પ્રાઇસ-ટૅગ ન હોય એવું પણ હોય કંઈ

11 September, 2022 02:40 PM IST  |  Mumbai | Kana Bantwa

જગતઆખાની દરેક બાબત સાથે એક પ્રાઇસ-ટૅગ જોડાયેલો છે. કેટલાક ટૅગ જોઈ શકાય એવા હોય છે, જ્યારે કેટલાક અદૃશ્ય

પ્રતીકાત્મક તસવીર

"મોટા ભાગે આપણે પ્રાઇસ-ટૅગની જિંદગી જીવતા રહીએ છીએ. ‘થ્રી ઇડિયટ‍્સ’ ફિલ્મનો પેલો સીન યાદ છે? જેમાં રાંચો આમિર ખાન કહે છે, ‘યે આદમી નહીં, પ્રાઇસ-ટૅગ હૈ.’ દરેક વસ્તુને કિંમતથી માપવાની માણસને એવી ટેવ પડી ગઈ છે કે મૂલ્ય દેખાવાનું જ બંધ થઈ ગયું છે."

"વાસ્તવિકતા એ છે કે જીવનમાં આ બધી બાબતો જ બેઝિક છે અને મહત્ત્વની છે. જીવનનો ૯૦ ટકા હિસ્સો આનંદ, ખુશી, સંતુષ્ટિ, શાંતિ વગેરેનો જ છે. ભૌતિક ચીજો માત્ર ૧૦ ટકામાં જ સમેટાઈ જાય છે, પણ માણસ જીવે એ રીતે છે કે ભૌતિક ચીજો પાછળ ૯૦ ટકા સમય અને શક્તિ વેડફી નાખે છે અને જે બાબતો મૂલ્યવાન છે, જે એનું કોર છે એને માત્ર દસ ટકા જ આપે છે."

એક મોટા સામ્રાજ્યનો રાજા એક વખત રણમાં ભૂલો પડી ગયો. સાથેનો રસાલો કોઈ અલગ રસ્તે ચાલ્યો ગયો, રાજા અલગ માર્ગે. દિશા ભાન ભુલાવી દે એવા અફાટ રણમાં આમતેમ અથડાતાં બપોર વીતી ગયો. ચામડી બાળી નાખે એવી ગરમીમાં મશકમાંનું પાણી પણ ખૂટી ગયું. ચારે તરફથી બેહાલ રાજાને નજર સામે મોત દેખાવા માંડ્યું. એવામાં એક માણસ દૂરથી આવતો જણાયો. રાજાને એ માણસ દેવદૂત લાગ્યો. રણનો ભોમિયો હોય એવો એ ફકીર જેવો માણસ નજીક આવ્યો એટલે રાજાએ સીધું જ પાણી માગ્યું, ‘તમારી પાસે થોડું પાણી હોય તો મને આપો, તરસે મારો જીવ જઈ રહ્યો છે.’ પેલા માણસે જવાબ આપ્યો કે ‘આ લોટો પાણીથી ભરેલો જ છે, પણ એ મફત ન મળે.’ રાજાનો પોશાક અને દેખાવ જોઈને એ માણસ સમજી ગયો હતો કે આ મુસાફર કોઈ રાજા જ હોવો જોઈએ. રાજા પાણી મેળવવા માટે તલપાપડ થયો હતો એટલે તેણે તરત જ કહ્યું કે ‘એક લોટો પાણીની કિંમત શું હોય, છતાં હું તને એક સોનામહોર આપીશ, લાવ મને પાણી આપ.’ પેલો માણસ હસી પડ્યોઃ

‘રાજા, એક સોનામહોર તો બહુ ઓછી કહેવાય. રાજાએ ૧૦ સોનામહોર આપવાની ઑફર કરી. ફકીરે એ પણ ફગાવી દીધી. રાજાને થયું કે આ કોઈ માથાફરેલ માણસ છે, મારી ગરજનો લાભ ઉઠાવી રહ્યો છે એટલે તેણે કહ્યું કે ‘હું તને હજાર સોનામહોર આપીશ, મને પાણી આપ.’ ફકીર ખરેખર માથાફરેલ જ હતો. તેણે નકારમાં માથું ધુણાવીને કહ્યું, ‘રાજાજી, ૧૦૦૦ સોનામહોર પણ બહુ ઓછી કહેવાય.’ પાણી વગર રાજાનો જીવ ગળે આવી ગયો હતો. મોતથી માત્ર વેંત બે વેંતનું છેટું રહ્યું હતું એટલે તેણે કહી દીધું, ‘મારું અડધું રાજ તને આપીશ, મને પાણી આપ.’ ફકીરે પૂછ્યું, ‘અડધું રાજ્ય શા માટે? પૂરું કેમ નહીં? તમને પાણી નહીં મળે તો તમે પોતે જ નહીં રહો, પછી રાજ્ય શું કામનું? ‘તું મારું આખું રાજ્ય લઈ લે પણ મને એક લોટો પાણી આપ’ રાજાએ મરણિયા થઈને ઉત્તર આપ્યો. ફકીરે કહ્યું, ‘હવે તમે સાચું મૂલ્ય સમજ્યા. મારે રાજ્ય નથી જોઈતું, સોનામહોર પણ નથી જોઈતી, તમે આ પાણી પીઓ’ કહીને ફકીરે રાજાને પાણીનો લોટો આપી દીધો.

મૂલ્ય અને કિંમત વચ્ચે ફરક છે. બન્ને સમાનાર્થી શબ્દો નથી. બન્ને ખૂબ અલગ છે. કિંમત એટલે કોઈ વસ્તુ કે સર્વિસ માટે ચૂકવવી પડતી રકમ. મૂલ્ય એટલે વસ્તુ કે સર્વિસનું મહત્ત્વ અને ઉપયોગિતા. કિંમત બજારના પ્રવાહ મુજબ નક્કી થાય, મૂલ્ય ગ્રાહકના દૃષ્ટિકોણ મુજબ નક્કી થાય. કિંમત નિશ્ચિત હોઈ શકે, એને ગણી શકાય, માપી શકાય, મૂલ્ય માપી કે ગણી શકાય એવું હોતું નથી. કિંમત અને મૂલ્યની વચ્ચે પણ એક શબ્દ છે, પડતર કૉસ્ટ. પ્રાઇસ અને વૅલ્યુ કરતાં કૉસ્ટ અલગ છે. કોઈ વસ્તુ બનાવવામાં જે કુલ ખર્ચ કરવો પડે એ પડતર છે. મોટા ભાગે આપણે પ્રાઇસ-ટૅગની જિંદગી જીવતા રહીએ છીએ. ‘થ્રી ઇડિયટ‍્સ’ ફિલ્મનો પેલો સીન યાદ છે? જેમાં રાંચો આમિર ખાન કહે છે, ‘યે આદમી નહીં, પ્રાઇસ-ટૅગ હૈ.’ દરેક વસ્તુને કિંમતથી માપવાની માણસને એવી ટેવ પડી ગઈ છે કે મૂલ્ય દેખાવાનું જ બંધ થઈ ગયું છે.

કિંમત મહત્ત્વની છે એ બાબતોનું જીવનમાં બાહુલ્ય છે કે જેમાં મૂલ્ય મહત્ત્વનું છે એ? જવાબ તરત જ મળશે કે કિંમત મહત્ત્વની હોય એ. આવો જવાબ આવવાનું કારણ એ છે કે માણસની આજુબાજુની મોટા ભાગની ચીજો, સર્વિસ વગેરેમાં કિંમતનું મહત્ત્વ છે. જીવન સાથે જોડાયેલી મોટા ભાગની વસ્તુઓમાં કિંમત મહત્ત્વની હોય છે. હૃદયમાં સ્ટેન્ટ બેસાડવાનો હોય તો કિંમતના આધારે નક્કી થાય કે એનાથી જિંદગી કેટલી લંબાવી શકાશે. મોંઘો મેડિકેટેડ સ્ટેન્ટ નખાવો તો વધુ લાંબું જીવી શકાય એવી ગૅરન્ટી આપવામાં આવે. ખાવા-પીવાથી માંડીને મોજશોખ અને જીવનજરૂરીથી માંડીને લક્ઝરી સુધીની ચીજો કિંમત મુજબ ઉપલબ્ધ થાય છે. જાણે જગતઆખાની દરેક બાબત સાથે એક પ્રાઇસ-ટૅગ જોડાયેલો છે. બધી જ ભૌતિક વસ્તુઓ પર પ્રાઇસ-ટૅગ હોય જ, કેટલાક ટૅગ જોઈ શકાય એવા હોય છે, જ્યારે કેટલાક અદૃશ્ય. અરે માણસો પર પણ પ્રાઇસ-ટૅગ હોય છે, જો વાંચવાની આવડત હોય તો વાંચી શકાય. પ્રાઇસ-ટૅગ વિનાના માણસો દુર્લભ અને અમૂલ્ય છે, પણ એના લેવાલ બહુ જૂજ મળે છે. આ પ્રજાતિ ઝડપથી વિલુપ્ત થઈ રહી છે એટલે તરત જવાબ આવે જેમાં કિંમત મહત્ત્વની હોય એવી વસ્તુઓની દુનિયામાં મૅજોરિટી છે. જેટલું નજરે પડે છે એ બધું અને જેને માપી શકાય છે એ બહુ તો પ્રાઇસ-ટૅગવાળું જ છે તો પછી એની જ બહુમતી કેમ ન ગણી લેવી? પણ, નજર સામે દેખાતું આ ચિત્ર ખરેખર સાચું છે? ખરેખર કિંમતની જ બોલબાલા છે? જે નથી દેખાતું એ અસત્ય છે એવું નથી હોતું.

માનવના જીવનમાં આનંદ આપે, ખુશ રાખે, શાંતિ આપે એવી ચીજોમાં ભૌતિક વસ્તુઓનો ફાળો કેટલો? પૈસો મહત્ત્વનો છે એમાં કોઈ ના જ ન હોય, પણ પૈસો સુખ આપી જ શકે એવી ગૅરન્ટી ખરી? વસ્તુઓ સુવિધા આપી શકે એ સાચું, પણ એ શાંતિ આપે એવું તો કોણ માનશે? મનોરંજનનાં તમામ સાધનો અને પ્રવૃત્તિઓ મનનું રંજન કરે એ ખરું જ, પણ એ શાશ્વત આનંદ કે ખુશી આપે છે ખરાં? માણસને ખુશી, આનંદ, શાંતિ આપે એવી કઈ બાબતો છે? સંબંધો, સંવેદનશીલતા, કરુણા, પરોપકાર વગેરે એવી બાબતો છે જે આ બધું આપે છે. એમાં ભૌતિક ચીજો હોવા કે ન હોવાથી કોઈ ફરક નથી પડતો. એટલે જ ગરીબ માણસ પણ ધનિક જેટલો ખુશ રહી શકે છે, એના જેટલો આનંદ મેળવી શકે છે, એના જેટલી શાંતિથી રહી શકે છે. આનો મતલબ એ થયો કે આ બધી બાબતોને પ્રાઇસ-ટૅગથી માપી શકાતી નથી, એની કિંમત નથી હોતી, એનું મૂલ્ય હોય છે. પ્રેમની કિંમત તમે રૂપિયામાં આંકી શકો? એને જથ્થામાં માપી શકો? એને કિલોમાં કે લિટરમાં માપી શકો? હેતની કિંમત શું ગણાય? કરુણા ઊપજે તો એને માપી શકાય કે આટલા કિલો કે લિટર કરુણા જન્મી? આનંદ આવે એને માપી શકાય? શાંતિને માપી શકાય? જેને માપવું અસંભવ છે એ બધું મૂલ્ય ધરાવે છે, જેને માપી શકાય એની તો માણસ કિંમત નક્કી કરી જ નાખે છે. વાસ્તવિકતા એ છે કે જીવનમાં આ બધી બાબતો જ બેઝિક છે અને મહત્ત્વની છે, જીવનનો ૯૦ ટકા હિસ્સો આનંદ, ખુશી, સંતુષ્ટિ, શાંતિ વગેરેનો જ છે, ભૌતિક ચીજો માત્ર ૧૦ ટકામાં જ સમેટાઈ જાય છે, પણ માણસ જીવે એ રીતે છે કે ભૌતિક ચીજો પાછળ ૯૦ ટકા સમય અને શક્તિ વેડફી નાખે છે અને જે બાબતો મૂલ્યવાન છે, જે એનું કોર છે એને માત્ર દસ ટકા જ આપે છે. માણસને જોઈએ છે શાંતિ અને એ સતત ભાગતો, દોડતો, હાંફતો રહે છે, જંપીને બેસતો નથી એક ક્ષણ માટે પણ. માણસને આનંદ જોઈએ છે, પણ એને એ મનોરંજનમાં શોધતો રહે છે. જે અમૂલ્ય છે એને ખરીદવું સંભવ નથી, એને હાંસલ કરવું પડે. 

columnists kana bantwa