લગ્ન પછી તો પરીક્ષા થાય, પણ લગ્ન પહેલાં પરીક્ષા આપવી પડે તો?

08 December, 2019 01:18 PM IST  |  Mumbai

લગ્ન પછી તો પરીક્ષા થાય, પણ લગ્ન પહેલાં પરીક્ષા આપવી પડે તો?

ફાઈલ ફોટો

ઇન્ડોનેશિયામાં આવું ૨૦૨૦ની સાલથી કમ્પલ્સરી થવાનું છે. ત્યાંના યુવકોએ લગ્નનો લાડુ ખાતા પહેલાં જ એના માટે તૈયારીઓ કરીને પોતે લગ્ન માટે લાયક છો કે નહીં એનું સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. શું ભારતના યુવાનોને આવા કોર્સની જરૂર છે? જો આવું શિક્ષણ ફરજિયાત કરવામાં આવે તો ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ધ્યાનમાં રાખતાં આપણે ત્યાં લગ્નની ડિગ્રી માટે કયા વિષયો શીખવવા જોઈએ એ સમાજના વિવિધ લોકો પાસેથી જાણીએ.

આપણે ત્યાં છૂટાછેડા લેવા માટે કોર્ટની અને કાયદાની પરવાનગીની જરૂર પડે છે, પણ લગ્ન માટે નહીં. એવું કેમ? આપણે તો છોકરો ૨૧નો થાય અને છોકરી ૧૮ની થાય એટલે પરણવાલાયક થઈ જાય. બાયોલૉજિકલ ઉંમરને જ અત્યાર સુધી લગ્ન માટેની લાયકાત માનવામાં આવી છે, પણ લગ્નજીવનની જવાબદારી ઉઠાવવા માટે બન્ને વ્યક્તિઓ આર્થિક, માનસિક અને ઇમોશનલ દૃષ્ટિએ ખરેખર પુખ્ત છે કે નહીં એ જોવું પણ એટલું જ જરૂરી છે. કેટલાક આધુનિક વિચારધારા ધરાવતા સમાજો દ્વારા પ્રી-વેડિંગ કાઉન્સેલિંગના સેમિનાર યોજવામાં આવે છે, પણ એ સેમિનારમાંથી યુવક-યુવતીઓ કેટલું શીખ્યાં છે એનો કોઈ અંદાજ આવતો નથી. આ એટલા માટે અગત્યનું છે કેમ કે લગ્ન બાદ વ્યક્તિનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે અને અનેક જવાબદારીઓ ઉઠાવવાની આવે છે એ વિશે બધા જાણે છે. નવી ફૅમિલી અને એના રીતરિવાજો, નિયમો અને વિચારો સહિત તમામ પ્રકારે ઍડ્જસ્ટમેન્ટ કરવું પડે છે. જવાબદારી વધે છે, સ્વતંત્રતા જતી રહે છે અને એમાં સફળ થવાશે કે નહીં એવી ચિંતાથી આજે ઘણા લોકો લગ્ન કરવાનું ટાળી રહ્યા છે ત્યારે ઇન્ડોનેશિયામાં ગવર્નમેન્ટે લગ્નની ટ્રેઇનિંગ આપતો કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં લગ્ન કરવા જઈ રહેલાં કપલોને ત્રણ મહિનાની વૈવાહિક જીવન સંબંધિત ટ્રેઇનિંગ આપવામાં આવશે અને ટ્રેઇનિંગની આખરમાં તેમની એક્ઝામ લેવામાં આવશે અને જો તેઓ એમાં પાસ થશે તો તેમને સરકાર તરફથી લગ્ન માટે મંજૂરી મળી શકશે, નહીંતર તેમણે પાસ નહીં થાય ત્યાં સુધી એક્ઝામ આપવાની રહેશે. આ તો વાત થઈ ભારતના પાડોશી દેશ ઇન્ડોનેશિયાની, પરંતુ જો આવું ભારતમાં પણ કંઈક શરૂ કરવામાં આવે તો ભારતીય યુગલોને કયા-કયા વિષયો શીખવવા જોઈએ? કઈ વસ્તુની ટ્રેઇનિંગ લેવાનું આવશ્યક બનાવવું જોઈએ જેથી લગ્નજીવનમાં પડતા ભંગાણના કેસમાં ઓટ આવે? આ વિશે અમે લગ્નવ્યવસ્થા સાથે ગાઢ સંબંધ ધરાવતા સમાજના કેટલાક લોકોના વિચારો અને અનુભવો પૂછ્યાં છે જે અહીં પ્રસ્તુત છે.

કૉમ્પ્રોમાઇસ, અન્ડરસ્ટૅન્ડિંગ, શૅરિંગ, કૅરિંગ અને યુનિટી મહત્વનાં

‘કોઈ પણ વસ્તુને ૩ મહિનામાં કે ૬ મહિનામાં શીખીને મહારથી બની શકાતું નથી, અમુક વસ્તુની જાણકારી તેમ જ કેળવણી નાનપણથી હોવી જોઈએ’ એવું જણાવતાં ઍડ્વોકેટ શ્રુતિ દેસાઈ કહે છે, ‘જે ઘરમાં નાનપણથી બાળકોમાં સારા સંસ્કાર, માન-સન્માન, જતું કરવાની શીખ, હળીમળીને સાથે રહેવાની રીત, વડીલો પ્રત્યે આદરભાવ રાખવાની રીત શીખવાડવામાં આવી હશે તેમને આવા પ્રકારના ક્લાસ ભરવાની કોઈ જરૂર પડશે નહીં, પરંતુ આજે એવાં ઘર ઓછાં છે, ખેર, આપણે મૂળ વિષય પર ફરીએ તો મારા મતે જો ઇન્ડોનેશિયા જેવા કોર્સ ભારતમાં પણ શરૂ કરવામાં આવે તો વર્તમાન પરિસ્થિતિ અને ભારતીય લગ્ન-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એ‍માં કૉમ્પ્રોમાઇસ, અન્ડરસ્ટૅન્ડિંગ, શૅરિંગ ઍન્ડ કૅરિંગ, યુનિટી અને રિસ્પેક્ટ એમ પાંચ વસ્તુઓ કપલે શીખવી મસ્ટ છે. કૉમ્પ્રોમાઇસ એટલે કે લગ્ન બાદ કપલે દરેક નાની-મોટી વાતોમાં કૉમ્પ્રોમાઇસ કરવું જ પડે છે. આજે સ્ત્રીઓ વધુ ભણતી થઈ ગઈ છે. અહીં સુધી છોકરાઓની સરખામણીમાં છોકરીઓનું ભણતર વધી રહ્યું છે. જૉબ પણ સારી મળી રહી છે. ફાઇનૅન્શિયલી રીતે ઇન્ડિપેન્ડન્ટ બની રહી છે એટલે તેઓ કોઈ વાતમાં કૉમ્પ્રોમાઇસ કરવા તૈયાર થતા નથી. કૉમ્પ્રોમાઇસની જેમ અન્ડરસ્ટૅન્ડિંગ પણ એટલું જ મહત્ત્વની છે. કોઈ પણ વ્યક્તિ એકબીજાની સાથે ત્યારે જ મજબૂત સંબંધ બાંધી શકે જ્યારે તેમની વચ્ચે અન્ડરસ્ટૅન્ડિંગ હોય. માત્ર કપલ વચ્ચે જ નહીં, પરંતુ ઘરના સભ્યો વચ્ચે પણ એટલું જ અન્ડરસ્ટૅન્ડિંગ હોવું જોઈએ. એઝ અ ઍડ્વોકેટ હું એવા કેસ લડી છું જેમાં કપલ જરા પણ ઍડ્જસ્ટમેન્ટ કરવા તૈયાર હોતા નથી એમ કહું તો ચાલે. આજે મહત્તમ છૂટાછેડાના કેસ મનભેદને લીધે નહીં, પરંતુ મતભેદને લીધે થઈ રહ્યા છે. એવી રીતે ત્રીજું છે શૅરિંગ ઍન્ડ કૅરિંગ. આગળ કહ્યું એમ સ્ત્રીઓ કમાતી થઈ છે એટલે ઘણા કેસમાં તેઓ પોતાનાં નાણાંને લઈને પઝેસિવ બની જાય છે; ‘હું શું કામ આ ખર્ચ કરું, હું શું કામ આટલા પૈસા ઘરમાં આપું’ વગેરે. એવી ચર્ચા યોગ્ય નથી.  કેમ છે, જમી લીધું, કંઈ જોઈએ છે, બસ એવાં બે-ચાર વાક્યો પણ પતિ પત્નીને પૂછશે તો તેને એવું થશે તે મારી કેટલી કૅર કરે છે. ચોથું છે યુનિટી. યુનિટી એટલે પતિ-પત્ની વચ્ચેની જ નહીં, પરંતુ ઘરપરિવારની પણ. જ્યાં યુનિટી એટલે કે એકતા હશે ત્યાં ક્યારે પણ કોઈ સમસ્યા આવશે નહીં. ઘણી વખત ઘરના સભ્યોની વચ્ચે એકતા નથી હોતી એનો ફાયદો લોકો લઈ જતા હોય છે અને પાંચમો વિષય છે રિસ્પેક્ટ. યુગલોએ એકબીજાને કેવી રીતે રિસ્પેક્ટ આપવી જોઈએ એ શીખવું જ જોઈએ. પુરુષે સ્ત્રીનું જાહેરમાં માન રાખતાં શીખવું જોઈએ, તો બીજી તરફ સ્ત્રીઓએ પણ પતિને માન આપવું જોઈએ. તેની લાગણી, વિચાર અને ઇચ્છાઓને માન આપવું જોઈએ.’

પરસ્પર રિસ્પેક્ટ આપતાં શીખવું મસ્ટ છે

‘કપલોની વચ્ચે રિસ્પેક્ટ હોવું જ જોઈએ અને એકબીજાને રિસ્પેક્ટ આપતાં ખાસ શીખવું જોઈએ’ એમ રિલેશનશિપ કાઉન્સેલર પરેશ ત્રિવેદી કહે છે. તેઓ આગળ કહે છે, ‘લગ્ન જેવા સંબંધમાં રિસ્પેક્ટ એ પિલરનું કામ કરે છે. જો રિસ્પેક્ટ મળશે તો પ્રેમ મળશે. જે એક સાઇકોલૉજિકલ વસ્તુ પણ છે. માણસને જ્યાં રિસ્પેક્ટ મળે છે ત્યાં તે ખેંચાય છે. ઘણા એને લીધે ડિપ્રેશનમાં પણ આવી જાય છે, જેના કેસ હવે વધી રહ્યા છે. રિસ્પેક્ટની સાથે સમર્પણ પણ એટલું જ મહત્ત્વનું છે. પાર્ટનરની ઇચ્છા અને જરૂરિયાત સમજવાં જરૂરી છે. ‘તેરા સુખ વો મેરા સુખ, ઔર તેરા દુઃખ વો મેરા દુઃખ’ની લાગણી કેળવવાની જરૂર છે. જ્યાં રિસ્પેક્ટ અને સમર્પણ આવશે ત્યાં ટ્રસ્ટ પણ આપોઆપ આવી જશે. ટ્રસ્ટ એક કાચ સમાન છે જેમાં એક વાર દરાર પડે પછી એને જૉઇન્ટ કરવામાં આવે તો પણ એમાં દરારની નિશાની તો રહે છે એટલે કોર્સમાં સૌથી પહેલાં સબ્જેક્ટ ટ્રસ્ટનો હોવો આવશ્યક છે. આવી જ રીતે બન્ને વચ્ચે મનમેળ પણ સારો હોવો જરૂરી બને છે અને એ ક્યારે સારો બને છે જ્યારે બન્ને એકબીજાના ભવિષ્યના ગોલ અથવા તો ડ્રીમને પૂરું કરવામાં એકબીજાની મદદ કરે.’

એકબીજાના માતાપિતાને સન્માન આપવું

‘કપલ્સ એકબીજાનાં ડ્રીમ તો પૂરાં કરે કે ન કરે એ તો પછીની વાત છે, પરંતુ વર્તમાનને પણ ઊજળું બનાવવામાં સહાયરૂપ થાય તોય ઘણું છે. જેનું ઉદાહરણ આપું તો માતા-પિતા તેમ જ ઘરના અન્ય સભ્યોને ખુશ રાખવા અથવા તેમની સાથે પ્રેમભર્યું વર્તન કરવું. મૅરેજ બ્યુરોના ઓનર હોવાને લીધે મને એવા ઘણા લોકો કહેનારા મળે છે કે છોકરો જૉઇન્ટમાં રહે છે? કેટલી પ્રૉપર્ટી છે? ફાઇનૅન્શિયલ રીતે સ્ટ્રૉન્ગ છે? તો આવી પરિસ્થિતિમાં સૌથી પહેલાં માનસિકતા બદલવા પર કામ કરવું જોઈએ. છોકરો હોય કે છોકરી બન્ને જણે એકબીજાનાં માતાપિતાને કેવી રીતે સન્માન આપવું જોઈએ એ શીખવું જોઈએ.’ એમ કલ્પના મૅરેજ બ્યુરોનાં મોનિકા શાહ કહે છે. તેઓ કપલ્સ વચ્ચેના ઍડ્જસ્ટમેન્ટ પર કહે છે, ‘આજે ઘણાને નોકરી કરતી છોકરી જોઈએ છે, પરંતુ એને લીધે કરવાં પડતાં ઍડ્જસ્ટમેન્ટને  કોઈ સ્વીકારતું નથી. બન્ને જણ નોકરી કરતાં હોવાથી ઘણીબધી વાતોમાં ઍડ્જસ્ટમેન્ટ કરવું જરૂરી બને છે. મને આ ટાઇમે નાસ્તો જોઈએ અને મને આ ટાઇમે ખાવાનું જોઈએ એવું બધું નહીં ચાલે. બીજું એ કે છોકરીઓએ મેન્ટલી ક્લિયર બનવું જોઈએ કે તેમને જૉઇન્ટ ફૅમિલી જોઈએ છે કે ન્યુક્લિયર. કેમ કે ઘણા કેસમાં છોકરીઓ બહારથી બધું સારું સારું જોઈને લગ્ન માટે તો તૈયાર થઈ જાય છે, પરંતુ જવાબદારીની ખરી વાસ્તવિકતા જ્યારે સામે  આવીને ઊભી રહે છે ત્યારે બાજી બગડી જાય છે એટલે લગ્ન પૂર્વે આ માનસિકતાને સ્પષ્ટ કરવા પર કામ કરવું જોઈએ.’

હરી, કરી અને વરી એ ત્રણને દૂર રાખવાં એ જ સુખની ચાવી

એક તરફ જ્યારે લગ્ન પૂર્વે લેવાની ટ્રેઇનિંગની વાત ચાલી રહી હોય ત્યારે લગ્નના બંધનને વર્ષોવર્ષથી સફળતાપૂર્વક આગળ ચલાવી રહેલા કપલ સાથે વાત કરવી અને તેમના વિચારો જાણવા પણ મહત્ત્વના બને છે. મલાડમાં રહેતા ૭૭ વર્ષના દિલીપભાઈ ઉદેશી કહે છે, ‘મારા અને ઉર્વશીનાં લગ્નને ૫૦ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યાં છે. અમારાં એ સમયે લવ-મૅરેજ થયાં હતાં અને અમે એક જીવનમંત્રને અપનાવીને આજે ખુશખુશાલ જૉઇન્ટ ફૅમિલીમાં રહીએ છીએ. એ મંત્ર છે ‘અવૉઇડ થ્રી થિંગ્સ ઇન અ લાઇફ હરી, કરી અને વરી’. આ મંત્ર અમારી સુખની ચાવી છે. બીજું એ કે આજના સમયમાં પહેલાં જેવો વડીલોનો આદરભાવ નથી થતો કે તેમની વાતોને ધ્યાનમાં નથી લેવાતી. પહેલાંના સમયમાં સંતાનો ગમે એ ઉંમરે માતાપિતાનો પડ્યો બોલ ઝીલતાં હતાં એટલે જ કહેવાય છે કે જે સંતાનો પોતાનાં માતાપિતા પ્રત્યે આદર નહીં રાખતાં હોય તેઓ તેમની પત્ની કે પતિ પ્રત્યે ક્યારેય આદર રાખી શકશે નહીં. એટલે પહેલાં તેમને વડીલો પ્રત્યે આદરભાવ રાખવાનું શીખડાવવું જોઈએ. અમારાં લગ્ન થયાં ત્યારે મારી બાએ અમને પાસે બોલાવીને કહ્યું કે જુઓ, આપણું ફૅમિલી મોટું છે એટલે દરેકના ઘરે સારા-નરસા પ્રસંગો આવશે જ, શક્ય છે કે ઉર્વશીના ઘરે પણ એ જ સમયે એવા પ્રસંગો આવીને ઊભા રહે ત્યારે એ સમયે વિવાદ કરવા કરતાં એવું કરજો કે બન્નેએ પોતાના સાસરાના પ્રસંગ સાચવવાના. બસ આ કીમિયો અમે હંમેશાં અપનાવીએ અને આજે કોઈને મનદુઃખ પણ નથી.’ 

આ પણ વાંચો : માગેલી માહિતી આપવામાં 19 મહિનાનો વિલંબ માહિતી અધિકારીને મોંઘો પડ્યો

લગ્ન પૂર્વે બન્નેના આરોગ્ય વિશે જાણવું જરૂરી

‘જૉઇન્ટ ફૅમિલી હોય તો પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાનો અંત જલદી આવી જાય છે. પહેલાં લોકો સમૂહમાં રહેતા હતા એટલે ફૅમિલીવાળા વચ્ચે પડીને પતિ-પત્ની વચ્ચે ઝડપથી સુલેહ કરાવી દેતા હતા, પરંતુ આજે ફૅમિલી જૉઇન્ટ નથી એટલે સંબંધો વધુ ગૂંચવાઈ રહ્યા છે જેનું જ્ઞાન આજના યુવાનોને અને એમાં પણ લગ્ન કરવા જઈ રહેલા લોકોને હોવું જ જોઈએ’ એવું કહેતાં સમસ્ત બ્રાહ્મણ મહાસંઘના મૅનેજિંગ ટ્રસ્ટી રાજુભાઈ રાવલ આગળ કહે છે, ‘આપણી ભારતીય સંસ્કૃતિમાં જૉઇન્ટ ફૅમિલીનું મહત્ત્વ ખૂબ જ છે અને એ શું કામ છે અને એનાથી કયા-કયા ફાયદા થાય છે એ વિશે આજના યુવાનોએ  શીખવું મસ્ટ છે. આ સિવાય આજે આરોગ્યને લઈને પણ ઘણી ચિંતા વધી રહી છે. તો લગ્ન પૂર્વે સામેવાળી વ્યક્તિનું આરોગ્ય કેવું છે એટલે કે એને કોઈ બીમારી કે ખામી છે કે નહીં એ જાણી લેવું જરૂરી છે, કારણ કે આજની ડેટમાં દેશમાં અડધોઅડધ જેટલા છૂટાછેડાના કેસ હેલ્થ સંબંધિત જ હોય છે. મોટા ભાગના કેસમાં લગ્ન બાદ બીમારીની જાણ થાય છે જે બધાને સ્વીકાર્ય હોતી નથી. ત્રીજો પૉઇન્ટ જે શીખવો જોઈએ એ છે વુમન એજ્યુકેશનલ લેવલ. મહિલાઓમાં આજે એજ્યુકેશન લેવલ ઘણું હાઈ થઈ રહ્યું છે જેને લીધે ઘણી વખત પુરુષ કરતાં સ્ત્રી વધારે ભણેલી હોય એવાં જોડાં જોડાય છે. એમાં કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે એ જ વિષય વિવાદનું કારણ બને છે ત્યારે પુરુષનું માન ઘવાતું જોવાયું છે. કેટલાક કેસમાં હસબન્ડ અને વાઇફ એક જ ઑફિસમાં કામ કરતાં હોય છે, પરંતુ કામ કરવાની કૅપેસિટી અને આવડતના બેઝિસ પર પત્ની આગળ નીકળી જાય અને પતિ તેની અન્ડર આવી જાય છે ત્યારે ‘અભિમાન’ ફિલ્મ જેવું ચિત્ર ઊભું થઈ જાય છે, તો આવી પરિસ્થિતિ માટે ગાઉથી તૈયાર કરવાની ટ્રેઇનિંગ લેવી આવશ્યક બને છે. ચોથો સબ્જેક્ટ બૅલૅન્સિંગનો. એક જ ઘરમાં માતા અને પત્ની બન્નેને એકસાથે ખુશ કેવી રીતે રાખવાં એ આજે મોટા ભાગના પુરુષો માટે ચિંતાનો વિષય બન્યો છે. માતાને જેટલો તેનો પુત્ર વહાલો હોય છે એટલો વહાલો પત્નીને તેનો પતિ હોય છે એટલે જ્યારે માતા અને પત્ની વચ્ચે વિવાદ થાય ત્યારે પરિસ્થિતિને કેવી રીતે ટેકલ કરવી એ શીખવું જરૂરી છે. માતા અને પત્ની વચ્ચે જ શું કામ ઘરના અન્ય સભ્યો તેમ જ પતિ અને પત્ની વચ્ચે થતા વિવાદમાં પણ શાંતિથી કેવી રીતે રસ્તો કાઢવો એ જાણવું જરૂરી છે. લાસ્ટ બટ નૉટ ધ લિસ્ટ છે સમાજસેવા. યસ, આ આઉટ ઑફ ધ સબ્જેક્ટ નથી, પરંતુ સમાજસેવા એવી વસ્તુ છે જે સાથે મળીને કરવાથી મનમાં દયાભાવના અને લાગણી ઉત્પન્ન થાય છે. આપણામાં કહેવત છે કે દુઃખ વહેંચવાથી ઘટે છે અને સુખ વહેંચવાથી વધે. બસ આમાં પણ એવું જ છે. સપ્તાહ કે મહિનાનો એક દિવસ સોશ્યલ ઍક્ટિવિટી માટે આપવો જોઈએ જે તમારો મૂડ સુધારે છે, સાથે કડવાશ પણ ઘટાડે છે.’

રાજુભાઈ રાવલ, સમસ્ત બ્રાહ્મણ મહાસંઘના મૅનેજિંગ ટ્રસ્ટી

columnists weekend guide