ધર્મ અને ઇતિહાસ ઇતિહાસ અને ધર્મ

08 January, 2021 02:07 PM IST  |  Mumbai | Rashmin Shah

ધર્મ અને ઇતિહાસ ઇતિહાસ અને ધર્મ

ધર્મ અને ઇતિહાસ ઇતિહાસ અને ધર્મ


રામાયણ ધર્મની આસ્થા સતત પ્રગટાવ્યા કરે છે. મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધ દરમ્યાન આપવામાં આવેલા ભગવદ્ગીતાના સંદેશને ધર્મ સરીખો ગણીને આજે પણ ગીતાને સત્યનો સાક્ષાત્કાર માનવામાં આવે છે. ભગવાન મહાવીરના જન્મથી મોક્ષ સુધીના સમયગાળાને પણ ધર્મભાવથી જોવામાં આવે છે અને ઈસુના જન્મથી હત્યા સુધીના આખા સમયગાળાને પણ ધર્મ સાથે જોડી દેવામાં આવ્યો છે, પણ આ ધર્મ નથી અને જો આ ધર્મ હોય તો એ યુગમાં દેખાતી ક્રૂરતા ક્યાંય દેખાતી ન હોત. શૂર્પણખા પણ ન હોત અને રાવણ કે કંસની પણ હયાતી ન હોત. જો રામ ધર્મ હોય તો રાવણ નામનો અધર્મ પણ એ કાળમાં હતો અને જો કૃષ્ણ ધર્મ હોય તો તેની સામે દુર્યોધન પણ અધર્મની ધજા લઈને એ કાળમાં ઊભો જ હતો.
વિના સંકોચે અને કોઈના બાપની સાડીબારી રાખ્યા વિના.
- અને જો એવું હતું તો મનમાં પહેલો પ્રશ્ન એ જન્મે કે રામ અને કૃષ્ણ ધર્મની પરિભાષા છે તો પછી દુર્યોધન કે રાવણ કયા ધર્મની સાથે જોડાયેલા છે?
ઇતિહાસ એ ધર્મ નથી, નથી અને નથી જ. ઇતિહાસ ક્યારેય ધર્મ હોઈ પણ ન શકે. ધર્મ એક લાગણી છે, ધર્મ એક પરિભાવ છે, ધર્મ એક માનસિકતા છે અને ધર્મ એક સંસ્કાર છે; પણ ઇતિહાસ એ ધર્મ નથી. હા, ધર્મની વાત કરતા એ ઇતિહાસ માટે શ્રદ્ધા હોઈ શકે પણ જો તમે એ સમયગાળાને ધર્મની સાથે સરખાવવાનો પ્રયાસ કરો તો એ બિલકુલ ઉચિત નથી. ઇતિહાસ સંસ્કૃતિ દર્શાવી શકે, સંસ્કાર નહીં. ઇતિહાસ શબ્દ આપી શકે, શબ્દહાર નહીં. રામની વાતોમાં, રામના આચરણમાં અને રામના વ્યવહારમાં ધર્મ હોઈ શકે પણ રામના સમયગાળાને અને ધર્મને નાડી-નેફાના સંબંધો નથી. રામના સમયગાળામાં પણ ધોબી પ્રગટ થયો હતો અને ધોબીએ જ સીતાના ચરિત્ર પર લાંછન લગાડ્યું હતું. જો એ સમયગાળામાં ધર્મ હતો તો ધોબીના મનમાં કુશંકાઓનો કીડો પ્રગટ ન થવો જોઈએ. જો એ સમયગાળો હતો અને એ સમયગાળો જો ધર્મ છે તો એ સમયગાળામાં ક્યાંય રાવણને પણ સ્થાન ન હોવું જોઈએ. મેઘનાદ અને કુંભકર્ણનું પણ અસ્તિત્વ હોવું નહોતું જોઈતું અને શૂર્પણખાની પણ બાદબાકી થઈ જોઈતી હતી, પણ એવું નથી થયું અને એ નથી થયું એટલે જ કહી શકાય છે કે ધર્મ અને ઇતિહાસ ક્યાંય એકબીજા સાથે જોડાયેલા નથી.
વાત જ્યારે ધર્મની હોય ત્યારે એ ધર્મના સાપેક્ષમાં જ હોતી હોય છે અને ધર્મનું જ્યાં પણ અસ્તિત્વ હોય ત્યાં અધર્મનો નાશ થતો હોય છે. ઇતિહાસ જોશો તો અત્યારે થઈ રહેલી વાતો મહાચર્ચા બની જશે એટલે આ મુદ્દાને અને વાંચ્યો છે એ ઇતિહાસને ક્યાંય જોડતા નહીં. ઇતિહાસ માત્ર ઘટનાઓ વર્ણવે છે અને ઘટનાઓ થકી એ માત્ર તવારીખ દર્શાવે છે પણ ધર્મ ઘટના અને તવારીખની વ્યાખ્યામાં ક્યાંય બંધબેસતો હોતો નથી. ધર્મ નિરપેક્ષ છે. એનું કોઈ સ્થૂળ રૂપ નથી, એનું કોઈ દૈહિક સ્વરૂપ નથી અને જે કોઈ સ્વરૂપ તમે જુઓ છો એ ધર્મનું પાલન કરનારાઓનું સ્વરૂપ છે. રામે ધર્મનું પાલન કર્યું અને એટલે આજે તે ધર્મનું પ્રતીક છે. રાવણની મૂર્તિઓ ક્યાંય જોવા મળતી નથી. શૂર્પણખાને ચૂંદડી ચડાવવા માટે કોઈ જતું નથી. શિવરાત્રિ રહેવામાં કોઈને વાંધો નથી પણ જાતવાન ભાણેજ જન્મે એવી આશાએ કોઈ મામા કંસનવમી રહેતા નથી. કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ કે રામ ધર્મનું પ્રતીક હોઈ શકે છે, કૃષ્ણ પણ પ્રતીક સમાન છે અને મહાવીર પણ ધર્મમાં ચીંધવામાં આવેલી રૂપરેખાનું પ્રતિબિંબ હોઈ શકે છે.
હવે મુદ્દો એ જન્મે કે જો આ મહાનુભાવો ધર્મ નથી, જો એ મહાનુભાવોનું જીવન ધર્મ નથી તો ધર્મ શું છે?
પ્રખર રામાયણકાર મોરારિબાપુએ એક વખત કહ્યું હતું એ જવાબ વાજબી છે. મોરારિબાપુએ કહ્યું હતું કે ધર્મ વ્યવહાર છે. જેટલો વ્યવહાર ચોખ્ખો એટલો ધર્મ સ્પષ્ટ. આ જ વાત સ્વામી સચ્ચિદાનંદ જરા જુદી રીતે સમજાવે છે. સ્વામી સચ્ચિદાનંદે કહ્યું હતું કે ધર્મ આચરણ છે. આચરણ જેટલું શુદ્ધ એટલી જ ધર્મપાલનતા મજબૂત. દલાઈ લામા સુરત આવ્યા ત્યારે તેમની પાસે પણ આ જ વાત મૂકવામાં આવી હતી અને તેમણે કહ્યું હતું કે ધર્મ એટલે નિરેપક્ષતા. વધુ એક વાર સ્પષ્ટતા કરવાની કે ધર્મ એટલે ઇતિહાસ એવું તો આ ત્રણમાંથી કોઈએ કહ્યું નહીં. હવે મૂળ વાત.
ધર્મ એટલે શું?
ધર્મ એટલે વ્યવહાર, ધર્મ એટલે આચરણ અને ધર્મ એટલે નિરપેક્ષતા. વાત ક્યાંય ખોટી નથી. તમારો વ્યવહાર કેવો છે, તમારું આચરણ કેવું છે અને તમે પરિસ્થિતિ કે સંજોગો સામે ઝૂક્યા વિના નિરપેક્ષ રહી શકો છો કે નહીં એ જ તમારી ધર્મપરાયણતા નક્કી કરે છે. આંખ સામે આવેલી વ્યક્તિનું મૂલ્યાંકન કર્યા વિના તેના પ્રત્યે રહેમ રાખીને મદદરૂપ થવાની કોશિશને જીવનપ્રવાહ બનાવવામાં આવે તો એ આચરણ છે. કોઈનો એક રૂપિયો ઘરમાં ખોટી રીતે આવી ન જાય એવી દૃઢતા મનમાં સ્થાપી રાખ્યા પછી પણ જો એવી ભૂલ થઈ જાય અને રાત આખી ઊંઘ ન આવે અને મનમાં ઉચાટ રહ્યા કરે તો એ ઉચાટ વ્યવહાર છે, આ વ્યવહાર ધર્મ છે.
ચૌદશ, આઠમ પાછળ જૈનોનું તત્ત્વજ્ઞાન કામ કરે છે, અગિયારસ પાછળ બ્રાહ્મણ અને લોહાણાઓની આસ્થા જીવંત છે, અમાસ અને પૂનમ પાટીદારો માટે મૂલ્યવાન છે પણ ઇતિહાસમાં ક્યાંય કોઈ દિવસને મોટો અને કોઈ દિવસને નાનો ચીતરવામાં નથી આવ્યો. ઈશ્વર ક્યારેય એવું કરી પણ નથી શકતો. સૂર્યની રચના પણ પ્રકૃતિએ કરી છે અને એ પ્રકૃતિ આધારિત દિવસ અને રાતનું પ્રબળ આયોજન તેણે જ કર્યું છે. કૅલેન્ડર અને નાનો-મોટો દિવસ વ્યક્તિ દ્વારા થયેલું આલેખન છે, જે આલેખનને માત્ર ફૉલો કરવામાં આવે છે. એવી જ રીતે જેવી રીતે કોઈનાં આંત:વસ્ત્રો બહાર ડોકાતાં હોય ત્યારે આંખો એને ફૉલો કરે છે. આ કૅલેન્ડર ધર્મ નથી અને આંખો જે દૃશ્ય જોવા માટે ચોરીછૂપીથી જગ્યા બનાવે છે એ દૃષ્ટિમાં પણ ધર્મ નથી. નવકારમંત્ર નહીં આવડે તો ચાલી શકે પણ નવકારમંત્રમાં ચીંધવામાં આવ્યું છે એ મુજબના જીવનનો અનાદર કરો એ યોગ્ય નથી. કારણ સીધું અને સરળ છે. ધર્મ નવકાર મંત્રમાં નથી, ધર્મ આંખોની દૃષ્ટિમાં પણ નથી અને ધર્મ કૅલેન્ડરમાં છૂપાયેલી પૂનમ, અગિયારસ અને ચૌદશમાં પણ નથી. ધર્મ વ્યવહારમાં છે, ધર્મ આચરણમાં છે અને ધર્મ નિરપેક્ષતામાં છે.

ધર્મ એટલે વ્યવહાર, ધર્મ એટલે આચરણ અને ધર્મ એટલે નિરપેક્ષતા. વાત ક્યાંય ખોટી નથી. તમારો વ્યવહાર કેવો છે, તમારું આચરણ કેવું છે અને તમે પરિસ્થિતિ કે સંજોગો સામે ઝૂક્યા વિના નિરપેક્ષ રહી શકો છો કે નહીં એ જ તમારી ધર્મપરાયણતા નક્કી કરે છે. આંખ સામે આવેલી વ્યક્તિનું મૂલ્યાંકન કર્યા વિના તેના પ્રત્યે રહેમ રાખીને મદદરૂપ થવાની કોશિશને જીવનપ્રવાહ બનાવવામાં આવે તો એ આચરણ છે.

columnists Rashmin Shah astrology