‘સીતા ઔર ગીતા’ની ડબલ ટ્રબલ

08 January, 2022 08:27 AM IST  |  Mumbai | Raj Goswami

હેમા માલિનીએ એક વાર કહ્યું હતું કે ‘હું અસલમાં ગીતા જેવી આખાબોલી છું. મારી દીકરીઓને આ ફિલ્મ જોવાનું બહુ ગમતું હતું. ‘સીતા ઔર ગીતા’ સદાબહાર વિષય છે. એમાં રમૂજ છે અને સારા-નરસાનો સંઘર્ષ છે. હિરોઇનોને આવા રોલ ભાગ્યે જ મળતા હોય છે’

‘સીતા ઔર ગીતા’ ફિલ્મનું આ દૃશ્ય યાદગાર છે. ગીતા સીલિંગ ફૅન પર ચડેલી છે અને ચાચી કહે છે, ‘નીચે આજા બેટી’ તો સામે ગીતા બોલે છે, ‘ઉપર આજા મોટી.’

જેમ ‘મધર ઇન્ડિયા’માં ખેતરમાં આગ લાગવાના દૃશ્ય દરમિયાન સુનીલ દત્તે નર્ગિસને સાચે જ આગમાંથી બચાવી હતી અને બન્ને વચ્ચે એ સમયથી પ્રેમની લાગણી વિકસી હતી એવી જ રીતે ૧૯૭૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સીતા ઔર ગીતા’ના ‘હવા કે સાથ સાથ, ઘટા કે સંગ સંગ’ ગીતના ફિલ્માંકન વખતે સંજીવ કુમાર અને હેમા માલિની વચ્ચે મીઠો સંબંધ બંધાયો હતો જે લગ્નની વાત સુધી પહોંચીને તૂટી ગયો હતો એવો દાવો સંજીવકુમારના તાજા જીવનચરિત્રમાં કરવામાં આવ્યો છે. 
‘ઍન ઍક્ટર્સ ઍક્ટરઃ ધ ઑથોરાઇઝડ બાયોગ્રાફી ઑફ સંજીવકુમાર’માં લેખક હનીફ ઝવેરી અને સુમંત બત્રા કહે છે કે હેમા માલિની, શમ્મી કપૂર, રાજેશ ખન્નાની ફિલ્મ ‘અંદાઝ’ (૧૯૭૧)ની સફળતા પછી નિર્દેશક રમેશ સિપ્પી અને સલીમ-જાવેદ નવા વિષયની તલાશમાં હતા. એ સમયે નિર્દેશક-નિર્માતા પ્રમોદ ચક્રવર્તી દિલીપકુમારના ડબલ રોલવાળી ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ (૧૯૬૯)ની રીમેક કરવાની ફિરાકમાં હતા. તેમના મનમાં પણ આ ડબલ રોલ માટે હેમા માલિની જ હતી. તેમણે તેમના લેખક સચિન ભૌમિકને એની કહાણી લખવાનું પણ કહ્યું હતું.
એક જ સમયે બે ફિલ્મસર્જકોને એક સરખા વિષય પર ફિલ્મ બનાવવાનું સૂઝે એ યોગાનુયોગ નથી હોતો. ઘણી વાર ગળાકાપ હરીફાઈમાં એકબીજાના વિષય ચોરી લેવાનું પણ સામાન્ય હોય છે. પ્રસ્તુત કિસ્સામાં કોણે કોનો વિચાર ચોર્યો એ ખબર નથી પરંતુ રમેશ સિપ્પીએ ‘રામ ઔર શ્યામ’ના રીમેકની જાહેરાત કરી એટલું જ નહીં, ફટાફટ પટકથા તૈયાર કરીને શૂટિંગની યોજના પણ બનાવી લીધી. એમાં ચક્રવર્તીએ તેમના વિચારનું ફીંડલું વાળી દીધું. 
ડબલ રોલવાળી ફિલ્મોનો દોર બહુ જૂનો છે, પરંતુ ‘સીતા ઔર ગીતા’માં હેમા માલિનીએ એક વાત સાબિત કરી દીધી કે સ્ત્રી ઍક્ટર પણ એક પુરુષ હીરોને છાજે એ રીતે ડબલ રોલ કરીને આખી ફિલ્મ તેના ખભા પર ઊંચકી શકે છે. તેની સામે ‘રામ ઔર શ્યામ’માં દિલીપકુમારના અત્યંત સફળ ડબલ રોલનું ઉદાહરણ મોજૂદ હતું. 
‘રામ ઔર શ્યામ’ એના નિર્દેશક તાપી ચાણક્યની ૧૯૬૪ની મૂળ તેલુગુ હિટ ફિલ્મ ‘રામુડુ ભીમુડુ’ની હિન્દી રીમેક હતી. એમાં પાછળથી મુખ્ય પ્રધાન બનેલા એનટી રામારાવે ડબલ રોલ કર્યો હતો. આ તેલુગુ ફિલ્મની પ્રેરણા ૧૯૪૧માં રિલીઝ થયેલી હૉલીવુડ ફિલ્મ ‘ધ કૉર્સિકન બ્રધર્સ’ હતી. ફ્રેન્ચ લેખક ઍલેક્ઝાન્ડર ડૂમાએ ૧૮૪૪માં આ જ નામની એક નવલકથા લખી હતી એના પરથી હૉલીવુડ ફિલ્મ બની હતી. 
‘સીતા ઔર ગીતા’ની સફળતાથી પ્રેરાઈને ૧૯૮૯માં નિર્દેશક પંકજ પરાશરે શ્રીદેવીને લઈને ‘ચાલબાઝ’ બનાવી હતી. એમાં તો શ્રીદેવીએ હેમા માલિનીને પણ ઝાંખી પાડી દીધી હતી. જેમ ‘ચાલબાઝ’થી શ્રીદેવી ફીમેલ સુપરસ્ટાર તરીકે સ્થાપિત થઈ હતી એવી રીતે ૨૪ વર્ષની હેમા ‘સીતા ઔર ગીતા’થી સુપરસ્ટાર બની હતી. આમ તો રમેશ સિપ્પી મુમતાઝને આ ફિલ્મમાં લેવા માગતા હતા, પરંતુ મુમતાઝે પૈસાના મામલે બહુ મોઢું ખોલ્યું હતું એટલે તેમણે હેમાનો સંપર્ક કર્યો હતો. હેમાને ત્યાં સુધી એ પણ ખબર નહોતી કે તેણે ડબલ રોલ કરવાનો છે. તેણે સિપ્પીને પૂછ્યું હતું કે સીતા અને ગીતામાંથી કયા રોલ માટે મને કહો છો. ત્યારે સિપ્પીએ કહ્યું હતું કે બન્ને તમારે જ કરવાના છે. 
એની કહાણી ચિરપરિચિત છે. જોડિયાં બહેનો સીતા અને ગીતા જન્મથી છૂટી પડી જાય છે. એમાંથી સીતા એક ભવ્ય બંગલોમાં તેની બેરહમ ચાચી કૌશલ્યા (મનોરમા)ના હાથે અત્યાચારનો ભોગ બનીને ગરીબ ગાય જેવી મોટી થાય છે, જ્યારે ગીતા તેની ગરીબ માસી સાથે રહીને સડકો પર બજાણિયાના ખેલ કરતી મુંહફટ જબરી છોકરી તરીકે મોટી થાય છે. એક અણધાર્યા સંજોગમાં બન્નેનાં ઘર બદલાઈ જાય છે. સીતા ગીતાના ઘરે આવી જાય છે અને ગીતા સીતાના ઘરે. પછી બન્ને પરિવારો જે રીતે ચકરાવે ચડે છે એ ફિલ્મનો સૌથી નાટ્યાત્મક અને હાસ્યાસ્પદ હિસ્સો છે.
એક જબરી અને બીજી ગરીબ ગાય જેવી છોકરીઓના રોલને હેમાએ જબરદસ્ત રીતે નિભાવ્યા હતા. સિપ્પીનો તર્ક એવો હતો કે દર્શકો ‘રામ ઔર શ્યામ’ની જેમ એક હીરોને અત્યાચારનો ભોગ બનતો જોવાને બદલે એક હિરોઈનને એવી સ્થિતિમાં જોઈને સહાનુભૂતિ અનુભવશે. એ સાચું પણ હતું. દર્શકોએ ‘રામ ઔર શ્યામ’ કરતાં ‘સીતા ઔર ગીતા’ને વધુ પસંદ કરી હતી. 
હેમા માલિનીએ એક વાર કહ્યું હતું કે ‘હું અસલમાં ગીતા જેવી આખાબોલી છું. મારી દીકરીઓને આ ફિલ્મ જોવાનું બહુ ગમતું હતું. ‘સીતા ઔર ગીતા’ સદાબહાર વિષય છે. એમાં રમૂજ છે અને સારા-નરસાનો સંઘર્ષ છે. હિરોઇનોને આવા રોલ ભાગ્યે જ મળતા હોય છે.’
‘સીતા ઔર ગીતા’માં હેમા સિવાયના બીજા ત્રણ રોલ નોંધપાત્ર હતા. પહેલો રોલ મનોરમાનો હતો. ‘ચાલબાઝ’માં અંજુની ચાચી તરીકે રોહિણી હટંગડી એટલી દુષ્ટ બની શકી નહોતી જેટલી મનોરમા સીતાની અત્યાચારી ચાચી બની હતી. એમ તો એની સીધી પ્રેરણા ‘રામ ઔર શ્યામ’માં પ્રાણનો રોલ હતો. એમાં શ્યામ સાથે પ્રાણની દુષ્ટતા જોઈને રામનું તો ઠીક, દર્શકોનું લોહીય ઊકળી ઊઠ્યું હતું. 
શરીરે જાડીપાડી અને આડી-તીરછી આંખો પર પાંપણો મટકાવતી મનોરમા આમ રમૂજી હતી અને આમ દુષ્ટ હતી. એવી બે પ્રકારની ઍક્ટિંગ કરવાવાળું બીજું કોઈ નથી. ‘સીતા ઔર ગીતા’માં હેમા અને મનોરમાની જુગલબંધી જોવા જેવી હતી. બન્નેનો એક સંવાદ તો આજેય મશહૂર છે. એમાં ગીતા સીલિંગ ફૅન પર ચડી ગઈ હોય છે અને ચાચી કહે છે, ‘નીચે આજા બેટી’ તો સામે ગીતા બોલે છે, ‘ઉપર આજા મોટી.’
બીજા બે રોલ ધર્મેન્દ્ર અને સંજીવકુમારના હતા. બન્ને પાસે ગીતા અને સીતાને પ્રેમ કરવા સિવાય કંઈ ખાસ કામ નહોતું, પણ મજાની વાત એ છે કે અસલી જીવનમાં પણ બન્ને હેમાની આગળપાછળ ફરતા હતા. ફિલ્મસર્જકો હોશિયાર હોય છે. ઍક્ટરો વચ્ચે પડદા પાછળની કેમિસ્ટ્રીને તો ફિલ્મમાં વાપરતા હોય છે. રમેશ સિપ્પીએ તેમની ત્રીજી ફિલ્મ ‘શોલે’માં સંજીવકુમાર, ધર્મેન્દ્ર અને હેમાને રિપીટ કર્યાં એની પાછળનું એક કારણ આ પણ હતું.
‘સીતા ઔર ગીતા’ની સફળતા ઊજવવા માટે એક પાર્ટી કરવામાં આવી હતી ત્યારે નિર્માતા જી. પી. સિપ્પીએ તેમના દીકરા રમેશ સિપ્પીને કહ્યું હતું કે તારે ધર્મેન્દ્ર અને હેમા માલિનીને સાથે લઈને એક ઍક્શન ફિલ્મ બનાવવી જોઈએ. એમાંથી ‘શોલે’નો આઇડિયા આવ્યો હતો. 
‘સીતા ઔર ગીતા’ તો હિરોઇનની ફિલ્મ હતી એટલે બીજા જાણીતા ઍક્ટરોએ એમાં પ્રેમીનો મહેમાન કલાકાર જેવો રોલ કરવાની ના પાડી દીધી હોત, પણ સંજીવકુમાર અને ધર્મેન્દ્રએ હેમા હતી એટલે જ હા પાડી હતી. 
લેખક હનીફ ઝવેરી અને સુમંત બત્રા પુસ્તકમાં લખે છે કે ‘હેમા અને સંજીવકુમારને મહાબળેશ્વરના રોડ પર સ્કેટિંગ કરીને હવા કે સાથ સાથ ગીત શૂટ કરવાનું હતું. બન્ને નવસિખિયા હતાં અને અનેક વાર ગબડી પડ્યાં હતાં. સિપ્પીએ એ બધા શોટ સાચવી રાખ્યા હતા અને ગીતમાં વાપર્યા હતા. એ પછી એક ટ્રોલીમાં બન્નેને ઊભાં રાખીને સ્કેટિંગ કરતાં હોય એવી રીતે ગીત શૂટ કરવામાં આવ્યું હતું. એમાં ટ્રોલી છૂટી પડી ગઈ અને રસ્તાની ધાર પર ધસી ગઈ. જોકે નસીબજોગે રોડ અંદરની તરફ વળતો હતો એટલે ટ્રોલી પાછી અંદર વળી ગઈ. બન્નેને નાના ઘસરકા પડ્યા હતા. એમાં એ બન્ને નજીક આવી ગયાં. તેમને ખુદની ઈજાને બદલે એકબીજાની ઈજાની ચિંતા થઈ હતી. ઘણા લોકો એવું માને છે કે આ ઘટના પછી બન્ને વચ્ચે લાગણી પેદા થઈ હતી.’
સંજીવકુમાર હેમાને પરણવા મક્કમ હતો, પણ તેની માતા શાંતાબહેનને વહુ તરીકે ઍક્ટ્રેસ જોઈતી નહોતી. કહે છે કે હેમાએ શાંતાબહેનનું દિલ પણ જીતી લીધું હતું. તે જ્યારે પણ શાંતાબહેને મળતી ત્યારે માથે પલ્લુ નાખીને તેમના ચરણસ્પર્શ કરતી. પાછળથી શાંતાબહેને પણ મન મનાવી લીધું હતું. મદ્રાસમાં બન્ને પરિવારો વચ્ચે મુલાકાત પણ થઈ હતી. શાંતાબહેન મીઠાઈ લઈને આવ્યાં હતાં. હવે વાંધો પડ્યો હેમાની માતા જયા ચક્રવર્તીને. જયા ચક્રવર્તીની શરત હતી કે હેમા લગ્ન પછી પણ કામ ચાલુ રાખશે, જ્યારે શાંતાબહેન અને સંજીવનો પહેલે જ આગ્રહ હતો કે હેમાએ કારકિર્દી છોડીને ઘર સંભાળવું પડશે. 
એવું કહેવાય છે કે હેમાએ ખુદ સંજીવકુમારને વચન આપ્યું હતું કે તે બાકી રહેલી ફિલ્મો કરશે અને લગ્ન પછી નવી ફિલ્મો સાઇન નહીં કરે. હેમા ત્યારે સૌથી મોંઘી હિરોઇન હતી અને તેની માતા જયાની જીદ હતી કે આટલી સફળ કારકિર્દી એમ છોડી ન દેવાય. હેમાએ લગ્ન માટે હા પાડી એની પાછળ તેની ગણતરી એવી હતી કે સંજીવકુમાર તેને કામ કરવા દેશે અને તેની માતાને પણ મનાવી લેશે. 
પરિસ્થિતિ એવી પેદા થઈ કે એક બાજુ હેમાની માતાને ‘હેમા કામ તો કરશે જ’ એવી જીદ હતી, બીજી બાજુ સંજીવકુમારનાં માતાનો આગ્રહ હતો કે વહુએ તો ઘર જ સંભાળવું પડશે. એમાં હેમા અને સંજીવ ફસાઈ ગયાં. ન તો હેમા તેની માને મનાવી શકી કે ન તો સંજીવકુમાર શાંતાબહેનને શાંત કરી શક્યો. 

સંજીવકુમાર હેમાને પરણવા મક્કમ હતો, પણ માતા શાંતાબહેનને ઍક્ટ્રેસવહુ જોઈતી નહોતી. જોકે હેમાએ શાંતાબહેનનું દિલ જીતી લીધું હતું.

જાણ્યું-અજાણ્યું...

- ‘સીતા ઔર ગીતા’ને ૧૯૭૪માં તામિલમાં ‘વાની રાની’ અને ૧૯૭૩માં તેલુગુમાં ‘ગંગા મંગા’ નામથી બનાવવામાં આવી હતી.

- સોવિયેત સંઘમાં આ ફિલ્મ બહુ લોકપ્રિય થઈ હતી.

- હેમા માલિનીને ડબલ રોલ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો.

- અગાઉ આ રોલ માટે આશા પારેખ અને નૂતનની વિચારણા પણ થઈ હતી.

- રૂપેશકુમાર એક જ એવો ઍક્ટર હતો જેણે સિપ્પીની બે ફિલ્મો ‘અંદાઝ’ અને ‘સીતા ઔર ગીતા’માં વિલનની ભૂમિકા કરી હતી. સિપ્પીના બીજા તમામ વિલન માત્ર એક જ ફિલ્મમાં હતા.

- હેમાએ ૨૦૦૪માં આવો જ એક ડબલ રોલ ટીવી-સિરિયલ ‘કામિની દામિની’માં કર્યો હતો.

ખન્નાએ હવનમાં હાડકાં નાખ્યાં

રાજેશ ખન્નાને હેમા અને સંજીવના મતભેદની ખબર હતી. એક પ્રીમિયરમાં ખન્ના અને સંજીવને બોલાવાયા હતા. ખન્નાને શર્મિલા ટાગોર સાથે અને સંજીવને હેમા સાથે આવવાનું હતું. સંજીવને ખબર નહોતી કે ખન્ના પણ આવશે. એ સ્ટેજ પર હતો ત્યારે જ ખન્ના હેમાનો હાથ પકડીને હૉલમાં પ્રવેશ્યો. તેને બહુ ખરાબ લાગ્યું અને તે સ્ટેજ પરથી ઊતરીને પાછળ જઈને બેસી ગયો. સંજીવના દોસ્તોએ તેને કહ્યું કે ખન્નાએ જાણી જોઈને આ હરકત કરી હતી, પણ હેમા એમાં નિર્દોષ છે. પણ સંજીવને એનો બહુ આઘાત લાગ્યો હતો. બીજા દિવસે ‘અનામિકા’ના બાંહોં મેં ચલે આઓ ગીતનું આખું શૂટિંગ કર્યા પછી જયા ભાદુરીને ખબર પડી કે સંજીવ ભયાનક દુખી છે. પાછળથી તેણે કહ્યું હતું કે કોઈ માણસ આટલી પીડા સાથે કેવી રીતે આખો દિવસ કામ કરી શકે? સંજીવે હેમાના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. હેમાએ એક વાર રૂબરૂ જઈને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યાં લગ્ન, કારકિર્દી અને રાજેશ ખન્નાને લઈને બન્ને વચ્ચે મગજમારી થઈ હતી. એ દિવસે ‘તારે ફિલ્મો છોડવી પડશે’ કહીને સંજીવ રૂમની બહાર નીકળી ગયો હતો. એ દિવસે હેમાને ભાન થયું હતું કે બન્ને વચ્ચે પૂરું થઈ ગયું છે.
(‘ઍન ઍક્ટર્સ ઍક્ટરઃ ધ ઑથોરાઇઝ્ડ બાયોગ્રાફી ઑફ સંજીવકુમાર’માંથી)

columnists raj goswami