કૉલમ : અમારી દીકરીને તો કંઈ બનાવતાં આવડે જ નહીં

18 April, 2019 09:15 AM IST  |  | અપરા મહેતા

કૉલમ : અમારી દીકરીને તો કંઈ બનાવતાં આવડે જ નહીં

કુકીંગ શૉ

ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

આવું બોલતી મમ્મીઓને અફસોસ ત્યારે થશે જ્યારે આટલી અમસ્તી વાતને કારણે દીકરીઓનો સંસાર ઊજડી જશે, કારણ કે રસોઈ એ કળા નહીં, પણ રસોઈ એ સંબંધો જાળવી રાખવાની થેરપી છે હમણાં સિરિયલોમાંથી થોડી ફ્રી થઈ છું. નસીબજોગે જ્યારે પણ મને આવી નવરાશ મળે ત્યારે મને જુદા-જુદા શો કરવાનો મોકો મળી જ જાય અને અત્યારે પણ એવું જ બન્યું. હમણાં મેં કુકિંગ શો કર્યો. એકેક કલાકનો એપિસોડ હોય અને દર વખતે એ શોમાં નવા ગેસ્ટ આવે અને તે પોતાની રેસિપી બનાવે. શોનું ફૉર્મેટ સમજવા જેવું છે, સરસ પણ એટલું જ.

બે સેલેબ્રિટી ગેસ્ટ આવે અને એ પોતાના પાર્ટનર સાથે કૉમ્પિટ કરે. શોમાં હું પાર્ટનર તરીકે મારી દીકરી ખુશાલીને લઈને ગઈ હતી અને મારી સામેની પૅરમાં કૉમ્પિટિટર તરીકે સુપ્રિયા શુક્લા હતાં, સિરિયલોમાં તેમનું નામ ખાસ્સું મોટું છે. સુપ્રિયાજી પણ પોતાની દીકરી સાથે જ શોમાં આવ્યાં હતાં. સુપ્રિયાજીનું બૅકગ્રાઉન્ડ કાશ્મીરનું, તે કાશ્મીરી પંડિત અને હું ગુજરાતી. તમે કદાચ નોટિસ કર્યું હોય તો આ પ્રકારના જનરલ કુકિંગ શોની એક ખાસિયત છે કે એમાં નૉન-વેજ વરાઇટી બનાવવામાં નથી આવતી. પાર્ટિસિપેન્ટ નૉન-વેજ એક્સપર્ટ હોય તો એવું કરવાની ચૅનલ જ ના પાડી દે. અરે, એટલું ધ્યાન રાખતી ચૅનલ પણ મેં જોઈ છે કે જે ઈંડા જેવી આઇટમ પણ અવૉઇડ કરે છે. આ સારું જ છે. આજે આપણે ત્યાં જે પ્રકારનો નૉન-વેજ ખાનારો વર્ગ વધ્યો છે એ પછી પણ જો એને પબ્લિક પ્લેસ પર દેખાડવાનું ટાળવામાં આવે તો એ સારી સાઇન છે અને એ રહેવી જ જોઈએ.

ચૅનલોનો આ નિયમ હોય છે એની મને તો વર્ષોથી ખબર છે, પણ એ પછી પણ હું ટ્રાય એવી કરું કે શો ફાઇનલ કરતાં પહેલાં જ કહી દઉં કે હું નૉન-વેજ ખાતી નથી એટલે બનાવતાં પણ મને નથી આવડતું અને જો એ બનાવવાનું શીખવવા કોઈ હશે તો પણ હું નૉન-વેજ નહીં બનાવું. મેં એ કહી જ દીધું હતું અને આ ચોખવટ હતી, જે જરૂરી હતી, કારણ કે આ શોમાં નૉન-વેજની પણ ફૂટ હતી અને એનું કારણ પણ હતું. શોમાં કાશ્મીરી કે પછી બૅંગોલી આર્ટિસ્ટ આવે તો એ લોકો નૉન-વેજ પ્રીફર કરતાં હોય છે, એમની લાઇફસ્ટાઇલમાં જ એ સેટ થઈ ગયું છે એને લીધે એમના માટે નૉન-વેજ એ ક્યાંય આભડછેટ કે અધર્મ નથી.

કુકિંગ શૉમાં કે કુકિંગ કૉમ્પિટિશનમાં જ્જ હોય જ, પણ અમારા આ શોમાં જે જ્જ હતાં એ ત્રણ બાળકો હતાં, જેમની ઉંમર છ વર્ષની. બે છોકરા અને એક છોકરી. આ ત્રણેય એટલાં સ્માર્ટ હતાં કે તમને પોતાને વિચાર આવે કે આપણે જ્યારે છ વર્ષનાં હતાં ત્યારે કેવાં ઘોઘા જેવાં હતાં. આજકાલનાં બાળકો ટૅલન્ટ હાઉસ જેવાં છે. તમે બાળકોના રિઆલિટી શો જુઓ તો પણ આભા થઈ જાવ. ‘લિટલ ચૅમ્પ્સ’ કે ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ જોશો તો તમને ખબર પડશે કે આ બાળકો કઈ હદે ટૅલન્ટેડ છે. આ બધા પાછળ ટીવી અને ઇન્ટરનેટનું એક્સપોઝર જવાબદાર છે. આ એક્સપોઝરના કારણે આ નવી જનરેશન સુપર સ્માર્ટ બનતી જાય છે. ફરી આપણા વિષય પર આવીએ, અમારા શોમાં ત્રણ બાળકો જ્જ હતાં.

પહેલો રાઉન્ડ બ્રેકફાસ્ટનો હતો. એ રાઉન્ડમાં બાળકોને ભાવે એવી આઇટમ બનાવવાની હતી અને એ પણ પંદર મિનિટમાં. મેં યાદ કર્યું કે જ્યારે મારી દીકરી નાની હતી ત્યારે હું એને બ્રેકફાસ્ટમાં શું આપતી. બ્રેકફાસ્ટામાં હું એવી જ આઇટમ પ્રીફર કરતી કે જે હેલ્ધી હોય અને ટેસ્ટી હોય. હેલ્થ પહેલાં ધ્યાનમાં રહેવી જોઈએ. ખુશાલી જ્યારે નાની હતી ત્યારે હું એને ખાખરાના પીત્ઝા બનાવી દેતી. બધાં શાક ખાવાં જોઈએ, પણ એ સમયે એ બધાં શાક ખાતી નહોતી અને મારે શાક માટે એની સાથે ખૂબ લપ કરવી પડે. લપ કરું એટલે ખાઈ લે, પણ મને મનમાં વિચાર આવ્યો કે હું શું કામ એવું કંઈ ન કરુ કે એ આ રીતે લપ કરાવવાને બદલે પ્રેમથી ખાઈ અને સાથોસાથ એ પણ પોતાના ફૂડને એન્જૉય કરે. મેં રસ્તો કાઢ્યો. ઘરમાં જે શાક બન્યું હોય એ શાક હંવ ખાખરા પર કે રોટલીમાં રોલ કરી નાખું અને પછી એની ઉપર ચીઝ અને ઘરે બનાવેલો ટમેટો સોસ નાખી એ હું ખુશાલીને આપું, ખુશાલી એ બધું ખાઈ જાય અને તેને ભાવતું પણ ખરું. આ જ કામ આજે પણ બધી મમ્મીઓ કરી શકે. મેંદાની બ્રેડને બદલે ઘઉંનો લોટ વાપરે અને બ્રેડને બદલે ભાખરી જેવું થોડું જાડું પડ બનાવીને એનો બેઝ તરીકે ઉપયોગ કરે. બાળકોને ભાવશે પણ ખરું અને હેલ્થમાં પણ સારું રહેશે. આ જ વિચારીને મેં આ રીતે ખાખરાના પીત્ઝા બનાવ્યા, જે ત્રણેય જજને એટલે કે બાળકોને બહુ ભાવ્યા અને ખુશ થઈને ભરપેટ માર્ક્સ પણ આપ્યા. અમારા એ રાઉન્ડમાં સુપ્રિયા શુક્લાએ મલ્ટી ગ્રેઇન બ્રેડ સાથે ફ્રાઇડ એગ બનાવ્યાં, પણ બાળકોનું જજમેન્ટ એવું હતું કે એ બ્રેડ ચાવવામાં ખૂબ કડક હતાં.

બીજા રાઉન્ડમાં એવી આઇટમ બનાવવાની હતી જે બાળકોને ન ખાવી હોય અને આપણે એને પરાણે ખવડાવવાની હોય. મેં આપણું ગુજરાતનું ઘરઘરમાં બનતું સેવટમેટાનું શાક અને રોટલી બનાવ્યાં. સેવટમેટાંનું શાક ખવડાવવાનું કામ પ્રમાણમાં સરળ છે. આજની બધી મમ્મીઓ યાદ રાખે કે આ શાક ખાટુંમીઠું કૅચપ જેવું અને સ્લાઇટ ચાટ જેવું લાગે અને જો સેવને બહુ પલાળી રાખવામાં ન આવે તો એ સેવની ક્રન્ચીનેસ અકબંધ રહે અને બાળકોને ભાવે પણ ખરું. ત્રણ કિડ-જ્જે આ શાક બહુ ખુશીખુશી ખાધું અને તેમને મજા પણ પડી ગઈ. એક જ્જે તો મારી પાસે વધારે શાક પણ માગ્યું, પણ મેં તો બધું પીરસી દીધું હતું. મારાં હરીફ કન્ટેસ્ટન્ટ સુપ્રિયા શુક્લાએ આ ડિશમાં ભરેલાં ટમેટાં અને રાઇસ બનાવ્યાં હતાં. આ રાઉન્ડમાં પણ બાળકોને મારી ડિશ વધારે ભાવી. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે બાળકોને જો તમે તેમના ટેસ્ટ મુજબ તમારું ફૂડ આપો તો એ ખાઈ જ લેવાના છે.

હવે વાત આવી ત્રીજા રાઉન્ડની. આ ત્રીજા રાઉન્ડમાં સ્વીટ ડિશ બનાવવાની હતી. એમાં મેં દૂધપાક બનાવ્યો અને સુપ્રિયા શુક્લાએ કાશ્મીરી હલવો બનાવ્યો. આ કાશ્મીરી હલવો એટલે ગોળ નાખીને ઘરે જે શીરો બનાવીએ એ જ છે, ફરક એટલો કે આપણા શીરામાં ઘી છૂટતું હોય, પણ એમાં એટલું ઘી ન હોય. બીજું કે આપણે ડ્રાયફ્રૂટ્સ નાખવાનું અવૉઇડ કરીએ છીએ, કારણ કે મોટા ભાગે આપણે શીરા માંદા માણસ માટે બનાવતાં હોઈએ છીએ. દૂધપાક બનાવ્યા પછી મેં એને નાના ગ્લાસમાં સર્વ કર્યો અને એની ઉપર બદામપિસ્તાંનું ગાર્નિશ કર્યું. બધાં બાળકોને મજા પડી ગઈ. એમને એવું જ લાગ્યું કે જાણે કે એ આઇસક્રીમ છે, પણ જરા ઓગળી ગયો છે.

અમારા આ શોનો એન્કર આદિત્ય નારાયણ છે. આદિત્યને પણ ગુજરાતી આઇટમોની બહુ ખબર નથી હોતી, પણ આ ત્રણેત્રણ આઇટમ તેણે પણ ટેસ્ટ કરી અને એને પણ મજા આવી ગઈ. એણે તો કહ્યું પણ ખરું કે મને તો ગુજરાતી ફૂડ એટલે ઢોકળાં એટલી જ ખબર હતી, પણ હવે ખબર પડી કે એ ફૂડ પણ આટલું સરસ છે.

આ પ્રકારના કુકિંગ શોથી સૌથી મોટો ફાયદો એ થાય કે લગભગ બધા શોમાં પાર્ટનરને સાથે લઈ આવવાના હોય અને હું દરેકમાં મારી દીકરી ખુશાલીને પાર્ટનર તરીકે લઈ જાઉં એટલે તેનો પણ ઉત્સાહ હોય અને તે પોતે ટાઇમ-લિમિટને ધ્યાનમાં રાખીને રસોઈ કરવા લાગે. ટાઇમ કેવી રીતે મૅનેજ કરવો અને એકસાથે બે વસ્તુ બનાવવા કેવી રીતે કિચનમાં મલ્ટિ-ટાસ્કિંગ કરવું એ પણ આવડત ડેવલપ કરવી પડે. આમ તો એ ઘરમાં આ બધું શીખે નહીં, પણ કુકિંગ શોના કારણે એને પણ આ મલ્ટિ-ટાસ્કિંગ હવે ફાવી ગયું છે. આ જરૂરી છે. આજે તો દીકરીઓને કિચનમાં જવામાં પણ ત્રાસ છૂટે છે. ભૂલથી પણ જો તેણે એકલાં રહેવાનો વારો આવી જાય તો કાં તો બહારથી ફૂડ ઑર્ડર કરી દે અને નહીં તો વેજ સૅન્ડવિચ જેવી સૌથી સરળ વરાઇટી બનાવીને ખાઈ લે.

આ પણ વાંચો : કૉલમ : જો હક ભોગવવો હોય તો જવાબદારી નિભાવવી પડશે

હું દૃઢપણે માનું છું કે દીકરો હોય કે દીકરી, પણ પોતાનું પેટ ભરી શકે એટલી રસોઈ તો બધાને આવડવી જ જોઈએ. કોઈ હોટેલ કે પછી મમ્મી પર જ ડિપેન્ડ ન રહેવું જોઈએ. રસોઈને બધા કળા કહે છે, પણ હું કહીશ કે ના, આ કળા નથી. આ એક પ્રકારની થેરપી છે અને આ થેરપી એ સૌને આવડવી જોઈએ, જેને આપણા જ સાહિત્યકારોએ અન્નપૂર્ણા નામ આપ્યું છે. આજે મમ્મીઓ ગર્વ સાથે એવું કહે છે કે અમારી દીકરીને તો બનાવતાં કંઈ આવડે જ નહીં, પણ આ ગર્વ એ દિવસે શરમ બની જશે જ્યારે આટલી અમસ્તી વાતને કારણે દીકરીનો સંસાર ઊજડી જશે.

columnists Apara Mehta