આત્મા દ્વારા આત્મા પર વિજય એ જ સુખપ્રાપ્તિનો માર્ગ

28 August, 2019 01:30 PM IST  |  મુંબઈ | પર્વાધિપર્વ - પદ્‍મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

આત્મા દ્વારા આત્મા પર વિજય એ જ સુખપ્રાપ્તિનો માર્ગ

જીવદયા

ભારતીય સંસ્કૃતિની બે ધારા. એક વૈદિક સંસ્કૃતિ અને બીજી શ્રમણ સંસ્કૃતિ. આમાં વૈદિક પરંપરા એટલે બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા એટલે જૈન અને બૌદ્ધ પરંપરા. જોકે આ શ્રમણ પરંપરાની અનેક શાખાઓ હતી અને એ બધી શાખાઓના પ્રમુખ પુરુષો જિન, અર્હત્ કે તીર્થંકર કહેવાતા. એ શાખાઓમાં એક શાખા નિર્ગ્રંથને નામે જાણીતી હતી. આ નિર્ગ્રંથ શાખા એ જૈન ધર્મ.

આ જૈન પરંપરામાં અહિંસાની અત્યંત પ્રતિષ્ઠા હતી, જ્યારે બ્રાહ્મણ પરંપરામાં અહિંસા પર એટલો ભાર મૂકવામાં આવ્યો નહોતો. વળી શ્રમણ પરંપરા નિવૃત્તિપ્રધાન હતી, જ્યારે બ્રાહ્મણ પરંપરા એ નિવૃત્તિફલક પ્રવૃત્તિપ્રધાન હતી. જૈન પરંપરાનું અંતિમ ધ્યેય આત્યંતિક દુ:ખમુક્તિ અથવા તો મોક્ષ હતું, જ્યારે બ્રાહ્મણ પરંપરાનું અંતિમ ધ્યેય ઐહિક સુખસંપત્તિ અથવા સ્વર્ગ અને અંતે મોક્ષ હતું.

આ બે પરંપરામાં મુખ્ય ભેદ સૃષ્ટિની ઉત્પત્તિ અને સૃષ્ટિના સર્જકની બાબતમાં હતો. જૈન પરંપરા સૃષ્ટિને અનાદિ-અનંત માનતી હતી. જ્યારે એના સર્જક તરીકે ઈશ્વરનો પ્રતિષેધ કરતી હતી. જ્યારે વૈદિક પરંપરા એ સૃષ્ટિની ઉત્પત્તિમાં અને એના સર્જક તરીકે ઈશ્વરમાં માનતી હતી.

આ રીતે જૈન સંસ્કૃતિનો વિચાર કરીએ તો જણાશે કે આર્યો પૂર્વે ભારતમાં વસતી દ્રવિડ જાતિ પર પણ જૈન સંસ્કૃતિનો પ્રભાવ હતો. આ જૈન સંસ્કૃતિના ઉલ્લેખો પ્રાચીન વૈદિક સાહિત્ય અને પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં પણ પ્રાપ્ત થાય છે.

જૈન ધર્મની મુખ્ય ભાવના એ અહિંસા છે. શ્રાવક માટેનું એ પ્રથમ અણુવ્રત છે અને મુનિ માટેનું મહાવ્રત છે. એ નોંધવું જોઈએ કે સામાન્ય રીતે અન્યત્ર જેને હિંસા કહેવામાં આવે છે એ લૌકિક હિંસાની વાત તો જૈન ધર્મમાં કરવામાં આવી છે, પરંતુ એથીય વધુ સૂક્ષ્મ હિંસાની વાત જૈન ધર્મમાં કરવામાં આવી છે. એ દર્શાવવા માટે દ્રવ્યહિંસા અને ભાવહિંસા એવા બે પ્રકાર જોવા મળે છે.

દ્રવ્ય અહિંસા એટલે કોઈ પણ જીવને મન, વચન, કાયાથી કોઈ પણ પ્રકારે ઓછી-વત્તી પીડા ન પહોંચાડવી અથવા તો કોઈ પણ જીવનો ઘાત કરવો નહીં. આમાં વધ, બંધન, છેદનો સમાવેશ થાય છે. પશુ પર વધુ વજન લાદવું કે મનુષ્યનું શોષણ કરવું કે એને અન્નપાણી આપવામાં વિલંબ કરવો એ પણ દ્રવ્યહિંસા છે, જ્યારે ભાવહિંસા એ વધુ માનવીના ભીતર સાથે સંબંધ ધરાવે છે.

ભાવ અહિંસામાં રાગદ્વેષના પરિણામથી નિવૃત્ત થવાની વાત છે અને સમતામાં સ્થિત થવાની વાત છે. આથી આમાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે.

મન, વચન કે કાયાથી થતા રાગદ્વેષ તો ખરા જ, પણ એથીય વધારે કોઈ સાધન કઈ રીતે લેવા-મૂકવામાં આવે છે અને એમાં જીવજંતુની હિંસા ન થાય એનો ખ્યાલ રાખવામાં આવે છે. એવી જ રીતે જે ભોજન લેવામાં આવે છે એમાં પણ કોઈ હિંસા ન થાય એ જોવું જોઈએ અને એ જ પ્રમાણે મૂળસૂત્ર ઉત્સર્ગ વિશે પણ જાગૃતિ દાખવવામાં આવે છે.

આચાર્ય ઉમાસ્વાતિએ રચેલા જૈનદર્શનના એક મૂલ્યવાન ગ્રંથ ‘તત્ત્વાર્થસૂત્ર’માં કહ્યું છે એ જ વાત એ જ સ્વરૂપમાં જોઈએ.

‘પરસ્પરોપગ્રહો જીવાનામ્’

અર્થાત્ જીવોનું જીવન એકબીજાના સહકારથી ચાલી શકે છે. જૈન તત્ત્વવિચારની અહિંસા એ તાત્ત્વિક વિચારણા, વ્યાપક અનુભવ અને ઉદાત્ત ભાવનાનું પરિણામ છે. સર્વ જીવોની સમાનતાના સિદ્ધાંતોમાંથી અહિંસાનો આવિષ્કાર થયો છે.

જૈન સંસ્કૃતિએ અહિંસા પર ઝોક આપ્યો અથવા તો એમ કહેવાય કે અહિંસા એ જૈન તત્ત્વદર્શનનો પાયો અને પ્રાણ છે. અહિંસાની સાથોસાથ પ્રાણીઓ પ્રત્યેની દયાની જૈન પરંપરાની ભાવનાનો ભારતીય સંસ્કૃતિ પર પ્રભાવ પડ્યો છે. વૈષ્ણવ વગેરે ધર્મોમાં વૈદિક પરંપરાથી બિલકુલ ભિન્ન રીતે પ્રાણીરક્ષા જોવા મળે છે.

આ પણ વાંચો : અહીં સફળતા છે હાંસિયા જેટલી અને નિષ્ફળતા છે કાગળ જેટલી

આમ જૈન સંસ્કૃતિએ માત્ર ‘જીવો અને જીવવા દો’ની વાત ન કરી, પરંતુ સમષ્ટિમાં વસતાં માનવ, પશુ-પંખીઓ અને પ્રકૃતિ સાથેના આત્મૌપમ્યની વાત કરી છે. અહિંસા, જીવદયાનાં અનેક ઉદાહરણો જૈન ધર્મમાં મળે છે અને પ્રાણીઓની રક્ષા માટે જૈન રાજાઓએ ફરમાન કર્યાં છે અને જૈન મહાત્માઓએ પોતાના પ્રભાવથી અન્યધર્મી રાજાઓને પ્રાણીરક્ષાનાં કાર્યો માટે પ્રેરણા આપી છે.

(આ જ વિષય પર વધુ વિસ્તાર સાથે વાત કરીશું આવતી કાલે)

columnists