જીવનશૈલી અને સ્ટ્રેસને કારણે થાય છે ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ

31 May, 2019 11:45 AM IST  | 

જીવનશૈલી અને સ્ટ્રેસને કારણે થાય છે ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ

અમિતાભ બચ્ચન (પિકુ )

‘પિકુ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પાત્રને થયેલી સમસ્યા હવે બહુ યુવાનીમાં કનડવા લાગી છે. ભાગદોડભરી જિંદગીમાં સ્ટ્રેસ સાથે જીવતી વ્યક્તિઓની ખાણીપીણી અને રહેણીકરણીને કારણે આ લક્ષણો વધુ પ્રસરી રહ્યાં છે. શરૂઆતમાં સામાન્ય લાગતી સમસ્યાને નિવારવા માટે હોલિસ્ટિક સારવાર જરૂરી છે

કહેવાય છે કે પેટ સાફ તો હર દર્દ માફ. પેટ સાફ ન આવવાને કારણે માત્ર પેટ જ નહીં, આખા શરીરમાં વિવિધ જાતના રોગો પગપેસારો કરી શકે છે. પેટ ભારે લાગવું, ગૅસ થવો, રોજ સવારે પેટ સાફ ન આવવું, કોઈ વાર કબજિયાત લાગે તો કોઈ વાર વારેઘડીએ પેટ સાફ કરવા જવું પડે. ક્યારેક અતિશય કબજિયાત તો ક્યારેક એકદમ જ લૂઝ મોશન્સ થઈ જાય. એક વારમાં પેટ સાફ થાય જ નહીં. દિવસમાં ચારથી પાંચ વાર ટૉઇલેટ જવું પડે અને એ પછીયે પેટ સાફ થઈને હલકું થયું છે એવું ફીલ થાય જ નહીં. પેટ ફૂલી ગયેલું લાગે, ગૅસ અને ઍસિડિટી તો હંમેશની રહ્યા જ કરે. આમ તો આ પ્રકારનાં લક્ષણો હવે ખૂબ કૉમન થવા લાગ્યાં છે. પેટની તકલીફની શરૂઆત આ રીતે જ થતી હોય છે, પણ એની યોગ્ય દરકાર રાખવામાં ન આવે ત્યારે સમસ્યા વકરે છે. એની અસર સ્વભાવ પર પડે છે. વાતે-વાતે ચીડ ચડી જાય છે, ગુસ્સો આવી જાય છે અને સુસ્તી લાગ્યા કરે છે. ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમની સમસ્યામાં પહેલાં સ્વભાવ ચીડિયો થાય છે કે પહેલાં પેટ બગડે છે એ કહેવું મુશ્કેલ છે. સતત તાણ, ઍન્ગ્ઝાયટી અને ચીડિયાપણું રહ્યા કરતું હોવાથી વ્યક્તિનું કામમાં મન નથી લાગતું.

ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ શું છે?

આયુર્વેદમાં આ બીમારીને જૂનો મરડો અથવા ગ્રહણી તરીકે ઓળખવામાં આવે છે. મૉડર્ન મેડિસિનમાં આને ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ કહેવાય છે. આજકાલ લગભગ ૧૫થી ૨૫ ટકા લોકોને આ તકલીફ સતાવે છે. મોટા ભાગના લોકોને આ તકલીફ વિશે સમજ ન હોવાથી શરૂઆતનાં લક્ષણોથી રોગની ખબર જ નથી પડતી. આ ડિસઑર્ડરનાં લક્ષણો વ્યક્તિએ-વ્યક્તિએ બદલાતાં રહેતાં હોય છે. છતાં ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ બીમારીના ત્રણ ભાગ પાડી શકાય. વારંવાર જુલાબ થઈ જાય એવી તકલીફ, મોટા ભાગે કબજિયાત જ રહેતી હોય એવી તકલીફ અને બન્નેના મિશ્રણવાળી તકલીફ એટલે કે ક્યારેક ઝાડા થઈ જાય તો ક્યારેક કબજિયાત.

જુલાબની પ્રકૃતિ

આવા લોકોમાં વારંવાર જુલાબ થઈ જવાની પ્રકૃતિ હોય છે. ખાવામાં થોડો પણ ફરક પડી જાય અથવા તો જન્ક-ફૂડ તથા તીખું-તળેલું આવી જાય તો તરત જ પાતળા અથવા ચીકણા ઝાડા થઈ જાય. પેટમાં નાભિની આજુબાજુ તથા નીચે પેડુના ભાગમાં દુખાવો થાય. પેટમાં ગૅસ પણ લાગે. ખાધા પછી તરત પેટમાં વળ ચડી ગઈ હોય એવો દુખાવો થાય.

કબજિયાત પ્રકૃતિ

આવા લોકો વારંવાર કબજિયાતની અથવા તો ટૉઇલેટ કરતી વખતે જોર કરવાની ફરિયાદ કરે છે. મળ કડક આવે અથવા દિવસમાં એક વાર આવે ત્યારે ખૂબ જ જોર કરવું પડે. મળ સાફ ન ઊતરે અને ખુલાસાવાર ન થાય. ઘણા લાંબા સમય સુધી ટૉઇલેટમાં બેસવું પડે. આ ઉપરાંત પેટ ભારે લાગે તથા ભૂખ પણ ઓછી લાગે. ઘણા લોકો આવે વખતે પેટમાં ઍસિડિટીની ફરિયાદ પણ કરે.

મિક્સ પ્રકૃતિ

આવી પ્રકૃતિના લોકોનાં ચિહ્નો બદલાતાં રહે છે. ક્યારેક તેમને જુલાબ થઈ જાય. દિવસમાં ત્રણથી પાંચ વખત જુલાબ જવું પડે અને ચીકણો મળ થાય. જુલાબ બંધ કરવાની દવા કરે તો એકદમ જ કબજિયાત થઈ જાય. ઘણી વખત સવારના ભાગમાં ત્રણથી ચાર વખત ટૉઇલેટ જવું પડે. ગૅસ થાય, પેટ ચઢી જાય, ઓડકાર આવે અથવા તો મોટા અવાજે વાયુ છૂટે. આ બધાં જ લક્ષણો ઘણા લાંબા સમયથી હોય છે. ઘણી વખત દરદીઓ એમ પણ કહે કે આ બીમારી તો ૧૫-૨૦-૩૦ વર્ષથી છે.

કોને થઈ શકે?

આ બીમારી મોટા ભાગે યુવાન વયમાં તથા આધેડ વયમાં થાય છે. ૧૦ વર્ષથી માંડીને કોઈ પણ ઉંમરની વ્યક્તિમાં આ બીમારી જોવા મળે છે. મોટા ભાગે દરદીને તકલીફ ખૂબ વધી ન જાય ત્યાં સુધી તે પોતે જાતે જ અખતરા કર્યે રાખે છે.

શા માટે થાય છે?

હજી સુધી એ થવાનું મૂળ કારણ સમજાયું નથી, પરંતુ આપણી બદલાયેલી જીવનશૈલી અને સ્ટ્રેસફુલ વર્કપૅટર્ન સૌથી મોટું પરિબળ ગણાય છે. મુંબઈની જ વાત કરીએ તો અહીં ઍવરેજ વ્યક્તિ દિવસમાં એક ટંક તો બહારનું ખાય જ છે. ઘરે બનાવવાનો કે ઘરે બનાવેલું ખાવાનો સમય અહીં લોકો પાસે નથી. ગમે તે કરે તોય છેલ્લે સવારનો નાસ્તો કે સાંજના સ્નૅક ટાઇમમાં તો બધા બહારનું જ ખાય છે. આ સિવાય યુવાન લોકો તો બહારનું ખાવાના વધુ શોખીન હોય છે. જન્ક-ફૂડ અને પ્રિઝર્વેટિવ્સવાળી ચીજો ખાવાની આદતને કારણે આ સમસ્યા વકરે છે. અપૂરતી ઊંઘ, રાતે ઊઠીને ખાવું, લાંબા કલાકો ભૂખ્યા રહેવું અને જ્યારે ખાઓ ત્યારે અકરાંતિયાની જેમ ખાવું આ બધી આદતો પાચનક્રિયાને ડિસ્ટર્બ કરે છે. બીજું, હાલમાં વર્કિંગ પ્રોફેશનલ્સ અનેકગણા વધુ સ્ટ્રેસને સહન કરતો હોય છે. કૉર્પોરેટ કલ્ચર, ગળાકાપ હરીફાઈ, ઝડપથી આગળ વધવાની હોડ, સારું પફોર્ર્મ કરવાનું પ્રેશર, કરીઅરની ડિમાન્ડ, ઇન્સિક્યૉરિટી આ બધાને કારણે પેદા થતું સ્ટ્રેસ પેટની સ્થિતિ બગાડે છે.

આ પણ વાંચો : જરા અપને દિલ કા ભી ખયાલ રખો

નિદાન કેવી રીતે થાય?

મોટા ભાગે દરદીઓ સાથે વાત કરવાથી જ આ રોગનું નિદાન થઈ શકે છે; પરંતુ લોહીની તપાસ, થાઇરૉઇડની તપાસ, સ્ટૂલ ટેસ્ટ તથા બેરિયમ એનિમા અથવા તો મળદ્વારે દૂરબીન વડે તપાસ કરવાથી પણ નિદાન થઈ શકે.

શું ધ્યાનમાં રાખવું?

ઘરે બનાવેલું જ ખાવાનો આગ્રહ રાખવો. દિવસમાં ત્રણ વાર ભોજન લેવું. એમાં દરેક ભોજનમાં શાકભાજી અને ફળોનું એક સર્વિંગ રાખવું.

તીખું, તળેલું, આથેલું, પ્રોસેસ્ડ, મેંદાવાળું, પચવામાં ભારે અને ચીકણું ભોજન ન લેવું. અથાણાં-પાપડ ન ખાવાં.

રોજ દિવસમાં ૩૦ મિનિટ તન-મનને પ્રફુલ્લિત કરે એવી એક્સરસાઇઝ કરવી. મનગમતી સ્પોર્ટ્સ રમવી એ વધુ અસરકારક છે.

યોગ અને પ્રાણાયામને જીવનનો ભાગ બનાવવો. માઇન્ડ રિલેક્સ કરે એવા મ્યુઝિક પર મેડિટેશન કરવું.

columnists health tips