મોતી ઊગ્યાં ખેતરમાં...

21 November, 2021 02:13 PM IST  |  Mumbai | Shailesh Nayak

આજે મળીએ આવા જ એક યુવાનને જેણે અત્યાર સુધીમાં મોતીના બે પાક લઈ લીધા છે

નીરવ પ્રવીણ પટેલે કમોસમી વરસાદથી પાકને નુકસાન ન થાય એ વિચારીને મોતીની ખેતીનો પ્રયોગ ત્રણ વર્ષથી શરૂ કર્યો છે.

ઍગ્રિકલ્ચરની દુનિયામાં હવે એક નવો આયામ ઉમેરાઈ રહ્યો છે જેમાં ખાદ્ય ચીજો નહીં પણ શણગારની ચીજોની ખેતી થઈ રહી છે. પૂર, માવઠાં, દુકાળ જેવી સ્થિતિઓમાં ઊભા પાકનું નુકસાન વેઠવું ન પડે એ માટે હવે યુવાન ખેડૂતો ખેતીની સાથે-સાથે પર્લ ફાર્મિંગમાં ઝંપલાવી રહ્યા છે. આજે મળીએ આવા જ એક યુવાનને જેણે અત્યાર સુધીમાં મોતીના બે પાક લઈ લીધા છે

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષથી વારંવાર આવતાં વાવાઝોડાં, મુશળધાર વરસાદ અને એના કારણે નદીઓમાં આવતા ભારે પૂર કે પછી કમોસમી વરસાદથી ખેતરોમાં લહેરાતા ઊભા પાકનો સોથ વળી જાય છે. ખેતર ખેડીને, પાણી સીંચીને, રાત-દિવસ મહેનત કરીને ઊભા કરેલા પાકને વરસાદ કે પૂરના પાણીથી કે પછી માવઠાથી તહસનહસ થતો જોઈને કુદરતી આફતો સામે ખેડૂત લાચાર બની જાય છે. જોકે આવી વિષમ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે અને ખેતરમાં કરેલી મહેનત એળે ન જાય એ માટે ડાયમન્ડ સિટી સુરતના નવયુવાન નીરવ પ્રવીણ પટેલે ખેતીના ક્ષેત્રે નવા વિચાર સાથે સાહસ કરીને પર્લની એટલે કે મોતીની ખેતીનો પ્રયોગ શરૂ કર્યો છે અને એનાં મીઠાં ફળ ચાખવાની શરૂઆત કરી છે.
દક્ષિણ ગુજરાતના હાંસોટ તાલુકામાં આવેલા સાહોલ ગામે ૮ વીઘાંમાં સુરતના ૨૯ વર્ષના નીરવ પટેલે મોતીની ખેતી શરૂ કરી છે. આ મોતી મોલની ખેતીની શરૂઆત કેવી રીતે થઈ એની રસપ્રદ વાત કરતાં નીરવ પટેલ કહે છે, ‘હું સુરત રહું છું અને અમારા ગામ સાહોલમાં અમારી ૧૪ વીઘાં જમીન છે. એમાંથી ૮ વીઘાં જમીનમાં તળાવ બનાવીને મોતીની ખેતી શરૂ કરી છે. બાપદાદાનું ખેતીનું કામ છે, પણ મારે કંઈક જુદું કરવું હતું. ગ્રૅજ્યુએશન પૂરું કર્યા પછી મેં પર્લ ફાર્મિંગ અને પર્લ કલ્ચર વિશે જાણ્યું હતું. મેં પર્લ ફાર્મિંગ વિશે સાંભળ્યું હોવાથી ગૂગલ અને યુટ્યુબ પર સર્ચ કર્યું. મને પર્લ ફાર્મિંગના વિડિયો મળ્યા એ જોયા, પર્લ ફાર્મિંગ વિશે વિગતો જાણી, એને સમજ્યો એટલે મને થયું કે ખેતી કરવી તો મોતીની જ કરાય. આ માટે રાજસ્થાન જઈને મોતીની ખેતી માટે બે દિવસ ટ્રેઇનિંગ લીધી અને ૨૦૧૯માં મારા ખેતરમાં બનાવેલા નૅચરલ પૉન્ડમાં મોતીની ખેતીની શરૂઆત કરી.’ 
કેવી રીતે ઉગાડાય મોતી?
મોતીની ખેતીનો પાક કેવી રીતે લેવાય અને કેવી રીતે એની ખેતી થાય એની રોચક વાત કરતાં નીરવ પટેલ કહે છે, ‘નદી કે તળાવમાંથી છીપ જેને આમ ભાષામાં આપણે છીપલાં કહીએ  છીએ એ છીપલાં કલેક્ટ કરીએ છીએ. એને બે દિવસ પાણીમાં રાખીએ છીએ. પછી એ છીપલાંને ખોલીને એની અંદર ન્યુક્લિયર્સ નાખીએ છીએ. આ ન્યુક્લિયર્સ સેલ પાઉડર, આરઆર પાઉડર અને ડેન્ટલ પાઉડરમાંથી બને છે. આ ન્યુક્લિયર્સ આલ્ફાબેટ કે પછી કોઈ દેવી-દેવતા કે અન્ય વસ્તુના પણ બની શકે છે એટલે કે ડિઝાઇનર પર્લ પણ તૈયાર થઈ શકે છે. છીપમાં ન્યુક્લિયર્સ નાખ્યા બાદ એ છીપલાંને પાછાં મેડિસિનવાળા પાણીમાં મૂકી દઈએ એટલે હતાં ને એવાં ને એવાં થઈ જાય છે. ત્રીજા દિવસે છીપલાંને નાયલોનની જાળીમાં ભરાવીને એમને ખેતરમાં બનાવેલા તળાવમાં જાળીને તારમાં લટકાવી દઈએ છીએ. આ જાળી તળાવની બૉટમથી એક ફુટ ઊંચે રાખીએ છીએ. તળાવમાં છીપલાંને જાળીમાં લટકાવી દીધા બાદ એની માવજત પણ રાખવી પડે છે. દર ૧૦–૧૫ દિવસે તળાવનું પાણી ચેન્જ કરતા રહેવું પડે છે. છાણિયું ખાતર નાખીએ, ઍન્ટિ-બાયોટિક નાખીએ અને ન્યુટ્રિશ્યન વૅલ્યુ હાઈ રાખવી પડે છે. દેશી પદ્ધતિથી ખેતી કરો તો મળતર વધુ રહે છે અને ક્વૉલિટી તેમ જ ક્વૉન્ટિટી પણ મળશે.’ 
વળતર પણ સારું મળે
મોતીની ખેતી એ ધૈર્ય સાથેની ખેતી છે, ધીરજ માગી લે એવી ખેતી છે. આપણી કહેવત છેને કે ઉતાવળે આંબા ના પાકે એવું જ કંઈક મોતીની ખેતીમાં છે. મોતી એમ કંઈ ઝટપટ તૈયાર નથી થઈ જતાં, એની પાછળ ખાસ્સો સમય લાગે છે એની વાત કરતાં નીરવ પટેલ કહે છે, ‘મોતીને પાકતાં ૧૨થી ૧૫ મહિનાનો સમય લાગે છે. તમારે મિનિમમ એક વર્ષ ગણીને ચાલવાનું. મોતીને પાકતાં ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગે છે. છીપમાં ન્યુક્લિયર્સ મૂક્યાં હોય છે. એના પર સિલ્વર કલરનું લેયર કુદરતી રીતે આ સમય દરમ્યાન ચડે છે. એની નૅચરલ રીતે પ્રોસેસ થાય છે. આપણને લાગે કે સમય થઈ ગયો છે ત્યારે છીપલાં બહાર કાઢી ક્લીન કરી એને ખોલીને મોતી પાક્યું હોય એ લઈ લેવાનું અને એ એકઠાં કરીને એનું વેચાણ કરવાનું. હું રૉ મટીરિયલ્સ વેચું છું અને જ્વેલર્સ એનું ફિનિશિંગ કરે છે. એક છીપ પાછળ અંદાજે ૪૦થી ૪૫ રૂપિયાનો ખર્ચ થાય છે. એની સામે એક મોતી મિનિમમ ૧૦૦ રૂપિયાથી લઈને સારામાં સારું મોતી હોય તો ૩૦૦ રૂપિયા સુધીની કિંમત મળી શકે છે. એક છીપમાંથી બે મોતી નીકળે છે. જોકે છીપનું જોખમ એ પણ છે કે આ ખેતી દરમ્યાન એક હજાર છીપમાંથી ૩૦થી ૪૦ ટકા છીપ નાશ પામે છે. અત્યાર સુધીમાં મોતીની ખેતીના બે પાક લીધા છે અને ત્રીજા પાક માટે સેટઅપ કરવાની તૈયારી ચાલી રહી છે.’ 
નુકસાન ઓછું
ગુજરાતમાં આવતા વાવાઝોડાની કે વરસાદના વિઘ્નની મોતીની ખેતી પર કેવી અસર પડે છે એ વિશે નીરવ પટેલ કહે છે, ‘સામાન્ય રીતે ખેતરમાં તૈયાર થયેલા પાકને કે ખેતરમાં કરેલા વાવેતરને વાવાઝોડું કે વરસાદ પડવાથી કે પછી માવઠું કે પૂર આવવાથી નુકસાન થાય છે, પરંતુ પૂર આવે કે તળાવ છલકાય કે પછી વાવાઝોડું આવે તો પણ તારથી બાંધેલી જાળી હોય એટલે મોતીની ખેતીને નુકસાન થતું નથી કે વાતાવરણ બદલાય તો પણ એનાથી મોતીની ખેતીને કોઈ ફરક પડતો નથી.’ 
જોકે મોતીની અણમોલ ખેતી કરતા હોઈએ એટલે રિસ્ક પણ એટલું જ રહેવાનું. ચોરીનું રિસ્ક રહેતું હોવાથી નીરવ પટેલે તેમના ખેતરમાં મોતીની ખેતીની રખેવાળી માટે માણસો પણ રાખ્યા છે. તેમને તેમની ફૅમિલીનો પૂરો સપોર્ટ છે અને તેમની ફૅમિલી સમજે છે કે તે ખોટનો ધંધો નહીં કરે.

હવે વધુ ખેડૂતોને આ નવીન ખેતી શીખવવી છે... 

દક્ષિણ ભારતમાં છૂટીછવાઈ મોતીની ખેતી થાય છે, પરંતુ એ માટેનું યોગ્ય માર્ગદર્શન ગામના ખેડૂતોને નથી મળી રહ્યું. મોતીની ખેતી કરી રહેલા નીરવ પટેલ કહે છે, ‘ગુજરાતમાં બહુ ઓછા લોકોને પર્લ ફાર્મિંગ વિશે જાણકારી છે. આ ખેતી શરૂ કર્યા પછી મારી આસપાસનાં ખેતરોવાળા સહિત ઘણાબધા મને પૂછે છે કે આ વળી શું કરો છો? મોતીની ખેતી થઈ શકે એવો કોઈને આઇડિયા નથી. એટલે મારું ફ્યુચર પ્લાનિંગ એ છે કે હું ગુજરાતમાં ખેડૂતોમાં આ ખેતીનો વધુ ફેલાવો કરું અને લોકોને આ બાબતે જરૂરી માર્ગદર્શન આપું, કોઈને મોતીની ખેતીમાં રસ હોય તો જાણકારી આપું. મારું નેક્સ્ટ સ્ટેપ આ છે અને એટલે જ મેં ક્રીએટિવ પર્લ ફાર્મિંગ ટ્રેઇનિંગ ઍન્ડ કન્સલ્ટન્સી નામથી ફેસબુક પર પેજ બનાવ્યું છે. હજી હમણાં જ ૧૫ દિવસ પહેલાં આ પેજ બનાવ્યું છે જેમાં ફોટો તેમ જ વિડિયો મૂકું છું.’

shailesh nayak columnists