સોશ્યલ ડિસ્ટન્સ, સૅનિટાઇઝર, લૉકડાઉન અને જૂના એપિસોડ

08 April, 2021 12:02 PM IST  |  Mumbai | JD Majethia

કલ્પના પણ નહોતી કરી એ બધું આપણને કોવિડ વાઇરસે દેખાડી દીધું અને આપણે એ પાર પણ કરી ગયા. હવે જોવાનું એ છે કે આપણે હિંમતભેર ટકી રહીએ. કોવિડે આપણને સલામત રાખ્યા પણ હવે ડિપ્રેશન આપણી પાસે ન આવે એ જોવાનું કામ આપણું છે

પ્રતીકાત્મક તસવીર

ધારો કે, ધારો કે આ કોવિડ-19 એટલે કે આ કોરોના આપણા જીવનમાં આવ્યો જ ન હોત તો? વિચારો જરા કે જીવન કેટલું જુદું હોત. આ વાત સાથે આપણે ગયા ગુરુવારની વાત અટકાવી હતી પણ સાચે જ વિચારો તો ખરા આ કોવિડ-19 ન આવ્યો હોત તો લાઇફ કેવી અલગ હોત. સૅનિટાઇઝરની ઉપમા હજી પણ નાનકડી પર્સમાં સમાઈ જતી બાટલી તરીકે જ જાણીતી હોત. બહારગામ જાઓ ત્યારે પત્ની કે દીકરી પોતાની બૅગમાંથી કાઢીને હાથમાં બે બુંદ આપતી. જ્યાં જાઓ ત્યાં પગથી સ્ટૅન્ડ દબાવીને હાથને સૅનિટાઇઝ કરવાનું ક્યારેય કલ્પ્યું પણ નહોતું. કોઈ ધાર્મિક કારણોસર કે પછી કોઈને સ્પેશ્યલ બીમારી હોય તો જ માસ્ક જાહેરમાં જોવા મળતો. ૨૦૨૦ના વર્ષ પહેલાં મને યાદ નથી કે મેં જાહેર જીવનમાં ક્યારેય માસ્ક ખરીદ્યો કે પહેર્યો હોય. સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવું શક્ય જ નહોતું. આપણે તો એવા સોશ્યલ ઍનિમલ કે મિત્ર મળે એટલે હાથ પકડીને ભેટવાનું અને આમ પણ જીવનમાં ટોળામાં અને ટોળાની સાથે રહીને આગળ વધતા આવ્યા છીએ. મુંબઈની ટ્રેનમાં જેણે ટ્રાવેલ કર્યું હોય તેને સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે શું લેવાદેવા? ઑક્સિમીટર શું એ તો કોઈને ખબર પણ નહોતી. લૉકડાઉન એટલે જ્યારે દેશના કોઈ મોટા મુદ્દા પર મોટા પાયે અમુક સંગઠનો ભેગાં થઈને દેશ બંધ કરાવતાં ત્યારે જ જોવા-સાંભળવા મળતું અને એમાં પણ આ ‘લૉકડાઉન’ શબ્દ નહોતો. અરે, ખાસ વાત. ટીવી સિરિયલના એપિસોડ ટેલિકાસ્ટ ન થયા હોય એવું ૨૦૦૮માં એક જ વાર બન્યું હતું અને ૨૦૨૦માં મહિનાઓ સુધી જૂના એપિસોડ જોવા પડ્યા.

આમાંનું કંઈ હતું જીવનમાં? સ્ટૉક માર્કેટનો ઇન્ડેક્સ દેશની આર્થિક પરિસ્થિતિનું બૅરોમીટર બનતો હોય છે અને આવી પરિસ્થિતિમાં પણ એ ટૉપ પર ચાલે છે માટે શું આર્થિક રીતે દેશ સધ્ધર થયો છે? ‘સચિન’, ‘સચિન’ની ગુંજ વગર સ્ટેડિયમમાં મૅચો રમાઈ એવી કલ્પના કરી નહોતી કોઈએ. આઇપીએલ ન થાય એ લગભગ ઇમ્પૉસિબલ જેવી ઘટના ગણાવા માંડી હતી ઇન્ડિયામાં. આઇપીએલની એક આખી સીઝન ગમેએમ મૅનેજ કરીને દુબઈમાં પતાવી અને આ વીકમાં હવે નવી સીઝન શરૂ થવાની છે. ક્રાઉડ નથી પણ લોકોના રેકૉર્ડ થયેલા અવાજો, તાળીઓ, સંગીત વગેરેથી વાતાવરણ એવું ઊભું થશે કે તમે માની ન શકો કે લાઇવ ઑડિયન્સ સ્ટેડિયમમાં નથી.

ઑફિસેથી કામને બદલે ઘરેથી કામ. મુંબઈની લાઇફલાઇન ગણાતી ટ્રેન બંધ થઈ અને વળી પાછી ગમે ત્યારે ફરી બંધ થઈ શકે છે. છોકરાઓ સ્કૂલે ગયા વગર ભણી જ ન શકે એવી આપણી વર્ષો જૂની માન્યતા ભાંગીને ભૂકો કરી નાખી આ ઑનલાઇન ભણતરે. ઘણા ધંધાઓ નેસ્તોનાબૂદ થઈ ગયા એનો મને નજીકથી અનુભવ છે. મારા ઘણા મિત્રોએ બહુ સફર કર્યું છે. ઘણા એવા નવા બિઝનેસ ઊભા થયા જેની કલ્પના પણ આપણે ૨૦૧૯ પહેલાં કરી નહોતી. મારા ઘણા મિત્રો એવા છે જે સૅનિટાઇઝર, માસ્ક, ગ્લવ્ઝ, ઑક્સિમીટરથી માંડીને કોવિડ-19માં મદદરૂપ થતાં બીજાં સાધનો અને દવાઓનો ધંધો કરે છે અને ધમધોકાર ચાલે છે. એવી-એવી સર્વિસ શરૂ થઈ કે વાત ન પૂછો. સર્વિસથી યાદ આવ્યું કે ઘરના પુરુષો વાસણ, ઝાડુ-પોતાં કરતા અને રસોઈ બનાવતા થઈ ગયા. લોકો ઑનલાઇન રેસિપી જોઈને એવી વાનગીઓ બનાવે છે કે જે હોટેલમાં જોવા નથી મળતી.

હવે થોડી વાર માટે તમારા જીવનના ફ્લૅશબૅકમાં જાઓ અને વિચારો કે આ કોવિડ વિના તમારી જિંદગી કેટલી જુદી હોત કે ન હોત. ખરાબ કે સારાની દૃષ્ટિએ નથી કહેતો, જુદી હોત એટલું જ વિચારવાનું કહું છું. કાગળ-પેન લઈને બેસજો કે પછી મોબાઇલમાં નોટપૅડમાં ટપકાવશો તો મજા આવશે. કેટલું બધું બદલાઈ ગયું. ઘણાને ચેન્જ નહીં ગમે પણ હું દરેક વખતે કહું છું કે ઓન્લી કૉન્સ્ટન્ટ થિંગ ઇઝ ચેન્જ. બદલાવ જ સતત રહ્યો છે. કેટકેટલા તહેવારો ઊજવ્યા વગરના ગયા, કેટકેટલી જન્મદિવસની પાર્ટીઓ પણ ઊજવ્યા વિનાની રહી ગઈ. અફસોસ ન કરતા, કારણ કે લોકોનાં સગાઈ અને લગ્નનાં આખાં ટાઇમટેબલ આગળ-પાછળ થઈ ગયાં છે.

હું લગ્નમાં જાઉં તો મને જમવાની બહુ મજા આવે. સાચું કહું છું. હવે એ જમવાની વાત શું કરું, હવે લોકોની જિંદગી કેવી બદલાઈ ગઈ છે, સપનાંઓ સુધ્ધાં બદલાઈ ગયાં. બીજાનું છોડો, તમારી લાઇફસ્ટાઇલમાં આવેલો બદલાવ જુઓ. મારી વાત કરું, કેટલાં નાટકો થયાં હોત અને મેં એ જોયાં હોત, કેટલી બધી ફિલ્મો જોઈ હોત. કેટલા નવા સ્ટારનાં સપનાં રોળાઈ ગયાં. હૉલિડે પર બહારગામ જવાનું રહી ગયું જેવી વાતોથી લઈને ઘરનાં જ કપડાંમાં દિવસોના દિવસો કાઢ્યા. તમે ક્યાં-ક્યાં જમવા ગયા હોત, કોને-કોને મળ્યા હોત અને શું બચી ગયું અને શું વધી ગયું, દિવાળીમાં શું કર્યું હોત, હોળી તો બન્ને બગડી. આ અને આવી કેટલી ઘટનાઓ ભૂલીને તમારા જીવનને બદલાવવાની કોશિશ કરજો. આનંદ પણ આવશે અને અફસોસ પણ થશે. સૌથી મોટો અફસોસ થશે કે જે નજીકના લોકોએ આ કાળ દરમિયાન દુનિયામાંથી વિદાય લીધી, એમને કાંધ આપવાનું કે પરિવાર પાસે ખરખરો પણ ન કરી શક્યા. સમય જ એવો છે, જે નથી એને ભૂલી જઈને જે છે એ વાસ્તવિકતા સાથે ઝઝૂમીને જીવવું રહ્યું. મને કે કમને પણ હસતા મોઢે. માણસને કમ્પૅરિઝન સાથે જીવવાની આદત હોય છે. આપણી પાસે છે એના કરતાં વધારે હોય એની સાથે સરખામણી કરવામાં આપણને દુઃખ જ થશે, પણ આપણી પાસે છે એ જેની પાસે નથી એની સરખામણીમાં જોશો તો આપણું જીવન થોડું સારું લાગશે. આ વખતે વ્યક્તિ કરતાં તમારા જીવનના સૌથી ખરાબ સમય સાથે સરખામણી કરશો તો આ સમય એટલો ખરાબ નહીં લાગે. બહુ જ ખરાબ સમય કહેવાય એવી વાસ્તવિકતા છે, બીમારી હોય તો સામાન્ય સંજોગોમાં ડૉક્ટર અને હૉસ્પિટલ મળી રહે, પણ આજે હૉસ્પિટલમાં બેડ અને ડૉક્ટર મળે એ પણ મુશ્કેલ થઈ ગયું છે એટલે સાવચેત રહેજો.

ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી સુધારા કરજો, એકબીજાની પડખે ઊભા રહેજો. ગમે તેમ કરીને મનને પૉઝિટિવ રાખજો. ગાંડા જેવા વિચારો હોય કે ગમે એવા હોય પણ તમારી જાતને પૉઝિટિવ રાખજો. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પ્રિડિક્ટ કર્યું હતું કે ૨૦૨૧માં આ કોરોનાની મહામારીમાંથી માણસ બહાર આવી જશે, પણ માણસ માનસિક રીતે ડિપ્રેશનમાં બહુ જશે. આવનારો સમય હજી થોડો ચૅલેન્જિંગ રહેશે, કોઈ પણ પ્રકારના નેગેટિવ વાતાવરણમાં ન રહો. એની માટે હું વારંવાર પ્રયત્ન કરું છું કે મારા વિચારો શૅર કરીને ક્યાંકને ક્યાંક તથ્ય આપું. બસ, મારે તો હવે કહેવાનું એટલું જ કે હું તમારા બધા સાથે હતો, છું અને હંમેશાં રહીશ.

columnists JD Majethia