માય લૉર્ડથી માંડીને મિસ કે મૅડમ સુધી

21 July, 2019 01:00 PM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ. દિનકર જોષી - ઉઘાડી બારી

માય લૉર્ડથી માંડીને મિસ કે મૅડમ સુધી

ઉઘાડી બારી

જે કામ ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રાત્રે ૧૨ વાગ્યે થવું જોઈતું હતું એ કામનો એક અંશ રાજસ્થાનની હાઈ કોર્ટે હમણાં કરી દેખાડ્યો છે. રાજસ્થાન હાઈ કોર્ટની ફુલ બેન્ચે સર્વાનુમતે બાર કાઉન્સિલને એવો આદેશ આપ્યો છે કે હવે પછી કોર્ટમાં જજને સંબોધતી વખતે કોઈ વકીલે માય લૉર્ડ કે યૉર લૉર્ડશિપ એવું સંબોધન કરવું નહીં. આ સંબોધનો ભારતીય બંધારણની સમાનતાની કલમનો ભંગ કરે છે એટલું જ નહીં, આ સંબોધન સાથે જ વરિષ્ઠતા અને કનિષ્ઠતાના બે અમાનવીય સ્તરનું નિર્માણ થાય છે. 

સૌપ્રથમ તો આપણે સૌએ જ્યાં બેઠા હોઈએ ત્યાંથી ઊભા થઈને રાજસ્થાન હાઈ કોર્ટની આ ફુલ બેન્ચના ન્યાયમૂર્તિઓને બે હાથે સલામ કરવી જોઈએ. કહેવું તો જોઈએ- HATS OFF YOUR LORDSHIP. પણ આમ કહેવામાં કોર્ટના આદેશની વિભાવનાનો પાછો ભંગ થશે. અદાલતના આદેશની અવગણના એ અપરાધ કહેવાય. આ ચુકાદાની વિભાવના એવી છે કે અંગ્રેજી શાસને આપણા ઉપર જે કનિષ્ઠતા થોપી દીધી છે એમાંથી મુક્ત થવું અને અંગ્રેજી સાહેબો જેમની વરિષ્ઠતા આપણે સ્વીકારી લીધી છે એને વિદાય આપવી. યૉર લૉર્ડિશપ સંબોધનમાં ગુલામીની જે દુર્ગંધ છે એ દુર્ગંધ અંગ્રેજી ભાષાના વ્યવહારિક ઉપયોગમાં પણ છે. આપણી પ્રાદેશિક ભાષાઓ અને રાષ્ટ્રભાષા ભલે ન કહીએ, પણ જેને રાજભાષા કહ્યા વિના ચાલે એમ જ નથી એ હિન્દી ભાષા પાસે પણ અભિવ્યક્તિની પૂરતી ક્ષમતા છે. ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ પહેલાંથી મૅકોલેએ ઘડેલું આપણું માનસ હજી આ ક્ષમતાનો પૂરતો લાભ લેતાં શીખ્યું નથી.
આ સંદર્ભમાં સાહેબ શબ્દ પણ સમજવા જેવો છે. આઝાદી પહેલાં ગમે તેવા ફાલતુ ગોરા એટલે કે અંગ્રેજને આપણે સાહેબ કહેવાથી ટેવાયેલા હતા. સાહેબ શબ્દ અંગ્રેજો આ દેશમાં નથી લાવ્યા. આ અરબી મૂળનો શબ્દ છે. મુસલમાનોના આગમન સાથે સાહેબ શબ્દે આપણી બોલચાલમાં પ્રવેશ કર્યો છે. આ શબ્દ મૂળ તો પરમાત્મા અથવા ઈશ્વર માટે વપરાયેલો છે. કબીરનો આ દુહો સૌકોઈને યાદ હશે.
સાહબ સબકા બાપ હૈ, કિસીકા બેટા નાહી
જો બેટા કિસીકા હોઈ તો વો સાહબ નાહી
પરમાત્મા આપણા સૌનો માલિક છે. આ આધ્યાત્મિક અર્થ થયો. વ્યવહારમાં આપણો શેઠ અથવા જેને આપણે અન્નદાતા કહીએ એવો સુલતાન આપણો માલિક થયો કહેવાય. આમ હોવાથી સાહબ શબ્દ માલિકના અર્થમાં ચલણી બન્યો. આ સાહબ અંગ્રેજોના આગમન પછી બોલચાલમાં સાહેબ બની ગયો. વખત જતાં સુલતાનના એટલે કે શાસકના કોઈ પણ આદેશની હુકમબજવણી કરનાર સરકારી કર્મચારી માટે આ શબ્દ પ્રચલિત બન્યો. આ શબ્દ સાથે આપોઆપ બોલનારની લઘુતાગ્રંિથ સંકળાઈ ગઈ. સાહેબ એટલે ગુરુ-વડીલ-મોટો.
મુસલમાનોના આગમન સુધી હિન્દુસ્તાનમાં જે શિક્ષણપદ્ધતિ પ્રચલિત હતી એમાં પાઠશાળામાં શિક્ષણનું કામ કરનાર વ્યક્તિને વિદ્યાર્થીઓ અને ગ્રામ્યજનો પણ ગુરુજી કહીને સંબોધતા. આ ગુરુજી શબ્દ માનવાચક ગણાતો. ગામની નાનીમોટી સામાજિક કે પારિવારિક સમસ્યાના સમાધાન માટે આ ગુરુજીની સલાહ લેવામાં આવતી. મુસલમાનો અને અંગ્રેજોએ ગુરુજીનું આ સ્થાન સાહેબને આપ્યું. હવે આ સાહેબ એટલે શિક્ષક તો રહ્યો જ પણ તલાટી, પોલીસ પટેલ, ફોજદાર આ બધા નવા સાહેબો પણ દાખલ થઈ ગયા. ૧૯૫૦ કે એની આસપાસ જેમણે સ્કૂલનું શિક્ષણ લીધું છે તેમને યાદ હશે કે બધા શિક્ષકો માટે વર્ગમાં વિદ્યાર્થીઓ સાહેબ શબ્દ જ વાપરતા. જોકે આ જ ગાળામાં અંગ્રેજોની વિદાય પછી જે વર્ણસંકર દેશી અંગ્રેજોની પેઢી અહીં નિર્માણ થઈ એણે આ સાહેબને ‘સર’ કરી નાખ્યા. હવે સ્કૂલ-કૉલેજોમાં આ સાહેબ ઝંખવાઈ ગયા અને ‘સર’ ઝગમગી ઊઠ્યા.
અંગ્રેજોના આ વારસા સાથે જ જેને રમણભાઈ નીલકંઠ ‘ભદ્રંભદ્ર’ના મોઢે કંઠલંગોટ તરીકે ઓળખાવે છે એ નેકટાઇ પણ સંભારવા જેવી છે. યુરોપ જેવા ઠંડા પ્રદેશમાં શરદીથી બચવા માટે ગળાનું રક્ષણ કરવા એક જાતના મફલર તરીકે જેનો ઉપયોગ જરૂરી ગણાયો હતો એને ભારતના વર્ણસંકર અંગ્રેજોએ સાહેબશાઈ સમજી લીધી. આ સાહેબશાઈ સરકારી કચેરીઓમાં સચવાયેલી રહે ત્યાં સુધી તો ઠીક છે પણ પેલા સવાયા અંગ્રેજોએ એને દૂધપીતાં બચ્ચાંઓના ગળામાં પણ પહેરાવી દીધી. સ્કૂલોના વિદ્યાર્થીઓ માટેના યુનિફૉર્મમાં અનેક શાળાઓના સંચાલકોએ પોતાને સુધરેલા અને આધુનિક ઠરાવવા માટે આ ટાઇ ઘુસાડી દીધી. જે બાળકોને હજી પૂરું છીછીપીપીનું પણ ભાન આવ્યું નથી તેમના ગળામાં તેમનાં આધુનિક મમ્મીપપ્પાઓએ હોંશે-હોંશે ટાઇ પહેરાવવા માંડી. ટાઇ પહેરેલું બાળક સાહેબ કહેવાય એવું ગાંડપણ સવાર થઈ ગયું.
વખત જતાં મહાનગરોમાં એવું પણ નજરે પડ્યું કે અંગ્રેજી માધ્યમની સ્કૂલના વિદ્યાર્થીઓ પોશાકમાં ટાઇ પહેરે અને પ્રાદેશિક ભાષાના વિદ્યાર્થીઓ ટાઇ ન પહેરે. આમ ઉપલી કક્ષા અને નીચલી કક્ષા એવાં બે રેખાંકન આપોઆપ થઈ ગયાં. હજી આજની તારીખે પણ પોતાના વિદ્યાર્થીઓને ફરજિયાત ટાઇ પહેરાવતા સ્કૂલના સંચાલકોએ આટલુંક શિક્ષણ મેળવી લેવા જેવું છે.
જેવું ‘સર’નું એવું જ ‘મૅડમ’નું છે. આપણી પારંપારિક શિક્ષણપદ્ધતિમાં સામાન્યત: ગુરુ સ્થાને મહિલાનું સ્થાન નહોતું. સ્ત્રીઓ શિક્ષિકા તરીકે પ્રાચીન શાળાઓમાં હોય એવું જણાતું નથી. જે સમયગાળામાં સ્ત્રીઓએ શિક્ષિકા તરીકે કામગીરી શરૂ કરી છે ત્યારે વિદ્યાર્થીઓએ વર્ગમાં તેમને બહેન કહીને ઓળખી હતી. આ બહેન શબ્દ અંગ્રેજી માધ્યમના ધસારા સામે મૅડમ અને મિસ તરીકે સ્થાપિત થયો. મૅડમ શબ્દને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી વ્યવહારમાં સ્ત્રીઓ સાથેના ભદ્ર વ્યવહારમાં નમ્રતાસૂચક અર્થ થયો છે. વાસ્તવમાં ફ્રેન્ચ ભાષામાં એનું ઉદ્ગમ છે. પૅરિસનાં વેશ્યાગૃહોમાં એની સંચાલિકા સાથે ગ્રાહકો આ સંબોધન વાપરીને નમ્રતાપૂર્વક વ્યવહાર કરતા. આ નમ્રતા સંચાલિકા સાથે એટલા માટે દાખવવામાં આવતી કે પોતાની પસંદગી અનુસાર શય્યાભાગિની મેળવી શકાય. વખત જતાં મહિલા સાથેના સૌજન્યપૂર્ણ વ્યવહાર માટે આ મૅડમ શબ્દ અંગ્રેજી ભાષામાં સહજ બની ગયો.
મૅડમ શબ્દનો આ મૂળ અર્થ જાણ્યા પછી આપણી શાળાઓમાં આપણી શિક્ષિકાઓ
નાનાં-નાનાં ભૂલકાંઓ પાસેથી આ સંબોધન સહન કરી શકે ખરી? જેવું મૅડમનું એવું જ મિસનું. પંચાવન વરસની, નિવૃત્તિ કાળની પ્રતીક્ષા કરી રહેલી અને પરિવાર જીવનમાં દાદીમા અને નાનીમા બન્ને ઉપાધિઓ મેળવી ચૂકેલી શિક્ષિકા વર્ગખંડમાં સાત વરસના બચ્ચા પાસેથી મિસનું સંબોધન સાંભળતી હોય ત્યારે શું એ રાજી થતી હશે ખરી?

આ પણ વાંચો : પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

અંગ્રેજી શાસનની વારસાઈ શેક્સપિયર કે ટેનિસન પૂરતી રહે એ અવશ્ય આવકાર્ય પણ માય લૉર્ડથી માંડીને મિસ કે મૅડમ સુધી એને લંબાવીએ ત્યારે એ મનોચિકિત્સાનો કેસ બની જાય છે.

columnists