Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બને ચાહે દુશ્મન ઝમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા

બને ચાહે દુશ્મન ઝમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા

28 August, 2019 01:38 PM IST | મુંબઈ
દિલ સે દિલ તક - પંકજ ઉધાસ

બને ચાહે દુશ્મન ઝમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા

જિગરજાનઃ ‘ખઝાના’ના શુભારંભના પાયામાં કેવી રીતે અનુપ જલોટા અને તલત અઝીઝ આવ્યા એ આજે પણ કલ્પનાતીત છે. એ બન્નેને સૌપ્રથમ વિચાર આવ્યો અને એ વિચારને ત્યાર પછી મૂર્તિમંત કરવામાં આવ્યો.

જિગરજાનઃ ‘ખઝાના’ના શુભારંભના પાયામાં કેવી રીતે અનુપ જલોટા અને તલત અઝીઝ આવ્યા એ આજે પણ કલ્પનાતીત છે. એ બન્નેને સૌપ્રથમ વિચાર આવ્યો અને એ વિચારને ત્યાર પછી મૂર્તિમંત કરવામાં આવ્યો.


હરીફાઈ કોઈ મોટી વાત નથી અને હરીફાઈમાં સામાન્ય ઈર્ષ્યા આવે એ પણ કોઈ નવાઈની વાત નથી. સાથે કામ કરતા હોઈએ ત્યારે એકબીજાની ઈર્ષ્યા આવે અને એકબીજાની ટાંગ ખેંચવાનું બને અને હવે તો એ બધા સ્વીકારતા પણ થઈ ગયા છે. કોઈ પણ ક્ષેત્ર જોઈ લો તમે, ખાસ કરીને આર્ટ સાથે જોડાયેલાં કોઈ પણ ક્ષેત્ર જોઈ લો. તમામ ક્ષેત્રમાં તમને હરીફાઈ જોવા મળશે અને એની સાથોસાથ આછીપાતળી ઈર્ષ્યા પણ જોવા મળશે. બધાને એવું છે કે હું વધારે આગળ નીકળી જાઉં અને મારા કરતાં સામેની વ્યક્તિની પૉપ્યુલરિટી વધી ન જાય. મેં તમને કહ્યું એમ, આ સહજ પણ માનવામાં આવે છે અને હશે પણ ખરું, પરંતુ હું મારી, અમારી વાત કરું તો આવું અમારી વચ્ચે કશું નથી. ઈશ્વરની મહેરબાનીથી મારા સમયના બે મહાન કહેવાય એવા મારા બે ગાયકમિત્રો અનુપ જલોટા અને તલત અઝીઝ સાથે ક્યારેય મને એવું થયું નથી કે ન તો તેમને કોઈને એવો ક્યારેય વિચાર સુધ્ધાં આવ્યો હોય.

અમારા ત્રણની ઓળખાણ હતી, પણ ૮૦ના દસકામાં મ્યુઝિક ઇન્ડિયાએ જે ‘ખઝાના’ શરૂ કર્યું એને લીધે અમારી દોસ્તી વધી અને પછી સમય જતાં અનુપભાઈ, તલત અને મારી વચ્ચે આત્મીયતા પણ વધવા માંડી. અમે બધા પોતપોતાના કામમાં એટલા વ્યસ્ત કે અમે નિયમિત મળી નહોતા શકતા, પણ અમે કોશિશ કરતા કે મળીએ, સાથે સમય પસાર કરીએ. મિત્રો વચ્ચે મુલાકાતો થતી રહેવી જોઈએ. એકબીજાને મળતા રહેવું ખૂબ જરૂરી છે. નિયમિત મળવાનું બંધ થઈ જાય તો પછી બીજાની વાતોનો વિશ્વાસ કરવાનું મન થવા માંડે, હરીફાઈનું વાતાવરણ ઊભું થવા માંડે અને એમાંથી જ ગેરસમજની શરૂઆત થઈ જાય છે. કદાચ અમે ત્રણેય એકબીજાને મળવાના સક્રિય પ્રયાસ કરતા એટલે પણ અમારી વચ્ચે ક્યારેય હરીફાઈ આવી નહીં હોય એવું મારું માનવું છે.



‘ખઝાના’ પછીના સમયમાં અમે મિત્રોએ પોતપોતાની રીતે ખૂબ ઉમદા કામ કર્યું. મેં ગઝલ ક્ષેત્રે મારી રીતે મહેનત કરી અને ઈશ્વરની મહેરબાનીથી લોકોને મારી ગઝલગાયકીમાં મજા આવતી. અનુપ જલોટાના ગઝલનાં આલબમ આવ્યાં તો તેમણે ગઝલની સાથોસાથ ભક્તિગીતોમાં ખૂબ મોટું નામ કર્યું. ‘અનુપ જલોટા લાઇવ ઇન ઇસ્કૉન’ આલબમ રિલીઝ થયું, જે મુંબઈના ઇસ્કૉન ટેમ્પલના લાઇવ પ્રોગ્રામ દરમ્યાન રેકૉર્ડ થયું હતું. એ આલબમ ખૂબ જ વખણાયું. તલત અઝીઝે પણ ગઝલોની સાથોસાથ ફિલ્મોમાં પણ ખૂબ જ સરસ ગીત ગાયાં. ‘ઉમરાવ જાન’નું ‘ઝિંદગી તેરી બઝ્મ મેં જબ લાતી હૈ હમેં...’ આજે પણ તમને ખુશ કરી દે તો ‘બિછડી રાત, બાત ફૂલોં કી...’ પણ તમને એની ગાયકીમાં મદહોશ કરી દે. સૌથી સરસ વાત જો કોઈ હતી તો એ કે સફળતા ત્રણેય જણે જોઈ અને એને માણી.


ધીરે-ધીરે અમારી વચ્ચે એવું બનવા માંડ્યું કે બધા એકબીજાની કંપની ઇચ્છવા લાગ્યા. કોઈ દિવસ અનુપનો ફોન આવે કે ચાલો મળીએ. કોઈ વખત તલત પ્રોગ્રામ બનાવે તો કોઈ વાર હું આગેવાની લઈને તેમને ફોન કરું. સમય અને દિવસ નક્કી થાય એટલે હું અને મારી વાઇફ ફરીદા, અનુપભાઈ અને તેમની વાઇફ મેધા તથા તલત અઝીઝ અને તેમનાં વાઇફ બીના એમ ૬ લોકો ભેગા થાય, મળીએ, ઢગલાબંધ વાતો કરીએ, ગપાટાં મારીએ, ડિનર લઈએ. બધા માટે અમારી આવી મીટિંગો અનયુઝ્વલ હતી. પ્રૅક્ટિકલી અમે એકબીજાના પ્રતિસ્પર્ધી અને છતાં એવી કોઈ દિવસ જરૂર જ ન પડી કે એકબીજાની બૂરાઈ કરીએ. એવું પણ ક્યારેય લાગે નહીં કે એકબીજાના પ્રતિસ્પર્ધી છીએ એટલે અમારે આમ રિલેશન રાખવા ન જોઈએ, કોઈ એનો ફાયદો લઈ જશે.

ધીરે-ધીરે સમય વીતતો ગયો અને સંગીતની દુનિયામાં અમે ત્રણ જણ ‘તીકડી’ તરીકે ઓળખાવા લાગ્યા. તીકડી એટલે ત્રણ જણની જોડી. એક જ ક્ષેત્રમાં, એક જ સ્ટાઇલનું અમારુ સિન્ગિંગ અને છતાં અમારી વચ્ચે કોઈ રાગદ્વેષ નહીં અને ઊલટું, અમે ત્રણેય એકબીજાના જિગરી મિત્રો અને સમય જતાં તો દુનિયાને પણ આ વાત સ્પષ્ટ રીતે દેખાવા લાગી. એ એટલું જ સાચું કે અમને આ રસ્તા પર લઈ આવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ ‘ખઝાના’ હતું. મ્યુઝિક ઇન્ડિયાના ‘ખઝાના’ વિના કદાચ અમે ભાઈબંધ હોત પણ જિગરી મિત્રો ન બની શક્યા હોત. ‘ખઝાના’ દરમ્યાન અમે પુષ્કળ સમય એકબીજા સાથે પસાર કર્યો હતો. અઢળક કલાકો સાથે રહ્યા હતા, જેને લીધે અમે એકબીજાને ઓળખી શક્યા હતા.


અમે ત્રણેય મળતા ત્યારે પણ એમાં વાત તો ‘ખઝાના’ની નીકળી જ જતી. અમે ત્રણેય ‘ખઝાના’ની એ રાતોને ખૂબ મિસ કરતા હતા. આ બધી વાતો અત્યારે એટલે યાદ આવે છે કે હજી થોડા દિવસ પહેલાં ‘ખઝાના’ના જન્મની અને એના પહેલા પ્રોગ્રામની વાત કરી અને ૧૫ ઑગસ્ટ પણ ગઈ. જે દિવસે ‘ખઝાના’નો પહેલો દિવસ હતો અને મેં કહ્યું એમ, એ જ દિવસે મેં મારા પિતાશ્રી ગુમાવ્યા. એ વખતે મેં કહ્યું હતું કે ૮૦ના દસકામાં પાંચ વર્ષ ચાલ્યા પછી ‘ખઝાના’ બંધ થઈ ગયું. ત્યારે મેં કહ્યું હતું કે ખોવાઈ ગયેલા એ ‘ખઝાના’ને અમે કેવી રીતે શોધી કાઢ્યો એ વાત જાણવા જેવી અને રસ પડે એવી છે. હવે આપણે એ જ વાત પર આવીએ છીએ.

એક વખત દિલ્હીમાં મારો એક કાર્યક્રમ હતો. હું દિલ્હી પહોંચ્યો ત્યારે ખબર પડી કે એ જ સાંજે અનુપ જલોટાનો પણ કાર્યક્રમ છે. થોડી વાર પછી તલતનો મને ફોન આવ્યો એટલે એ પણ ખબર પડી કે તેનો પણ પ્રોગ્રામ છે અને એ પણ દિલ્હીમાં જ છે. હું તાજમાં ઊતર્યો હતો, મારા એ બન્ને મિત્રો શહેરની બીજી હોટેલમાં હતા. અમે ત્રણેયે ફોન પર જ નક્કી કર્યું કે પ્રોગ્રામ પૂરો કરીને બધાએ મારી હોટેલ પર એટલે કે તાજ પહોંચવાનું છે. રાતે બેસીશું અને વાતો કરીશું.

નક્કી કર્યા મુજબ બધા પોતપોતાનું કામ પૂરું કરીને તાજ પર આવ્યા અને પછી અમારા ગપાટા શરૂ થયા. વાતવાતમાં હામોર્નિયમ નીકળ્યું અને ગાવાનું પણ શરૂ થયું. પહેલ તલતે કરી. તેણે પોતાની નવી ધૂન અને ગઝલો સંભળાવી. અમને બહુ મજા આવી એટલે અનુપભાઈએ હાથમાં હાર્મોનિયમ લીધું અને તેમણે પણ તેમની નવી રચનાઓ અમને સંભળાવી. એ પછી તો મેં પણ હાથ અજમાવ્યો અને એમ કરતાં-કરતાં સવાર પડી ગઈ. ત્રણ જણ એવા એકબીજાના મોટામાં મોટા પ્રતિસ્પર્ધી અને એ પછી પણ અમારામાંથી કોઈને એવો અહેસાસ પણ નહીં કે અમે બધા શું કરીએ છીએ અને શું કામ કરીએ છીએ.

અમે ત્રણે જણે ખૂબ મજા કરી. એકબીજાનું ગાવાનું માણીને ખૂબ આનંદ લીધો. એ જ રાતે વાતવાતમાં અમે નક્કી કર્યું કે આપણી વચ્ચે આટલી અન્ડરસ્ટૅન્ડિંગ છે, આટલો પ્રેમ છે, આવી યારી છે તો સાથે મળીને કંઈક કરીએ. તલત અને અનુપભાઈની પણ તૈયારી હતી જ, તેમણે તરત જ હામી ભરી અને એ વાત ત્યાં પૂરી થઈ ગઈ અને અચાનક જ, સાવ વિષય વિના અમારી વાતો મ્યુઝિક ઇન્ડિયાના ‘ખઝાના’ના દિવસો પર ચડી ગઈ અને પછી તો એ વાતોએ વળગી ગયા. આ વાતો ચાલતી હતી એ દરમ્યાન તલત અને અનુપભાઈને લગભગ એકસાથે જ વિચાર આવ્યો અને બન્નેએ એકસાથે જ કહ્યું કે, ‘હમેં ઐસા કુછ કરના ચાહિયે.’

આ પણ વાંચો : આત્મા દ્વારા આત્મા પર વિજય એ જ સુખપ્રાપ્તિનો માર્ગ

વાત અને વિચાર સારાં હતાં, પણ એને અમલમાં મૂકતાં પહેલાં શું અમે લોકોએ નક્કી કર્યું અને એ કેવી રીતે નક્કી કર્યું એની વાતો આપણે હવે પછી કરીશું.

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 01:38 PM IST | મુંબઈ | દિલ સે દિલ તક - પંકજ ઉધાસ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK