કટિંગ ચાની તલપ ગાઢ મૈત્રીમાં પરિણમી

06 December, 2021 05:14 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ટાઇમપાસ માટે ફરસાણની દુકાનમાં ચા પીવા જતા હતા એમાંથી કાંદિવલીના કેટલાક પુરુષો વચ્ચે એવી મજાની ફ્રેન્ડશિપ થઈ ગઈ કે હવે તેઓ આઉટિંગ માટે જાય છે અને ફૅમિલી પ્રોગ્રામ પણ બનાવવા લાગ્યા છે.

કટિંગ ચાની તલપ ગાઢ મૈત્રીમાં પરિણમી

રવિવારની સવારનો સાડાઅગિયાર વાગ્યાનો સમય, મુરલીધર 
ફરસાણની દુકાનનો ઓટલો, કટિંગ ચાની ચુસકીઓ સાથે ગરમાગરમ ગાંઠિયા. કાંદિવલીના મહાવીરનગર અને દહાણુકરવાડી વિસ્તારમાં રહેતા સન્ડે મૉર્નિંગ ટી ગ્રુપના મેમ્બરોનું 
આ શેડ્યુલ ફિક્સ છે. કાપડ બજાર, ડાયમન્ડ માર્કેટ, ચાર્ટર્ડ અકાઉન્ટન્સી 
એમ જુદા-જુદા ફીલ્ડમાંથી આવતા ૪૦થી ૫૦ની વચ્ચેની વયના આ 
પુરુષો વચ્ચે ખૂબ જ ઓછા સમયમાં એવી ગાઢ દોસ્તી બની ગઈ કે રવિવારની કાગડોળે રાહ જોતા હોય એટલું જ નહીં, હવે તેઓ 
ફૅમિલી પ્રોગ્રામો પણ બનાવવા લાગ્યા છે. મહિલા મંડળોની વાતો તો આપણે ઘણી કરી. આજે જાણીએ આ ગ્રુપના પુરુષો કેવી મજા કરે છે એ. 
આમ થઈ દોસ્તી
પહેલી મુલાકાતને યાદ કરતાં ગ્રુપ મેમ્બર વિરલ શેઠ કહે છે, ‘હું અને મારો મિત્ર મનીષ દત્તાણી રવિવારની સવારે ટાઇમપાસ માટે મુરલીધરમાં ચા પીવા જતા હતા. આ એવી જગ્યા છે જ્યાં હંમેશાં ટોળું જામ્યું હોય. અમારી જેમ બીજા પરુષો પણ ચા પીવા આવતા હતા. કાયમ ચહેરો જોતા હોઈએ એટલે ફેસ પર સ્માઇલ આવી જાય. એમાંથી વાતચીતની શરૂઆત થઈ. ધીમે-ધીમે કરતાં પંદરેક મિત્રો બની ગયા જેમાંથી અમે બે જૂના મિત્રો ઉપરાંત રોનક શેઠ, અમિત કરવત, મયૂર લખાણી, પરેશ દોશી, વિશાલ દોશી, કૌશિક મહેતા, અશોક પરમાર અને જયેશ શાહ રેગ્યુલર મળીએ છીએ. અમારો ટાઇમ ફિક્સ છે, સાડાઅગિયારે મળવાનું અને એક વાગ્યે છૂટા પડી જવાનું. હાથમાં ચાનો કપ પકડી ઊભા-ઊભા વાતો કરીએ એમાં સમય ક્યાં નીકળી જાય ખબર ન પડે. બિઝનેસ અને કરન્ટ અફેર્સ અમારી ચર્ચાનો વિષય હોય. મોટા ભાગના મેમ્બર ડાયમન્ડ માર્કેટ સાથે જોડાયેલા છે તેથી ધંધાકીય વાતોમાં વધુ રસ પડે. દોઢ કલાકની ગોષ્ટિ અમારા આખા અઠવાડિયાનું રિફ્રેશમેન્ટ છે.’ 
આઉટિંગના પ્રોગ્રામ 
પાનના ગલ્લે, નુક્કડ પર કે ચાની દુકાન પાસે પુરુષોનું ટોળું ગપ્પાં મારતું હોય એ નવી વાત નથી. આપણે હંમેશાંથી તેમને આ રીતે સમય પસાર કરતા જોઈએ છીએ. જોકે મહિલાઓ કિટી પાર્ટીમાં આનંદ કરે છે એવી જ મજા હવે પુરુષો કરવા લાગ્યા છે. અમારી વચ્ચે પહેલી મુલાકાત મુરલીધર ફરસાણ પાસેની ફુટપાથ પર થઈ હતી અને નિયમિતપણે મળવાની જગ્યા આ ઓટલો છે, પરંતુ અમારી દોસ્તીના સીમાડા અહીં સુધી સીમિત નથી રહ્યા. એકાદ વર્ષમાં અમારી વચ્ચે એવી ગાઢ મિત્રતા જામી ગઈ કે આઉટિંગનો પોગ્રામ બનાવી નાખ્યો. આવી માહિતી શૅર કરતાં વિરલભાઈ કહે છે, ‘મુંબઈની હેક્ટિક લાઇફમાંથી છૂટવા મોટા ભાગે આપણે ફૅમિલી સાથે વીક-એન્ડ પર ફરવા ઊપડી જતા હોઈએ છીએ. આ વખતે દોસ્તો સાથે જઈએ તો કેવું? એકબીજાને સારી રીતે ઓળખવાની તક મળશે અને કંપની પસંદ પડે તો એક સરસ મજાનું ગ્રુપ બની જશે એવું વિચારી અમે મુંબઈથી નજીક માથેરાનની ટ્રિપ પ્લાન કરી. આ ટ્રિપમાં નવ જણ ગયા હતા અને જબરદસ્ત જલસો કર્યો. બે દિવસના આઉટિંગથી અમારી મિત્રતાની ગાંઠ વધુ મજબૂત બની.’
ફૅમિલી બૉન્ડિંગ
પુરુષો વચ્ચે દોસ્તી જામી ત્યાર બાદ અમે એક સ્ટેપ આગળ વધ્યા. ફર્સ્ટ ગેટ ટુગેધર સફળ રહ્યા બાદ અનેક પ્રોગ્રામો બનાવ્યા છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘આજે અમારા પરિવારની મહિલા મેમ્બર વચ્ચે પણ સારી ફ્રેન્ડશિપ છે. તેમણે પોતાનું અલગથી વૉટ્સઍપ ગ્રુપ બનાવી લીધું છે. વન ડે પિકનિક માટે જવાનું હોય, રેસ્ટોરન્ટમાં ડિનર લેવાનું હોય કે પછી બહારગામ ફરવા જવાનો પ્લાન હોય, બધા પ્રોગ્રામ હાથમાં ચાનો કપ પકડીને જ ડિસ્કસ કર્યા છે. આ ઓટલા સાથે અમારો મજબૂત સંબંધ બની ગયો છે. જોકે કોવિડમાં છ મહિનાનો બ્રેક લેવો પડ્યો ત્યારે લાઇફમાંથી કંઈક મિસિંગ હોય એવું લાગ્યા કરતું હતું. હવે ફરીથી જોશમાં આવી ગયા છીએ. સામાન્ય રીતે અમે વીક-એન્ડમાં નજીકનાં સ્થળોએ ફરવાનું પસંદ કરીએ છીએ. હવે પછીનો કાર્યક્રમ દહાણુ પાસેના રિસૉર્ટમાં છે.’

columnists Varsha Chitaliya