✕

આજે સોનું ખરીદો કે ન ખરીદો, સોનાનાં પાન એકમેકને આપીને શુભેચ્છા જરૂર આપજો

20 October, 2026 06:15 PM IST  |  Mumbai | Darshini Vashi

જેમ દૂર્વા ગણેશજી ચડાવાય છે, તુલસી ભગવાન વિષ્ણુને ચડે છે, બીલીપત્ર શિવજીની પૂજામાં વપરાય છે એમ શમીનાં પાન શનિદેવને પ્રિય છે. આંબાનાં પાનનો શુભ પ્રસંગોમાં ઉપયોગ કરવામાં આવે છે એમ શમીનાં પાનને વિજય અને લક્ષ્મીના પ્રતીક સાથે જોડવામાં આવે છે.

આજે સોનું ખરીદો કે ન ખરીદો, સોનાનાં પાન એકમેકને આપીને શુભેચ્છા જરૂર આપજો

જેમ દૂર્વા ગણેશજી ચડાવાય છે, તુલસી ભગવાન વિષ્ણુને ચડે છે, બીલીપત્ર શિવજીની પૂજામાં વપરાય છે એમ શમીનાં પાન શનિદેવને પ્રિય છે. આંબાનાં પાનનો શુભ પ્રસંગોમાં ઉપયોગ કરવામાં આવે છે એમ શમીનાં પાનને વિજય અને લક્ષ્મીના પ્રતીક સાથે જોડવામાં આવે છે. આજે દશેરાના દિવસે સોનાનાં પાન એટલે કે આપટાની આપ-લે કેમ કરવામાં આવે છે એ જાણીએ

આજે દશેરા છે. દશેરા એટલે હિન્દુ કૅલેન્ડર વર્ષના સૌથી શુભ ગણાતા ત્રણ દિવસમાંનો એક દિવસ. આ દિવસે સૂર્ય અને ચંદ્ર પૃથ્વીની સૌથી સાનુકૂળ સ્થિતિમાં હોય છે એટલે આખો દિવસ અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે દશેરાના દિવસે સોનું ખરીદવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશી આવે છે. સોનાને માતા લક્ષ્મી અને ધન-સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. એને લીધે આજના દિવસે લોકો સોનાની ખરીદી કરે છે. જોકે આજે સોનાનો ભાવ એટલો બધો વધી ગયો છે કે એક ગ્રામ સોનું લેવું પણ લકઝરી જેવું થઈ ગયું છે. જોકે હજી એક વસ્તુ છે જેને શાસ્ત્રમાં સોના સમાન ગણવામાં આવી છે અને એ છે શમી. ધાર્મિક માન્યતા અનુસાર શમીનાં પાનને સોનાનું પ્રતીક માનવામાં આવે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દશેરાના દિવસે લોકો શમીનાં પાન એકબીજાને આપીને વિશ કરવામાં આવે છે કે આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આવે. ચાલો આજે જાણીએ સોના સમાન ગણાતા શમી વિશે.
 
શમી જ કેમ?
હિન્દુ ધર્મમાં ઘણાં ઝાડ, છોડ અને પાનને પવિત્ર ગણવામાં આવે છે તો પછી શમીને જ શું કામ આજના દિવસે આટલું આધ્યાત્મિક મહત્ત્વ આપવામાં આવ્યું છે? આ વિશે જાણકારી આપતાં કર્મકાંડી બ્રાહ્મણ નીરજ ઉપાધ્યાય કહે છે, ‘શમી પાછળ ઘણી ધાર્મિક કથા, પૌરાણિક માન્યતા અને પરંપરા જોડાયેલી છે. સૌથી પ્રચલિત વાર્તા છે મહાભારતની. મહાભારતની કથા અનુસાર પાંડવોએ અજ્ઞાતવાસ દરમ્યાન પોતાનાં શસ્ત્રો શમીના વૃક્ષમાં સંતાડ્યાં હતાં. અજ્ઞાતવાસ પૂરો થતાં અર્જુને શમીના વૃક્ષમાંથી શસ્ત્રો પાછાં મેળવ્યાં હતાં. આ ઘટનાને વિજય અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. દશેરા પણ વિજયનો તહેવાર હોવાથી શમીના વૃક્ષને આ દિવસ સાથે જોડવામાં આવે છે. બીજી એક વાર્તા પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે પાંડવોનાં દિવ્ય શસ્ત્રો હજી પણ શમી વૃક્ષની નીચે દટાયેલાં છે. ભગવાન શ્રીકૃષ્ણે પાંડવો પાસે મહાભારતના યુદ્ધ બાદ આ શસ્ત્રો શમીના ઝાડ નીચે દટાવી દીધાં હતાં અને કહ્યું હતું કે કલિયુગમાં જ્યારે કલ્કિ અવતાર પૃથ્વી પર અવતરશે ત્યારે તેઓ આ શસ્ત્રોને કાઢીને એનો ઉપયોગ દુષ્ટો સામે કરશે. અર્થાત્ શમીના ઝાડનું કેટલું મહત્ત્વ હશે અને કેટલું પવિત્ર હશે જેને લીધે ભગવાને શસ્ત્રો છુપાવવા માટે આ ઝાડ પસંદ કર્યું. હિન્દુ ધર્મમાં અલગ-અલગ વૃક્ષોનું પોતાનું ધાર્મિક મહત્ત્વ છે. જેમ દૂર્વા ગણપતિને પ્રિય છે, તુલસીનાં પાનને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે અને વિષ્ણુને ચડે છે, બીલીપત્રને ભગવાન શિવની પૂજામાં અને આંબાનાં પાનનો શુભ પ્રસંગો અને ધાર્મિક વિધિઓમાં ઉપયોગ કરવામાં આવે છે એમ શમીને વિજય અને દશેરા સાથે જોડવામાં આવે છે. શમીનાં પાન ગણેશજીને પણ ચડે છે. ગણપતિનાં ૧૦૮ નામની સાથે શમીનાં પાન અર્પણ કરવાથી ગણપતિ પ્રસન્ન થાય છે. શમી શિવજીને પણ ચડે છે. એવું પણ કહેવામાં આવે છે કે જેને શનિદોષ હોય તે જો શમીનાં પાન શિવજીને ચડાવે તો દોષ દૂર થાય છે, કેમ કે શમીનાં પાન શનિદેવને પણ પ્રિય છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દશેરાના દિવસે શમીનાં પાન એકબીજાને આપવાની પરંપરા છે. આપણે જ્યારે કોઈને શમીનાં પાન આપીએ છીએ ત્યારે જાણે તેમને સુખ, સમૃદ્ધિ અને પ્રગતિની શુભેચ્છા આપીએ છીએ.’
 
યજ્ઞમાં પણ જરૂરી
શમીનાં પાનનો ઉપયોગ શુભેચ્છારૂપે આપ-લે ઉપરાંત બીજી ઘણી રીતે કરવામાં આવે છે એમ જણાવતાં નીરજ ઉપાધ્યાય કહે છે, ‘અત્યાર સુધી શમી વિશે વધુ લોકોને જાણકારી નહોતી, પરંતુ સોશ્યલ મીડિયાને લીધે લોકોને હવે શમીના મહત્ત્વ વિશે ખબર પડવા લાગી છે. અમારા ગામમાં આવેલાં ઘરોની બહાર તો અમે વર્ષોથી આ ઝાડ વાવેલું છે. ઘણાને ખબર નહીં હોય કે કોઈ પણ યજ્ઞમાં ૯ ગ્રહની પૂજા કરવામાં આવે ત્યારે ૯ ગ્રહનાં જે દાતણ હોમીએ એમાં શનિ દેવને શમીનાં દાતણ હોમવામાં આવે છે. સૂર્ય માટે આકડો હોમવામાં આવે, ગુરુ માટે પીપળો હોમવામાં આવે એમ શનિ માટે શમીનાં પાન હોમવામાં આવે છે. શમી કાંટાળું ઝાડ છે. આપણા શાસ્ત્રમાં કોઈ પણ કાંટાળા ઝાડને આંગણામાં રોપવાની મનાઈ કરેલી છે, પણ શમી એમાંથી બાકાત છે.’

શમીના વૃક્ષ વિશે થોડું
જેને ખીજડો અથવા શમીનું વૃક્ષ પણ કહેવામાં આવે છે એ ઓછા પાણીવાળાં સ્થળોએ જોવા મળે છે. આ વૃક્ષ વિભિન્ન દેશોમાં જોવા મળે છે જ્યાં એને અલગ-અલગ નામ વડે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં એને પ્રોસોપિસ સિનેરેરિયા (Prosopis spicigera) નામ વડે ઓળખવામાં આવે છે. ખીજડાનું વૃક્ષ જેઠ મહિનામાં પણ લીલું રહે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે રણવિસ્તારમાં જાનવરો માટે તાપથી બચવાનો કોઈ સહારો નથી હોતો ત્યારે આ ઝાડ છાયા આપે છે, જ્યારે ખાવા માટે કંઈ નથી હોતું ત્યારે આ વૃક્ષ ચારો આપે છે જેને ત્યાંના લોકો લૂંગ કહે છે. એનાં ફૂલને મિંઝર કહેવામાં આવે છે. એનાં ફળને સાંગરી કહેવામાં આવે છે, જેનું શાક પણ બનાવવામાં આવે છે. આ ફળ સુકાઈ જાય ત્યારે એને ખોખા કહેવાય છે જે સૂકા મેવા તરીકે વપરાય છે. આ વૃક્ષનું લાકડું અત્યંત મજબૂત હોય છે. એનાં મૂળિયાંમાંથી હળ બનાવવામાં આવે છે. 

શું કહે છે વાસ્તુ-એક્સપર્ટ?
શમીનાં પાનને શુભ માનવાની પરંપરા છે, પરંતુ શમીનો છોડ ઘરમાં રાખવાથી નકારાત્મક ઊર્જા વધે છે કે ઘટે છે એ વાતને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવામાં આવી નથી. અમુક વાસ્તુ-એક્સપર્ટ પ્રમાણે વાસ્તુશાસ્ત્ર અનુસાર શમીનું વૃક્ષ ઘરના મુખ્ય દરવાજે ડાબી બાજુ અને થોડે દૂર લગાવવું જોઈએ જેથી એની છાયા ઘર પર ન પડે. અમુકના કહેવા મુજબ ઘરની દક્ષિણ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. જો દક્ષિણ દિશામાં જગ્યા ન હોય તો પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવા વિશે પણ અલગ-અલગ સલાહ જોવા મળે છે. જોકે આ બાબતે વાસ્તુના બધા નિષ્ણાતો એકમત નથી. દશેરાના દિવસે શમીનો છોડ લાવવો શુભ માનવામાં આવે છે. જોકે છોડ ખરીદવા માટે આ જ એકમાત્ર શુભ દિવસ છે એવું બધા વાસ્તુનિષ્ણાતો માનતા નથી. પરંપરાગત વાસ્તુ-માન્યતા પ્રમાણે એ સકારાત્મક ઊર્જા, સુખ-સમૃદ્ધિ અને શનિદેવના આશીર્વાદ સાથે જોડાયેલો છે એ દાવાઓને વૈજ્ઞાનિક સમર્થન નથી.

અલગ-અલગ રાજ્યોમાં સોનપત્તા સાથે જોડાયેલી પરંપરા
ભારતીય સંસ્કૃતિમાં વિજયાદશમી (દશેરા)ના દિવસે દેશનાં વિવિધ રાજ્યોમાં શમીનાં પાનનું અનોખું પૂજન અને આદાન-પ્રદાન થાય છે. 
 ગુજરાત અને રાજસ્થાન (ખીજડો / ખેજડી) : રાજસ્થાનમાં શમીને ખેજડી તરીકે ઓળખવામાં આવે છે અને એ ત્યાંનું રાજ્ય વૃક્ષ છે. ગુજરાતમાં એને સામાન્ય ભાષામાં ખીજડો કહેવામાં આવે છે. રણપ્રદેશ અને સૂકા વિસ્તારોમાં આ વૃક્ષ અતિશય ગરમીમાં પણ લીલુંછમ રહે છે એટલે એને મરુભૂમિનું સોનું કહેવાય છે. ગુજરાતના ખેડૂતોમાં એવી માન્યતા છે કે આ વૃક્ષના ખીલવા પરથી આવનારા વર્ષના વરસાદનો અંદાજ લગાવી શકાય છે. વિજયાદશમીએ ગુજરાતમાં ક્ષત્રિયો અને રાજપૂતો દ્વારા શસ્ત્રપૂજા સાથે ખીજડાના વૃક્ષની પૂજા કરવાની વર્ષો જૂની પરંપરા છે.
 મહારાષ્ટ્ર (સોનાનાં પાન તરીકે) : મહારાષ્ટ્રમાં વિજયાદશમીના દિવસે શમી અને આપટા (ત્યાં અપાતા એક સમાન પ્રકારનાં પાન)નાં પાનને સોનું માનવામાં આવે છે. દશેરાની સાંજે લોકો એકબીજાના ઘરે જઈને આ પાન આપે છે અને વડીલોના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લે છે. આ પરંપરા જૂનું વેરઝેર ભૂલીને પ્રેમ અને સમૃદ્ધિ વધારવાનું પ્રતીક છે.
 કર્ણાટક (બન્ની મરા) : કર્ણાટકમાં શમીના વૃક્ષને બન્ની મરા (Banni Tree) કહેવામાં આવે છે. વિશ્વપ્રસિદ્ધ મૈસૂર દશેરાની ભવ્ય રૉયલ સરઘસ-યાત્રાના અંતમાં બન્ની મંડપ સુધી પહોંચે છે, જ્યાં મહારાજા દ્વારા આ પવિત્ર વૃક્ષની પૂજા કરવામાં આવે છે. દક્ષિણ કર્ણાટકમાં દશેરાના દિવસે આ પાન એકબીજાને આપીને વિજય અને પરસ્પર આદર વ્યક્ત કરવામાં આવે છે.
 તેલંગણ અને આંધ્ર પ્રદેશ (જમ્મી ચેટ્ટુ) : તેલંગણ રાજ્યમાં શમીના વૃક્ષને જમ્મી ચેટ્ટુ (Jammi Chettu) કહેવામાં આવે છે અને એને રાજ્ય વૃક્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. વિજયાદશમીના દિવસે મંદિરો અને સોસાયટીઓમાં જમ્મી પૂજાનું ભવ્ય આયોજન થાય છે. લોકો આ પાનને પોતાના ઘરમાં તિજોરીમાં કે પૂજાના સ્થાને રાખે છે, જેથી ઘરમાં આર્થિક ઉન્નતિ થાય.
 ઉત્તર ભારત, બિહાર, મધ્ય પ્રદેશ : ઉત્તર ભારતનાં રાજ્યોમાં વિજયાદશમીએ વિજયમુહૂર્ત દરમ્યાન શમીપૂજન ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આ રાજ્યોમાં જ્યોતિષીય દૃષ્ટિએ શમીનાં પાનનું મોટું મહત્ત્વ છે. શનિવારે અને દશેરાના દિવસે શમીનાં પાન ભગવાન શિવ, ગણેશજી અને શનિદેવ પર ચડાવવાથી શનિદોષ (સાડાસાતી) દૂર થાય છે એવી દૃઢ માન્યતા છે.

columnists dussehra karnataka gujarat news lifestyle news life and style darshini vashi