ફાઇનલી ભારતની સ્વતંત્રતાની લડતના આકાશમાં એક નવો સૂર્યોદય થયો છે

28 January, 2022 09:17 AM IST  |  Mumbai | Manoj Joshi

અનિવાર્ય હતું આ. જો આ તબક્કે બોઝબાબુને હક ન મળ્યો હોત તો કદાચ એવી નોબત આવીને ઊભી રહી ગઈ હોત કે બોઝબાબુને દેશ વીસરી ગયો હોત.

તસવીર સૌજન્ય મિડ-ડે

હા, ફાઇનલી. ફાઇનલી રવિવારે ઇન્ડિયા ગેટ સામે સુભાષચંદ્ર બોઝના હોલોમાર્ક સ્ટૅચ્યુનું અનાવરણ કરીને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતાની લડતના આકાશમાં એક નવા સૂર્યોદયનો આરંભ કર્યો છે. ઇતિહાસ પર કબજો લેવાઈ ગયો હતો, ઇતિહાસ આખો એક જ દિશામાં, એક જ પ્રવાહમાં ફરતો રહ્યો અને એ પણ લાંબા સમય સુધી, જેને કારણે એક ચોક્કસ વર્ગને વધારે પડતું પ્રાધાન્ય મળ્યું, તો એક ચોક્કસ વર્ગને ખૂણામાં ધકેલવાનું કામ પણ એકધારું થતું ગયું અને અંતે એ જ થયું જેની ભીતિ હતી.
આઝાદીની આખી લડત એક જ જૂથ દ્વારા ચલાવવામાં આવી હોય એવો આભાષ ઊભો થવા માંડ્યો જે ખરેખર ખોટું હતું. આગેવાની એકની હોય, પણ સેના એકની ક્યારેય ન હોય અને એવું જ લાગતું હતું કે ભારતીય સ્વતંત્ર સંગ્રામમાં આગેવાની પણ એકની હતી અને આખી સેના પણ અમુક લોકોની જ હતી. બાકી કોઈનું મહત્ત્વ જ નહોતું. અસત્ય. કાળઝાળ કરી મૂકે એવું અસત્ય. આઝાદીના સંગ્રામમાં અઢળકનો સાથ રહ્યો, અઢળકનો સહકાર રહ્યો અને સહિયારા સંગ્રામે દેશને આઝાદીનો અનુભવ કરાવ્યો. જોકે એ બધામાં પણ સુભાષચંદ્ર બોઝની વાત નિરાળી હતી અને તેમની મહેનત, તેમની કામગીરી અદકેરી હતી.
સુભાષબાબુ વિશે આજે પણ જો કોઈને પૂછવામાં આવે તો બેચાર વાત જ લોકોને ખબર છે. એક તો તેમણે સેના બનાવી હતી, બીજી વાત કે તેમનું મોત થયું હતું કે નહીં એ શંકાસ્પદ રહ્યું છે. ભારતીય આઝાદીની સૌથી શંકાસ્પદ બાબત જો કોઈ હોય તો એ આ જ વાત છે કે સુભાષબાબુ ગયા ક્યાં અને કોને લીધે ગયા?
અનેક તર્ક-વિતર્કનો ઉપયોગ થઈ ચૂક્યો છે આ વિષય પર અને એ તર્ક-વિતર્કના આધારે જ કહેવું પડે કે આજે તો તેઓ હયાત નહીં જ હોય એ નક્કી છે, પણ તેમની હયાતીને ગેરહયાતીમાં ફેરવવાનું કામ અંગ્રેજો દ્વારા થયું અને એ કાર્યમાં ક્યાંક ને ક્યાંક ગદ્દારોનો સાથ પણ મળ્યો હતો. સુભાષચંદ્ર બોઝે જે દિશામાં વિચાર કર્યો હતો એ દિશામાં દૂર-દૂર સુધી અન્ય સ્વતંત્રતા સેનાની વિચારી નહોતા શક્યા. અહિંસા સાથેની લડતની આડશમાં બોઝબાબુને હાંસિયા બહાર ધકેલવાનું કામ અનાયાસ જ થઈ ગયું હતું અને અંગ્રેજો પણ એ જ ઇચ્છતા હતા. અંગ્રેજોની એ ઇચ્છા એ સમયે તો કામ કરતી રહી, પણ સાવ એવું નહોતું. અંગ્રેજોની એ ઇચ્છા દસકાઓ સુધી આ દેશમાં ચાલતી રહી અને અંગ્રેજો સામે બાંયો ચડાવીને મેદાનમાં ઊતરેલા બોઝબાબુની લડતને ક્યાંય કોઈ જગ્યાએ સ્થાન મળ્યું નહીં. વાત દાર્શનિક સ્થાનની છે, ઇતિહાસમાં પાઠ આવ્યા પણ એ પાઠ પાછળ પણ રાજકારણ હતું અને જે દેશના આઝાદીના સંગ્રામને પણ જો રાજકારણ સાથે જોડવામાં આવતો હોય એ દેશના રાજકારણ પાસેથી તમે બીજી કોઈ અપેક્ષા રાખી શકતા નથી.
રાજકારણનો ક્ષય થયો છે સાહેબ. હા, રાજકારણનો ક્ષય થયો અને અધિકારને આંખો મળવાની છે. હવે સુભાષબાબુ ઇન્ડિયા ગેટની સામે ‘સીના તાન કે’ ઊભા રહેશે અને આઝાદીના સંગ્રામમાં તેમણે આપેલો ભોગ પણ દુનિયાઆખી નોંધશે. નોંધશે પણ અને આંખો ઝુકાવશે પણ ખરી. જરૂરી હતું આ. અનિવાર્ય હતું આ. જો આ તબક્કે બોઝબાબુને હક ન મળ્યો હોત તો કદાચ એવી નોબત આવીને ઊભી રહી ગઈ હોત કે બોઝબાબુને દેશ વીસરી ગયો હોત.

columnists manoj joshi