અન્ડરવર્લ્ડને હારતોરા : માફિયાઓને હીરો બનાવીને ઑડિયન્સ સામે રજૂ કરવાનું પાપ કાયમ માટે અટકે

30 June, 2022 11:16 AM IST  |  Mumbai | Manoj Joshi

દેશમાં થતા કુલ ગુનાઓમાંથી ચારથી છ ટકા ગુનાઓ એવા છે જે આ હીરો બની ગયેલા માફિયાઓના પાત્રાલેખનને કારણે થાય છે

પ્રતીકાત્મક તસવીર

આપણે ત્યાં આ ચીલો બહુ લાંબો સમય ચાલ્યો અને જો એમાં સજાગતા નહીં આવે તો એ હજી પણ ચાલુ રહે એવું લાગે છે. હૉલીવુડમાં આ કાર્ય ૭૦થી ૯૦ના દસક સુધી થયું, પણ પછી અનાયાસ જ એ ઓછું થવા માંડ્યું અને અત્યારે તો લગભગ સાવ જ બંધ છે. જોકે આપણે ત્યાં એવું હજી થયું નથી. ઍટ લીસ્ટ સાવ બંધ થાય એવી પ્રક્રિયા તો હજી ચાલુ નથી જ થઈ. મેઇનસ્ટ્રીમમાં પણ એવી સ્ક્રિપ્ટ ફર્યા કરે છે અને રીજનલમાં તો આપણે જોઈએ જ છીએ કે એવાં પાત્રોની માગ બેસુમાર છે અને વાત પણ આ બેસુમાર ડિમાન્ડથી જ શરૂ થાય છે. માફિયાઓને હીરો બનાવીને એમને ઑડિયન્સ સામે શું કામ લાવવાના? શું કામ એવાં પાત્રોને આઇડલ બનાવવાનું પાપ કરવાનું?

દેશમાં થતા કુલ ગુનાઓમાંથી ચારથી છ ટકા ગુનાઓ એવા છે જે આ હીરો બની ગયેલા માફિયાઓના પાત્રાલેખનને કારણે થાય છે. દેખાદેખીમાં કે પછી કહો કે અણસમજ વચ્ચે થાય છે અને એને કારણે જ આપણી યુવાપેઢીનું ભવિષ્ય અંધકારમય બને છે. 

તમને યાદ હોય તો એક તબક્કે ચોખલિયા કહેવાય એવા લોકોએ એવી માગ શરૂ કરી હતી કે ટીવી પર આવતા ક્રાઇમ-શો બંધ કરવા જોઈએ. એ ચોખલિયા લોકોની દલીલ હતી કે ક્રાઇમ કરવાનું સરળ લેસન અજાણતા જ આ શો દ્વારા આપી દેવામાં આવે છે. એવી કોઈ ગણતરી નથી, એવો કોઈ ભાવ નથી અને એવી કોઈ માનસિકતા પણ નથી. સમાજમાં જ બનેલા એ કિસ્સા છે અને એ કિસ્સા થકી એવી ભૂલ ન કરવી એ વાત સમજાવવાનો હેતુ એ શોનો રહ્યો છે. જોકે અહીં આ પ્રકારની ફિલ્મોમાં તો માફિયાઓને હીરો બનાવવામાં આવે છે. હીરો બનાવીને તેમની વાહ-વાહ કરવામાં આવે છે. વાહ-વાહ થકી તેમને આદર્શવાદી બનાવવાનો ભાવ રાખવામાં આવે છે જે ખરા અર્થમાં ખોટું છે. દાઉદ હોય કે રાજન હોય, અરુણ ગવળી હોય કે પછી કરીમ લાલા હોય - આ પ્રકારનાં પાત્રો દ્વારા આ દેશમાં સદાવ્રત તો નહોતાં જ ચાલ્યાં. એવા સમયે આ પાત્રોને પરમ આદરણીય બનાવવામાં આવે અને એમને પછી સોના-ચાંદીના વરખ સાથે ઑડિયન્સ સામે પીરસવામાં આવે તો એનાથી મોટી કુસેવા સમાજની બીજી કોઈ નથી.

વર્ષો પહેલાં ગુજરાતી ડૉન લતીફની લાઇફ પરથી એક હિન્દી ફિલ્મ બની હતી, જેમાં તેને દારૂ વેચતો દેખાડવાની સાથોસાથ એવું પણ દેખાડવામાં આવતું કે તે દારૂ ગુજરાતમાં લાવવા માટે કેવા-કેવા કીમિયાઓ અજમાવતો. શરમની વાત એ છે કે ફિલ્મમાં જે રસ્તા દેખાડવામાં આવ્યા હતા એ રસ્તા ત્યાર પછી રિયલ લાઇફમાં પણ અપનાવવાના શરૂ થઈ ગયા. ભૂલ ન થાય એ માટે તમે કોઈને ચેતવવાનું કામ કરો એ સમજાય, પણ ભૂલ કેમ કરવી એના રસ્તા તમે ચીંધતા થઈ જાઓ એ ન ચાલે અને એટલે જ કહું છું કે માફિયા કે અન્ડરવર્લ્ડના આ હરામખોરોની લાઇફ પરથી કશું બનવું ન જોઈએ અને એ બનતું હોય તો એને આગળ વધવા ન દેવું જોઈએ. તમારી પાસે સુપાત્રોની કમી નથી તો પછી શું કામ કુપાત્રોને મસ્તક પર બેસાડવાનાં?!

columnists manoj joshi