આમ તો છે ૨૧મી સદીનો પણ કૉઇન રાખે છે અઢારમી સદીના

21 January, 2022 03:15 PM IST  |  Mumbai | Ruchita Shah

લગભગ નવ વર્ષની ઉંમરે જશ મહેતાએ પહેલી વાર દસ પૈસાનો સિક્કો જોયેલો અને એનો શેપ તેને એટલો ગમી ગયો કે તેને જૂના સિક્કાઓ ભેગા કરવાનો જબરો ચસકો લાગી ગયો

આમ તો છે ૨૧મી સદીનો પણ કૉઇન રાખે છે અઢારમી સદીના

શોખ એવી વસ્તુ છે જે નાના હોય કે મોટા, દરેકને મસ્તમગન કરી શકે છે. તેર વર્ષનો જશ દેવાંગ મહેતા મોટા ભાગે કૉઇન્સની દુનિયામાં જ મગ્ન હોય છે આજકાલ. તેની પાસે લગભગ દોઢસો જેટલા પુરાણા કૉઇન્સનો ખજાનો છે. એક વાર અનાયાસ દાદા-દાદી પાસે જોયેલો જૂનો સિક્કો તેને એવો ગમી ગયો કે બસ, પછીથી એના રંગમાં જ તે રંગાઈ ગયો. લગભગ છેલ્લાં બે વર્ષથી કૉઇન કલેક્શનની હૉબીને તે ફૉલો કરી રહ્યો છે. આ હૉબીમાં તેણે શું નવું શીખ્યું અને કયા પ્રકારના કૉઇન્સ તેણે ભેગા કર્યા છે એ વિશેની રસપ્રદ વાતો જાણીએ. 
સ્ટોરી ટેલર | પ્રત્યેક કૉઇન કોઈ એક સમયને રિપ્રેઝન્ટ કરતો હોય છે. જશ કહે છે, ‘મેં જ્યારે પહેલી વાર ઓલ્ડ કૉઇન જોયો ત્યારે એના ડિફરન્ટ શેપથી હું અટ્રૅક્ટ થઈ ગયો હતો. પછી એ કેટલો જૂનો છે એ જાણવાની કોશિશ કરી અને એમ કરતાં-કરતાં મને ક્યારે કૉઇન કલેક્શનની આદત લાગી ગઈ એની ખબર જ ન પડી. પછી તો એવું થઈ ગયું કે મારા ગ્રૅન્ડ પેરન્ટ્સથી લઈને ઘરના બધા જ લોકો મને જૂના કૉઇન્સ આપતા. બે-ત્રણ કૉઇન તો મને રિક્ષાવાળા પાસેથી મળ્યા છે. એક વાર છૂટા આપવામાં ઑટોવાળાએ મને જે સિક્કો આપ્યો છે એની વૅલ્યુ વિશે મેં ઇન્ટરનેટ પર રિસર્ચ કર્યું તો લગભગ ૧૧ લાખની આસપાસ એની વૅલ્યુ હોવી જોઈએ. જૂના દરેક કૉઇન એ સમયકાળની કથા કહેતો હોય છે. કૉઇન ક્યાંનો છે અને એ કયા રાજાના સમયમાં કયા સ્ટેટમાં બન્યો છે એ બધી વાતો જાણવાની બહુ મજા પડતી હોય છે.’
 
 
જશનું કહેવું છે કે તેની પાસે દસ-પંદર કૉઇન તો એવા છે જે ખૂબ જ રૅર છે. ૧૮૨૭નો ઓલ્ડેસ્ટ કૉઇન છે તેની પાસે. તેનાં મમ્મી જુલી કહે છે, ‘લગભગ નવ વર્ષની ઉંમરે જશે પહેલી વાર દસ પૈસાનો સિક્કો જોયેલો અને એનો શેપ તેને એટલો ગમી ગયો હતો કે એ તેણે પોતાની પાસે રાખી લીધો. એ રીતે ધીમે-ધીમે ઓલ્ડ કૉઇન્સ તરફ તેનો ઝુકાવ વધ્યો. પછી તો તેનાં નાના-નાની, દાદા-દાદી એમ ઘરમાં બધાં જ તેને પોતાના જમાનાના કૉઇન્સ આપવા માંડ્યાં. ધીમે-ધીમે લોકોને પોતાની પૉકેટ-મનીના પૈસા આપીને પણ અમુક જૂના જમાનાના કૉઇન્સ તેણે લીધા છે. ઘરમાં તો બધાને તેનો કૉઇન્સ પાછળનો ક્રેઝ ખબર જ છે એટલે કોઈને પણ ક્યાંયથી પણ આવું કંઈક જૂનું દેખાય તો તેની માટે લેતા આવતા હોય છે.’

પર્સનાલિટી ચેન્જ | કૉઇન્સ કલેક્શનની હૉબીએ જશમાં એક બહુ જ સરસ બદલાવ લાવ્યો છે એમ જણાવીને જુલી કહે છે, ‘તેનામાં ઇતિહાસ પ્રત્યેનો રસ જાગ્યો. પહેલાંના જમાનામાં શું હતું, કયા દેશમાં કેવા પ્રકારની કરન્સી હતી અને એવું તો કેટલુંય તે જાતે રિસર્ચ કરીને ઇન્ટરનેટ પરથી વાંચતો રહે છે. તેનું નૉલેજ વધ્યું છે. જાણવાની તેની ઉત્કંઠા ડેવલપ થઈ છે. ક્યાંક ને ક્યાંક વિવિધ સભ્યતાઓ વિશે તે જાણતો થયો છે, જેણે પણ તેની પર્સનાલિટીમાં બહુ મોટો રોલ અદા કર્યો છે. જૂનું એટલું સોનું એ તેને આ કૉઇન્સથી પ્રૅક્ટિકલી સમજાઈ રહ્યું છે.’

 એક રિક્ષાવાળાએ છૂટા આપવામાં જશને એવો રૅર સિક્કો આપ્યો કે એની ઇન્ટરનેટની દૃષ્ટિએ એની કિંમત ૧૧ લાખ થાય છે

columnists ruchita shah