આર્જેન્ટિનાનું અદ્ભુત ટૂરિસ્ટ અટ્રૅક્શન બ્યુનોસ એર્સ

03 August, 2019 12:28 PM IST  |  મુંબઈ ડેસ્ક | ધવલ જાંગલા

આર્જેન્ટિનાનું અદ્ભુત ટૂરિસ્ટ અટ્રૅક્શન બ્યુનોસ એર્સ

આર્જેન્ટિના

પગ મેં પદમ મિલ્યા રે સાધો,
પગ મેં પદમ મિલ્યા!

કેટલીક વ્યક્તિઓના જીવનમાં પ્રવાસનો યોગ હોય છે તો કેટલાક યોગ ઊભો કરી લેતા હોય છે. એક તરફ ભારતમાં દરેક રાજ્યની પોતાની આગવી સુંદરતા છે, અઢળક પ્રાકૃતિક સૌંદર્ય છે, વિવિધ સાંસ્કૃતિક ધરોહર છે તો ભારતની બહાર પગ મૂકતાં જ એક અનોખા વિશ્વનાં દ્વાર તમારા માટે ઊઘડે છે.            

પુસ્તકનાં બે પૂઠાં વચ્ચેનું સર્જન હોય કે સોશ્યલ મીડિયા પરનો બ્લૉગ હોય, એ તમારા જીવનને એક નવી દૃષ્ટિ કે આગવું વિઝન બક્ષે છે. એમ આ આખી પૃથ્વી જ એક અદ્ભુત યુનિવર્સિટી છે! જેમ તમે પુસ્તકનાં પાનાં વાંચતા હો છો એમ પ્રવાસ તમને લોકોનાં જીવન વાંચવાની તક આપે છે. પ્રવાસ તમને વિભિન્ન દેશોની સંસ્કૃતિ સાથે જોડે છે. પ્રવાસ દ્વારા વિવિધ દેશોના ઇતિહાસ અને એની સાથે જોડાયેલા એનાં કલાત્મક પાસાં પ્રવાસીની નજર સામે ઊઘડે છે. પ્રવાસ વખતે તમે એકલા જ નથી હોતા, પણ માનવસંબંધોનું એક હૂંફાળું વર્તુળ તમારી સાથે પ્રવાસ કરે છે. પ્રવાસ એક રીતે જોઈએ તો તમને તમારી જાત સાથે પરિચય કરાવે છે.
સો ફ્રેન્ડ્સ... તમારાં શૂઝની લેસ વ્યવસ્થિત બાંધો અને આપણે નીકળી પડીએ વિશ્વનાં કેટલાંક અમેઝિંગ સ્થળોના પ્રવાસે!
સર્વપ્રથમ હું લઈ જાઉં તમને લેટિન અમેરિકા! લેટિન અમેરિકાના વિશાળ દેશ આર્જેન્ટિનાનો પરિચય દરેક સ્પોર્ટ્સપ્રેમીને છે. ફુટબૉલ રમનારા ટોચના કેટલાક દેશોમાં આર્જેન્ટિના વર્ષોથી આગળ પડતું છે. આર્જેન્ટિનાનું કૅપિટલ સિટી છે બ્યુનોસ એર્સ. વિશ્વનાં અન્ય મોટાં શહેરોની જેમ આ પણ કૉસ્મોપૉલિટન સિટી છે.
૧૯મી સદીમાં બંધાયેલાં હારબંધ કલાત્મક મકાનો સાથે, સિટી સેન્ટર પ્લાઝા ડી માયો નજીક ઊભો છે. આર્જેન્ટિનાના પ્રમુખનો મહેલ કાસા રોસાડા (પિન્ક હાઉસ). એનું સત્તાવાર નામ કાસા ડી ગોબિયર્નો છે જેનો અર્થ થાય છે ગવર્નમેન્ટ હાઉસ. પ્રમુખનું નિવાસસ્થાન ક્વિન્ટો ડી ઓલિવોસ છે જ્યારે કાસા રોસાડામાં પ્રમુખની ઑફિસ છે. આ બિલ્ડિંગમાં એક મ્યુઝિયમ પણ છે, જેમાં અગાઉના પ્રમુખની વસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે. આ મ્યુઝિયમને રાષ્ટ્રીય હિસ્ટોરિક મૉન્યુમેન્ટ ઑફ આર્જેન્ટિના તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
વર્ષ ૧૮૧૦માં આર્જેન્ટિનાના રિવૉલ્યુશન બાદ દેશને આઝાદી મળી એની યાદગીરીરૂપે જેનું નામકરણ થયું એ પ્લાઝા ડી માયો બહુ સુંદર સિટી સેન્ટર છે. ભૂતકાળ તો ૧૮૧૦થીય ૨૫૦ વર્ષ જૂનો છે. શહેરના ઇતિહાસની ઘણીબધી તવારીખ આ ચોક પાસે ધરબાયેલી પડી છે. ત્યાર બાદ ૧૮૧૦નું રિવૉલ્યુશન તથા આજની તારીખે પણ આયોજિત રાજકીય મોરચાઓને પ્લાઝા ડી માયોએ ખૂબ નજીકથી જોયા છે. આ પ્લાઝામાં બુલ રનિંગની કેટલીક સ્પર્ધાઓ પણ યોજાતી.
ઓબેલિસ્કો પણ આર્જેન્ટિનાનું રાષ્ટ્રીય સ્મારક છે. વિશાળ ચોકમાં ટાવર સમા ઊભેલા આ મૉન્યુમેન્ટની ટોચ જાણે ભૂરા આકાશ સાથે વાતો કરતી હોય એવી ભાસે છે. ૨૨૧ ફુટ ઊંચું આ મૉન્યુમેન્ટ ૧૯૩૬માં એક જર્મન કંપનીએ ફક્ત ૩૧ દિવસમાં બાંધ્યું હતું ૨૦૦૫ના ડિસેમ્બર મહિનામાં એની ટોચને પિન્ક કલરના વિશાળ કૉન્ડોમથી કવર કરવામાં આવ્યું. કારણ હતું વિશ્વ એઇડ્સ
દિવસની ઉજવણી!
રિઆશુએલો નદી પાસેનો એક વિશિષ્ટ વિસ્તાર એટલે લા બોકા. વિવિધ ખાનપાનની રેસ્ટોરાં અને સ્ટ્રીટ આર્ટિસ્ટનો શંભુમેળો એટલે લા બોકા!
સ્પેનના કોલોનિયલ શાસનની યાદ અપાવતું અન્ય એક સ્મારક એટલે ધ કેબિલ્ડો. એનું બાંધકામ આમ તો ૧૫૮૦માં થયું હતું, પણ હાલનું બિલ્ડિંગ ૧૮મી સદીમાં બંધાયું હતું. ૧૮૧૦ના સ્વાતંત્ર્ય પછી ઍડ્‍મિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ તરીકે એનો ઉપયોગ થતો. હાલમાં એને નૅશનલ મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં આવ્યું છે; જ્યાં સ્પૅનિશ શાસન, બ્રિટિશ આક્રમણ અને આઝાદીના સમયને લગતી બાબતો સાચવવામાં આવી છે.
કૅટેડ્રલ મેટ્રોપૉલિટાના નામનું કૅથેડ્રલ (ચર્ચ) બીજા ચર્ચ કરતાં અલગ સ્થાપત્ય ધરાવે છે. આ કૅથેડ્રલ ૧૬મી સદીમાં બંધાયું હતું, પરંતુ સમય જતાં ઘણી આર્કિટેક્ચરલ પદ્ધતિઓનો એના રિનોવેશનમાં ઉપયોગ થયો છે.
બારોલો પૅલેસ એક જમાનામાં બ્યુનોસ એર્સનું જ નહીં, સમગ્ર સાઉથ અમેરિકાનું સૌથી ઊંચું મકાન હતું. ૧૯૨૩માં એનું બાંધકામ પૂરું થયું ત્યારે એને બાવીસ માળ હતા. દાંતેની ડિવાઇન કૉમેડી રચનાની છાપ એના બાંધકામ પર હતી. બારોલો પૅલેસની ટોચ પરથી સમગ્ર શહેરનું વિહંગાવલોકન થાય છે. આ પૅલેસ બંધાવનાર ઇટાલિયન ઇમિગ્રન્ટ લુઇસ બારોલો દાંતેનો બહુ મોટો ચાહક હતો.
ટેંગો નામના જાણીતા ડાન્સનું ઉદ્ભવસ્થાન બ્યુનોસ એર્સ છે. અહીંની સંસ્કૃતિ પર ઇટલી અને સ્પેનની સંસ્કૃતિનો પ્રભાવ છે. સ્પૅનિશ ભાષા રોજબરોજના વ્યવહારમાં વણાયેલી છે. બે-અઢી સદી અગાઉનું યુરોપનું સ્થાપત્ય અને સંસ્કૃતિનો પ્રભાવ હજી ત્યાં સચવાયેલો જોવા મળે છે જે ટૂરિસ્ટને આ શહેર સુધી ખેંચી લાવે છે. છેલ્લી દોઢ સદીમાં વિશ્વના વિવિધ ભાગમાંથી લોકો અહીં આવી સ્થાયી થયા છે એટલે સ્પૅનિશ સિવાય બીજી ભાષા પણ કાને પડે છે.
વૉટરફ્રન્ટ પાસેનો પોર્ટો માડેરો, બેલે આર્ટનું નૅશનલ મ્યુઝિયમ, ૨૫૦૦ સીટ ધરાવતું ક્લોન થિયેટર, કાર્લોસ થેસનું બોટનિકલ ગાર્ડન, ડાઇનિંગ અનુભવ લેવાની ઇચ્છા ધરાવતા લોકો માટેનું કૅફે ટોરટોની, પ્લાઝા ડોરેગોની માર્કેટ અને રેકોલેટા સિમેટ્રી (સ્મશાનભૂમિ) જેવાં સ્થળો પણ ટૂરિસ્ટ મિસ ન કરે એવાં છે! પૅરિસની પેર લશેઝ સિમેટ્રી પછી જો નામ લેવું હોય તો રેકોલેટા સિમેટ્રીનું નામ લેવાય. પેર લશેઝમાં ભારતીય ઉદ્યોગપતિ જેઆરડી તાતાની અંતિમક્રિયા પાર પડાઈ હતી.

આ પણ વાંચો : Alisha Prajapati: આ ગુજ્જુ ગર્લ થિયેટર આર્ટિસ્ટમાંથી બની ફિલ્મ સ્ટાર

બ્યુનોસ એર્સની આસપાસ કેટલાંક અદ્ભૂત એક્સકર્શન પણ છે, જેમાં ઇગ્વાઝુ ધોધ અને ટિગ્રે ડેલ્ટાનો સમાવેશ છે. આ બધાં જ અદ્ભુત ડેસ્ટિનેશન છે અમારા બ્યુનોસ એર્સના પૅકેજના ભાગ. તમે આ બધાં સ્થળોને માણી શકશો.
આ શહેર સિવાયનાં પણ કેટલાંક અદ્ભુત સ્થળો આર્જેન્ટિનામાં છે, પણ એની વાત ફરી ક્યારેક!
બાય ધ વે, તમારી બૅગ પૅક થઈ ગઈ છેને?

columnists weekend guide