Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : જો હક ભોગવવો હોય તો જવાબદારી નિભાવવી પડશે

કૉલમ : જો હક ભોગવવો હોય તો જવાબદારી નિભાવવી પડશે

11 April, 2019 09:44 AM IST |
અપરા મહેતા

કૉલમ : જો હક ભોગવવો હોય તો જવાબદારી નિભાવવી પડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

ધારો કે તમને કોઈ સવાલ પૂછે કે વર્ષમાં કેટલા તહેવારો આવે તો તમારો જવાબ શું હોય? સ્વાભાવિક રીતે તમે યાદ કરીને તરત જ તહેવાર ગણાવવા માંડો અને કહી દો કે જાન્યુઆરીમાં મકરસંક્રાતિ, રિપબ્લિક ડે આવે. જો તમે યંગ હો તો સહજ રીતે તમે ફેબ્રુઆરીમાં વસંત પંચમી ગણાવવાને બદલે વૅલેન્ટાઇન્સ ડે ગણાવી દો અને પછી તમે માર્ચમાં હોળી અને ધુળેટી પણ ગણાવી દો. માર્ચમાં બે એવા તહેવારો આવે જેની ધાર્મિક વૅલ્યુ વધારે હોય છે. એક તો ચૈત્રી નવરાત્રિ અને બીજો રમજાન. આમાં કોઈ ઉજવણી ન થાય, પણ દર્શન થાય, પૂજાપાઠ અને આરાધના થાય. જો મુસ્લિમ હો તો બંદગી કરવામાં આવે અને રોજા રાખે. રમજાન પછી ઈદનું સેલિબ્રેશન અને એના પછી વેકેશન શરૂ થાય. આપણે તો વેકેશનને પણ તહેવાર માની લેનારા લોકો. ચાલો, ઠીક છે. વેકેશનને પણ તહેવાર ગણીએ અને એ પછી જૂન મહિનામાં મોળાકાત અને જયા-પાર્વતી જેવા દીકરીઓના તહેવાર આવે. જો તમે યંગ હો તો છોકરાઓ પણ આ તહેવાર પોતાની રીતે ઊજવી લે. જુલાઈમાં તહેવારો નથી એ તમે પણ નોટિસ કર્યું હશે, પણ પછી જેવો ઉનાળો ઊતરે કે તરત જ ઑગસ્ટમાં રક્ષાબંધન, જન્માષ્ટમી પણ આવે અને દેશને આઝાદી મળી હતી એટલે ઇન્ડિપેન્ડટ્સ ડે પણ આ મહિનામાં આવે. આ જ મહિનામાં જૈનોનાં પયુર્ષણ પણ આવે અને નવરોઝ પણ આવે. પતેતી પણ આ જ મહિનામાં. સપ્ટેમ્બરમાં ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય અને અગિયાર દિવસનો ગણેશ મહોત્સવ ઊજવાય અને ત્યાર પછી ઑક્ટોબરમાં નવરાત્રિ, વિજયાદશમી, દેશપ્રેમીઓ માટે ગાંધી જયંતી આવે. નવેમ્બરમાં દિવાળીના તહેવારો આવે અને એ જ સમયગાળામાં ઈદ પણ આવે. હવે વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર. આ મહિનામાં ક્રિસમસ અને નવું વર્ષ. આ બન્નેનું સેલિબ્રેશન ઑલમોસ્ટ સાતેક દિવસ ચાલે. આ બધા તહેવારો ગણાવવામાં બેચાર તહેવાર ભુલાઈ પણ જાય અને એ કોઈ યાદ અપાવે તો આપણે ખુશ પણ થઈ જઈએ.



આપણે ઉત્સવપ્રેમી પ્રજા છીએ અને એમાં કશું ખોટું નથી. જેટલી વિશાળ સંસ્કૃતિ આપણી છે એટલા જ તહેવારો આપણી પાસે છે. આપણે ક્રિસમસને પણ ખુશી ખુશી મનાવીએ છીએ અને પયુર્ષણ દરમ્યાન જૈન મિત્રોને મિચ્છામિ દુક્ડડમ પણ કરવા જઈએ છીએ. સેલિબ્રેશન એ આપણો સ્વભાવ છે અને આ સ્વભાવ વચ્ચે જ આપણને દર પાંચ વર્ષો એક મસ્તમજાનો તહેવાર મળે છે, જે આ વર્ષો આવવાનો છે. લોકસભા ઇલેક્શનનો - મતદાનનો તહેવાર.


આખી દુનિયાનો સૌથી મોટા પૉપ્યુલેશનવાળો નંબર વન ડેમોક્રેટિક દેશ એટલે ભારત અને ભારતનું ઇલેક્શન. સૌથી મોટા દેશની સરકાર અને એ સરકારના વડા પ્રધાન પસંદ કરવાનો અવસર આપણને મળે તો એનાથી મોટી ખાસિયત અને ખુશી બીજી કઈ હોય. આ મોકો મળવો એ જ મારે મન તો અવસર છે. આ બહુ મોટો અધિકાર છે અને આટલો મોટો અધિકાર આપણને દેશે આપ્યો છે ત્યારે હું ગર્વ સાથે કહીશ કે આ તહેવાર બાકી બધા તહેવારો કરતાં સવિશેષ મહત્વ ધરાવે છે. મતાધિકાર મળ્યા પછી મેં આજ સુધીમાં ક્યારેય મત ન આપ્યો હોય એવું મને યાદ નથી. અનેક વખત એવું પણ બન્યું છે કે વોટિંગના દિવસે હું ગુજરાતમાં હોઉં અને મેં મારા સ્વખર્ચે મુંબઈ આવીને વોટિંગ કર્યું હોય. માત્ર વોટ આપવા માટે જ આવી હોઉં અને બે કલાકમાં ફરી મુંબઈ છોડીને મારા સેન્ટર પર પહોંચી જાઉં એવું પણ બન્યું છે. એક વખત તો એવું બન્યું હતું કે મતદાનના દિવસે હું કોલકાતામાં હતી અને કોલકાતા-મુંબઈની માત્ર એક જ ફ્લાઇટમાં ટિકિટ અવેલેબલ હતી. વહેલી સવારની એ ફ્લાઇટ પકડવા માટે હું આખી રાત ઍરપોર્ટ પર બેઠી અને પછી મુંબઈ આવી, સીધી વોટ આપવા પહોંચી. વોટિંગ કર્યું અને તરત જ પાછી ઍરપોર્ટ જઈને મુંબઈથી રવાના થઈ કોલકાતામાં રાહ જોતી મારી ટીમ સાથે જોડાઈ ગઈ.

આ દેશ પરનો ઉપકાર નથી, આ મારા પરનો ઉપકાર છે. લોકશાહીમાં જન્મવું એ જ મારે મન જીવનભરનો આનંદ છે. જો આ આનંદ તમને સમજાતો ન હોય તો એક વખત લોકશાહી સિવાયના દેશમાં રહીને જોઈ લેજો, તમને લોકશાહીનું મૂલ્ય સમજાઈ જશે. લોકશાહી મૂલ્યવાન છે એ મને નાનપણથી મારા પેરન્ટ્સ પાસેથી સમજાયું છે. અમારા ઘરે ૧૫મી ઑગસ્ટ, ૨૬મી જાન્યુઆરી, ગાંધીજયંતી અને ઇલેક્શનના દિવસો ખૂબ ધામધૂમથી ઊજવાતા અને એ જ પરંપરા મેં આજે પણ અકબંધ રાખી છે. મને હજુ પણ યાદ છે કે હું નાની હતી ત્યારે લાલ કિલ્લા પર થતી પરેડ જોવા બેસી જતી. મને એ પણ યાદ છે કે જેમ મારા જન્મદિવસે ઘરે મિષ્ટાન્ન બનતું એવી જ રીતે ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઑગસ્ટે મારા ઘરે જમવામાં શ્રીખંડ અને બાસુંદી આવે જ આવે. પેરન્ટ્સનો આ નિયમ આજે પણ અમે અકબંધ રાખ્યો છે અને એવી આશા પણ રાખું છું કે આ જ નિયમ મારી ગેરહાજરીમાં મારી દીકરી ખુશાલી પણ રાખશે અને ખુશીથી આઝાદી પર્વને માણશે.


ઇલેક્શનના દિવસની તો વાત જ જુદી છે. એ દિવસે મારાં મમ્મી-પપ્પા, કાકા બધા જ ઇલેક્શન બૂથ પર કામ કરવા માટે જાય. નાની હતી ત્યારથી મને થયા કરતું કે ક્યારે હું ૧૮ વર્ષની થઈશ અને ક્યારે મને પણ વોટ આપવાનો અધિકાર મળશે. હું નાની હતી ત્યારની ઇલેક્શનમાં એક જ મેજર પાર્ટી હતી, કૉન્ગ્રેસ એટલે ઑલમોસ્ટ રિઝલ્ટ ખબર જ હોય. જોકે ૧૯૭૫ની ઇમર્જન્સી (જે ૧૯૭૭ સુધી ચાલી) પછી લોકોના વિચારો બદલાયા અને બધાને ડેમોક્રેસી તથા ફ્રીડમની વ્યાખ્યા ફરીથી યાદ આવી, જેને લીધે ૧૯૭૭ના ઇલેક્શન પછીનો ભારતીય મતદાતા એક નવી વિચારધારા સાથે વોટ કરવા માટે બહાર નીકળ્યો. આ જે નવો વોટર હતો એ ઑલમોસ્ટ મારી એજનો હતો, એનામાં વિચારવાની ક્ષમતા પણ હતી અને તેનામાં એ વિચારને અલમમાં મૂકવાની ત્રેવડ પણ હતી. પહેલી વખત એવું બન્યું કે આ મતદારોએ દેશની એ ગવર્નમેન્ટને ઊથલાવી નાખી, જેના પર આટલાં વર્ષો સુધી આંખો બંધ રાખીને વિશ્વાસ રાખ્યો હતો. આજે પણ હું કહું છું કે અટ્રૅક્ટિવ સ્લોગનથી કશું વળવાનું નથી, સ્લોગન મુજબનું કામ પણ થવું જોઈએ. જો દેશ માટે, જનતા માટે કામ નહીં કરવું હોય તો હવે આ વોટર્સ શાંતિથી બેસવા દે એમ નથી, એ સરકારને ઊથલાવી દેશે. હું તો કહીશ કે આ વોટર્સને લાગણી જેવું કોઈ તંત્ર છે જ નહીં, એ કોઈની શેહશરમમાં પણ નથી આવતો અને એને કોઈની આંખોની શરમ પણ નથી નડતી, પણ આ તાકાતને તમારે પારખી લેવાની છે અને તમારે એ પણ યાદ રાખવાનું છે કે આ જે કોઈ તાકાત છે એ તમારા એક વોટમાં છે. એક વોટ આખી સરકાર ઊથલાવી નાખવાને સક્ષમ હોય છે. એંસીથી નેવુંનો સમયગાળો જુઓ તમે, એ સમયગાળામાં આવેલી સરકારની કામગીરીમાં આ વાત સ્પષ્ટ હતી કે કાં તો કામ કરવું પડશે અને કાં તો ઘરે બેસવું પડશે. પ્રજા પાસે આ હક છે અને આ હક ભોગવતી વખતે તેણે યાદ રાખવાનું છે કે એક ઇલેક્શન દેશની સામે કેટલો મોટો ખર્ચ લઈને ઊભું રહે છે. આવા સમયે વોટ આપવા જવાને બદલે ઘરમાં બેસી રહો એ ખરેખર શરમજનક વાત છે. જો દરેક વોટર આ કામ કરશે, પોતાની ફરજ સમજશે અને પોતાની જવાબદારી અદા કરવા જશે તો આપણે સાચા કૅન્ડિડેટ અને સાચી પાર્ટીને સત્તા આપી શકીશું. હું કહીશ કે આ વાત નવી જનરેશને ખાસ સમજવાની જરૂર છે.

આ પણ વાંચો : કૉલમ : ગુરુતાગ્રંથિ + લઘુતાગ્રંથિ = ઈગો

નવી જનરેશનને આજે જે વાતનો જલસો પડી રહ્યો છે એ જલસો માત્ર ને માત્ર લોકશાહીના કારણે પડે છે. રાતે બે વાગ્યા સુધી બહાર રખડવાની આ જે આઝાદી છે એ આઝાદી પણ લોકશાહીને આભારી છે અને વૉટ્સઍપ પર વિડિયો કૉલ કરીને ગર્લફ્રેન્ડને હાલરડાં ગાઈને સુવડાવવી એ પણ લોકશાહીને આભારી છે. કામ કરીને ઘરમાં એક રૂપિયો પણ ન લાવે અને એ પછી પણ ચાલે તો એ પણ લોકશાહીને કારણે શક્ય છે અને માબાપને ગાળો ભાંડીને નીકળી જવું એ પણ લોકશાહીને કારણે શક્ય છે. લોકશાહીનું મૂલ્ય સમજશો તો જ લોકશાહી તમારુ મૂલ્ય સમજશે. વોટિંગના દિવસે વોટ અચૂક કરો. ગમે એવું કામ હોય તો પણ વોટ કરવા જાવ અને જાવ જ. એમાં તમને તમારો બૉસ કે સર પણ ના ન પાડી શકે એટલે એવી બીક રાખવાની પણ જરૂર નથી, પણ હા, આવું કહ્યા પછી વોટ કરવા અચૂક જવું. જો હક ભોગવવા હોય તો જવાબદારી નિભાવવી પડશે અને જો જવાબદારી નિભાવશો તો તમને આ સ્વતંત્રતા મળતી રહેશે, કાયમ.

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2019 09:44 AM IST | | અપરા મહેતા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK