તમે કઈ વાતનો રીવેન્જ બાળકો સામે લો છો?

05 September, 2019 10:11 AM IST  |  | ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ - અપરા મહેતા

તમે કઈ વાતનો રીવેન્જ બાળકો સામે લો છો?

અગાઉ પણ મેં ઘણી વખત બાળકો અને તેનાં પેરન્ટ્સ વિશે લખ્યું છે. તે બન્ને વચ્ચે કેવું કમ્યુનિકેશન હોવું જોઈએ એના વિશે પણ લખ્યું છે પણ એમ છતાં, આજે મને એ જ વિષય પર ફરી વખત વાત કરવી છે, કારણ કે ક્યારેક એવું બનતું હોય છે કે બાળકો અને પેરન્ટ્સનું આ કમ્યુનિકેશન સાવ જુદી અને ખોટી દિશામાં આગળ વધી જતું હોય છે. આવું બનવા પાછળનાં કારણો જુદાં છે જેને આપણે સમજવાની જરૂર છે.

આપણે ઘણા એવા કિસ્સાઓ જોયા છે જ્યાં પેરન્ટ્સ પોતે જે-જે વાત કે કામ નથી કરી શક્યાં એ બધું પોતાનાં સંતાનો દ્વારા પૂરી કરવા માગતાં હોય છે. અધૂરાં સપનાંઓ, અધૂરી ઇચ્છાઓ, અધૂરી ખ્વાહિશોં. મારો મુદ્દો એ છે કે શું એ બરાબર કહેવાય ખરું? તમારું બાળક પોતે એક જુદી એન્ટિટી છે, એક જુદી વ્યક્ત‌િ છે, એની પોતાની અલાયદી ઓળખ છે. બાળકના પોતાના વિચારો, પોતાની ઇચ્છાઓ અને પોતાના ગમા-અણગમાઓ છે. પેરન્ટ્સને એ ગમે કે ન ગમે, પણ તેમણે એ સ્વીકારવા જોઈએ, કારણ કે જે કંઈ કરવાનું છે એ બાળકે કરવાનું છે, નહીં કે તેના પેરન્ટ્સે. ડૉક્ટરનું બાળક ડૉક્ટર બને કે સીએનું બાળક સીએ બને એવું જરૂરી નથી. કલાકારનું બાળક કલાકાર જ બનશે એ તો જરાપણ જરૂરી નથી. બધામાં બધી જ આવડતો સરખી હોતી નથી. ધારો કે બે સંતાન હોય તો એવું પણ બને કે બન્ને જુદાં ક્ષેત્રમાં જઈ પોતાની ઓળખ ઊભી કરે. આપણી સામે આ જ બાબતનું કોઈ બેસ્ટ એક્ઝામ્પલ હોય તો એ વિક્રમ સારાભાઈ અને મલ્લિકા સારાભાઈ છે. વિક્રમ સારાભાઈની ઓળખ કોઈને આપવાની જરૂર નથી. બહુ સારા સાયન્ટિસ્ટની દીકરી ખૂબ સરસ ઍક્ટર અને ક્લાસિક્લ ડાન્સર બની. અમદાવાદમાં આવેલી તેમની દર્પણ ડાન્સ ઍકૅડેમી આજે ઇન્ડિયાની બેસ્ટ ડાન્સ ઍકૅડેમી છે, પણ મારું કહેવું એ છે કે વિક્રમ સારાભાઈને એવો જરાપણ વસવસો ન હોવો જોઈએ કે તેની દીકરીએ તેનો સાયન્સનો વારસો ન સંભાળ્યો. હું માનું છું ત્યાં સુધી વિક્રમ સારાભાઈને એવો કોઈ અફસોસ હતો પણ નહીં. તેમણે દીકરીને પૂરતી આઝાદી આપી અને તેને જે કરવું હોય એ કરવાની સ્વતંત્રતા આપી.

આ પણ વાંચો: જબ અંધેરા હોતા હૈ...

આપણે જો ફૉરેનની વાત કરીએ તો ત્યાં લોકો પોતાનાં સંતાનોને સક્સેસફુલ થવા માટે ખૂબ પુશ કરતા હોય છે અને સાચું પૂછો તો અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને યુકેની વાત લઈએ તો એ જોવા મળે છે કે ઇન્ડિયન અને ચાઇનિઝ બાળકો સ્કૂલમાં ટૉપ કરતાં હોય છે. તે લોકોની મહેનત કરવાની ડ્રાઇવ જ જુદી હોય છે. કદાચ એનું કારણ એ હોઈ શકે કે તેમનાં પેરન્ટ્સ ખૂબ તકલીફથી અને અથાગ મહેનત પછી ફૉરેનમાં સેટલ થયાં હોય છે, પણ આ જ વાતની સાથોસાથ એ પણ શક્ય છે કે દરેક બાળક સક્સેસફુલ ન પણ હોય, પરંતુ આ જ વાતની સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે દરેક બાળક પર સફળતાનું પ્રેશર જબરદસ્ત હોય છે.

પ્રેશર કેવું હોય એ સમજાવવા માટે હું મારો પોતાનો દાખલો આપવા માગું છું. મારાં પેરન્ટ્સ ખૂબ જ ભણેલા. મમ્મી તો ઍક્ટ્રેસ પણ હતાં. મારો બર્થ તે લોકોનાં મેરેજનાં દસ વર્ષ પછી થયો એટલે તમે ધારી શકો કે તે લોકોએ મને બધું જ બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો હતો. હું બેસ્ટ કૉન્વેન્ટ સ્કૂલમાં ભણી. મમ્મી એજ્યુકેશનની બાબતમાં બહુ સ્ટ્રીક હતાં. ફૉર્ચ્યુનેટલી હું ભણવામાં હોશિયાર હતી એટલે વાંધો ન આવ્યો, પણ હોશિયાર ન હોત તો કેવી હાલત થઈ હોત એનો વિચાર પણ મને ધ્રુજાવી દે છે. સ્કૂલની દરેક એક્સ્ટ્રા કેરીક્યુલર ઍક્ટિવિટીમાં ભાગ લેવાનો અને નસીબજોગે બધામાં પ્રાઇઝ પણ લઈ આવતી. ગાવાનો શોખ એટલે ક્લાસિકલ મ્યુઝિક ગુલામ મુસ્તુફા ખાંસા’બ પાસે શીખતી, ડાન્સ પણ ગમે એટલે કથ્થક શીખવા માટે આશા જોગલેકર પાસે જતી.

આ બધા વચ્ચે જરા વિચારો કે મારી પાસે ફ્રેન્ડ સાથે ટાઇમપાસ કરવાનો સમય ક્યાંથી હોય. બધી કમ્પિટિશનમાં પાર્ટ લેવાનો અને આટલું ઓછું હોય એમ પંદર વર્ષની ઉંમરથી તો મુંબઈ દૂરદર્શન પર હું ચિલ્ડ્રન પ્રોગ્રામ એન્કર પણ કરવા માંડી હતી. આ બહુ અઘરું હતું, પણ એ બધું કરવાનું હતું અને મારાં પેરન્ટ્સ માટે આ વાત ખૂબ ગર્વની હતી, પણ ખરેખર કહું તો એ ઉંમરે મારા માટે આ બધું ખૂબ પ્રેશર ઉપજાવનારું હતું. તમે સફળતા લાવી શકતા હો એટલે એક્સપેક્ટેશન પણ વધતું જતું હોય. સ્કૂલમાં અને બીજા બધા મારા ગુરુઓની પણ આશા-અપેક્ષા મારી પાસેથી બહુ વધારે પડતી હતી. મારી નાની ઉંમરની સિદ્ધિઓ સાથે-સાથે એ પ્રેશર અને ડર એટલો યાદ રહી ગયો કે જ્યારે મારી દીકરી ખુશાલીનો જન્મ થયો ત્યારે જ નક્કી કરી લીધું કે હું તેની ઉપર કોઈ વાતનું કમ્પલઝન નહીં મૂકું. તેને જે ગમે એ કરે. અત્યારે સોની ટીવી પર એક સિન્ગિંગ રિઅલિટી શો આવે છે. એ શોમાં બાળકોની ઉંમર જોઈને મને મારી એ ઉંમરના દિવસો યાદ આવી રહ્યા છે. દરરોજ બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનું. સહેજ પણ ઊંચ-નીચ ન ચાલે. એકધારા અવ્વલ પુરવાર થવાનું અને બેસ્ટ સાબિત થઈને જ શાંતિથી બેસવાનું.

ઘણાને એવું લાગતું હોય છે કે જેમ ઘડો એમ બાળક ઘડાય, પણ હું જરા જુદું માનું છું. બાળકને જે ગમતું હોય, તેને જે આવડતું હોય એમાં એન્કરેજ કરવાનું હોય. તે બેસ્ટ ગાઈ છે તો બસ, એનાથી સંતોષ માનો. તે શ્રેષ્ઠ ગાઈ પણ ખરું અને ભણવામાં પણ અવ્વલ માર્ક્સ લઈ આવે, બધાની સામે તેનું વાક્ચાતુર્ય પણ શ્રેષ્ઠ હોવું જોઈએ અને ‘કૌન બનેગા કરોડપતિ’ જોતી વખતે એ બધા સવાલના જવાબ પણ કડકડાટ આપવા જોઈએ. આ બધી કોલર ટાઇટ કરવાની વાત છે અને બાળકને કોલર ટાઇટ કરવામાં કોઈ દિલચશ્પી નથી. હું એમ નથી કહેતી કે બાળકની નૅચરલ ટેલન્ટ કે એજ્યુકેશનમાં પેરન્ટ્સે તેને ગાઇડ ન કરવા જોઈએ, જરૂર કરવા જોઈએ; પણ બાળક હંમેશ માટે પર્ફોર્મ કરતું રહે એવું પ્રેશર તેના પર ન હોવું જોઈએ. ફેલ થવાનો તેને પૂરતો હક છે. એક વખત નિષ્ફળ જશે તો જ તેને નિષ્ફળતાનો સ્વાદ પણ મળશે. બાળકને જેમ ગળપણની સાથોસાથ કળવાણી પણ જરૂરી છે એવી જ રીતે નિષ્ફળતા પણ કળવાણીનું કામ કરે છે. મેથી છે કડવી, પણ એના ગુણ ખૂબ સરસ છે, એવી જ રીતે નિષ્ફળતા એ મેથીનું કામ કરે છે.

આજના જમાનામાં દરેક કલા માટે જાતજાતનાં પ્લૅટફૉર્મ છે ત્યારે સ્વાભાવિક છે કે મા-બાપને એમ થાય કે અમારું બાળક એનો લાભ લે, પણ એ વિચાર કરો કે ટીવીના ડાન્સ કે મ્યુઝિકના રિઅલિટી શોમાં બાળકો આવે છે ત્યારે તેની ઉંમર ખૂબ નાની હોય છે અને એ એજ પર તે અનબિલિવેબલ એક્સપોઝર મેળવે છે, પણ જ્યારે એ રિઅલિટી શો પૂરો થઈ જાય અને બાળકને ફરી પાછા સ્કૂલે જવાનો વારો આવે ત્યારે તેને કેવી ફીલિંગ થતી હશે? બાળકનું નાનું મગજ આ પ્રોસેસ કરી શકતું નથી. એ જ રીતે પેરન્ટ્સ પોતે પ્રોફેશનમાં હોય, પણ એનો અર્થ એ નથી જ કે બાળક એ પેઢી સંભાળે, ના; જરા પણ નહીં. અગાઉ મેં કહ્યું છે અને આજે ફરીથી કહું છું કે મારા હસબન્ડ સીએ છે પણ તેણે ક્યારેય સીએની પ્રૅક્ટિસ કરી નથી. નાનપણથી ઍક્ટર હતા અને આજ સુધી ઍક્ટર જ રહ્યા છે. આના પરથી સમજવાનું કે એબિલિટી એક વાત છે, પણ પેશન સાવ જુદી વાત છે.


આ પણ વાંચો:મલ્ટિટાસ્કિંગ અને મહિલાઓઃ યે બાત હજમ કરની પડેગી સા’બ

કહેવાનો ભાવાર્થ એ કે એક્સપેક્ટેશન હોવા જોઈએ, પણ એને એક માત્રા સુધી સીમિત રાખવાના હોય અને બાળકોને એની સ્પેસ આપવાની હોય, જેથી તે પોતાની રીતે જાતને એક્સપ્લોર કરતા શીખી જાય. બાળક એ આપણી અધૂરી ઇચ્છાઓનું મેજિકબૉક્સ નથી કે એ આપણાં સપનાંઓ પૂરાં કરે. ના, જરા પણ નહીં. તેને જે કરવું હોય એ કરવાનો તેને પૂરતો હક હોવો જોઈએ અને એ મળવો જ જોઈએ. આપણે એ હક છીનવીને બાળકના ભવિષ્યને બગાડવાનું કામ કરીએ છીએ. આપણાં મા-બાપે જે કર્યું એ વાતનો અજાણતા જ બદલો આપણે આપણાં સંતાનો સામે લઈએ છીએ. હા, પેરન્ટ્સ તરીકે આપણી ફરજ છે કે બાળકને પડવા ન દેવું. તે પડે એ પહેલાં જ તેને ઝીલી લેવું, પણ તેને પડવાનો અનુભવ મળતો હોય તો એ ખોટું પણ નથી. પડવું એ જ જીવનનો સૌથી મહત્ત્વનો પાઠ છે અને આપણે એ પાઠ ભણતાં જ બાળકોને અટકાવી દીધાં છે.

columnists gujarati mid-day