સાત અજૂબે ઇસ દુનિયા મેં, આઠવી અપની તિકડી

04 September, 2019 03:04 PM IST  |  | દિલ સે દિલ તક- પંકજ ઉધાસ

સાત અજૂબે ઇસ દુનિયા મેં, આઠવી અપની તિકડી

હું અત્યારે બ્રિટન છું. ગયા વીકનો મારો આર્ટિકલ વાંચીને મને ઘણા મિત્રોના મેસેજ આવ્યા કે તમારી અને અનુપ જલોટા તથા તલત અઝિઝની દોસ્તીની વધારે વાત કરો. તમે મિત્રો કેવી રીતે બન્યા અને કેવી રીતે તમારી મિત્રતા આવી ગાઢ બની. આવી પૃચ્છાનું એક કારણ એ પણ ખરું કે સામાન્ય રીતે એક ક્ષેત્રમાં કામ કરતા મિત્રો વચ્ચે ઘનિષ્ઠતા લાંબો સમય ટકતી નથી. કમ્પિટિશન અને ઇનસિક્યૉરિટી વચ્ચે સંબંધોમાં ઇર્ષ્યાભાવ આવે જ આવે, પણ અમારા વચ્ચે એવું કશું નથી.

મારી અને અનુપ જલોટા, તલત અઝિઝની મિત્રતાના મૂળ છેક અમારા સંઘર્ષકાળથી છે. પહેલાં આપણે એ વાત કરીએ અને એ વાત પૂરી કર્યા પછી ફરી આપણે ‘ખઝાના’ કેવી રીતે નવેસરથી ઊભું થયું એની વાતો કરીશું.

મારી કરીઅરની શરૂઆત હતી અને મારા સંઘર્ષના દિવસો શરૂ થયા હતા. ૧૯૭૮ના દિવસોની આ વાત છે. એ જ વર્ષે મારી મુલાકાત પહેલીવાર શ્રી અનુપ જલોટા સાથે થઈ. અનુપ ખૂબ જ પ્રખ્યાત એવા પુરુષોત્તમ જલોટાના દીકરા, ખૂબ સરસ તાલીમ લઈને તેમણે પોતાની કરીઅરની શરૂઆત કરી હતી. પુરુષોત્તમ જલોટા એટલે તેમના સમયનાં ભજનોના ખૂબ જ મહાન કલાકાર અને એને લીધે ભક્તિસંગીત અનુપ જલોટાને લોહીમાં જ મળ્યું હતું. આજે તેમણે ભક્તિસંગીત અન ભજનોમાં ખૂબ જ મોટું નામ કર્યું છે, પણ કરીઅરની શરૂઆતમાં અનુપ જલોટા ભજન અને ભક્તિસંગીત પર આટલું ધ્યાન નહોતા આપતા. બહુ જૂજ લોકોને ખબર હશે કે એ સમયે અનુપ જલોટા શરૂઆતના સમયમાં કિશોરકુમારથી લઈને અનેક બીજા ગાયકોનાં ગીતો ગાતાં. ફિલ્મી ગીતોની સાથે તે ગઝલો પણ ગાતાં અને ભજનો પણ સંભળાવે, પણ ભજન તેમનું કેન્દ્રબિંદુ નહોતું. આ જ વર્ષોમાં હું અનુપ જલોટાને જીવનમાં પહેલીવાર મળ્યો.
બન્યું એવું કે મારો એક પ્રાઇવેટ પ્રોગ્રામ હતો, મહાલક્ષ્મી પર મારા એક મિત્રના ઘરની ટેરેસ પર આ પ્રોગ્રામ અને એ પ્રોગ્રામમાં ખૂબ જ નજીકના આમંત્રિતોને બોલાવવામાં આવ્યા હતા. એ આમંત્રિતોમાં એક અનુપ જલોટા પણ ખરા. પ્રોગ્રામ પૂરો થયો એ પછી બધા સાથે ઓળખાણ ચાલતી હતી, જેમાં મારી ઓળખાણ અનુપ સાથે કરાવવામાં આવી અને અમારા સંબંધો આગળ વધ્યા. એ સમયે તો અમને બન્નેમાંથી કોઈને ખબર નહોતી કે અમારા ભવિષ્યમાં આગળ શું લખ્યું છે. બસ, બન્ને આત્મીયતાથી મળ્યા અને એકબીજા સાથે હાય-હેલો કર્યા.
એ મુલાકાતના થોડા સમય પછી એ જ વર્ષમાં એટલે ૧૯૭૮માં એક વખત દૂરદર્શન પર મેં એક ચશ્માવાળા પણ હેન્ડસમ પર્સનાલિટી ધરાવતા ગાયકની ગઝલ સાંભળી. મને એ ગઝલના શબ્દો પણ હજી યાદ છે.

એક ખિલૌના તૂટ જાયેગા તો દુસરા મીલ જાયેગા. મૈં નહીં તો કોઈ ઓર, દુસરા મીલ જાયેગા

શબ્દોની સાથોસાથ મને એ ગાયકના અવાજમાં, તેમની ગાયકીમાં પણ ખાસ વાત લાગી એટલે હું ટીવી સ્ક્રીન સામે ઊભો રહીને એ ગઝલ ગાયકને જોવા માંડ્યો. એ સમય તો બ્લૅક અૅન્ડ વ્હાઇટ ટીવીનો હતો પણ એમ છતાં પણ એ ગાયકનો ચહેરો અને એમાં રહેલું તેજ મને ટીવી જોવા માટે મજબૂર કરતું રહ્યું. ગઝલ પૂરી થતી હતી ત્યાં નીચે નામ લખાઈને આવ્યું. તલત અઝિઝ.

કોણ તલત, ક્યાંથી આવ્યા છે અને શું કરે છે એના વિશે કંઈ ખબર નહીં, પણ મને તેમની ગાયકીની મજા ખૂબ આવી. વાત અહીંયા પૂરી થઈ ગઈ, પણ મારા મગજમાં એ નામ કોતરાઈ ગયું. થોડા સમય પછી એક મિત્રની પાર્ટીમાં હું ગયો. ત્યાં અનેક લોકો હતા, એ અનેક લોકોમાંથી એકસાથે મને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો અને કહ્યું કે આ તલત અઝિઝ છે, ગાયક છે અને હૈદરાબાદથી આવે છે.
મારી અને તલતની આ પહેલી મુલાકાત. એ સમયે તો અમને બન્નેમાંથી કોઈને ખબર નહોતી કે અમારા ભવિષ્યમાં આગળ શું લખ્યું છે. બસ, બન્ને આત્મીયતાથી મળ્યા અને એકબીજા સાથે હાય-હેલો કર્યા.

આ મારો સંઘર્ષનો કાળ હતો. ખૂબ સંઘર્ષ કરતો અને દરરોજ મહેનત કરતો. મારા આ મહેનતના સમયગાળામાં મને આ બન્ને કલાકારો મળ્યા. અમે ત્રણેય લગભગ સરખી જ ઉંમરના. અમને કોઈને એ સમયે ખબર નહોતી કે અમારી વચ્ચે જોડાયેલી આ દોસ્તી અમને આગળ ક્યાં લઈ જશે અને અમારા સંબંધો કેટલા આગળ વધશે. એ પણ ખબર નહોતી અમને કે ભવિષ્યમાં અમે ક્યાં હોઈશું? ૧૯૭૯ની શરૂઆતમાં એક દિવસ મને ખબર પડી કે હું જેને પેલી પાર્ટીમાં મળ્યો હતો એ તલત અઝિઝે ‘મ્યુઝિક ઇન્ડિયા’ જોઇન કરી અને એક આલ્બમ બનાવવાનું શરૂ કર્યું. એ સમયે ‘મ્યુઝિક ઇન્ડિયા’ બહુ મોટી કંપની હતી અને આ બહુ મોટો બ્રેક કહેવાય એવા સમાચાર હતા. વધુ રસપ્રદ વાત એ હતી કે એ આલ્બમ તલત અઝિઝે જ કમ્પૉઝ પણ કર્યું હતું. એ આલ્બમનું નામ હતું ‘જગજિત સિંહ પ્રેઝન્ટસ તલત અઝિઝ’. જગજિત સિંહ જેવા મહાન કલાકાર એક યુવા કલાકારને ખુદ પ્રેઝન્ટ કરે એ ખૂબ જ મોટી વાત કહેવાય. હું એ સમયે તલત અઝિઝ માટે મનોમન ખૂબ ખુશ થયો હતો. થોડા સમય પછી મને ફરીથી સમાચાર મળ્યા કે અનુપ જલોટાએ પણ એક ગઝલનું અને એની સાથેસાથે એક ભજનનું આલ્બમ પણ માર્કેટમાં લૉન્ચ કર્યું છે અને એ બન્ને આલ્બમ ‘મ્યુઝિક ઇન્ડિયા’ દ્વારા જ મૂકવામાં આવ્યાં છે. હું હજી સ્ટ્રગલના દોરમાં જ હતો. અનુપ જલોટા માટે પણ હું ખૂબ ખુશ થયો. મને ખાતરી હતી કે આ બન્ને આલ્બમો પણ ધૂમ મચાવશે અને ગાયકીના શોખીનોને ખૂબ ગમશે.

આ પણ વાંચો: બને ચાહે દુશ્મન ઝમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા

૧૯૭૯ના અંત ભાગમાં મેં ‘ઇન્ડિયા બુક હાઉસ’ સાથે ‘આહટ’ નામનું મારું પહેલું આલ્બમ બનાવ્યું. આ આલ્બમને સારો રિસ્પોન્સ મળ્યો અને મ્યુઝિક ઇન્ડિયાએ મને અપ્રોચ કર્યો કે તમે કૉન્ટ્રાક્ટ સાઇન કરો તો અમે તમારી સાથે ‘આહટ’ની લોંગ-પ્લે રેકૉર્ડ રિલિઝ કરીએ. મેં કૉન્ટ્રાક્ટ સાઇન કર્યો અને ૧૯૮૦માં જાન્યુઆરી મહિનામાં ‘આહટ’ની લોંગ-પ્લે રેકૉર્ડ માર્કેટમાં આવી. આમ અમારા ત્રણેયનું લૉન્ચિંગ લગભગ સાથે-સાથે જ થયું એવું કહીએ તો ચાલે. મિત્રો, આર્ટ એક એવી લાઇન છે જેમાં કમ્પિટિશન એટલી સજ્જડ હોય, ડરામણી હોય છે કે કોઈ પણ કલાકાર એવું ન ઈચ્છે કે બીજું કોઈ આગળ વધે અને એનાથી વધારે બીજું કોઈ પૉપ્યુલર થાય. આ બહુ સહજ વાત છે. કોઈ કલાકાર કે પછી સાથે કામ કરનારા અને એક જ સરખું કામ કરનારા આવું ઇચ્છી પણ ન શકે, પણ કુદરતી રીતે અમારી વચ્ચે આવી કોઈ વાત ક્યારેય આવતી નહીં. અમે ત્રણે જણા જ્યારે પણ મળતા, અમારી મુલાકાત થતી ત્યારે અમે દિલથી મળતા, એકબીજાને લાગણીથી મળતા. મ્યુઝિક ઇન્ડિયા કંપનીની ઑફિસમાં મળી જઈએ કે પછી ક્યારેક બહાર અચાનક જ મળી જઈએ તો અમારામાંથી કોઈને નૅગેટિવ વાઇબ્રેશન નહોતાં આવતાં કે આ તો આપણો હરીફ કહેવાય કે ચાલો, આની સાથે આડોડાઇ કરીએ. અમે મળીએ ત્યારે હસીમજાક સાથે જ મળીએ, વાતો કરીએ, જૉક કરીએ, એકબીજાને અમારી કૉન્સર્ટના અનુભવ કહીએ. અરે, ત્યાં સુધી કે ઓર્ગેનાઇઝર અમારી પાસેથી એકબીજાના ફોન નંબર માગે તો અમે પ્રેમથી નંબર આપીએ અને એકબીજાના મૅનેજરને કૉન્ટૅક્ટ પણ કરાવી દઈએ.

અમારી યારી ધીમેધીમે વધવાની શરૂ થઈ. એકબીજાના જન્મદિવસે કે પછી બીજા કોઈ પ્રસંગે ઇન્વિટેશન આપવાનું શરૂ થયું, એ શરૂ થયું એટલે એકબીજાને ત્યાં જવાનું પણ શરૂ થયું અને અમારી આત્મ‌િયતા વધવાની શરૂ થઈ. અમારી આ આત્મ‌િયતામાં ઉમેરો કર્યો ‘ખઝાના’એ. કેવી રીતે એની વાતો કરીશું આવતાં વીકમાં.

pankaj udhas gujarati mid-day columnists