સિનેમાનો સાક્ષાત્કાર:ગર્વ કરવાનું મન થાય અને સાથોસાથ આભાર માનવાનું મન પણ થઈ આવે

20 November, 2021 12:33 PM IST  |  Mumbai | Manoj Joshi

એક તરફ દેશમાં જ્યારે જાંબાઝ પોલીસ દેખાડતી ફિલ્મો બની રહી છે તો બીજી તરફ આ જ ફિલ્મમાં એવી પોલીસ દેખાડવામાં આવી છે જે શ્રીમંતોના ઇશારે નાચે છે અને તેની ઇચ્છા મુજબ કામ કરે છે. 

પ્રતીકાત્મક તસવીર

હા, ‘જય ભીમ’ એવી જ ફિલ્મ છે. ગર્વ કરવાનું મન થાય, આભાર માનવાનું મન થઈ આવે અને સાથોસાથ તમને અંદરથી ખુશી પણ આપે કે તમારા દેશની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આ કામ થયું. ‘જય ભીમ’ ઑસ્કરમાં જઈ શકવાની પૂરી ક્ષમતા ધરાવે છે, પણ એને ટેક્નિકલિટી નડી શકે છે કે એ સીધી ડિજિટલ પ્લૅટફૉર્મ પર‌ રિલીઝ થઈ છે. ખેર, વાત કરીએ ‘જય ભીમ’ની. કારણ કે એ ઑસ્કરને મોહતાજ નથી અને સારું કામ ક્યારેય કોઈ ખિતાબને મોહતાજ હોતું નથી.
‘જય ભીમ’ ફિલ્મે દેખાડ્યું છે કે આ દેશમાં એવા લોકો પણ છે જેમને મન ગરીબનું કોઈ મૂલ્ય નથી તો એવા પણ લોકો છે જેઓ ગરીબના પડખે ઊભા રહેવા માટે તત્પર રહે છે. દેશનો કાયદો સૌકોઈ માટે સમાન છે એવું કહેવાતું રહ્યું છે, પણ એ કાયદાને સાચી અને સારી રીતે લઈને દરેકની ભાવનાઓની સાથે જોડવામાં આવે તો જ એ સત્ય હકીકત બને. એક તરફ દેશમાં જ્યારે જાંબાઝ પોલીસ દેખાડતી ફિલ્મો બની રહી છે તો બીજી તરફ આ જ ફિલ્મમાં એવી પોલીસ દેખાડવામાં આવી છે જે શ્રીમંતોના ઇશારે નાચે છે અને તેની ઇચ્છા મુજબ કામ કરે છે. 
ફિલ્મ વિશે વાત ચાલતી હતી ત્યારે એક વ્યક્તિએ એવી દલીલ કરી કે એવી ખરાબ અને કરપ્ટ પોલીસને દેખાડવાની જરૂર જ નથી. સારું જુઓ, સારું દેખાડો અને સારા બનો. સાંભળવામાં વાત સારી લાગે છે અને જે તર્ક લગાવવામાં આવે છે એમાં કશું ખોટુંય નથી, પણ, પણ, પણ, તમારે સ્વીકારવું જ રહ્યું કે ગામ હોય ત્યાં ઉકરડો હોય જ અને ઉકરડાની એ ખાસિયત છે કે એને જો બાંધી દેવામાં ન આવે તો એ પોતાના પગ ફેલાવે. ભ્રષ્ટાચારનું પણ આ ઉકરડા જેવું જ છે. જો એને બાંધવામાં ન આવે, રોકવામાં ન આવે તો એ પગ ફેલાવે. કહેવાનો ભાવાર્થ એ છે કે સુઘડ ગામ જોવું રહ્યું એવી જ રીતે આપણે ગંદકી જ્યાં ભરવામાં આવી હોય એ ઉકરડાને પણ જોવો રહ્યો.
‘જય ભીમ’ એ ઉકરડાની સામે આંગળી ચીંધે છે અને કહે છે કે જો સમજશો નહીં, જો માનસિકતા બદલશો નહીં તો આ ઉકરડાને ફેલાતાં વાર નથી લાગવાની. જો સમજશો નહીં તો આ ઉકરડો પોતાના પગ પહોળા કરશે અને એના પહોળા થયેલા પગ તમારા સુધી લંબાશે. બહેતર છે કે આંખો ખોલી નાખો અને મનમાં ભરેલી ખોટી ભ્રમણાઓને દૂર કરીને આગળ વધો, સ્વસ્થ સમાજનું નિર્માણ કરો અને લોકશાહીનું સાચા અર્થમાં સન્માન કરો.
‘જય ભીમ’ જોયા પછી બોલતી બંધ થઈ જાય છે. મગજમાં ખાલી ચડી જાય છે અને વિચારોમાં શૂન્યાવકાશ પ્રસરી જાય છે. એમાં મનોરંજન નથી, પણ એમાં મનોવ્યથા છે. ‘જય ભીમ’નું સન્માન કરવું એ સૌકોઈની જવાબદારી છે. આ પ્રકારની ફિલ્મો જ સમાજનું ઘડતર કરતી હોય છે. ‘દબંગ’ અને ‘સિંઘમ’ જેવી ફિલ્મ આનંદ આપે, પણ ‘જય ભીમ’ જોયા પછી તમારી છઠ્ઠી ઇન્દ્ર‌િય કામે લાગી જાય. માણસ તરીકેની તમારી ફરજ યાદ આવી જાય અને સામાજિક પ્રાણી તરીકેની તમારી જવાબદારી તમને સમજાઈ જાય અને એ કામ માબાપ સિવાય કોઈ કરતું નથી. આ જ દૃષ્ટ‌િકોણથી કહેવાનું હોય તો કહીશ કે, ‘જય ભીમ’ બાકીની તમામ ફિલ્મોનો બાપ છે, બીજી ફિલ્મોની મા છે. 

manoj joshi columnists