પારાયણ પેરન્ટ્સ અને ચૅનલની: આડા રસ્તે ચડી ગયેલાને સમજાવ્યા પછી સંબંધો તોડી નાખવામાં આવે

18 June, 2021 01:13 PM IST  |  Mumbai | Manoj Joshi

તમે રિયલિટી શોમાં આવાં નાહકનાં નખરાંઓ દેખાડીને ઑડિયન્સના સમયની બરબાદી કરો છો. તમારે એપિસોડમાં મિનિટો ભરવાની છે, પણ એ મિનિટો ભરવાની લાયમાં તમે ઑડિયન્સના સમયની બરબાદી ન કરી શકો

પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરીએ છીએ રિયલિટી શોમાં ચાલતા પેરન્ટ્સના ધજાગરાની. રિયલિટી શોએ શું કામ આવું કરવું પડે છે એની પણ ચર્ચા આપણે ગઈ કાલથી શરૂ કરી.

કૉમેડી લોકોને ગમે છે એવા હેતુથી કે પછી કન્ટેસ્ટન્ટ સાથે પેરન્ટ્સને રહેવા દેવામાં આવે છે અને એની માટે જ ખર્ચ કરવામાં આવે છે એ વસૂલ કરવાની આ નીતિને લીધે? ટીઆરપી મેળવવાની આ મજબૂરી છે કે પછી એક કલાકના એ શોમાં મિનિટો ભરવાની માનસિકતા હોય છે? પ્રશ્નો આવા અનેક છે અને એ દરેક પ્રશ્ન ઑડિયન્સ પૂછી રહી છે, પણ આપણે ત્યાંની એક મજબૂરી છે અને એ મજબૂરીને લીધે ઑડિયન્સના આ પ્રશ્નો ચૅનલ ઑપરેટર સુધી પહોંચતા. પરિણામ એ આવે છે કે ચૅનલ પર જે ઝીંકવામાં આવે છે એ મારો એમ જ સૌકોઈએ સહન કરતા રહેવો પડે છે, પણ ચૅનલે આ બાબતમાં સમજવું પડશે અને ચૅનલ ચલાવનારા અધિકારીઓએ પણ હવે સમજણ દાખવવી પડશે.

પહેલાં ચૅનલ નામના બુફેમાં હરિફાઈ નહોતી, પણ હવે ડિજિટલ પ્લૅટફૉર્મ સ્ટ્રૉન્ગ બન્યાં છે. આ ડિજિટલ પ્લૅટફૉર્મ હવે આલા-કાર્ટે મેનુ લઈને આવ્યાં છે. નૉમિનલ કહેવાય એવા સબસ્ક્રિપ્શન સાથે એ તમારી સામે આખું કિચન ખુલ્લું મૂકી દે છે. કહે છે કે જે ખાવું હોય એ ખાઈ લો. તમારી મરજી, તમારી સામે બધું પડ્યું છે. અમે વચ્ચે ક્યાંય નહીં આવીએ. વચ્ચે આવીને અમે તમારો જરા પણ સમય નહીં વેડફીએ. સાહેબ, સમય. સૌથી વધારે સમય મહત્ત્વનો છે. તમે રિયલિટી શોમાં આવાં નાહકનાં નખરાંઓ દેખાડીને ઑડિયન્સના સમયની બરબાદી કરો છો. તમારે એપિસોડમાં મિનિટો ભરવાની છે, પણ એ મિનિટો ભરવાની લાયમાં તમે ઑડિયન્સના સમયની બરબાદી ન કરી શકો. એ ઑડિયન્સના સમયની બરબાદી, જે તમારા કન્ટેસ્ટન્ટની ગાયકી માણવા આવ્યો છે. એ ઑડિયન્સના સમયની બરબાદી, જે તમારા કન્ટેસ્ટન્ટની નૃત્યકળા માણવા આવ્યો છે. તમે કન્ટેસ્ટન્ટના પપ્પા ઊભા કરીને તેની પાસે ડાન્સ કરાવો અને પછી સાથે મળીને બધા વેખલાની જેમ હસો, આ કંઈ રીત છે ભલા માણસ? એ કન્ટેસ્ટન્ટનો બાપ છે, નાનું બચ્ચું છે એટલે તેણે એની સાથે રહેવું પડે છે. બાળક ભૂલો, કન્ટેસ્ટન્ટ મૅચ્યોર્ડ હોય તો પણ તમે નિયમ બનાવ્યો છે કે એક વ્યક્તિ તેની સાથે રહી શકશે એટલે તમે સાથે રહેવાનો જે ખર્ચ વહન કરો છો એ આવી ફાલતું રીતે વસૂલ કરો એ ક્યાંનો ન્યાય, ક્યાંની રીત?

તમારી આ વાહિયાત માનસિકતાને લીધે જ એક સમયે ટોચ પર રહેનારા આ રિયલિટી શો આજે ટીઆરપીમાં ટૉપના પાંચ શોમાં પણ સામેલ નથી થતા. એ માત્ર તમારો ટાઇમ સ્લૉટ ભરે છે. એક કલાક ઓછો કરે છે પ્રાઇમ ટાઇમનો અને તમારું કન્ટેન્ટ બનાવે છે. બસ, આનાથી આગળ કશું નથી. નહીં કરો આવી છેતરપિંડી તમે, નહીં કરો આવી રમત તમે. કન્ટેન્ટ પીરસો, નક્કર કન્ટેન્ટ. ઇન્ડિયન ઑડિયન્સનો મોટો વર્ગ હવે યંગસ્ટર્સ છે, જેના હાથમાં હવે રિમોટ આવ્યું છે. તે નક્કી કરે છે કે તેણે શું જોવું છે. નક્કી કરીને તે તમને કાયમનો જાકારો આપી દે એના કરતાં બહેતર છે કે તમે સરળતા સાથે અને સહજ રીતે કન્ટેન્ટ આપવાનું ચાલુ કરો. બગડી ગયેલી તમારી આ લાઇન પડતી મુકો.

columnists manoj joshi