✕

કરો ભલું તો થશે ભલું

27 October, 2025 03:14 PM IST  |  Mumbai | Rajesh Bhayani

આમ જોવા જઈએ તો દુવા કમાવી અથવા તો કોઈની દુવાના પાત્ર બનવું ખૂબ જ સરળ છે. નિસ્વાર્થને શ્રેષ્ઠ કર્મ કરીને આપણે અનેક આત્માઓની દુવા પ્રાપ્ત કરી શકીએ છીએ.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મનુષ્યોની મનોવૃત્તિમાં સામાન્ય રીતે બે પ્રકારની ભાવનાઓનો સમાવેશ થાય છે, એક તો શુભ અથવા શ્રેષ્ઠ ભાવના અને બીજી અશુભ અથવા દુર્ભાવના. કોઈના હૃદયમાંથી નીકળેલી શુભ ભાવના મનુષ્યને દેવ સમાન બનાવી દે છે, જ્યારે કે કોઈના હૃદયમાં છુપાયેલી દુર્ભાવના મનુષ્યનું ખૂબ જ મોટું નુકસાન કરી નાખે છે. ત્યારે જ તો વડીલો દ્વારા વારંવાર આપણને એ સલાહ આપવામાં આવે છે કે એવાં કામ ક્યારેય ન કરો જેનાથી કોઈની બદદુવા મળે, કારણ કે બદદુવા કે અશુભ કામના મનુષ્યને માટે શાપ બની જાય છે, જ્યારે કે દુવાઓની શક્તિ મનુષ્યને ઓછા પરિશ્રમમાં વધુ સફળતા પ્રાપ્ત કરાવે છે. 
આમ જોવા જઈએ તો દુવા કમાવી અથવા તો કોઈની દુવાના પાત્ર બનવું ખૂબ જ સરળ છે. નિસ્વાર્થને શ્રેષ્ઠ કર્મ કરીને આપણે અનેક આત્માઓની દુવા પ્રાપ્ત કરી શકીએ છીએ. દાખલા તરીકે સમય ઉપર કોઈની મદદ કરીને, કોઈ બીમાર વ્યક્તિની સેવા કરીને, જ્ઞાનના મીઠા શબ્દો દ્વારા, કોઈના મનને સાચી શાંતિ અને ખુશી દઈને, પોતાના સદવ્યવહાર દ્વારા, કોઈને પરમાત્મ સ્નેહની અનુભૂતિ કરાવીને, કોઈને તેની ખરાબ આદતમાંથી મુક્ત કરાવીને તેમ જ કોઈના સંબંધોમાં સુધાર લાવીને આપણે દુવા પ્રાપ્ત કરી શકીએ છીએ. જ્યારે આપણા વ્યવહારિક જીવનમાં દૈવી ગુણ, સ્વભાવમાં નમ્રતા, સહનશીલતા, વાણીમાં મધુરતા, ચહેરા પર હર્ષિતમુખતા વગેરે આવી જાય છે ત્યારે આપણે સહુની દુવાના પાત્ર બની જઈએ છીએ. દુવા એક એવું શસ્ત્ર છે જે ઘાવ કર્યા વિના હૃદયને બદલી શકે છે. એટલે જ્યાં પ્રયત્ન અધૂરા રહી જાય છે ત્યાં શાંત અને નિર્મલ દુવા રસ્તો બનાવી શકે છે. જરાક વિચારો, જો આપણે સહુ એકબીજાને માટે સારું જ વિચારીશું તો વિશ્વમાં ક્યાંય પણ કોઈ યુદ્ધની શક્યતા નહીં રહે અને સમસ્ત સંસારમાં સુખ અને શાંતિ સ્થાપિત થઈ જશે. તો વિલંબ શા માટે? આવો, આજથી જ આપણે એકબીજા પ્રત્યે હકારાત્મક વિચારસરણી રાખીને બધાને દુવાઓની સોગાત આપીએ અને બધા પાસેથી દુવાઓની સોગાત પ્રાપ્ત કરીએ.

columnists gujarati mid day exclusive culture news hinduism