્વચાને વધુ જોરથી ઘસી-ઘસીને સાફ કરે છે જે આ કન્ડિશનમાં અવળી અસર કરે છે. ઇન ફૅક્ટ આ ત્વચાને સૉફ્ટલી સાફ કરવી અને હાઇડ્રેટેડ રાખવી એ જ ઉપાય છે એમ જણાવતાં ડૉ. પ્રિયલ કહે છે, ‘લુફા, કાથા, પ્યુબિક સ્ટોન કે સ્ક્રબરથી ત્વચાને ઘસવાનું બિલકુલ બંધ કરવું. કડક ટુવાલને બદલે સૉફ્ટ ટુવાલ વાપરવો. ગરમાગરમ પાણીથી દિવસમાં બે-ત્રણ વાર નાહવાની આદત હોય તો એ પણ ઠીક નથી. ડ્રાયનેસ ઘટે એ માટે મૉઇશ્ચરાઇઝ્ડ સ્કિન રાખવી એ જ ઉપાય છે.’

જેમને પણ ડ્રાય અને સેન્સિટિવ સ્કિનનું કૉમ્બિનેશન હોય તેમને આ વધુ થાય. એનો સૌથી સહેલો ઉકેલ છે, યુરિયા બેઝ્ડ મૉઇશ્ચરાઇઝર અને માઇલ્ડ સાબુનો ઉપયોગ કરવો.  
ડૉ. પ્રિયલ ગાલા, ડર્મેટોલૉજિસ્ટ

columnists sejal patel skin care