સંતાનોનું ડિપ્રેશન અને પેરન્ટ્સની જવાબદારી

14 October, 2021 07:05 PM IST  |  Mumbai | JD Majethia

આપણાં વાણી-વર્તન અને વ્યવહારની અસર સંતાનો પર માનસિક હકારાત્મક કે પછી નકારાત્મક અસર ઊભી કરવાનું કામ કરતી હોય છે

સંતાનોનું ડિપ્રેશન અને પેરન્ટ્સની જવાબદારી

જો આપણે આપણાં સંતાનોના ભવિષ્યની બાબતમાં સજાગ હોઈએ તો આપણે અમુક બાબતમાં આપણી વાણી, આપણું વર્તન અને આપણો વ્યવહાર સકારાત્મક બનાવવાં જોઈએ. કારણ, આપણાં વાણી-વર્તન અને વ્યવહારની અસર સંતાનો પર માનસિક હકારાત્મક કે પછી નકારાત્મક અસર ઊભી કરવાનું કામ કરતી હોય છે

આપણે વાત કરીએ છીએ પ્રસિદ્ધ પેરન્ટ્સનાં સંતાનો હોવું એ ફાયદો છે કે ગેરફાયદો. જેમાં ગયા ગુરુવારે મેં તમને કહ્યું એમ, જો આર્યન ખાનનું આખું નામ આર્યન શાહરુખ ખાન ન હોત તો કદાચ ૧૦૦થી વધારે લોકોનું ધ્યાન પણ આ ન્યુઝ પર ન ગયું હોત, પણ આર્યન તો શાહરુખ ખાન જેવા સુપરસ્ટારનો દીકરો છે એટલે ભારતના ૧૦૦ કરોડ લોકો હવે આ વાત જાણે છે. વાત કોઈની તરફેણની કે કોઈના વિરોધની નથી, વાત કોઈને અહીં જસ્ટિફાય કરવાની નથી અને કોઈને જસ્ટિફેકશન આપવાની મારી ગણતરી નથી, પણ જે દૃષ્ટિકોણ સાથે વાતને જોવાની છે, વાતને જે દૃષ્ટિકોણથી જોવાનું હું કહું છું એના પર ઓછામાં ઓછું ધ્યાન આપવામાં આવતું હોય છે એવું મેં નોટિસ કર્યું છે. 
આ આખી વાત અને આપણો વિષય હું બીજા પ્રકારનાં ઉદાહરણો સાથે તમને સમજાવવાનો પ્રયાસ કરું.
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન. 
અભિષેક બચ્ચન પાસેથી બૉલીવુડના જ નહીં, પણ દુનિયાના બેસ્ટ અને સફળતમ અમિતજી કરતાં વધારે સારો પર્ફોર્મન્સ અને સફળતા એક્સપેક્ટ કરવી એ યોગ્ય નથી. એવી અપેક્ષા રાખવી બિલકુલ ગેરવાજબી છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન જ નહીં, બીજા પણ આ પ્રકારના પિતા-પુત્ર માટે પણ આ જ વાત લાગુ પડે છે. વધુ એક ઉદાહરણ આપું તમને. સચિન તેન્ડુલકર અને અર્જુન તેન્ડુલકર. અપેક્ષા રાખીએ કે અર્જુન તેન્ડુલકર સચિન કરતાં વધારે સેન્ચુરી કરે. વધુ વર્લ્ડ રેકૉર્ડ બનાવે અને વધારેમાં વધારે ટેસ્ટ મૅચ રમીને એ દુનિયામાં પોતાનું નામ રોશન કરે. અર્જુન એવું કરે એ સૌને ગમે, પણ આપણે એવી અપેક્ષા રાખીને તેના પર બર્ડન વધારીએ એ યોગ્ય નથી. 
તમે જુઓ, સોશ્યલ મીડિયાનો આ બધામાં કેવો દુરુપયોગ થાય છે. ડગલે ને પગલે આવું કંઈ ને કંઈ કે પછી થોડું ઘસાતું લખતાં હોય છે. અર્જુન તો આ બધામાં હજી બહુ નજરે નથી ચડ્યો, પણ અભિષેક માટે ચાલુ જ હોય છે. આ તો અભિષેક એટલો સારો અને સીધો માણસ છે કે બહુ ખાનદાની સાથે તે આ વાતને અને એ પ્રકારની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને ફાલતુમાં લખ-લખ કરનારાઓને ફેસ કરીને પોતાની જિંદગી સરળતાથી અને સહેલાઈથી જીવવાનો પ્રયત્ન કરે છે, પણ વિચારો કે આવી વાતોનું કેવું પ્રેશર તેના પર રહેતું હશે. અભિષેક, અર્જુન પર અને તેના જેવી દરેક સફળ વ્યક્તિનાં સંતાનો પર. 
અભિષેક બચ્ચન અને અર્જુન તેન્ડુલકર જેવા તો કેટકેટલાં એક્ઝામ્પલ્સ આપણી આંખ સામે છે. તમે જુઓને ધ્યાનથી. સુનીલ ગાવસકરનો દીકરો રોહન ગાવસકર લઈ લો. સ્પોર્ટ્સ જ નહીં, મ્યુઝિકથી માંડીને આર્ટના ફીલ્ડમાં પણ આ જ છે અને પૉલિટિક્સથી લઈને રાઇટિંગ ઇન્ડસ્ટ્રી સુધી. કલા જગતમાં જ આવું હોય એવું નથી. બિઝનેસમૅનનાં સંતાનો પર પણ આવું જ પ્રેશર હોય છે અને એને લીધે તેઓ પણ સહન ન કરી શકાય એવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે.
આ બધી વાતોમાંથી આપણે એક જ વાત શીખવાની રહે છે કે કોઈના પર પણ આવું પ્રેશર ન આવવું જોઈએ. ખાસ કરીને નવી જનરેશનનાં સંતાનો પર તો આવું ન જ થવું જોઈએ. સફળ માણસોનાં સંતાનોની જ વાત નથી, નિષ્ફળ લોકોનાં સંતાનો માટે પણ આ જ વાત લાગુ પડે છે. 
દરેકને પોતપોતાની જિંદગી પોતાની રીતે, પોતાની ઇચ્છા મુજબ અને પોતાની ક્ષમતા પ્રમાણે જીવવાની, એને બનાવવાની હોય છે અને તે એ હક જન્મજાત મેળવે છે. હા, આમાં કોઈ એવી દલીલ કરી શકે કે ભાઈ, મોટા અને સફળ થયેલા પિતાની ઔલાદોને જે તકો મળતી હોય છે એવી તક બધાને નથી મળતી અને એટલે જ તેમને માટે જે એક્સપેક્ટેશન રાખવામાં આવે છે એ ગેરવાજબી નથી. એ અપેક્ષા તેમના ફૅન્સ, ફ્રેન્ડ્સ કે પછી તેમને ઓળખતા લોકોને રહેવાની જ અને એ ઊંચાઈ હાંસલ કરવાની તેમની ફરજ પણ છે. હા, આવી દલીલ થઈ શકે, પણ એ દલીલનો છેદ ઉડાડતાં હું કહીશ કે એ સંતાનોને જે આ તક મળી છે એ તક તેમને તેમના પિતા કરતાં પણ તેમના ભાગ્યએ આપી છે અને તેમનું જે ભાગ્ય હશે એ જ થશે, એવું જ થશે અને એ જ દિશામાં તેઓ આગળ વધશે. એવું બનતું પણ હોય છે અને એવું બન્યું હોય એવા દાખલા આપણા સૌની પાસે અઢળક છે અને એટલે જ કહું છું કે જો ભાગ્ય નિર્ધારિત હોય તો પછી એવી અપેક્ષા રાખવી અને આપણી અપેક્ષાનો બોજ બીજાના ખભા પર મૂકવાની ભૂલ ન કરવી જોઈએ.
આ વાત માત્ર સેલિબ્રિટીનાં સંતાનોને જ નથી લાગુ પડતી. આ વાત આપણને સૌને પણ એટલી જ લાગુ પડે છે અને આપણે પણ આ વાત પરથી સમજવાનું-શીખવાનું છે.
આપણાં પોતાનાં સંતાનો પર પણ કોઈ પ્રકારનું દબાણ ન લાવવું કે એવી ભૂલ ન કરવી. એવું પણ ન કરવું જેમાં સંતાનોને આપણા શબ્દો મહેણાં લાગે. ઘણા એવું કરી બેસતા હોય છે. અજાણતાં જ આવી ભૂલ થઈ જાય છે, પણ ગણતરીઓ માંડી દેવામાં આવે કે મહેનત કરીને તારું ઘડતર કર્યું. સમય ખર્ચી, પૈસાનું પાણી કર્યું તમને ભણાવ્યા-ગણાવ્યા એટલે તમારે આમ કરવું જોઈએ અને તેમ કરવું જોઈએ. છોકરાઓએ આમ ન કરવું જોઈએ અને તેમ ન કરવું જોઈએ. આ પ્રકારની વાતો પેરન્ટ્સે પણ ટાળવી પડશે. ઇરાદાપૂર્વક અને પૂરેપૂરી સજાગતા સાથે. હા કબૂલ, ૧૦૦ ટકા સહમત કે સંતાનોને ખોટા માર્ગે જતાં રોકવાં જ જોઈએ અને એવા સમયે તેમને વારવાં જ પડે, એ પછી પણ એટલું જ સાચું કે એ સિવાયની બાબતોમાં બધું તેમના પર છોડી દેવું જોઈએ. સ્વીકારવું જ રહ્યું કે આજકાલની સ્પર્ધાનું પ્રેશર બહુ બધું હોય છે, જે થોડા સમય પહેલાં કે પછી કહો કે આપણે જ્યારે આજની આ નવી જનરેશનની એજના હતા ત્યારે આટલી માત્રામાં નહોતું.
તમે ઘણી વાર યંગના સુસાઇડના ઘણા સમાચાર વાંચ્યા હશે. એ માનસિક તાણનું પરિણામ છે. આ જનરેશન જે માનસિક તાણ અનુભવે છે એ તેમને કયાં પગલાં સુધી ખેંચી જાય છે એની જાણ હવે આપણને થવા માંડી છે ત્યારે એ પ્રેશર, એ તાણ, એ માનસિક તાણ ક્યાં-ક્યાંથી બિલ્ટ થાય છે એ જાણવાની કોશિશ કરશો તો એમાં ક્યાંક ને ક્યાંક આપણી જાત પણ દેખાશે અને સમજાશે કે આપણે અજાણતાં જ એમાં ભાગ ભજવતા હોઈએ છીએ. આ સોશ્યલ મીડિયા અને મીડિયાનું પ્રેશર બહુ ભયંકર અને ભયાનક હોય છે. સમાજમાં, ફ્રેન્ડ સર્કલમાં બધી ખબરો પળભરમાં, આંખ ઝબકતાં ફેલાઈ જાય છે અને એનાં પરિણામ ભોગવવાનો કે પછી લોકોને જવાબ આપવાનો વારો આવે એ પહેલાં આ બધાથી દૂર ભાગી જવાનો જે ઍટિટ્યુડ છે, એ મોટા ભાગે વ્યસન તરફ કે પછી કોઈક વાર આત્મઘાતી પગલા તરફ લઈ જવાનું કામ કરે છે. એવું બને નહીં અને નવી પેઢી સુરક્ષિત રીતે પોતાનું જીવન જીવે એ માટે આપણે જવાબદાર નાગરિક, વ્યક્તિ તરીકે ફરજ નિભાવીએ અને એવી વાતોના ફેલાવાનો ભાગ ન બનીએ જેથી આપણે કોઈના જીવનો ભોગ લેનારાઓનો ભાગ ન બનીએ એ જ આખી વાતનો સૂર છે. બાકી, મળીએ આવતા ગુરુવારે. નવી વાત, નવા વિષય અને નવી ચર્ચા સાથે.

અજાણતાં જ ગણતરીઓ માંડી દેવામાં આવે કે મહેનત કરીને તારું ઘડતર કર્યું. સમય ખર્ચી, પૈસાનું પાણી કર્યું. તમને ભણાવ્યા-ગણાવ્યા એટલે તમારે આવું કરવું જોઈએ અને આમ જ 
કરવું જોઈએ. છોકરાઓએ આમ ન કરવું જોઈએ અને તેમ ન કરવું જોઈએ એ પ્રકારની વાતો પેરન્ટ્સે ટાળવી જોઈએ.

columnists JD Majethia