24 August, 2025 02:56 PM IST | Russia | Aashutosh Desai
ઝેલેન્સ્કી અને પુતિન
ત્રણ બાજુએ કાળો સમુદ્ર અને એક તરફ ઍઝોવના સમુદ્રથી ઘેરાયેલા કિલ્લા જેવા જમીનના આ ટુકડાને કબજે કરવા માટે સેંકડો વર્ષોથી અહીં યુદ્ધ ખેલાતાં આવ્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં પણ રશિયા એક જ વાત કહી રહ્યું છે કે ક્રિમિયા વર્ષોથી રશિયાનો અભિન્ન અંગ રહ્યું છે અને યુક્રેન કહી રહ્યું છે કે ક્રિમિયા એનું છે અને એ એને પાછું નહીં મળે ત્યાં સુધી યુદ્ધવિરામ નહીં થાય. બન્ને દેશોના રાજકીય ઈગોનાં મૂળ ઇતિહાસના કયા ખૂણે વાવવામાં આવ્યાં હતાં એ આજે જાણીએ
રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આપણે નોંધ્યું છે કે દેખીતી રીતે રશિયા યુદ્ધ તો યુક્રેન સાથે લડી રહ્યું છે, પરંતુ એ યુદ્ધ માટે એને યુક્રેન સામે કોઈ માગણી કે ફરિયાદ નથી. યુદ્ધ શરૂ થયું ત્યારથી લઈને આજ સુધી રશિયાની દરેક માગણી અને ફરિયાદ નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO) અને અમેરિકા સામે જ છે. એનું કારણ એ છે કે NATOને મજબૂત કરવાનું કહીને, NATO દેશોને સહાયભૂત થઈ રહ્યા હોવાનું દેખાડીને અમેરિકા રશિયાને ચોતરફથી ઘેરવાની યોજના બનાવી રહ્યું છે. રશિયાના સરહદી પાડોશી દેશોમાં અમેરિકા પોતાનો ચંચૂપાત એટલી હદે વધારી રહ્યું છે કે એણે આ દેશોની સરહદે મિસાઇલ્સ સુધ્ધાં ગોઠવાવી દીધાં જેથી રશિયા ક્યારેય જરાસરખું પણ અણછાજતું પગલું ઉપાડે કે તરત એના પર હુમલો કરી શકાય. આ જ આશયથી અમેરિકા ઘણા લાંબા સમયથી પાછલા બારણેથી યુક્રેનની કાનભંભેરણી કરી રહ્યું છે કે એ NATOમાં સામેલ થઈ જાય. એની સામે રશિયાએ સખત વિરોધ નોંધાવ્યો છે. એ કહી રહ્યું છે કે એને લેખિતમાં ખાતરી આપવામાં આવે કે યુક્રેન ક્યારેય NATOનું મેમ્બર નહીં બને.
વર્ષોથી ચાલી રહેલા આ યુદ્ધનો અંત આવે એ માટે અનેક દેશોએ રશિયા અને યુક્રેન સાથે અનેક મીટિંગ્સ કરી, સમજાવ્યાં, મધ્યસ્થી કરવાની તૈયારી પણ દેખાડી; પરંતુ એમ છતાં હજીયે યુદ્ધ ખતમ થવાનાં કોઈ એંધાણ દેખાઈ નથી રહ્યાં. યુદ્ધવિરામ, મધ્યસ્થતા, મીટિંગ્સ, મુદ્દાઓ અને શરતો આ બધી વાતો દર વખતે એક જગ્યાએ આવીને અટકી જાય છે - એ છે ક્રિમિયા! રશિયાને ક્રિમિયા પર કબજો જોઈએ છે અને યુક્રેન ક્રિમિયા છોડવા તૈયાર નથી. કેમ? ક્રિમિયા એવું તે કેવું મહત્ત્વનું છે કે બન્ને દેશોની સોય આ એક જ બાબત પર અટકી પડી છે? આ રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે પણ રશિયાએ સૌથી પહેલાં ક્રિમિયા પર જ પોતાનો કબજો જમાવવાનું કામ કર્યું હતું.
કાળા સમુદ્રનો પેનિન્સુલા
એક એવો જમીનનો ટુકડો જેની ત્રણે દિશા કાળા સમુદ્રથી ઘેરાયેલી છે અને ચોથી દિશામાં ઍઝોવનો સમુદ્ર. ઍઝોવ અને કાળા સમુદ્રને જોડતો એક નાનો પટ્ટો જે ક્રિમિયાનો છેડો છે એને કર્ચ સ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. વાત એમ છે કે વર્તમાનમાં અને ભૂતકાળમાં પણ ક્રિમિયાના ઇતિહાસના છેડા યુક્રેન અને રશિયા બન્ને સાથે જોડાયેલા છે. આમ જોવા જઈએ તો ૨૦૨૨થી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધનો મુખ્ય મુદ્દો જ ક્રિમિયા છે, પણ શા માટે અને કઈ રીતે? એ જાણવા માટે આપણે વિગતોમાં થોડા ઊંડા ઊતરવું પડે.
કાળા સમુદ્ર અને ઍઝોવ સમુદ્રની વચ્ચે સ્થિત ક્રિમિયા આજથી નહીં વર્ષોથી શક્તિશાળી રાજ્યો માટે અત્યંત મહત્ત્વનો જમીની હિસ્સો રહ્યો છે. સમુદ્રથી ઘેરાયેલો હોવા છતાં ખૂબ ઉપજાઉ અને વેપાર-વાણિજ્ય તથા કૂટનીતિની દૃષ્ટિએ પણ મહત્ત્વ ધરાવતા જમીનના આ ટુકડા પર ૨૦૧૪માં એક જનતાના રેફરેન્ડમ દ્વારા રશિયાએ કબજો કરી લીધો હતો. ત્યારથી રશિયા વિશ્વને એક જ વાત કહી રહ્યું છે કે ક્રિમિયા વર્ષોથી રશિયાનો અભિન્ન અંગ રહ્યું છે અને યુક્રેન કહી રહ્યું છે કે ક્રિમિયા એનું છે અને એ એને પાછું નહીં મળે ત્યાં સુધી યુદ્ધવિરામ નહીં થાય. એવા ક્રિમિયાને પ્રાચીન સમયમાં ગ્રીક લોકો ‘તોરિડા’ તરીકે ઓળખતા હતા. વિશ્વના ઇતિહાસના પાને નજર નાખીએ તો ક્રિમિયા પર સૌથી પહેલું શાસન સ્થપાયું હતું ગ્રીક પ્રજાનું. ત્યાર બાદ બીજા મોટા શાસક તરીકે ક્રિમિયા રોમન રાજવીઓના નેજા હેઠળ પણ જીવ્યું છે. બે-બે સમુદ્ર વચ્ચે જમીનનો ટુકડો હોવાને કારણે વ્યાપારની દૃષ્ટિએ ક્રિમિયા વર્ષો પૂર્વેથી મહત્ત્વનો પ્રદેશ સાબિત થયો છે.
તેરમી શતાબ્દીનો સમય યુરોપમાં શક્તિપ્રદર્શન અને વિસ્તારવાદનો સમય રહ્યો છે. આ જ સદી દરમ્યાન મંગોલો ક્રિમિયા આવ્યા અને એમની ગોલ્ડન હોલ્ડ સેનાએ આખા ક્રિમિયા પર પોતાનું નિયંત્રણ અને શાસન સ્થાપી દીધું હતું. આ મંગોલોના શાસનકાળ દરમ્યાન ક્રિમિયામાં ક્રિમિયન ખાંતેયનો ઉદય થયો અને સ્થાનિક પ્રજા અર્થાત્ ક્રિમિયન તાતાર સમુદાય એક પ્રભાવી શક્તિ તરીકે ઊભર્યો. અહીં આ જ તાતાર સમુદાયને કારણે આપણને મળે છે જમીનના આ ટુકડાનું નામ ક્રિમિયા કઈ રીતે પડ્યું એની જાણકારી. વાસ્તવમાં તાતાર સમુદાયની સ્થાનીય ભાષાનો શબ્દ છે ‘ક્રિમ’, જેનો અર્થ થાય પથ્થરનો કિલ્લો! બન્ને સમુદ્રની વચ્ચે તરી રહ્યો હોય એવા આ જમીની હિસ્સા પર બનેલા મોટા, મજબૂત અને સુરક્ષિત કિલ્લાને કારણે તાતાર સમુદાય એમના આ વિસ્તારને ક્રિમિયા તરીકે ઓળખવા માંડ્યો.
મંગોલોના શાસનનો અંત સમય અને ઑટોમન શાસનનો ઉદય. ૧૪૭૫માં ઑટોમન સામ્રાજ્યએ ક્રિમિયા જીતી લીધું અને પોતાના નેજા હેઠળ કરી લીધું. ત્યાર બાદ ત્રણ-ત્રણ શતાબ્દી સુધી ક્રિમિયામાં તુર્કીઓનું શાસન રહ્યું. જોકે જેનો ઉદય છે એનો અંત એક દિવસ જરૂર છે જ. પ્રકૃતિના એ જ નિયમ અનુસાર ૧૭૭૪માં ફરી એક વાર ક્રિમિયા પર આધિપત્ય બદલાયું. રશિયાના સમ્રાટ કૅથરિન ધ ગ્રેટએ ઑટોમન સામ્રાજ્ય પર હુમલો કર્યો અને એ યુદ્ધમાં ઑટોમનને હરાવીને ક્રિમિયા પર અંશતઃ કબજો મેળવ્યો. ધીરે-ધીરે એક પછી એક વિસ્તાર સર કરતાં-કરતાં આખરે ૧૭૮૩ સુધીમાં આખા ક્રિમિયાને સત્તાવાર રીતે રશિયન સામ્રાજ્યમાં સામેલ કરી લીધું.
આ જ એ સમય હતો જ્યારે ક્રિમિયામાં જ નહીં, પરંતુ ક્રિમિયા દ્વારા આખા વિશ્વમાં રશિયન સામ્રાજ્યની સામાજિક અને રાજનૈતિક ઓળખ મજબૂત થવા માંડી. એટલું જ નહીં, ક્રિમિયાને પણ એક રશિયન સમાજ અને રાજનૈતિક ક્ષેત્ર તરીકે નવી ઓળખ મળી. ધીરે-ધીરે આખા ક્રિમિયામાં રશિયન વસ્તી પણ વધતી ગઈ અને શાસન પણ રશિયન ભાષામાં જ થવા માંડ્યું. એને કારણે તાતાર સમુદાય, તાતાર લીડર્સ અને ક્રિમિયાની એ તાતાર ઓળખ પણ પાછળ છૂટવા માંડી.
ત્યાર બાદ વીસમી સદીમાં ફરી એક વાર ક્રિમિયા એક મહત્ત્વના યુદ્ધનું સાક્ષી બન્યું અને એ યુદ્ધ આજે પણ આખા વિશ્વમાં ક્રિમિયન યુદ્ધ તરીકે જ ઓળખાય છે. ૧૮૫૩થી ૧૮૫૬ એમ ત્રણ વર્ષ સુધી ચાલેલા આ યુદ્ધમાં રશિયન સેનાનો સામનો બ્રિટન અને ફ્રાન્સની સંયુક્ત સેના સાથે થયો. આમ તો આ યુદ્ધનો મુખ્ય ઉદ્દેશ હતો યુરોપમાં વધી રહેલો રશિયાનો દબદબો ઓછો કરવો, પરંતુ એ યુદ્ધમાં પણ રશિયન આર્મીની ક્રિમિયા પર પકડ મજબૂત જ રહી.
ત્યાર બાદ ૧૯૧૮ના સમયગાળામાં ફરી એક વાર ક્રિમિયા મોટા બદલાવમાંથી પસાર થયું જ્યારે સોવિયેટ યુનિયનનો સમય શરૂ થઈ ચૂક્યો હતો. બોલ્સેવિકોએ તાતાર સેના અને એમના આધિપત્યને હરાવીને આ ક્ષેત્રનો કબજો લઈ લીધો અને ત્યાર બાદ એને સોવિયેટ સંઘમાં સામેલ કરી લેવામાં આવ્યું. એથી ૧૯૨૧માં એને એક નવું નામ મળ્યું ‘ક્રિમિયન ઑટોનોમસ સોવિયેટ સોશ્યલિસ્ટ રિપબ્લિક’. એ સમયે તો વાસ્તવમાં આ એક નવું નામ નહીં પરંતુ નવો દરજ્જો ગણાતું હતું.
ક્રિમિયાનો દયનીય અધ્યાય
ભૂતકાળમાં ક્રિમિયાએ અનેક યુદ્ધો જોયાં હતાં, લડ્યાં હતાં અને અનેક શાસકો પણ થયા; પરંતુ ક્રિમિયાના ઇતિહાસનું જો કોઈ સૌથી દયનીય પાનું હોય તો એ છે બીજા વિશ્વયુદ્ધનો સમય. આ યુદ્ધ ક્રિમિયા માટે ખૂબ પીડાઓ લઈને આવ્યું હતું. સોવિયેટ લીડર જોસેફ સ્ટૅલિને ક્રિમિયન્સ નાઝીઓના તરફદાર છે અને તેમને મદદ કરે છે એવા આરોપ સાથે લગભગ બે લાખ જેટલા તાતારોને ઉઝબેકિસ્તાન અને મધ્ય એશિયામાં નિર્વાસિત કરી મૂક્યા. આ નિર્વાસન દરમ્યાન હજારો લોકો રસ્તામાં જ મૃત્યુ પામ્યા અને જે અભાગિયાઓ બચી ગયા હતા તેમણે કંઈકેટલાય દશકો સુધી પોતાની માતૃભૂમિથી દૂર રહેવું પડ્યું.
આજના વિવાદનું મૂળ ૧૯૫૪માં
ક્રિમિયા માટે ૧૯૫૪ એક એવું વર્ષ સાબિત થયું જેણે એની જમીન પર વિવાદનાં મૂળ રોપી દીધાં અને એ સંઘર્ષ વર્ષોવર્ષ સુધી ચાલ્યો. સોવિયેટ નેતા નિકિતા ખુશ્ચેવ દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો જેને કારણે ક્રિમિયા કાયમ એક વિવાદી જમીન બની રહ્યું. નિકિતા ખુશ્ચેવે જાહેર કર્યો કે યુક્રેન અને રશિયા વચ્ચે ભાઈચારાના પ્રતીકરૂપે ક્રિમિયાને રશિયાથી અલગ કરી દઈને યુક્રેનને ભેટમાં આપી દેવામાં આવે. આ એ સમય હતો જ્યારે સોવિયેટ સંઘ એકજૂથ હતો. અર્થાત્ યુરોપના અનેક દેશો એક નેજા હેઠળ, એક સમજૂતી હેઠળ ભેગા મળી જીવતા હતા. આથી નિકિતા ખુશ્ચેવના એ નિર્ણય સામે કોઈ પણ નેતાએ વિરોધ પણ ન નોંધાવ્યો.
જોકે ગ્રાઉન્ડ રિયલિટી જોઈએ તો નિકિતાનો નિર્ણય અતાર્કિક અને અસંબંધવાળો જણાય છે, કારણ કે નિકિતાએ જ્યારે આ નિર્ણય જાહેર કર્યો ત્યારે ક્રિમિયાની ૯૦ ટકા વસ્તી રશિયન હતી જે રશિયન ભાષા બોલતી હતી. તેમની રોજિંદી જીવનશૈલી અને પરંપરા પણ રશિયન હતી. હવે ૯૦ ટકા વસ્તી રશિયાની હોવા છતાં એક નેતાના નિર્ણયને કારણે અચાનક એ પ્રદેશ અને એની પ્રજા યુક્રેનિયન શાસન હેઠળ આવી ગઈ.
જોકે યુરોપ માટે મોટો બદલાવ આવ્યો અને સોવિયેટ યુનિયન તૂટી પડ્યું. ૧૯૯૧માં યુક્રેન એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું અને ક્રિમિયાને એક સ્વાયત્ત ક્ષેત્ર તરીકેનો વિશેષ દરજ્જો આપવામાં આવ્યો. આ એ સમય હતો જ્યારે પેલા વર્ષોથી નિર્વાસિત પરિસ્થિતિમાં જીવતા તાતારોને ફરી પોતાની માતૃભૂમિ તરફ વળવાનો મોકો મળ્યો હતો. આજુબાજુના પ્રદેશોથી લઈને દૂરસુદૂરથી નિર્વાસિત તાતારોએ ફરી ક્રિમિયા તરફ પ્રયાણ કર્યું. વર્ષો પછી પોતાના ઘરે પાછા ફરેલા તાતારો અને તેમની સાથે રહેતી રશિયન પ્રજા. ક્રિમિયા ફરી પોતાની સ્વતંત્ર હવામાં શ્વાસ લેવા માંડ્યું હતું.
૨૦૦૧માં આ પ્રદેશની જનગણના થઈ ત્યારે જાણવા મળ્યું કે ક્રિમિયામાં ૫૮ ટકા વસ્તી રશિયનોની છે, ૨૪ ટકા જેટલા યુક્રેનિયન અને ૧૨ ટકા જેટલા તાતારો છે. કેટલાંક વર્ષો ખૂબ સારાં વીત્યાં. રશિયન, યુક્રેનિયન અને તાતારો બધા એકમેક સાથે હળી-મળીને રહેતા હતા. જોકે ૨૦૧૩-’૧૪માં ક્રિમિયામાં એક સામાજિક અને રાજકીય ક્રાન્તિનો દોર શરૂ થયો જેના પરિણામસ્વરૂપ આંતરિક વિદ્રોહ ફાટી નીકળ્યો. રશિયાના સમર્થક એવા યુક્રેનના રાષ્ટ્રપતિ વિક્ટર યાનોકોવિચે પોતાનો દેશ છોડીને ભાગી જવું પડ્યું અને રશિયામાં શરણ લેવું પડ્યું. આખા યુક્રેનમાં રશિયાના હિમાયતી હોય એવા રાજકારણીઓ વિરુદ્ધ આંદોલન ફાટી નીકળ્યું.
રશિયાની સરખામણીએ નાનો ગણાય એવો દેશ યુક્રેન અને એના નેજા હેઠળનો એક એવો પ્રદેશ જે ક્યારેક રશિયાનો હિસ્સો હતો એવા ક્રિમિયાને ફરી પોતાનું બનાવી લેવા માટે આ એક લોભામણો સમય હતો. રશિયાએ સામાજિક અને રાજકીય અસ્થિરતાના એ સમય દરમ્યાન પોતાની સેના મોકલીને ક્રિમિયા પર ફરી પોતાનું આધિપત્ય જમાવી લીધું.
ચૂંટણી અને કબજો
યુક્રેનમાં ફેલાયેલા એ સંઘર્ષની વચ્ચે ક્રિમિયા એક એવો પ્રદેશ હતો જેને યુક્રેને સ્વાયત્ત ક્ષેત્ર તરીકેનો દરજ્જો આપ્યો હતો. અર્થાત્ ક્રિમિયાની પોતાની સંસદ હોય, પોતાના કાયદા હોય અને પોતાનો રાજનેતા હોય. એવા ક્રિમિયામાં રશિયાએ ૨૦૧૪ના ફેબ્રુઆરી મહિનામાં પોતાનું આર્મી મોકલ્યું અને ગણતરીના દિવસોમાં તો રશિયન આર્મીએ ક્રિમિયાની સંસદ પોતાના કબજામાં કરી લીધી. રશિયા કંઈ એમ બળજબરીએ ક્રિમિયા કબજે કરી લીધું હોવાનો આરોપ પોતાના માથે લેવા તૈયાર નહોતું. આથી એણે એક રેફરેન્ડમ દ્વારા ક્રિમિયામાં એક ચૂંટણી કરાવી. ક્રિમિયન પ્રજાએ પોતાનો આ પ્રદેશ યુક્રેનમાં સામેલ કરવો છે કે રશિયા સાથે જોડાઈ જવું છે એ અંગે આ ચૂંટણીમાં દરેક ક્રિમિયને નિર્ણય કરવાનો હતો અને પોતાનો મત આપવાનો હતો. જે પ્રદેશમાં ૫૮ ટકા વસ્તી રશિયન હોય ત્યાં પરિણામ શું આવી શકે એની ધારણા કરવી મુશ્કેલ નથી. ૫૭ ટકા લોકોએ ક્રિમિયાને રશિયામાં સામેલ કરી લેવાની તરફેણમાં મતદાન કર્યું.
રશિયા અને સંયુક્ત રાષ્ટ્ર
ચૂંટણી થઈ અને પ્રજાના મત અનુસાર નિર્ણય થયો હોવા છતાં પશ્ચિમી દેશોએ એને ગેરકાનૂની ગણાવતાં કહ્યું કે ક્રિમિયાને રશિયામાં સામેલ કરી લેવું એ ગેરકાનૂની કબજો છે, જ્યારે રશિયાએ જણાવ્યું કે વર્ષો પહેલાં કોઈક નેતાએ કરેલી એક ભૂલને ફરી સુધારી લેવામાં આવી છે. ૨૦૧૪ની ૧૮ માર્ચે રશિયાએ સત્તાવાર રીતે ક્રિમિયાને પોતાનામાં સામેલ કરી લીધું.
જોકે ક્રિમિયાની પ્રજાનો નિર્ણય અને રશિયાની સત્તાવાર જાહેરાત સંયુક્ત રાષ્ટ્રને મંજૂર નહોતાં. સંયુક્ત રાષ્ટ્રની ૨૦૧૪માં જ યોજાયેલી મહાસભામાં એક પ્રસ્તાવ પસાર કરીને એવી જાહેરાત કરવામાં આવી કે ક્રિમિયા હજી પણ યુક્રેનનો હિસ્સો છે અને રશિયાનો એના પર કબજો ગેરકાનૂની છે. બસ, અમેરિકા અને યુરોપીય સંઘને કદાચ સંયુક્ત રાષ્ટ્રના આ નિવેદનની જ રાહ હતી. એમણે રશિયાએ ક્રિમિયા પર ગેરકાનૂની કબજો કર્યો હોવાનું કહીને એના પર અનેક પ્રતિબંધો લગાવ્યા, પરંતુ રશિયાને જાણે આ બધાથી કોઈ ફરક પડતો નહોતો. એણે ક્રિમિયા પર પોતાનું પ્રશાસનિક અને સૈન્ય નિયંત્રણ બરાબર સ્થાપિત કરી દીધું.
ભૌગોલિક મહત્ત્વ
કોઈ પણ પશ્ચિમી દેશે જો રશિયાને ડરાવવું હોય કે દબાણ લાવવું હોય તો સમુદ્રમાર્ગે ક્રિમિયા અને જમીનમાર્ગે યુક્રેન એમના માટે અત્યંત મહત્ત્વના પ્રદેશ બની જતા હતા. ધારો કે આવતી કાલે અમેરિકા રશિયા પર હુમલો કરવા વિચારે અથવા વેપારની દૃષ્ટિએ રશિયાને તોડવાનાં કાવતરાં ઘડે તો જિયોગ્રાફિકલી ક્રિમિયા એ માટે અત્યંત મહત્ત્વનો સમુદ્રકિનારો બની જાય છે, કારણ કે કાળો સમુદ્ર બેસ્ફોરસ સ્ટ્રેઇટથી થઈને સી ઑફ મર્મારા અને દર્દાનેલ્સ સ્ટ્રેઇટ દ્વારા મેડિટરેનિયન સમુદ્ર સાથે જોડાયેલો છે. ક્રિમિયા એવો ભૂમિપ્રદેશ છે જેની ત્રણે બાજુ કાળો સમુદ્ર છે. એવામાં જો ક્રિમિયા અવિવાદિત રીતે રશિયાના આધિપત્ય હેઠળ આવી જાય તો રશિયા માટે મહત્ત્વનો કમર્શિયલ સી રૂટ ખૂલી જાય, જે એને મેડિટરેનિયન સી સુધીનો માર્ગ ખોલી આપે.
તો બીજી તરફ જો યુક્રેન ક્રિમિયા પર કાયમી અને વિવાદરહિત કબજો મેળવી શકે તો અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રની મદદ મેળવવામાં અને એની સાથે વેપાર-વાણિજ્ય સંબંધો વધારવામાં ખૂબ મોટી સરળતા ઊભી થાય. એટલું જ નહીં, રશિયા સિવાયના બીજા નાના યુરોપીય દેશોને પણ કાળા સમુદ્રનો ઍક્સેસ મળી શકે.
યુદ્ધ અને ક્રિમિયા મુદ્દો
શા માટે રશિયા અને યુક્રેન બન્ને માટે ક્રિમિયા આટલું મહત્ત્વનું છે? જો રાષ્ટ્ર ઈગોની દૃષ્ટિએ જોઈએ તો સૌથી પહેલું કારણ એ છે કે ક્યારેક રશિયા પાસેથી નામરજીએ આ પ્રદેશ ઝૂંટવી લેવામાં આવ્યો હતો અને તેથી રશિયાએ મોકો મળ્યે એ ફરી પોતાના અધિકાર હેઠળ લઈ લીધો, જ્યારે યુક્રેનને આ ભાગ સૌહાર્દની ભેટ તરીકે મળ્યો હતો અને ભેટમાં આપેલી કોઈ ચીજ ફરી એની પાસેથી ઝૂંટવી લેવામાં આવે એ એને કોઈ કાળે મંજૂર નથી. જોકે કૂટનીતિ, રાજનીતિ અને રાષ્ટ્રીય નિર્ણયોમાં માત્ર ઈગોને સ્થાન નથી હોતું. એની સાથે બીજી અનેક બાબતો સંકળાયેલી હોય છે.
૨૦૨૨થી શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં ક્રિમિયા ફરી એક વાર મહત્ત્વના મુદ્દા તરીકે ઊભરી ચૂક્યું છે, કારણ કે યુક્રેનના રાષ્ટ્રપતિનું કહેવું છે કે ૨૦૧૪માં તેમની પાસે દગાથી છીનવી લેવામાં આવેલું ક્રિમિયા જો તેમણે ન છોડ્યું હોત તો રશિયા આજે એમના પર આટલા અંદર સુધી પ્રહારો ન કરી શક્યું હોત. બીજી તરફ રશિયા વારંવાર કહી રહ્યું છે કે ક્રિમિયા રશિયન સંસ્કૃતિ અને રશિયન ઇતિહાસનું અભિન્ન અંગ છે.
વિચારધારાની દૃષ્ટિએ કૂટનીતિક મહત્ત્વ
હાર્ટલૅન્ડ તરીકે ઓળખાતા યુરોપીય પ્રદેશમાં રશિયા વર્ષોથી પોતાની મજબૂત પકડ બનાવી રાખવામાં સક્ષમ રહ્યું છે. એવામાં જ્યારે સોવિયેટ યુનિયનની સ્થાપના થઈ ત્યારે રશિયા અને યુક્રેન સિવાય બીજા ૧૩ દેશો સામેલ થયા હતા. આપણે બધા જાણીએ છીએ કે બીજા વિશ્વયુદ્ધ પછી શીતયુદ્ધનો એક લાંબો દોર શરૂ થયો. વિશ્વના અનેક દેશો બે જૂથોમાં વહેંચાઈ ગયા. એવામાં મૂળ સમાજવાદના પાયા પર ઊભું થયેલું સોવિયેટ યુનિયન પશ્ચિમી પૂંજીવાદી દેશોને અને પશ્ચિમી દેશો સમાજવાદી સોવિયેટ દેશોને પોતાના દુશમન ગણતા હતા.
હવે આવા સંજોગોમાં રશિયા કેમેય કરીને પૂર્વીય યુરોપ ક્ષેત્રોમાં પોતાની પકડ ઢીલી પડવા દેવા માગતું નહોતું. સોવિયેટ યુનિયન દરમ્યાન ૧૪ દેશો પર પોતાનું મજબૂત પરોક્ષ આધિપત્ય ધરાવતું રશિયા સોવિયેટના તૂટી પડવાની સાથે જ એક એકલું રાષ્ટ્ર બનીને રહી ગયું; કારણ કે યુક્રેન, બેલારુસ, માલ્દોવા, લાટવિયા, ઍસ્ટોનિયા જેવાં અનેક રાષ્ટ્રો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ મેળવી ચૂક્યાં હતાં. હવે આ બદલાયેલા સંજોગોમાં રશિયા જો મજબૂતાઈથી પોતાનો દબદબો નહીં જાળવે તો પૂર્વી યુરોપીય ક્ષેત્રો પરની એની પકડ ઢીલી થઈ જવાની હતી એમાં કોઈ શક નહોતો. આથી રશિયા ચાહતું હતું કે યુક્રેન એના શાસનમાં ન રહે તો પણ કમસે કમ એની સરકાર રશિયાતરફી રહે અને યુક્રેન રશિયાની કઠપૂતળી સાબિત થાય જેથી રાજનૈતિક, વ્યાપારિક અને કૂટનૈતિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનો એવો પ્રદેશ ક્રિમિયા જે ક્યારેક પોતાના આધિપત્ય હેઠળ હતો એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના જ નેજા હેઠળ રહે.
આમ સાંસ્કૃતિક ધરોહર, ઇતિહાસ, વ્યાપાર-વાણિજ્ય, રાજનૈતિક તથા કુટનૈતિક દૃષ્ટિએ પણ રશિયા અને યુક્રેન બન્ને માટે ક્રિમિયા અત્યંત મહત્ત્વનો જમીની વિસ્તાર છે જેના પરનો હક-દાવો બન્નેમાંથી એક પણ દેશ છોડવા તૈયાર નથી. વાત હવે એ હદ સુધી વણસી ચૂકી છે કે બન્ને દેશના સુપ્રીમોએ હવે ક્રિમિયાનો મુદ્દો પોતાના ઈગો પર લઈ લીધો છે અને કોઈ પણ પ્રકારની ચર્ચામાં યુક્રેન કે રશિયા ક્રિમિયા મુદ્દે કોઈ સમજૂતી કરવા તૈયાર નથી.