વધી રહ્યું છે નાની વયની મહિલાઓમાં ગર્ભાશયની થેલી કઢાવવાનું પ્રમાણ

12 February, 2019 12:08 PM IST  |  | દર્શિની વશી

વધી રહ્યું છે નાની વયની મહિલાઓમાં ગર્ભાશયની થેલી કઢાવવાનું પ્રમાણ

પ્રતીકાત્મક તસવીર

‘ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી’વાળી માનસિકતા ગર્ભાશયની બાબતમાં મહિલાઓ સેવી રહી છે. નસ ઢીલી થવાથી ગર્ભાશય નીચે આવવું અથવા એમાં ટ્યુમર થવું, ઇન્ફેક્શન લાગવું, મેનોપૉઝ પૂર્વે ઓવરબ્લીડિંગ, માસિક ચક્ર આગળ-પાછળ થવું જેવા અનેક પ્રકારનાં પ્રૉબ્લેમ્સ આજે ૫૦ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ ભોગવી રહી છે

‘અરે બહેન, સાંભળ્યું કે પેલી સરિતાની વહુનું ગઈ કાલે ઑપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખ્યું!’ ‘અરે બાપ રે, શું વાત કરે છે? તે તો હજી માંડ ૪૦એ પહોંચી છે, આટલી વયમાં આવું ઑપરેશન?’

આવાં વાક્યો અને સંવાદ છેલ્લા ઘણા સમયથી આપણા કાને અથડાઈ રહ્યાં છે.

ગર્ભાશયને સંબંધિત સમસ્યા ધરાવતી મહિલાઓની સંખ્યા વધવા લાગી છે. ગર્ભાશયમાં ઇન્ફેક્શન લાગવું, નસ ઢીલી થવાથી ગર્ભાશય નીચે આવવું, ગર્ભાશયમાં ટ્યુમર, મેનોપૉઝ પૂર્વે ઓવરબ્લીડિંગ, હૉર્મોન્સમાં ફેરફાર થવાથી માસિક ચક્ર આગળ-પાછળ થવું જેવા અનેક પ્રૉબ્લેમ આજે વધુ જોવા મળી રહ્યા છે, જેમાં આ પ્રૉબ્લેમનો સામનો કરનારી સૌથી વધુ મહિલાઓ ૫૦ વર્ષની વય કરતાં પણ ઓછી ઉંમરની મહિલાઓ છે. આમાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે આજકાલની નાની ઉંમરની મહિલાઓ ગર્ભાશયની સમસ્યા આવે એટલે એનો ઇલાજ કરવા કરતાં ગર્ભાશય કાઢી નાખવાનું વધુ પ્રિફર કરે છે, જેનો ડૉક્ટરો વિરોધ પણ કરે છે. શું કામ આ સમસ્યાઓ વકરી છે અને એને ન કાઢવાની સલાહ સ્ત્રીનિષ્ણાત ડૉક્ટરો શું કામ આપે છે એ વિશે વાત કરીએ.

સાચી વાત

સરેરાશ રોજનો એક પેશન્ટ તો મારી પાસે ગર્ભાશયને સંબંધિત સમસ્યા લઈને આવે જ છે એમ જણાવીને ગાયનેકોલૉજિસ્ટ ડૉ. મનીષા દેસાઈ કહે છે, ‘માસિક વખતે બ્લીડિંગ બહુ થાય છે અને પેટમાં બહુ દુખે છે. માસિક અનિયમિત આવે છે. સફેદ પાણી પડે છે. સારું નથી લાગતું. શરીર બહુ દુખે છે. થાક-થાક લાગે છે જેવી ગર્ભાશયને સંબંધિત ફરિયાદો લઈને આવતા પેશન્ટની સંખ્યા વધી રહી છે.’

ગર્ભાશય શરીરનો અત્યંત મહત્વનો અવયવ છે જે અનેક પ્રકારે કાળજી માગી લે છે. ડૉ. મનીષા દેસાઈ કહે છે, ‘જેમ એક સ્ત્રી તેના બાહ્ય સૌંદર્યને લઈને સતર્ક રહે છે તેમ જો તે તેના આંતરિક સૌંદર્યને લઈને પણ સચેત રહે તો બીમારી ઘર કરતી નથી. સામાન્ય રીતે ગર્ભાશય નીચે આવવાના અને એમાં ઇન્ફેક્શન થઈ જવાના કેસ અમુક ઉંમર પછી એટલે કે ૬૦ વર્ષ કે તેથી વધુની ઉંમરના લોકોને જ વધુ હોય છે. પરંતુ ૫૦ વર્ષની અંદરની મહિલાઓને સૌથી મોટી સમસ્યા બ્લીડિંગની અને એને સંબધિત સમસ્યાઓની જ હોય છે જેમાં ૪૦-૫૦ વર્ષની મહિલાઓને સામાન્ય રીતે મેનોપૉઝનો પ્રૉબ્લેમ સતાવતો હોય છે; જ્યારે ૪૦થી ઓછી ઉંમરની મહિલાઓ અનિયમિત માસિક ચક્ર, વાઇટ ડિસ્ચાર્જ સહિત અનેક સમસ્યાઓ લઈને આવતી હોય છે. એમાંના મોટા ભાગના કેસ દવાથી અને ટ્રીટમેન્ટથી રિકવર થઈ જવાની શક્યતા હોવા છતાં કેટલાક કેસમાં ગર્ભાશય કાઢવું જરૂરી બની જાય છે, જેનું એક કારણ આજની મોટા ભાગની મહિલાઓમાં જોવા મળી રહેલો ધીરજનો અભાવ પણ છે. મોટા ભાગના કેસમાં દવા અને ટ્રીટમેન્ટ ઉપલબ્ધ હોવા છતાં ઘણા પેશન્ટ ઑપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખવા માગે છે.’

ડૉ. મનીષા એ સ્પષ્ટતા પણ કરે છે કે સામાન્ય રીતે ગર્ભાશય કાઢવાથી સર્જિકલ કૉમ્પ્લીકેશન આવી શકે છે. તેઓ કહે છે, ‘ગર્ભાશયની સમસ્યા દવાથી સામાન્ય બની શકે છે તો સર્જરીનો આગ્રહ ન કરવો જોઈએ. ભલે બાળકને જન્મ આપવા માટેનું મહિલાના શરીરના ઘર તરીકે આપણે ગર્ભાશયને ઓળખીએ છીએ અને બાળક થઈ ગયા પછી એનું શું કામ એવું મહિલાઓ વિચારી શકે છે, પણ આ વિચારધારા ખોટી છે. ગર્ભાશય કાઢી નાખ્યા પછી સપોર્ટ સિસ્ટમને અસર થાય છે. ઘણી મહિલાઓ ગર્ભાશય કઢાવ્યા પછી ઇમોશનલી પડી ભાંગે છે અને એમ માને છે કે તેમનું સ્ત્રીતત્વ જતું રહ્યું. અગેઇન, આ પણ ખોટો વિચાર છે. મહત્વનું એ છે કે અત્યંત જરૂર ન હોય ત્યાં સુધી વાઢકાપથી બચવું.’

સહનશક્તિ ઘટી ગઈ છે

એવું નથી કે ગર્ભાશયને સંબધિત પ્રૉબ્લેમ આજના સમયના છે. અગાઉ પણ બધાને પ્રૉબ્લેમ આવતા હતા, પણ પેશન્ટ્સનો આંકડો નાનો હતો. એ સમયે સોશ્યલ મીડિયા અને ટેક્નૉલૉજીના અભાવને લીધે લોકોને આ વિશે જાણકારી મળતી નહોતી, જેને લીધે લોકો ઘરગથ્થુ ઉપાયોગ જ કરતા તેમ જ જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી સહન કરી લેતા હતા. આજે લોકોમાં બીમારીને લઈને ગભરાટ વધ્યો છે. ડૉ. મનીષા દેસાઈ કહે છે, ‘આજે આવતા ગર્ભાશયના કેસમાં દસમાંથી ચાર જ કેસ એવા હોય છે જેને અમે ગર્ભાશય કાઢી નાખવાની સલાહ આપીએ છીએ. બાકીના કેસ દવા અને ટ્રીટમેન્ટથી રિકવર થઈ જતા હોય છે તેમ છતાં પેશન્ટમાં ધીરજ રહેતી નથી. આજે મારી પાસે એવા પણ કેસ આવે છે જેમને માસિકમાં બ્લીડિંગ વધુ થાય છે, જેનું કારણ હૉર્મોન્સ છે. તેમને મેં તપાસીને ત્રણચાર મહિનાની દવા લખી હોય, પરંતુ તેઓ આવી પરિસ્થિતિ ત્રણચાર મહિના સુધી સહન કરવા તૈયાર નથી અને દવા પછી પણ પરિસ્થિતિ નહીં બદલાય તો એવા પ્રશ્નોના મારા કરે છે અને ગર્ભાશય કાઢી નાખવા માગે છે. હવે પેશન્ટ ગૂગલ પરથી જાતે જ બધાં કારણો અને બીમારીનાં ચિહ્નો શોધી લાવે છે અને જાતે ડૉક્ટર બની જાય છે. કોઈ પણ સામાન્ય બીમારીને પણ કૅન્સર અને બીજા રોગની સાથે સરખાવી મૂકે છે. આવા પેશન્ટને હૅન્ડલ કરવા અમારા માટે ઘણી વખત કઠિન બની જાય છે.’

બીમારી કરતાં ભય વધુ

અવેરનેસ વધવાને લીધે આજે હેલ્થમાં જરાપણ અપડાઉન જોવા મળે કે તરત જ લોકો સીધા ડૉક્ટર પાસે પહોંચી જવા લાગ્યા છે. ઘણી વખત જરૂર ન હોવા છતાં પણ રિપોર્ટ કઢાવવાનો આગ્રહ પણ કરતા હોય છે. એક રીતે તો એ સારું છે, પરંતુ એ બધાને લીધે મનમાં ભય ઊભો કરી લે છે. ડૉ. મનીષા દેસાઈ કહે છે, ‘ઘણા કેસમાં ગર્ભાશયમાં ગાંઠ આવે છે, પરંતુ એ શેની ગાંઠ છે એ જાણ્યા વિના એને કૅન્સરની ગાંઠ સમજી બેસે છે અને કૅન્સર ફેલાઈ જવાના ભયે ગર્ભાશય જ કઢાવી નાખવાની જીદ કરે છે. ઘણા કેસમાં ગર્ભાશય કાઢી નાખવું એકમાત્ર વિકલ્પ હોતો નથી, ઘણા એવા પ્રૉબ્લેમ પણ હોય છે જેને અમે બલૂન થેરપી, થેલીનો કચરો સાફ કરીને તેમ જ ફાઇબ્રૉઇડની ગાંઠ કાઢીને પણ ઉકેલી લઈએ છીએ, પરંતુ આ બધા માટે જરૂરી છે ધીરજ.’

આ રહ્યાં કારણો

અનિયમિત માસિક, સરેરાશ કરતાં વધુ બ્લીડિંગ, એનિમિયા; જેને લીધે તમારો ચહેરો નિસ્તેજ બને છે, થાક વધુ લાગે, એનર્જીની ઊણપ, હૉમોર્ન્સ ઉપર-નીચે થવાથી ચીડિયો સ્વભાવ થવો વગેરે... આવા પ્રકારની સમસ્યા ઊભી થવા પાછળનું મુખ્ય કારણ છે લાઇફ-સ્ટાઇલમાં બદલાવ. ભાગદોડ વધી છે, જેને લીધે એની પાછળ સ્ટ્રેસ પણ આવે છે જેના લીધે બધા પ્રૉબ્લેમ આવે. ડૉ. મનીષા દેસાઈ કહે છે, ‘આ સિવાય બીજું કારણ છે ફૂડ. આજે આપણે ડેઇલી ફૂડ ડિશમાં ગ્રીન વેજિટેબલ્સ અને ફ્રૂટનું સ્થાન ઘટાડી દીધું છે. આ ઉપરાંત કૉલેસ્ટરોલના ડરે દૂધ પણ લેવાનું ઓછું કરી દીધું છે. ભારત જેવા દેશમાં સૂર્યનો પ્રકાશ અને એનાં કિરણો ભરપૂર લેવાનો લહાવો મળે છે છતાં એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નથી. સૂર્યનાં કિરણો શરીરને મળતાં નથી એથી વિટામિન Dની ઊણપ વધે છે. આમ શરીરને જે જરૂરી વિટામિન્સ અને મિનરલ જોઈએ છે એ એને મળી શકતાં નથી.’

આ પણ વાંચો : તમારું બાળક બ્રશ કરવા રોજ કેટલી ટૂથપેસ્ટ વાપરે છે?

શું કરી શકાય?

આમ તો સ્ત્રીઓ બાહ્ય સૌંદર્યને લઈને ખૂબ જ સચેત રહે છે, પરંતુ જ્યારે આંતરિક સૌંદર્યની વાત આવે ત્યારે એમાં પાછળ પડે છે. ગર્ભાશયની સમસ્યા ન આવે એ માટે આપણે આપણી તરફથી શું ધ્યાન રાખીએ શકીએ એ સંદર્ભે ડૉ. મનીષા દેસાઈ કહે છે, ‘ગ્રીન વેજિટેબલ્સ, સીઝનલ ફ્રૂટ્સ, દૂધ અને દૂધની બનાવટની પ્રોડક્ટ્સ વગેરેનું સેવન વધારવું. કૅલ્શિયમનો ઇન્ટેક વધારવો. સવારે ઊગતા સૂર્યનાં કિરણોની નીચે થોડા સમય માટે ઊભાં રહેવું. ઉંમર વધે એમ લો ફૅટ અને હાઈ ફાઇબર ધરાવતા ખાદ્ય પદાર્થોનો ખોરાકમાં સમાવેશ કરવો અને લાસ્ટ બટ નૉટ ધ લીસ્ટ એક્સરસાઇઝ ઇઝ મસ્ટ. તમને જે ગમે અને જે ફાવે એ એક્સરસાઇઝ રોજ કરવી.’

columnists life and style