બોલ મારી અંબેઃ માતાજીને આહવાન આપતી વખતે તમને યાદ રહે છે કે ઘરમાં પણ જે છે એ માવડી છે?

26 September, 2022 02:04 PM IST  |  Mumbai | Manoj Joshi

આપણે એ જ વાતને પકડી રાખીએ અને એવું જ ધારીએ કે આરાધના કોઈ પણ રીતે થાય અને કોઈ પણ સ્વરૂપમાં થાય, જો ખરા દિલથી થતી હશે તો માવડી એ સ્વીકારશે જ.

પ્રતીકાત્મક તસવીર

આજથી નવરાત્રિનો શુભારંભ થાય છે. બે વર્ષે ફરી એક વખત દાંડિયા રમવા માટે બધા મેદાનમાં ઊતરશે અને મેદાનમાં ઊતરેલા સૌમન મૂકીને દાંડિયા રમશે. દાંડિયા રમશે અને મનને આશ્વાસન પણ આપશે કે તેમણે માતાજીની આરાધના કરી. આપણને વાંધો પણ નથી તેમની આ માન્યતા સામે. કહે છેને, મન ચંગા તો કથરોટ મેં ગંગા. આપણે એ જ વાતને પકડી રાખીએ અને એવું જ ધારીએ કે આરાધના કોઈ પણ રીતે થાય અને કોઈ પણ સ્વરૂપમાં થાય, જો ખરા દિલથી થતી હશે તો માવડી એ સ્વીકારશે જ. પણ તમે જ કહેજો અને સાચેસાચું કહેજો, શું માતાજીને આહ્વાન આપતી વખતે તમને યાદ રહે છે કે ઘરમાં પણ જે છે એ મા, બહેન, દીકરી, પુત્રવધૂ, પૌત્રી માવડી જ છે?

સાચેસાચું કહેજો અને કહો નહીં તો જાતને જવાબ આપજો. ખરેખર શું એવું મનમાં થાય છે ખરું કે જે માતાજીને ઝૂકી-ઝૂકીને વંદન કરવામાં આવે છે, વંદન કરીને તેમની પાસેથી સુખમય દિવસોની અપેક્ષા રાખવામાં આવે છે એ માતાજી ક્યારેય ઘરની માતાજીના હાલહવાલ નહીં પૂછનારા આ ભાવિકની વાત કાને ધરશે? સાક્ષાત માતાજીનો આદર નહીં કરનારા, તેની કિંમત નહીં કરનારા અને તેને માન નહીં આપનારા ભાવિકની વાત માવડી શું કામ સાંભળે અને શું કામ તેણે સાંભળવું પણ જોઈએ?

એક દીકરી પછી બીજી દીકરી આવે અને મોઢું ચડીને તોબરો બની જાય અને એ પણ આધુનિક સદીમાં, તો ખરેખર શરમ માતાજીને જ આવતી હોય. તેની આ શરમ બેવડાય ત્યારે જ્યારે એ જ ભાવિક તેની સામે હાથ જોડીને આજથી આસ્થા સાથે ભલાઈની અપેક્ષા રાખશે, પ્રગતિની માગ કરશે અને આશા રાખશે કે માતાજી તેને ફળશે.

ના, ધૂળ અને ઢેફાં. સાહેબ, એ માતાજી છે. કોઈ ભ્રષ્ટાચારી નેતા નહીં કે તમારી આરતીની થાળી જોઈને તેમના મનમાં ફટાકડા ફૂટવા માંડે અને બધું ભૂલીને તે તમારી ફાઇલને પાસ કરી દે. ના રે, જરા પણ નહીં અને ક્યારેય નહીં.

જે પોતાના ઘરની મહિલા સભ્યોનો આદર નથી કરતો, તેને જરૂરિયાતના સમયે સમય આપવામાં કંજૂસાઈ કરે છે, જે સતત પોતાના પરિવારની મહિલા સભ્યોને ધુત્કાર્યા કરે છે અને જે એકધારી મહિલા સભ્યોની અવગણના કરે છે તેની સામે માવડી ક્યારેય જોતી નથી. હા, એ જુએ છે ત્યારે, જ્યારે એ અવગણનાની ચરમસીમા આવે છે. એ જુએ છે ત્યારે, જ્યારે હડધૂત કરવાની માતાજીની માનસિક હદને પણ તે પાર કરી જાય છે અને સાહેબ, એ જ્યારે જુએ છે ત્યારે લાલ આંખ સાથે જુએ છે, વિકરાળ રૂપ સાથે જુએ છે અને ખૂનખાર મિજાજ સાથે જુએ છે. મહિલાઓને માન આપતાં શીખવું પડશે, શીખવું જોઈશે અને એ શીખવું એ જ સાચો ધર્મ છે. જે સમયે એ શીખી ગયા એ સમયે માતાજીને શિશ નમાવવા નહીં પણ જાઓ તો પણ માવડી તમારું ધ્યાન રાખશે અને માગ્યા વિના તમારી તમામ મનોકામના પૂરી કરશે. બસ, એની એક જ અરજ છે. ઘરમાં બેઠેલી માવડીઓનું ધ્યાન રાખો. તમારો સાદ આપ્યા વિના જ તેના સુધી પહોંચી જશે.
બોલ મારી અંબે, જય જય અંબે...

columnists manoj joshi navratri