શું તમને માનવામાં આવે કે કિંગ ખાન પૈસા દેવાને બદલે ઍફિડેવિટના રસ્તે ચાલે?

28 October, 2021 09:21 AM IST  |  Mumbai | Manoj Joshi

શું સમીર વાનખેડે ન જાણતો હોય કે પોતે કઈ ગલીમાં હાથ નાખે છે, શું એને ન ખબર હોય કે શાહરુખ ખાન નામના કિંગ ખાનની પહોંચ કયા લેવલ પરની છે? આવું બને ક્યારેય, પૉસિબલ પણ છે આવી વાત?

શાહરુખ ખાન (ફાઇલ તસવીર)

વાનખેડે નામનો માણસ બધું ભૂલીને શાહરુખ ખાનના દીકરાને પકડીને એને છોડાવવા માટે પચ્ચીસ કરોડની રકમ માગે, રકમ માગે અને એ ન મળે એટલે તે આર્યન ખાનને અટકાવીને રાખે. આવું એક ઍફિડેવિટ થયું છે અને એ ઍફિડેવિટના આધારે જ સમીર વાનખેડે નામના હોનહાર અધિકારીને પણ શંકાના દાયરામાં ઊભા રાખી દેવામાં આવે. આ શક્ય છે ખરું? જરા વિચારો, શાંત ચિતે વિચારો કે આવું બની શકે ખરું? શું સમીર વાનખેડે ન જાણતો હોય કે પોતે કઈ ગલીમાં હાથ નાખે છે, શું એને ન ખબર હોય કે શાહરુખ ખાન નામના કિંગ ખાનની પહોંચ કયા લેવલ પરની છે? આવું બને ક્યારેય, પૉસિબલ પણ છે આવી વાત?
આ જ વાત જરા જુદા દૃષ્ટિકોણથી જોઈએ. શું તમને એ વાત માનવામાં આવે છે કે કિંગ ખાન સેટિંગ છોડીને પોતાના દીકરાને છોડાવવાને બદલે સાક્ષીને ફોડી એની પાસે ઍફિડેવિટ કરાવીને બધું પબ્લિકમાં લઈ જવા સુધી રાહ જોતો બેસી રહે? બને ખરું એવું કે શાહરુખ ખાન આટલા દિવસ સુધી પોતાના દીકરાને જેલમાં રહેવા દે અને આબરૂના કાંકરાઓ ઊડવા દે? માનવામાં આવે એવી વાત છે આ?
બેમાંથી એક પણ વાત માનવામાં નથી આવતી અને માનવામાં નથી આવતી એટલે જ આખી વાતમાં બધેબધું શંકાસ્પદ દેખાય છે. આ દેશની આ જ ખાસિયત છે. વાતને અંત સુધી પહોંચવા ન દેવી હોય તો એને વિવાદનું રૂપ આપી દો. વિવાદ આપોઆપ આખી વાતને અંત તરફ ધકેલી દેશે અને એક વખત એ વાત બધાને ભુલાઈ જશે. તમે જુઓ, કેટકેટલા કેસ એવા છે જેમાં આવું જ બન્યું છે અને અત્યારે પણ એ જ થવાની દિશાઓ ખૂલવા માંડી છે. 
સીધી વાત છે, સરળ વાત છે. શાહરુખ ખાનના દીકરાની ક્રૂઝ પર ચાલતી એક રૅવ પાર્ટીમાંથી અટકાયત કરવામાં આવી. મોબાઇલમાં ડ્રગ્સને રિલેટેડ ચેટ નીકળી છે અને એ ચેટ નીકળ્યા પછી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો એની તપાસ કરે છે, પણ એ તપાસમાં સાથ આપવાને બદલે એમાં અડચણો ઊભી કરવાની પ્રક્રિયા સતત ચાલુ થઈ ગઈ છે. હકીકત એ છે કે કિંગ ખાને આ આખા કેસમાં તપાસને સહકાર આપવાની જરૂર હતી. એ કિંગ ખાન છે, કિંગ જ જો પોતાના દીકરાને છાવરવાનું કામ કરે તો પછી એ કેવી રીતે તેના ફેન્સનાં સંતાનોનો કે પછી ફેન્સના પૅરન્ટ્સનો આઇડલ બની શકે, કેવી રીતે એના જેવા બનવા વિશે પણ લોકો વિચાર કરી શકે?
એક વાત બહુ સહજ રીતે હું તમને કહીશ. આજે તમને કે તમારા સંતાનોને હાથ લગાડવાની કોઈ હિંમત નથી કરતું. એવો વિચાર પણ કોઈ એજન્સીને નથી આવતો. શું કામ? તમે નાના માણસ છો એટલે? જો જવાબમાં તમે ‘હા’ બોલવા જતાં હો તો તમે ખોટા છો. આ જ દેશમાં એવા અબજોપતિઓ પણ છે જેનાં સંતાનોને હાથ લગાડવાનું તો શું પણ તેમની સામે કોઈ આંગળી ચીંધવાની પણ હિંમત નથી કરતું. કારણ એક જ, એની પાસે એવું કંઈ છે નહીં કે આંગળી પણ ચીંધી શકાય. આર્યન ખાનના કેસમાં કશુંક બન્યું હતું એ નક્કી છે અને એ નક્કી છે એટલે જ એની ચર્ચા કરી રહ્યા છે. 
સિમ્પલ.

columnists manoj joshi