ઑઇલી સ્કિનને જરૂર છે મૉઇશ્ચરાઇઝરની?

17 January, 2023 05:49 PM IST  |  Mumbai | Aparna Shirish

હા, ચોક્કસ જરૂર છે. એના કયાં કારણો છે એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

ઑઇલી સ્કિન માટે મૉઇશ્ચરાઇઝર ખરીદવા જાઓ ત્યારે લેબલ પર ‘ઑઇલ ફ્રી’ અને ‘કૉમેડોજેનિક’ બે શબ્દ લખેલા હોય એનું ધ્યાન રાખવું અને એ જ પ્રોડક્ટ પસંદ કરવી. 

મોટા ભાગે તૈલી ત્વચા ધરાવતા લોકોનો એકમાત્ર ઉદ્દેશ હોય છે ચહેરા પરથી વધારાનું ઑઇલ કાઢી નાખવું અને એમાં જો વધુ લગાડવાની વાત આવે તો ત્યાં તેમને ડર લાગે છે કે તેમની ત્વચા વધારે ઑઇલી ન થઈ જાય, પણ હકીકતમાં એવું નથી, તૈલી ત્વચાને પણ મૉઇશ્ચરાઇઝરની એટલી જ જરૂર હોય છે જેટલી સૂકી ત્વચાને. આ વિશે જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉક્ટર મહિમા જૈન કહે છે, ‘મૉઇશ્ચરાઇઝર અને ત્વચા પરના ઑઇલને કોઈ લેવા-દેવા નથી, મૉઇશ્ચરાઇઝર ત્વચા પર તેલ નહીં, પણ હાઇડ્રેશનને મેઇન્ટેન રાખે છે એ સમજવું જરૂરી છે. ત્વચા ભલે ઑઇલી હોય, હાઇડ્રેશન એટલે કે થોડી ભીનાશ ત્વચા માટે આવશ્યક હોય છે.’

શા માટે તેલ જરૂરી છે? | ત્વચા ઑઇલી હોવી એ બ્યુટી ઐસી છે એટલું સમજવું. જેમની ત્વચા તૈલી હોય છે તેમને જલદીથી ત્વચા પર કરચલી પડતી નથી અને ડ્રાય સ્કિનને લીધે થતી તકલીફોનો પણ સામનો કરવો પડતો નથી. તકલીફ ત્યારે થાય છે જ્યારે રોમછિદ્રોમાં તેલનું પ્રમાણ વધી જાય જો એને બૅલૅન્સ રાખવામાં આવે તો આવી ત્વચા સૌથી સારી ગણાય છે.

એક્સ્ટ્રા તેલ ચહેરા પર જમા થાય એ અયોગ્ય સ્કિનકૅર, સ્ટ્રેસ પૉલ્યુશન, ખાણીપીણીમાં બદલાવ, હૉર્મોન્સમાં બદલાવ વગેરેને લીધે થઈ શકે.એક્સ્ટ્રા ઑઇલ એટલે કે સિબમને મેઇન્ટેન રાખવા માટેની જરૂર પડે છે. મહિમા કહે છે, ‘ઑઇલી સ્કિન માટે મૉઇશ્ચરાઇઝરની જરૂરનું બીજું એક મહત્ત્વનું કારણ એટલે આ સ્કિનવાળા ફેસવૉશ કે એક્સફોલિએટર એવું વાપરે છે કે એનાથી સ્કિન ઑઇલી ન લાગે અને પછી એના પર રેટિનોલ બેઝ્‍‍‍ડ સિરમ લગાવે છે જે ત્વચાને વધુ સૂકી બનાવી નાખે છે. આવી સૂકી ત્વચા પર પિગમેન્ટેશન થવાના ચાન્સિસ વધુ હોય છે અને માટે જ મૉઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે, જે હશે તો ત્વચાને સૂકી નહીં થવા દે.’

 તૈલી ત્વચા માટે મૉઇશ્ચરાઇઝર | દરેક સ્કિન માટેનાં મૉઇશ્ચરાઇઝર જુદાં-જુદાં હોય છે એવું જણાવતાં ડૉ. મહિમા ઉમેરે છે, ‘ડ્રાય સ્કિન માટેનાં મૉઇશ્ચરાઇઝર એ ત્વચામાં હાઇડ્રેશન ઉમેરે છે જેથી ત્વચા વધુ સૂકી ન જણાય, એ જ રીતે ઑઇલી સ્કિન માટેના મૉઇશ્ચરાઇઝર તેલના લેવલને એ રીતે બૅલૅન્સ કરે છે કે ત્વચા જરૂર કરતાં વધુ તેલ પ્રોડ્યુસ ન કરે.’

આ પણ વાંચો :  પાર્ટી મેકઅપમાં મસ્ટ છે હાઇલાઇટર અને બ્રૉન્ઝર

શું વાપરશો? | તૈલી ત્વચા માટે નૉન-કૉમેડોજેનિક મૉઇશ્ચરાઇઝર વાપરવાં જે તમારાં રોમછિદ્રોને બ્લૉક ન કરે. એનાથી બ્લૅકહેડ્સ થવાના ચાન્સ ઘટી જશે. વૉટર અને જેલ બેસ્ટ હોય એવી ક્રીમ વાપરી શકાય, જે તેલને બૅલૅન્સ કરે.

શું ન વાપરવું? | શિયાળામાં મોટા ભાગે પેટ્રોલિયમ જેલી મિનરલ ઑઇલ કે પછી ખૂબ ક્રીમી એવા બૉડી લોશન અને મૉઇશ્ચરાઇઝર વાપરતાં હોય છે જે ઑઇલી સ્કિન ધરાવતા લોકોએ અવૉઇડ કરવા જોઈએ, કારણ કે એનાથી ત્વચા વધુ ને વધુ તૈલી થતી જશે, ત્વચાનાં રોમછિદ્રો બ્લૉક થશે તો ખીલ કે બ્લૅકહેડ્સ જેવી સમસ્યા થઈ શકે. 

ઑઇલી સ્કિન માટે મૉઇશ્ચરાઈઝર લગાવવાની રીત | મૉઇશ્ચરાઇઝર લગાવતાં પહેલાં ક્લેન્સરથી ચહેરો ક્લીન કરો. ક્લેન્સ એવું વાપરવું જે તમારી સ્કિન પરના નૅચરલ કૉલને પૂરી રીતે ન ધોઈ નાખે, કારણ કે એ ઓવર-ક્લીનિંગ કર્યું એવું કહેવાશે. ઓવર-ક્લીનિંગથી ત્વચાનું પીએચ બૅલૅન્સ બગડે છે અને સ્કિન ડલ થઈ જાય છે. ઑઇલી સ્કિન માટે ફૉર્મ કે ક્રીમ બેસ્ટ ક્લેન્ઝર પણ વાપરી શકાય.

ક્લેન્ઝિંગ બાદ મૉઇશ્ચરાઇઝર જેલ કે વૉટર બેઝ્‍‍ડ લગાવો કે પછી લાઇટ લગાવો, જેમાં વધુ પડતું ઑઇલ ન હોય અને ત્યાર બાદ સનસ્ક્રીન લગાવો.

નૅચરલ ઍન્ટિ-એજિંગ |  તમારી ત્વચા પરનું તેલ એ તમારે માટે નૅચરલ ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ તરીકે કામ કરે છે. ત્વચા ઑઇલી હોય એટલે એના પર કરચલી વહેલી નથી પડતી. એ સિવાય ત્વચાનો ગ્લો મેઇન્ટેન રહે છે. ઑઇલી સ્કિનમાં એક નૅચરલ લસ્ટર હોય છે જેને લીધે તેમને ગ્લો મેળવવા માટે વધુ મહેનત નથી કરવી પડતી. બસ જરૂર છે તો એ ઑઇલને બૅલૅન્સ કરવાની અને માટે જ સીઝન કોઈ પણ હોય, ત્વચાના પ્રકાર કોઈ પણ હોય, મૉઇશ્ચરાઇઝર જરૂરી છે.

મૉઇશ્ચરાઇઝર અને ત્વચા પરના ઑઇલને કોઈ લેવા-દેવા નથી. મૉઇશ્ચરાઇઝર ત્વચા પર તેલ નહીં, પણ હાઇડ્રેશનને મેઇન્ટેન રાખે છે એ સમજવું જરૂરી છે. ડૉ. મહિમા જૈન, ડર્મેટોલૉજિસ્ટ

columnists beauty tips skin care