પ્રિય પપ્પા - મનોજ જોષી

16 June, 2019 01:14 PM IST  | 

પ્રિય પપ્પા - મનોજ જોષી

મનોજ જોષી અને તેમના પપ્પા નવનીતભાઈ.

પ્રિય ભઈ,

તમારી સામે બોલવાની પણ હિંમત ઓછી ચાલતી હોય એવામાં તમને પત્ર લખવાનું આહ્વાન મળે તો સ્વાભાવિક રીતે પહેલાં તો હિંમત એકત્રિત કરવી પડે, જે કરવામાં જ મને બેથી ત્રણ દિવસ નીકળી ગયા. નક્કી કર્યા મુજબની ડેડલાઇન કરતાં પણ છત્રીસ કલાક મોડો આ પત્ર લખું છું અને એ પણ મારો પ્રેમપત્ર છે. જિંદગીનો પહેલો પ્રેમપત્ર અને એ પણ એમને જેમના જેવું બનવું એ સપનું છે. આ સપના વચ્ચે જ પહેલી વાત તમારા પ્રત્યેના સંબોધનની કરવી છે.

ભઈ.

ભાઈ પણ નહીં ભઈ.

બધા પોતાના પપ્પાને પપ્પા કહે, બાપુજી કહે, ડૅડી કહે, પણ હું તો બોલતાં શીખ્યો ત્યારથી જ તમને ભઈ કહેતો થયો અને તમે પણ ક્યારેય એ સંબોધનને બદલવાનો પ્રયાસ ન કર્યો. ભઈ જ રહેવા દીધું તમે. કાકાઓ તમને ભાઈ કહે, દાદા પણ પાછળનાં વષોર્માં તમને ભાઈ કહેવા માંડ્યા હતા અને હું, નાનો હતો ત્યારથી, બોલતાં શીખ્યો ત્યારથી ભઈ. ભાઈ બોલતાં આવડ્યું નહીં હોય એટલે જ આવું અપ્રભંશ થઈ ગયેલું ભઈ, તમારી માટે સંબોધન બની ગયું.

ભઈ. ભાઈ.

ભઈ, મોટા ભાગે સંતાનો પોતાના પિતા જેવાં બનવાનું સ્વીકારતાં હોય છે. જો મોટો ભાઈ હોય તો પછી ભાઈ જેવા બનવાનું પણ પસંદ કરતાં હોય છે. મારા માટે પિતા પણ તમે અને મોટા ભાઈ પણ તમે અને એટલે જ મને બન્ને રીતે તમારા જેવા બનવાનું મન થયા કરે. ભાઈ રાજેશના અચાનકના દેહાંત પછી અઢી વર્ષ થયાં હશે ત્યારે મારી બીમારી આવી. બીમારી સિરિયસ હતી અને તમારાથી એ વાત છુપાવી હતી. એવી ધારણા સાથે કે રાજેશના દેહાંત પછી તમને મારી તબિયતની ખબર પડશે તો તમે ગુસ્સે થશો અને ભઈ, તમને ખબર જ છે કે તમારો ગુસ્સો કેવો છે. સાક્ષાત્ દુર્વાસા. મારા કેટલાક મિત્રો તો એવું પણ કહે કે જોષી પરિવારમાં બાપુજી પરશુરામ જેવા અને દીકરો ચાણક્ય. ઍની વે, હૉસ્પિટલની વાત કહું. એક જ ક્ષણમાં લાલચોળ થઈ જવાના તમારા એ સ્વભાવને ધ્યાનમાં રાખીને જ તમને મારી તબિયતની જાણકારી નહોતી આપી અને હૉસ્પિટલમાં ઍડમિટ થઈ ગયો. ટેન્શન ઓસરવું શરૂ થયું અને એ દરમ્યાન જ તમને પણ તબિયત વિશે ખબર પડી. તમે સીધા આવી ગયા હૉસ્પિટલ અને પછી હૉસ્પિટલમાં જ રહ્યા. મને યાદ છે એ દિવસ જે દિવસે તમે મને પથારીમાં પીપી કરાવવા માટે પેલું પીપી ભરવાનું પૉટ આપ્યું હતું અને મેં તમને એ અડકવાની ના પાડી હતી. મારી ના સાંભળીને તમે કહ્યું હતું, ‘ના નહીં પાડ, આજે તારી મા બનવાનો અવસર આવ્યો છે...’

એ દિવસ અને આજની ઘડી.

તમારા ગુસ્સાનો ડર મને ચાલ્યો ગયો. તમને વળગીને લાડ કરવાનું કે તમારા ગાલ પર વહાલથી ચુંબન કરવાની તો આજે પણ કલ્પના ન કરી શકું, પણ હા, તમારામાં પેલા કોપાયમાન થઈ શકતા મર્દનો ડર મને ચાલ્યો ગયો. જરૂરી પણ હતું, કારણ કે હું તમને ખુશ કરવા માગતો હતો, જે કામમાં પેલો ગુસ્સો ક્યાંક અને ક્યાંક બાધારૂપ બનતો રહ્યો હતો. આવીને ખુશ થઈને કે પછી ઊછળીને ખુશી વર્ણવવાનું ક્યારેય ફાવ્યું નથી અને તમે પણ એ પ્રકારે ક્યારેય સામો પ્રતિસાદ નથી આપ્યો, પણ છેલ્લે-છેલ્લે તમે મારું લખાણ વાંચીને આંખોથી જે તમારી ખુશી દેખાડતા હતા એ જોઈને પણ બધું લૂંટાવી દેવાનું મન થઈ જતું. જો હું સિંદબાદ હોત તો મેં મારાં બાર લાખ વહાણો તમારા પર ઓળઘોળ કરીને બક્ષિસમાં આપી દીધાં હોત, પણ હું તો એક ઍક્ટર છું. ઍક્ટર શું આપી શકવાનો અને એ પણ એને, જેણે મૂક દીક્ષા અને શિક્ષા આપવાની એક પણ તક જતી ન કરી હોય.

આજે મારામાં જે સ્વાભિમાન છે, જે ખુદ્દારી છે, જે સામથ્ર્યભાવ છે એ આપને આધીન છે. તમને જોઈને, તમને અનુભવીને એ મેળવ્યો છે. મારામાં જે જ્ઞાન છે, જે સમજદારી છે એ આપને આધીન છે. તમારામાંથી એ આવ્યા છે અને તમારી પાસેથી હું એ પામ્યો છું. તમારી જીદ, તમારી હકારાત્મક જીદ.

જ્યારે પણ મને કોઈ એવું પૂછે કે તમને તમારા ફાધર પાસેથી શું મળ્યું ત્યારે હું આ જીદને તમારી પાસેથી મળેલા વારસા તરીકે ગણાવું છું. ન આવડતું હોય અને શીખવાનો વિચાર મનમાં આવ્યો હોય, ન ખબર હોય અને એ જાણવાની તાલાવેલી તમને લાગી હોય, ન જાણકારી હોય અને એ મેળવવાની ઇચ્છા તમને થઈ હોય તો પછી દુનિયાનો ચબરબંધી પણ તમને રોકી ન શકે. તમે એ જાણવા માટે, એ શીખવા માટે આકાશપાતાળ એક કરીને પણ એની માટે મહેનત કરો અને માત્ર શીખીને કે જાણીને જ નહીં, પણ એ ક્ષેત્રમાં પારંગત બનીને જ બહાર આવો.

તમારી એ જીદનો વારસો મારામાં આવ્યો છે. વારસો ન ગણાવીએ તો પણ ચાલે, કારણ કે મને એ શબ્દ ગમતો નથી. શું કામ નથી ગમતો એની વાત પણ તમને હમણાં કહું, પણ પહેલાં પેલી જીદવાળી વાતને સ્પષ્ટ કરી દઉં અને ખુલાસાભેર કહી દઉં કે તમારી એ જીદનું ડીએનએ મારામાં ટ્રાન્સફર થયું લાગે છે. બસ, મને ચાનક ચડવી જોઈએ. શહેરની ભાષામાં કહું તો ઘૂરી ચડવી જોઈએ. એક વખત એ ચડી ગઈ તો પછી પતી ગયું. હું કોઈ પણ ભોગે એ કામ કરીને રહીશ. ‘મિડ-ડે’માં કોલમ લખવાની વાત આવી ત્યારે તમારું એ જ ડીએનએ કામ કરી ગયું. ક્યારેય લખ્યું નહોતું, ક્યાંય લખ્યું નહોતું, પણ એમ છતાં પણ એ લખવાની શરૂઆત કરી અને એને પ્રતિસાદ પણ અદ્ભુત મળ્યો. આજે, હું મારા આ જીવનના પહેલા પ્રેમપત્ર થકી સૌને કહેવા માગું છું કે એક લેખક તરીકે હું જે કંઈ લખી રહ્યો છું એ બધું મારા ભઈને અર્પણ છે. ભઈ, મારી આ તમને ગુરુદક્ષિણા છે. જો તમને હું શિષ્ય તરીકે યોગ્ય લાગતો હોઉં તો. યોગ્યતાની વાત કરતી વખતે મને પેલો કિસ્સો યાદ આવે છે, જેમાં તમારે દેશના સૌથી ધનાઢ્ય પરિવારનાં સંતાનોને શાસ્ત્રોનું જ્ઞાન આપવા જવાનું હતું. જેમનું નામ પડે અને દેશના વડા પ્રધાન પણ માન સાથે ઊભા થઈ જાય એવા એ પરિવારનાં સંતાનોને કીર્તન અને શાસ્ત્રનું જ્ઞાન આપવા જવાનું તમે શરૂ પણ કર્યું અને તે લોકો તમારાથી ભારોભાર પ્રભાવિત પણ થઈ ગયા. પ્રભાવની એ અસર વચ્ચે જ એમણે આપણને વાલકેશ્વરમાં ઘર આપવાનું પણ જાહેર કરી દીધું અને એ પછી એક દિવસ અચાનક જ તમે એ કામ છોડી દીધું.

સૌ કોઈના મનમાં આશ્ચર્ય હતું. એવું તે કોઈ મોટું કામ તમને મળ્યું નહોતું અને તો પણ તમે એ કામ છોડી દીધું હતું. બધાએ બહુ પૂછયું ત્યારે તમે કારણ જણાવતાં કહ્યું હતું કે તે ફૅમિલીની ઇચ્છા એવી છે કે હું માત્ર તેમનાં જ બાળકોને એ બધું શીખવું, જે મારાથી નહીં થાય. તમારા એ શબ્દો આજે પણ મારા મનમાં અકબંધ છે.

‘મનોજ, જ્ઞાન અને યોગ્યતા ક્યારેય કોઈ એક જગ્યાએ બંધાયેલી રહેતી નથી. જ્ઞાનને બાંધનારો કોઈની યોગ્યતા છીનવી લેવાનું કામ કરતો હોય છે. એવું તારી પણ જિંદગીમાં બને તો એશોઆરામને બદલે સ્વાભિમાનને મહત્વ આપજે... જ્યારે જવાનો સમય આવશે ત્યારે ખુલ્લી આંખે જઈ શકવાની હિંમત હશે.’

મને યાદ છે એ દિવસોમાં આપણે પતરાની એક ઓરડીમાં રહેતા અને તમે એ ઑફર ઠુકરાવી દીધી હતી. એવી જ રીતે, જેવી રીતે નેવુંના દશકમાં તમારા ભાઈબંધ એવા મનોહર જોષીએ તમને ઘરની ઑફર કરી અને તમે એ નકારી કાઢી હતી. તમારાં શાસ્ત્રો અને કીર્તનના જ્ઞાનના આધારે તમને મનોહર જોષીએ ઘર આપવાની વાત કહી અને એ પછી પણ તમે કહ્યું હતું, ‘બે હાથ અને બે દીકરા મજબૂત છે. મનોહરભાઉ, ઘર એવા કોઈને આપો જેની પાસે આ બેમાંથી કંઈક ઓછું હોય...’

આ પણ વાંચો : પ્રિય પપ્પા : પંકજ ઉધાસ

જો કુળદીપક સારો મળે તો લોકો માબાપને કહેતા હોય છે કે નસીબદારના પેટે આવો દીકરો જન્મે, પણ મનોહર જોષી મને એક વાર મળ્યા ત્યારે તેમણે આનાથી ઊલટી વાત કહી હતી.

‘મનોજ, નસીબદાર હોય એને આવા બાપુજી મળે...’

ભઈ, હું નસીબદાર છું અને મને એનો ગર્વ છે. આશા રાખું છું કે તમને પણ પેલી ઓરિજિનલ વાત કહેનારા મળ્યા હશે અને કહ્યું હશે કે તમે નસીબદાર છો કે તમારે ત્યાં મનોજ જન્મ્યો છે. છેલ્લો થોડો સમય તમે મને તમારી સાથે રહેવાની જે તક આપી એ તકનો આજીવન ઋણી રહીશ એવું કહીને હું તમારા ડરને સહેજ પણ ઓછો કરવા નથી માગતો પણ હા, એટલું કહીશ પેલા દિવસે તમે તો હૉસ્પિટલમાં મા બની લીધું, પણ મને એવી તક તમે ક્યારેય આપી નહીં.

બસ, બાકી આંય બધું ઓલરાઇટ છે. તમારી ગેરહાજરી દિવસે-દિવસે વધારે ઘેરી બનીને સાલે છે.

આપનો મનોજ

પપ્પા વિશે થોડું

ટીવી-ફિલ્મ અને હિન્દી-ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર મનોજ જોષીના પપ્પા નવનીત જોષી રાયગઢ પાસે આવેલા ગોરેગાંવમાં રહેતા અને છેલ્લાં થોડાં વષોર્ મુંબઈ રહેવા આવ્યા હતા. પ્રખર પંડિત એવા નવનીત જોષી વ્યવસાયે કર્મકાંડી, ગ્લૅમર વર્લ્ડથી સહેજ પણ અટૅચમેન્ટ નહીં. નવનીત જોષીનું અવસાન ગયા મહિને થયું.

manoj joshi columnists weekend guide fathers day