ક્યારેય વિચાર્યું છે, આખી જિંદગી મારું-મારું કરીએ પણ હોતું કશું નથી આપણું

21 November, 2021 09:43 AM IST  |  Mumbai | Manoj Joshi

પૂછો તમારી જાતને : ક્યારેય વિચાર્યું છે, આખી જિંદગી મારું-મારું કરીએ પણ હોતું કશું નથી આપણું

મિડ-ડે લોગો

સાવ સાચું છે આ. પૂછો તમારી જાતને કે તમારું શું છે?
આપણે કરતા રહીએ છીએ કે બધું મારું છે અને આ મારું-મારું કરવામાં આપણે બધે બધું છાતીએ વળગાડીને ફરીએ છીએ, પણ હકીકત તો જુદી છે. તમારું કશું હોતું નથી અને એમ છતાં, આપણે ભ્રમમાં રહ્યા કરીએ છીએ કે બધું મારું છે, મેં ઊભું કર્યું છે આ બધું. હકીકતને સ્વીકારો, કબૂલ કરો કે તમારું કશું નથી. ભગવાને ૧૦૦ વર્ષનું આયુષ્ય આપ્યું છે, એ પણ હવે ક્યાં કોઈ પૂરું વાપરી શકે છે. આયુષ્ય પણ નથી તમારું ત્યારે શું બધું મારું-મારું. એક વખત ધ્યાનથી જોશો તો ભગવાન તમને ડગલે ને પગલે આ વાત ફલિત પણ કરાવે છે અને પુરવાર પણ કરતો રહે છે કે તારું કશું નથી, પણ આપણી આંખો નથી ખૂલતી.
જુઓ તમે, જન્મ પણ તો આપણને બીજા આપે અને એ પછી પણ આપણે સતત એવું દેખાડ્યા કરીએ કે આ જીવન તો મારું છે. જીવનને મારું કહેનારાને ક્યાં ખબર છે કે જન્મદાતા જ જુદાં છે અને એનો હક છે આ જીવન પર. જન્મ શું, નામ સુધ્ધાં પણ આપણું નથી. એ પણ કોઈએ આપ્યું છે અને એ પારકા નામના આધારે આપણે જીવન પસાર કરીએ છીએ અને પછી પણ ક્યારેક એવું બની જાય કે મનમાં રાઈ ભરાઈ આવે કે મારું નામ છે આ તો. ના ભલા માણસ, ના. નામ આ તારું નથી એટલે એવું માનવાને બિલકુલ જરૂર નથી. આ તારો ભ્રમ છે. શિક્ષણ પણ બીજા આપે અને ગણતર પણ બીજા થકી મળે અને તો પણ એવું લાગ્યા કરે કે બુદ્ધિ તો આપણી હોં. ધૂળ ને ઢેફાં મારા વાલ્લા, એ પણ તારાં નથી અને એ બુદ્ધિ થકી જે કંઈ આર્થિક ઉપાર્જન કરીશ એ પણ ક્યાં તારું છે, એ પણ તો મૂકીને જવાનું છે. ઘર, બંગલો, ગાડી, સંપત્ત‌િ, રોકડ, સોના-ચાંદીના દાગીના. બધે બધું મૂકી દેવાનું છે અને જ્યારે ચિઠ્ઠી ફાટશે ત્યારે રવાના થઈ જવાનું સીધેસીધા ઉપર અને આ જ સત્ય છે તો પછી કહો જોઈએ, ક્યાંથી બધું તમારું થયું? કેવી રીતે તમે બધી વાતમાં ‘મારું-મારું’ કરી શકો?
રોજગાર કોઈ આપે, બિઝનેસ કોઈના થકી મેળવવામાં આવે. આવક કોઈ કરી આપે એ પછી પણ એ આવક તો મારી છે એવું આપણે માનીએ. તાળીઓ કોઈ પાડે અને એ પછી પણ એવો ફાંકો મનમાં રાખીએ કે આ તાળીઓ તો મારી છે. વખાણ કોઈ કરે અને એવું ધારીએ કે એ વખાણ તો મારાં છે. ધત્, ખોટી વાત. એ પણ કોઈએ આપ્યાં છે, આપણાં નથી. જરા વિચાર તો કરો, જીવનનું પહેલું અને ‌અંતિમ સ્નાન પણ કોઈ આપે ત્યારે આપણો પ્રારંભ અને અંત લખાય છે. પહેલાં સ્નાન પછી દુનિયા સ્વીકારે છે અને અંતિમ સ્નાન પછી ઈશ્વર અને એ પછી પણ આપણે એવા ભ્રમમાં જીવીએ કે આ જીવન તો મારું, આ શરીર તો મારું. કંટોળા સાહેબ. મર્યા પછી સંપત્ત‌િ કોઈના નામે થવાની છે; પણ એમ છતાં, આપણે એવું જ બોલતા રહીએ કે આ તો મારું છે, મારું છે. ના સાહેબ ના, તમારું કશું નથી. તમારું છે તો એ આ શ્વાસ અને સાચું કહું તો એ પણ આપણને ક્યાં સાચી રીતે લેતા આવડે છે.

columnists manoj joshi