જેન્ટલમૅન, ગીતો સાંભળતાં કે મૂવી જોતાં રડી પડ્યા છો?

12 April, 2021 02:42 PM IST  |  Mumbai | Ruchita Shah

કોઈ એવી જેન્યુઇન આફત વખતે તો પુરુષો પણ હવે આંસુ દ્વારા પોતાને એક્સપ્રેસ કરતા થયા છે. પરંતુ માત્ર કાલ્પનિક, હૃદયદ્રાવક દૃશ્ય ફિલ્મ કે નાટકના પરદા પર ભજવાતું હોય કે એવું કોઈ ગીત સાંભળી લીધું હોય ત્યારે રડવું આવે?

પ્રતીકાત્મક તસવીર

ક્રાઇંગ ઇઝ ગુડ ફૉર હેલ્થ. એટલે જ તો હવે ક્રાઇંગ ક્લબ્સ શરૂ થઈ છે. પુરુષોનું રડવું હજી જોકે એ જ જેન્ડર છોછનો વિષય રહ્યો છે. આજે માત્ર રડવાની વાત નથી પરંતુ રડવામાં મ્યુઝિક કે ફિલ્મ ક્યારેય નિમિત્ત બની છે કે કેમ એ વિષય છે. એવું બન્યું છે કે મોહમ્મદ રફીનું કોઈ સૅડ સૉન્ગ સાંભળીને આંખો ભરાઈ ગઈ હોય કે મા-બાપનો મહિમા ગાતું કોઈ લોકગીત કે દીકરી વિદાયનું ગીત તમારા કોમળ હૃદયની આરપાર પહોંચીને તમારી આંખોને ભીની કરી ગયું હોય? માત્ર ગીતો જ શું કામ, ઘણી વાર કોઈક ફિલ્મનું કે સિરિયલનું કરુણ દૃશ્ય પણ આંસુઓના ધોધને નોતરી લાવે. સ્ત્રીઓને આ વિશે પૂછવું નથી, કારણ કે આમેય તેમની આંખોમાં ગંગા-જમનાનું આગમન અવારનવાર થતું હોય છે. પરંતુ પુરુષોના કેસમાં એ હજીયે રૅર છે પણ છે ખરું.

થિયેટરમાં રડી પડ્યા: બોરીવલીમાં રહેતા જિનલ સંઘવી ફિલ્મોમાં જ્યારે પણ કોઈ ઇમોશનલ સીન આવે એટલે પહેલાં આજુબાજુ જોઈ લે કે કોઈ તેમને જોતું તો નથીને, કારણ કે તેમને ખાતરી હોય છે કે હવે ચોક્કસ તેઓ રડી પડવાના છે. ‘ચાલ જીવી લઈએ’ ફિલ્મ જોવા ગયા ત્યારે એવું જ થયું હતું. એની વાત કરતાં તેઓ કહે છે, ‘જનરલી લોકોને લાગે કે હું ખૂબ રફ અને ટફ છું. આમ હું છું પણ, પરંતુ અંદરથી ઇમોશનલ પણ એટલો જ છું. ‘ચાલ જીવી લઈએ’ જોવા ગયો ત્યારે તો એટલો રડ્યો હતો કે વાત ન પૂછો. બધામાં હું જ એકલો વધારે રડતો હતો. મારા પેરન્ટ્સની વાત હોય કે કોઈ દીકરી વિદાયનો સીન હોય તો હું ખૂબ ઢીલો પડી જતો હોઉં છું. મારાં મમ્મી સાથે વચ્ચે વિડિયો કૉલ પર વાત કરતો હતો ત્યારે પણ આંખમાં આંસુ આવી ગયેલાં. કદાચ પહેલી વાર ત્યારે હું કોઈની સામે રડ્યો હોઈશ. જનરલી પુરુષો પોતાનાં આંસુ કોઈ જોઈ ન જાય એનું વિશેષ ધ્યાન રાખતા હોય છે.’

આવા જ હાલ કાંદિવલીમાં રહેતા ભાવેશ પોન્દાના છે. તેઓ કહે છે, ‘‘કભી ખુશી કભી ગમ’ એક એવી મૂવી છે જે હું જેટલી વાર જોઉં એટલી વાર મારી આંખો ભરાઈ આવે છે. મારા પિતા હતા ત્યારે પણ અમે સાથે મૂવી જોઈએ અને બન્ને જણ રડતા હોઈએ. દીકરી વિદાયનું બાબુલ કી દુઆએં લેતી જા ગીત વાગતું હોય અને હું ઢીલો પડી જાઉં છું. ઇમોશન્સ પુરુષોમાં પણ હોય અને એને એક્સપ્રેસ કરવામાં અચકાવાનું શું?’

ઇન્ડિયન આઇડલનું ગીત: સાયનમાં રહેતા હેમંત ઠક્કર પણ કરુણ ગીત કે દૃશ્યો સામે પોતાનાં આંસુ રોકી ન શકે. બાવન વર્ષના હેમંતભાઈ કહે છે, ‘હમણાં રીસન્ટનો એક કિસ્સો કહું. એક છોકરો બહુ જ સરસ ગાય છે. તેણે પોતાના પેરન્ટ્સની વાત કરી અને મા-બાપને લગતું એક ગીત ગાયું અને કોણ જાણે મારાથી પણ ઇમોશનલ થઈ જવાનું. મને મારા પેરન્ટ્સ યાદ આવી ગયા. બહુ નાની ઉંમરમાં મેં તેમને ગુમાવ્યા છે. કોઈની સામે આજ સુધી નથી રડ્યો. આપણે રડીએ અને પરિવારના સભ્યો દીકરી, વાઇફ જુએ તો એ લોકો પણ ઢીલાં પડી જાય. પુરુષો રડે તો એ પણ હળવા થઈ જાય. ઘણાં ટેન્શન તેના માથે હોય છે ત્યારે ક્યારેક આંસુઓથી રિલૅક્સ થઈ જવાતું હોય એમાં કશું ખોટું નથી.’

અમારી સાથે વાત કરવામાં આમનો અવાજ ભીનો થઈ ગયો

માત્ર ૩૩ વર્ષની ઉંમરે પોતાના દમ પર પોતાનું ઘર લઈને મુંબઈમાં રહેતા ચિંતન શાહ સાથે જ્યારે અમે વાત કરી ત્યારે સંઘર્ષના એ દિવસો અને ફિલ્મનું વર્ણન કરતાં-કરતાં તેમના ગળે ડૂમો ભરાઈ ગયેલો. ‘થઈ જશે’ ફિલ્મ જાણે તેમના જીવન પર નિર્મિત થઈ છે. એ ફિલ્મ જોતી વખતે શું, એની વાત કરતાં પણ અત્યારે મને રડવું આવી રહ્યું છે એમ જણાવીને ચિંતન કહે છે, ‘મોડાસા પાસેના એક નાના ગામમાંથી મુંબઈ આવ્યો ત્યારે સો રૂપિયા પણ પાસે નહોતા. બહાર કોઈ પાસે હાથ લાંબો નહોતો કરવો. એક બ્રોકરને ત્યાં કામે લાગ્યો ત્યારે માત્ર અઢી હજારનો પગાર. મુંબઈમાં પોતાનું ઘર લેવા નીકળ્યો ત્યારે જે રીતે લોનના ધક્કા ખાધા છે, જે રીતે ટટળ્યો છું. હજીયે ફર્સ્ટ જનરેશન કોઈ પણ શહેરમાં જઈને સેટલ થવા માટે જે સંઘર્ષ કરે છે એ અકલ્પનીય છે, ચા અને બિસ્કિટ પર દિવસો કાઢ્યા છે એ યાદ કરું ત્યારે રૂંવાડાં ઊભાં થઈ જાય છે. હવે તો પરિસ્થિતિ ઘણી સુધરી છે, પરંતુ એક સમય એવો હતો કે દર મહિને ટાઇમ પર પગાર મળશેને બસ, એવી એક શરત સાથે હું મલ્ટિનૅશનલ કંપનીમાં જોડાયો હતો. અમેરિકાની કંપની અને હું ગુજરાતી માધ્યમનો. બધું કેમ થશે એની જોરદાર ચિંતા હતી. ઈશ્વરની કૃપાથી બધું પાર પડ્યું. એંસી ટકા મારો પગાર લોન ચૂકવવામાં પૂરો થઈ જતો અને વીસ ટકામાં અમે ઘર ચલાવતાં. કોઈ સેવિંગ્સ નહોતું. બહુ કપરા દિવસો ફિલ્માંકિત થયેલા જોઈએ ત્યારે કોની આંખો ન ભરાય?’

તમને ખબર છે?

૩૭ દેશોના ૭૦૦૦ લોકો પર કરવામાં આવેલો એક સર્વે કહે છે કે દર વર્ષે મહિલાઓ ૩૦થી ૬૪ વખત રડી પડે છે. તો પુરુષો હાર્ડલી પાંચથી સત્તર વાર રડતા હોય છે. કૉસ્મોપૉલિટનના એક સર્વે પ્રમાણે લગભગ ૭૫ ટકા મહિલાઓ મહિનામાં એકાદ વાર તો રડી જ પડતી હોય છે અને ૩૩ ટકા મહિલાઓ તો અઠવાડિયે એક વાર રડી શકે છે.

columnists ruchita shah