ઇચ્છા મુજબનાં રંગ-રૂપ-ગુણ બાળકનાં હોઈ શકે, જો તૈયારી તેના જન્મ પહેલાંથી થઈ હોય

25 March, 2023 06:57 PM IST  |  Mumbai | Ruchita Shah

મુંબઈમાં આજે ગર્ભસંસ્કારની બાબતમાં જાગૃતિ આવી છે અને એને માટે મદદ કરનારાઓની સંખ્યા પણ વધી રહી છે. આજે ‘ઇન્ટરનૅશનલ અનબૉર્ન ચાઇલ્ડ ડે’ નિમિત્તે ન જન્મેલાં બાળકોમાં સંસ્કારોનું સિંચન કઈ રીતે થાય છે એ જાણીએ

ઇચ્છા મુજબનાં રંગ-રૂપ-ગુણ બાળકનાં હોઈ શકે, જો તૈયારી તેના જન્મ પહેલાંથી થઈ હોય

તમારું બાળક કેવું હશે એ પ્રેગ્નન્સી પહેલાં અને પ્રેગ્નન્સી દરમ્યાન તમે કરેલી દરેક ઍક્ટિવિટી પર અવલંબિત છે. મુંબઈમાં આજે ગર્ભસંસ્કારની બાબતમાં જાગૃતિ આવી છે અને એને માટે મદદ કરનારાઓની સંખ્યા પણ વધી રહી છે. આજે ‘ઇન્ટરનૅશનલ અનબૉર્ન ચાઇલ્ડ ડે’ નિમિત્તે ન જન્મેલાં બાળકોમાં સંસ્કારોનું સિંચન કઈ રીતે થાય છે એ જાણીએ

ભારતીય સંસ્કૃતિની સૂક્ષ્મતા અને એકેક બાબતોમાં ચોકસાઈની જે પરંપરા હતી એની ગૂઢતા અને ઊંડાણ ભલભલાને આશ્ચર્યચકિત કરી દે એવી છે. આપણે પશ્ચિમના મોહમાં અટવાઈને આપણી પોતાની ઘણી ગોલ્ડન પરંપરાઓને તોડી નાખી. ૧૬ સંસ્કારોમાંનો એક સંસ્કાર એટલે ગર્ભસંસ્કાર એ એવી જ એક અતિ સાયન્ટિફિક અને લોકોના જીવનમાં સહજ વણાયેલી પદ્ધતિ હતી. સંતતિના જન્મ પહેલાં જ તેને શ્રેષ્ઠ બનાવવાના ધ્યેય સાથે મા-બાપ જાણે એક બહુ મોટો ધર્મ નિભાવતાં હોય એમ એનું પ્લાનિંગ કરીને તેને ધરતી પર અવતરતાં. આજે દુનિયાભરમાં ગર્ભપાતના વિરોધમાં ‘ઇન્ટરનૅશનલ ડે ઑફ અનબૉર્ન ચાઇલ્ડ’ મનાવાઈ રહ્યો છે ત્યારે ગર્ભની અંદર રહેલા બાળકને માત્ર જન્મ લેવાના અધિકારનું જ નહીં, પણ તેને સંસ્કારી બનાવવાની દિશામાં સક્રિય આપણી પ્રાચીન પરંપરા અને એની ઉપયોગિતા પર વાતો કરીએ. 

વિગતવાર વિધિ
આપણા ઘણા પ્રાચીન ગ્રંથોમાં ગર્ભ ધારણ કરતાં પહેલાંથી લઈને ગર્ભ રહ્યા પછીની દિનચર્યાનું વિગતવાર વર્ણન મળે છે. એના રેફરન્સ પુસ્તકોનો ઊંડો અભ્યાસ કરનારા અને પોતાના અનુભવોના આધારે ‘ધ અલ્ટિમેટ ગાઇડ ટુ ગર્ભ સંસ્કાર’ નામનું પુસ્તક લખનારા આયુર્વેદિક પ્રૅક્ટિશનર ડૉ. નૂતન પાખરે કહે છે, ‘આપણે ત્યાં જીવનના જુદા-જુદા તબક્કામાં આશ્રમ નામ આપવામાં આવ્યું છે. એમાં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતાં પહેલાં અને ગૃહસ્થાશ્રમમાં હો ત્યારે જે પ્રકારની પરંપરાને ફૉલો કરવાની છે એનું પણ વિગતવાર વર્ણન છે. બાળક માટેનું પ્લાનિંગ એ કૉન્શિયસ ડિસિઝન હોવું જોઈએ એવું શાસ્ત્રો કહે છે. તમારું બાળક હેલ્ધી હશે કે અનહેલ્ધી એનો ઘણો મોટો આધાર બાળકને કન્સીવ કરતાં પહેલાં અને કન્સીવ કર્યા પછી તમે શું કર્યું છે અને શું નહીં એના પર રહેલો છે. આજે તો આખી સિસ્ટમ જ બદલાઈ ગઈ છે. ઓછા બાળક અને લેટ પ્રેગ્નન્સીને કારણે ગર્ભસંસ્કારને વધુ પ્રમાણમાં ફૉલો કરવામાં આવે છે એ જરૂરી છે. ગર્ભ ઉપનિષદ નામના પ્રાચીન ગ્રંથમાં બાળકનો માતાના ગર્ભમાં કેવી રીતે વિકાસ થાય છેથી લઈને કેવા પ્રકારના આચાર-વિચાર હોવા જોઈએ એનું ડિસ્ક્રિપ્શન છે. ચરક સંહિતા અને સુશ્રુત શારિર સ્થાનમાં પણ એને લગતા શ્લોકો છે. ગર્ભની બહુ સુંદર વ્યાખ્યા આ ગ્રંથોમાં તમને મળશે તો સાથે જ સંસ્કારનું પણ બહુ સુંદર વિવરણ મળી આવે છે વિવિધ શ્લોકમાં. કન્સીવ કરતી વખતે જ જો કપલ ક્લિયર હોય કે તેમને કેવું બાળક જોઈએ છે તો ૧૦૦ ટકા એનો પ્રભાવ તેમના બાળક પર પડશે.’

સંસ્કારોનું આરોપણ
છેલ્લાં ચૌદ વર્ષથી કપલને ગર્ભસંસ્કાર માટે ટ્રેઇનિંગ આપતા આયુર્વેદ પ્રૅક્ટિશનર ડૉ. અભય શાહે પોતાના જીવનમાં પણ ગર્ભસંસ્કારનો પ્રભાવ જોયો છે. તેમણે સંકલ્પ વખતે જે દિવસ અને જે સમય બાળકના જન્મ વખતે નક્કી કરેલો એ જ દિવસે બાળકની ડિલિવરી થઈ. ૨૦૦૯માં પૂજ્ય આચાર્ય શ્રી રાજહંસસૂરિ મહારાજસાહેબની પ્રેરણાથી જૈન શાસ્ત્રોમાં પણ જેનું અદ્ભુત વર્ણન છે એવા ગર્ભસંસ્કારના વિષયને ઑર્ગનાઇઝ રીતે લોકોને પહોંચાડવાના ધ્યેય સાથે સંસ્કાર શક્તિ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા સાથે ક્લોઝલી જોડાયેલા ચીફ કાઉન્સેલર ડૉ. અભય કહે છે, ‘બાળક શિવાજી, સ્વામી વિવેકાનંદ કે સરકાર વલ્લભભાઈ પટેલ જેવું બને એ માટે પ્રયાસ પણ થાય તો ખોટું શું છે. બાળકોમાં શુભ ‍સંસ્કારોનું આરોપણ કરવું એનું નામ છે ગર્ભસંસ્કાર. લગભગ દરેક સંસ્કૃતિમાં અને પરંપરામાં ગર્ભવતી મહિલા શુભ કામમાં અને શુભ વિચારમાં રહે એવા પ્રયાસ થતા રહ્યા છે. કોઈ ચિત્રકામ કરે, કોઈ સંગીત સાંભળે કે કોઈ ભરતગૂંથણ કરે. દરેક માતા એવી પ્રવૃત્તિ કરે જે બાળકને શુભતા તરફ લઈ જાય.’

અનેક દાખલા
અત્યાર સુધી હજારો પેરન્ટ્સને ગર્ભસંસ્કારની ટ્રેઇનિંગ આપી ચૂકેલા ડૉ. અભય કહે છે, ‘બાળકના જન્મ પહેલાં યોગ્ય પાત્ર સાથે જીવન શરૂ થાય એ મહત્ત્વનું છે. એટલે અમારે ત્યાં તો અમે પ્રિમૅરિટલ કાઉન્સેલિંગ પણ કરીએ છીએ. એ પછી છેક સુધી બાળકનો જન્મ થાય ત્યાં સુધી સોએક જેટલાં જુદાં-જુદાં લેક્ચર્સ અને પ્રોગ્રામ્સ કપલને ઑફર કરીએ છીએ. એમાં જુદાં-જુદાં શાસ્ત્રો વુડ બી મધરને શીખવવામાં આવે, ચાર પ્રકારનાં ગણિતની ટ્રેઇનિંગ અપાય, પ્રેરણામયી કથાઓ માતાને સંભળાવવામાં આવે, મ્યુઝિકના અને આર્ટના ક્લાસ હોય. અમે એક એવી સંસ્થા છીએ જે માતાને ચાણક્યનીતિ શીખવીએ છીએ. પ્રી-પ્લાનિંગનાં ત્રણ સેશન હોય છે; સંકલ્પ, શુદ્ધિ અને સંસ્કારનાં. આખી પ્રોસેસમાં ૯ મહિનામાં ૨૬ કમ્પલ્સરી સેશન હોય છે, જે દરેક પેરન્ટ્સે અટેન્ડ કરવાનાં હોય છે. તમે માનશો નહીં, પણ અમને અત્યાર સુધી અકલ્પનીય રિઝલ્ટ મળ્યાં છે. એક મધર પોતાના બાળકની આંખો સુંદર હોય એવું ઇચ્છતી હતી તો ખરેખર ૯ મહિના દરમ્યાન તેને જેવી આંખો જોઈતી હતી એ દૃશ્યને જોયા કર્યું અને બાળક જન્મ્યું ત્યારે બિલકુલ એવી જ આંખો સાથે. આખા પરિવારમાં કોઈની એવી આંખો નહીં. કોઈને બાળકના ગાલમાં ડિમ્પલ્સ જોઈતા હોય તો એ આવ્યા હોય. અમારું મુખ્ય ધ્યેય એ હોય છે કે બાળકોમાં ગુણ આધારિત સંસ્કરણ મળે એવી ટ્રેઇનિંગ માતાને અપાય, જેથી તે કોઈ પણ ક્ષેત્રમાં જાય તો પાછો ન પડે. જેમ કે અમે ચાણક્યનીતિ શીખવીએ છીએ, તો બાળકમાં લીડરશિપના ગુણો સહજ ડેવલપ થઈ જ જાય. તેનામાં આદર્શ હોય તો સાથે તર્કબદ્ધતા પણ હોય. રુબિક્સ ક્યુબ માતા શીખે તો એનાથી બાળકમાં પણ પ્રૉબ્લેમ સૉલ્વિંગ એબિલિટી ડેવલપ થતી હોય છે. આવાં બાળકો જન્મ્યાં છે અને મા-બાપ પણ પોતે બાળકની વિશિષ્ટ ક્ષમતા અને સમજણને જોઈને દંગ રહી ગયાં છે.’

ખોટું શું છે?
ડૉ. અભય પાસે એવા કેસ પણ છે જેમાં નાળ વીંટળાઈ ગઈ હોય એ અમુક પ્રકારના સં‍કલ્પ સાથે છૂટી પડી ગઈ હોય. તેઓ કહે છે, ‘આ આખી પ્રોસેસમાં સંકલ્પનું ખૂબ મહત્ત્વ હોય છે. તમારો સંકલ્પ તમારા બાળકના ઘડતરમાં મહત્ત્વપૂર્ણ છે. અઢળક વૈજ્ઞાનિક પ્રયોગો ઑલરેડી થઈ ચૂક્યા છે જે ગર્ભમાં રહેલા બાળક અને માતા વચ્ચેના કમ્યુનિકેશનને પુરવાર કરતા હોય. અહીં અમે બાળકના નૅચરલ ગ્રોથને અમારી મરજીથી ચલાવીએ છીએ એવું નથી. અમે બાળકને ફોર્સ નથી કરતા, પણ ગાઇડ કરીએ છીએ. અમે બાળકને ગ્રો થવા માટેનું અનુકૂળ વાતાવરણ આપવાના પ્રયાસ કરીએ છીએ. જેમાં મા-બાપ માધ્યમ બને છે. ‘ડિઝાઇન યૉર ડિઝાયર્ડ ચાઇલ્ડ’ એવી અમારી ટૅગલાઇન છે એની પાછળનું ધ્યેય પણ એ જ છે કે દરેક મા-બાપ બાળકને જન્મતાં પહેલાં જ એમાં સારા સંસ્કારોનું સિંચન કરી શકે છે એવી જાગૃતિ આવે.’

બાળકોમાં ગુણ આધારિત સંસ્કરણ મળે એવી ટ્રેઇનિંગ માતાને અપાય જેથી તે કોઈ પણ ક્ષેત્રમાં પાછો ન પડે. અમે ચાણક્યનીતિ શીખવીએ છીએ તો બાળકમાં લીડરશિપના ગુણો સહજ ડેવલપ થઈ જ જાય. - ડૉ. અભય શાહ


બાળક માટેનું પ્લાનિંગ એ કૉન્શિયસ ડિસિઝન હોવું જોઈએ એવું શાસ્ત્રો કહે છે. તમારું બાળક હેલ્ધી હશે કે અનહેલ્ધી એનો ઘણો મોટો આધાર બાળકને કન્સીવ કરતાં પહેલાં અને કન્સીવ કર્યા પછી તમે શું કર્યું છે અને શું નહીં એના પર રહેલો છે. - ડૉ. નૂતન પાખરે

columnists ruchita shah